જો કૃષ્ણસેવા જ સર્વોત્તમ છે,
spacer
spacer

લે. ચિ. ગો.૧૦૮ શ્રી ગોકુલેષજી મહારાજ (જુનાગઢ)

ગીતાજીમાં દૈવીજીવ અને આસુરીજીવ એમ બે પ્રકારનાં જીવ બતાવાયા છે. જ્યારે આસુરીજીવ અર્થાત્ દૈત્યલોકો શ્રેષ્ઠ માર્ગમાં પ્રવૃત થવા લાગે ત્યારે તેમને મોહ કરાવવા સારૂ ભગવાને બૌધ્ધાવતાર ધારણ કર્યો અને ધર્મનું મૂળ જે વેદ, તેની નિંદા કરી. અને દેવતાઓને પણ આજ્ઞા કરી તમે પણ પુરાણોની નિદાં કરીને અસુરોને મોહ કરાવો. ત્યારે દેવતાઓએ પણ પ્રભુની પ્રેરણાને આધિન થઈ ઋષિકુળોમાં જન્મ લઈ નિંદાવેષ ધારણ કરી વૈશેષિક ન્યાય, માયાવાદ, ચાર્વાક, નિરિશ્વર સાંખ્ય આદિ ખોટાશાસ્ત્રો બનાવ્યા. આ શાસ્ત્રોમાં જેવી બાબતો લખી છે કે તેનાં અધ્યયનથી જીવની બુદ્ધિ બગડી જાય અને એ જ શાસ્ત્રવિશેષમાં પ્રવૃત્ત થવા લાગે. અહિં કોઈ શંકા કરે કે જો ન્યાય માયાવાદ વગેરે શાસ્ત્ર જીવને વિષમબુદ્ધિમાં મોક્ષફલ આદિનું વર્ણન કેમ ? તો મોક્ષ દેવા માટે ચાર વેદ તેમજ અષ્ટદશ પુરાણ વિદ્યમાન છે જ. પછી તેને છોડી પોતાની બુદ્ધિ અનુસાર નવા નવા મોક્ષસાધનો એમાં બતાવાયા છે એ જ સાબિત કરે છે કે આ શાસ્ત્રો અવશ્ય જ જીવને મોહ કરાવનારા છે.
 
પ્રથમ મોહકશાસ્ત્ર બનાવવાની આજ્ઞા પ્રભુએ શિવજીને કરી. આ બાબત વારાહપુરાણમાં રૂદ્રગીતામાં લખી છે. જે “ત્વંચ રૂદ્ર, માહાબાહો મોહશાસ્ત્રાણિ કારય” અર્થાત હે રૂદ્ર, તમે મોહક શાસ્ત્ર બનાવો. ત્થા પદ્મપુરાણમાં પણ લખ્યું છે. જે “સ્વાગમૈઃ કલ્પિતૈસ્ત્વંચજનાન્મદ્રિમુખાન્કુરૂ” ભગવાન આજ્ઞા કરે છે કે હે શિવ, તમે પોતાના બનાવેલા શાસ્ત્રોથી મનુષ્યોને મારાથી વિમુખ કરો. ત્યારે શિવજીએ આજ્ઞા શિરોધાર કરીને મોહક શાસ્ત્રો બનાવ્યા. તેનું પ્રમાણ પદ્મપુરાણનાં ઉત્તરખંડમાં લખ્યું છે. “મચ્છત્યાવેશિતૈર્વિપ્રૈઃ સંપ્રોક્ષ્માનિ તતઃપરમ્” આથી નિશ્ચિત થયું કે ઋષિલોકોએ ભ્રમ કરાવવા થકી શાસ્ત્રો બનાવી જેમ બને તેમ મનુષ્યને કૃષ્ણવિમુખ કરવા પ્રયત્ન કર્યો છે.
 
આ જ જ્ઞાની મનુષ્યની મોટી ભુલ છે અને અહિં જ એ ઠગાઈ જાય છે. જે જ્ઞાનવાન થઈને પણ શાસ્ત્રોને વાંચીને પણ અને સેવા કરવાનું સામર્થ્ય પામીને પણ શ્રીકૃષ્ણની સેવા નથી કરતાં. જો કે મોહકશાસ્ત્રો બનાવનારા ઋષિલોકો મનુષ્યને જબરદસ્તી પોતપોતાના બનાવેલા શાસ્ત્રમાં પ્રવૃત્ત કરતા નથી. પણ મંદભાગી જીવ પોતાનાં મનથી જ ખોડા શાસ્ત્રોમાં પ્રવૃત્ત થઈ જાય છે. આ જીવો પોતાના કર્માનુસાર સદા સંસાર ચક્રમાં ભમતા રહે છે.
 
અહિં એક બીજી શંકા પણ થાય કે જે શાસ્ત્રો ભ્રામક કહો છો, એ શાસ્ત્રોમાં પણ ક્યાંક તો બ્રહ્મજ્ઞાનનું વર્ણન છે, ક્યાંક કર્મનું વર્ણન છે. ક્યાંક ભક્તિનું પણ વર્ણન છે, તો એ શાસ્ત્રોને મોહકશાસ્ત્રો કહો એ કેમ બને ? તો તેના નિવારણમાં કહેવાનું કે એ શાસ્ત્રોમાં જ્યાં જ્ઞાનનું વર્ણન કરાયું છે ત્યાં ‘તત્વમસિ’ (અર્થાત્ તુ બ્રહ્મ છો) ઈત્યાદિ વાક્યોના ઉપદેશ માત્રથી બ્રહ્મજ્ઞાન થઈ જાય છે એ રીતે કહેવાથી જ્ઞાનરહિત ભોળા મનુષ્યને ભોળવાયો છે. જો તું બ્રહ્મ છો એમ કહેવા માત્રથી જ બ્રહ્મજ્ઞાન થઈ જતું હોય તો જેને આ ઉપદેશ તેના ગુરૂએ કર્યો હોય એ શિષ્યને જગતના સર્વપદાર્થનું જ્ઞાન થઈ જવું જોઈએ. અર્થાત્ એ ભાઈસાબ અહિં બેઠા બેઠા જ બધી જગાનું ભૂતભવિષ્ય વૃત્તાન્ત કહી દે. કારણકે સર્વજ્ઞાત થઈ જવું એ બ્રહ્મજ્ઞાનીની નિશાની છે. એક વેદ શ્રુતિ કહે છે કે “યસ્મિન્વિદિતે સર્વમિદં વિદિતં ભવતિ” આ મુજબ બ્રહ્મજ્ઞાન થવાથી સર્વજ્ઞાન થઈ જાય છે.
 
આ જ રીતે જ્યાં એ મોહકશાસ્ત્રોમાં ભક્તિનું વર્ણન છે ત્યાં ભગવાનની ભક્તિને મુખ્ય ફળ નથી બતાવાઈ. કેવળ જ્ઞાનપ્રાપ્તિ માટે જ ભક્તિ કરવી અને જ્યાં સુધી જ્ઞાન ન હોય ત્યાં સુધી ભક્તિ કરવી અને જ્ઞાન થયા બાદ પછી ભક્તિનું કંઈ કામ નહીં, શુદ્ધ પરબ્રહ્મની ભક્તિ ન થઈ શકે. ભાવના કલ્પિત અર્થાત્ પોતાની બુધ્ધિ કલ્પિત, ભગવાનના સ્વરૂપની જ ભક્તિ થાય, આવું બધું માને છે. માટે એમના બતાવાયેલા માર્ગ પર ભક્તિમાર્ગ પર ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે પ્રભુની સેવા નથી કરાવી, પણ જ્ઞાન માટે કરાય છે. એ ભક્તિથી પ્રભુ પ્રસન્ન થતા નથી. અને ભક્તિ તો તે જ કહેવાય જેથી પ્રભુ પ્રસન્ન થાય .કારણ કે “ભક્ત્યૈવ સુષ્ટિ મભ્યેતિ” ભગવાન ભક્તિ દ્વારાજ પ્રસન્ન થાય છે. ભક્તિનિષ્ઠા ત્યારે જ થઈ જાણવીજ્યારે પ્રભુ શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય. મોહકશાસ્ત્રોની રીતે જે વર્તે એ જ્ઞાન, કર્મ, ભક્તિ આ ત્રણેયમાંથી કંઈજ સંપૂર્ણપણે સિધ્ધ કરી શકતો નથી. અને પૂર્ણસિધ્ધિ સિવાય ફળપ્રાપ્તિ તો ક્યાંથી થાય ? કોઈ તરવૈયો આખી નદી તરીને માત્ર નજીવા દુરથી ડુબી જાય તો તેનો પરિશ્રમ વ્યથા જ જાયને ?
 
આમ નિષ્કર્ષ એ થયો કે વેદશાસ્ત્ર અનુસાર સાધન કરે તે જ જ્ઞાન, ભક્તિ કે કર્મ પુરા થાય છે. સિધ્ધ થાય છે. માત્ર પ્રતિષ્ઠા માટે શાસ્ત્રોનાં મન ફાવે એમ અર્થ કરવાથી કશું જ ન નિપજે વળી, સિધ્ધાન્તો નેવે મુકીને મનમાન્યા થોડા થોડા જ્ઞાન, કર્મ કે ભક્તિ કરવી પણ નિરર્થક જ છે.
 
આ જ રીતે પોતાના અધિકાર અનુસાર જ્ઞાન, કર્મ તથા ભક્તિ પોતપોતાના ફળ આપવાવાળા છે. આજે માનવી કાળના વિપરીતપણાથી પેઢી દર પેઢી સદાચારહીન થતો જાય છે, તથા નિષિદ્ધાચારમાં પ્રવૃત છે. તેથીજ તે જ્ઞાનક્રમાદિના અધિકારી નથી. કેમ કે “આચારહીન મનુષ્યને વેદ પણ પવિત્ર કરી શકતા નથી” માટે ભક્તિ કરીને જે પુરૂષ રસેશ્વર પ્રભુ શ્રીકૃષ્ણની સેવા કરે તેને આ ઘોર કલિયુગ ફળદાયી છે. “કલૌ તદ્હરિકીર્તનાત્” ભાગવતમાં જેમ કહ્યું છે કે, કલિયુગમાં કિર્તનાદિ ભક્તિથી ભગવદ્ પ્રાપ્તિ થાય છે. જે રીતે જ્ઞાનના તથા કર્મના અધિકારી અત્યારના જીવ નથી તે જ પ્રમાણે ભક્તિ માટે પણ અત્યારના જીવ લાયક રહ્યા નથી. માટે જ અનાધિકારી જીવોને પણ કૃપા દ્વારા મુક્ત કરાવવા માટે પરબ્રહ્મ પુર્ણપુરૂશોત્તમ શ્રીકૃષ્ણ પ્રગટ્યા છે અને પોતાના પ્રમેય બળથી અર્થાત્ પોતાના અદભૂત સામર્થ્યથી અનાધિકારી જીવ વ્રજના પશુ, પક્ષી, ગોપગોપી આદિને પણ પરમ ફળનું દાન કર્યું. માટે કૃષ્ણભક્તિ બધા જ જીવોએ અવશ્ય કરવી જોઈએ એ વસ્તુ સિદ્ધ થાય છે.
 
બધા જ વેદ વાક્યો તથા ગીતાજીના બ્રહ્મ વાક્યો ભિન્ન ભિન્ન રીતે આ જ વસ્તુ કહે છે. મુખ્ય વસ્તુ આ જ છે. બીજા પ્રકારના મત છે એ તો પોત પોતાના આગ્રહ દ્વારા નિરૂપાયા છે. શ્રીમદ્ વલ્લભાચાર્યજી પણ આજ્ઞા કરે છે કે શ્રી ભાગવત ત્થા ગીતાજી પહેલેથી જ વિદ્યમાન છે. પછી અમારે ગ્રન્થ કરવાની કોઈ આવશ્યકતા જ નથી રહેતી. પણ અનેક મતોનાં પ્રચાર થવાથી સંદેહમાં પડીને દૈવીજીવો પણ હરિની સેવાથી બહિર્મુખ થતાં જાય છે, માટે જ આવા જીવોને યોગ્ય માર્ગ દેખાડવા પુષ્ટિમાર્ગનું પ્રાગટ્ય થયું છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.