ભક્તિની મહત્તા
spacer
spacer

લેખક – ચિ. ગો.૧૦૮ શ્રી ગોકુલેષજી મહારાજ (જુનાગઢ)

પરબ્રહ્મ પુર્ણ પુરૂષોત્તમ શ્રી કૃષ્ણ એ સ્વરમણાર્થે સૃષ્ટિ રચી. પ્રભુનાં રમણ માટેનાં ત્રણ રૂપો છે. આધિભૌતિક, આધ્યાત્મિક તથા આધિદૈવિક. જેમ ક્રીડાર્થે રમણનાં ત્રણ રૂપો છે તેમ પ્રભુપ્રાપ્તિના પણ ત્રણ માર્ગો કર્મ, જ્ઞાન અને ભક્તિ છે. કર્મ એ આધિભૌતિક માર્ગ છે. તેનાથી આધિભૌતિક જગતમાં પુનર્જન્મ હોય છે અને વિષયાનંદની પ્રાપ્તિ થાય છે. કર્મથી સ્વર્ગાદિ લોકમાં ગતિ છે પણ પુણ્યકર્મનો સંચય ક્ષીણ પામતાં આ જગતમાં તેને પાછા ફરવું પડે છે. જ્ઞાનથી આધ્યાત્મિક સ્વરૂપ અક્ષરબ્રહ્મમાં લય થવાનું ફળ મળે છે. ત્યાંથી પુનરાવૃત્તિ થતી નથી. ત્રીજો માર્ગ ભક્તિનો છે. જે આધિદૈવિક માર્ગ કહેવાય છે. તેનાથી આધિદૈવિક સ્વરૂપ પૂર્ણપુરૂષોત્તમની સાથે અલૌકિક વિગ્રહ (દેહ)થી કૃપાનંદની પ્રાપ્તિ થાય છે.

જ્ઞાન કરતાં ભક્તિ અધિક છે. તો પણ જ્ઞાનયુક્ત ભક્તિનો આદર કર્યો છે. બ્રહ્મના મહાત્મ્યના જ્ઞાનપૂર્વક સુર્દઢ સ્નેહનું નામ ભક્તિ છે. જ્ઞાનીઓ અક્ષરબ્રહ્મને જ પરમ ફલ માને છે, જ્યારે ભક્તો અક્ષરબ્રહ્મથી ય પર રસાનંદ પૂર્ણપુરૂષોત્તમની પ્રાપ્તિને પરમ ફલ માને છે. ભક્તજનોને જલમાં સાકરની જેમ પ્રભુમાં લય પામવાથી તેમના મનોરથની સિદ્ધિ થતી નથી. (તેમને સ્વરૂપાનંદ મળતો નથી.) ભક્તિના પણ બે પ્રકાર છે. સાધનરૂપા અને સાધ્યરૂપા. (ફલરૂપા) સાધનરૂપા ભક્તિ એટલે નવધાભક્તિ. તથા સાધ્યરૂપા એટલે કે ફલરૂપા એટલે પ્રેમલક્ષણા ભક્તિ. આ ભક્તિનો અર્થ શુંદ્ધ સ્નેહભાવ છે જે ઉત્કટતાની ચરમસીમાએ પ્રાપ્ત થતો હોય છે. અને સેવાધિદ્વારા પ્રકટ થાય છે. એટલે જ શ્રીમદ્ આચાર્યચરણ આજ્ઞા કરે છે કે “કૃષ્ણસેવા સદા કાર્યા” “સર્વદા સર્વભાવેન ભજનિયો વ્રજાધિપ.”સેવા એટલે પ્રભુમાં ચિત્ત પરોવવું. સેવાની ઉચ્ચત્તમ અવસ્થા કે પરમ ફલ માનસી સેવા છે. જેની સાર્થકતા માટે તનુજા અને વિત્તજા સેવા બતાવી છે.

તનુજા સેવાથી મમત્વની નિવૃત્તિ થાય તો જ સાંસારિક આધિ, વ્યાધિ, ઉપાધિમાંથી મુક્ત થવાય. સેવાથી ચિત પ્રભુમાં તલ્લીન બને છે. માનસી સેવા એ જ પ્રેમલક્ષણા ભક્તિનું બીજુ સ્વરૂપ છે. કાવ્યશાસ્ત્રમાં પ્રેમના સ્નેહ, આસક્તિ, વ્યસન તથા તન્મયતા એવા મુખ્ય ચાર પ્રકાર કહ્યા છે. જેમાં સ્નેહનાં ર્દગરુચિ, સ્મૃતિ, અભિલાષા અને ઉદવેગ એમ ચાર પ્રકાર. આસક્તિનાં ઉન્માદ, વ્યાધિ, અને પ્રલાપ. વ્યસનનાં જડતા અને મૂર્છતા જણાવ્યા છે. આ પછીની અન્તિમ અવસ્થા તે તન્મયતા છે. જે અવસ્થામાં તે ભક્ત વિરહાવસ્થાની છેલ્લી કક્ષામાં હોય છે. કે જેથી પ્રભુ સિવાય તેનો પ્રાણ ચાલી જવાની તૈયારીમાં હોય છે. આ અવસ્થા તન્મયતાની દશા કહેવાય. આ સ્થિતિમાં પ્રભુ પ્રકટ થાય છે. પ્રેમ ભક્તિની સંયોગ અને વિપ્રયોગ અવસ્થાને ફલરૂપ માની છે. ભક્તિવર્ધિની ગ્રંથમાં મહાપ્રભુજીએ પ્રેમ,આસક્તિ અને વ્યસનની દશા વર્ણવી છે. અને તે દ્વારા ભક્તિની વૃદ્ધિ કેમ થાય તે દશાવ્યું છે. ત્યાં આપ કહે છે કે ગૃહમાં સ્થિત રહીને સ્વધર્મ પરાયણ બની વિક્ષેપ થવા દીધા વગર પ્રભુ કૃષ્ણની સેવા કરવી. આમ કરવાથી જ્યારે પોતાના કામક્રોધાદિક વિકારો તથા સંસારનું મારૂં તારૂં જતું રહે ત્યારે એમ સમજવું કે પ્રભુને માટે સ્નેહ થયો છે.

પછીથી આ સ્નેહ વધીને આસક્તિનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે સંસાર ફીક્કો લાગે છે. ગૃહ ઉપર રુચિ જ રહેતી નથી, પછીથી વ્યસન અવસ્થામાં કૃષ્ણ એ જ પ્રાણ છે એમ જાણીને તેના વગર એક ક્ષણ પણ રહેવાતું નથી. પ્રભુને માટે ઉત્કટ વિરહભાવના એ જ ખરો સન્યાસ છે. વ્રજાંગનાઓમાં આવો ઉત્કટ સ્નેહ હતો માટે તે ખરાં સન્યાસીની મનાયાં છે. ભક્તિ પરાયણ જીવ તો મુક્તિની પણ કામના કરતો નથી તેને તો પ્રભુની નિકટ જવું છે. અને રાસાદિ લીલાનો સાક્ષાત્કાર કરવો છે. જ્યારે ભક્તની આગળ પ્રભુ પ્રકટ થાય છે ત્યારે ભક્ત તેનાં નેત્રો તથા મનથી શ્રીમુખની સુધાનું પાન કરે છે. અને જેથી ભક્તનાં ચિત્તમાં પરમાનંદનો આવિર્ભાવ થાય છે. ત્યારબાદ કોઈ અલૌકિક અનુભુતિ થાય છે. અને પ્રભુના સ્વરૂપ સાથે સઘળી ઈન્દ્રિયો સહિત એ ભક્ત પ્રભુના દિવ્ય આનંદ ભોગવશે અને ભગવાન તેના સઘળા મનોરથો પુર્ણ કરે છે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.