શ્રી વલ્લભ ચરણરેણુનું સ્વરૂપ
spacer
spacer

- પથિક

શ્રીવલ્લભ ચરણરેણુનું એવું સ્વરૂપ છે કે આ રેણુધન પ્રાપ્ત કરેલો જન યાચક નથી બનતો પરંતુ દાતા બને છે. ઉપાસ્યના ગુણો ઉપાસકમાં આવે છે. વલ્લભ સ્વામી મહોદાર ચરિત્રવાન છે. તેઓશ્રીના અનન્ય આશ્રયથી તેમના આ ગુણો નિજ્જનોમાં પણ આવે છે. જેવા સ્વામી તેવા સેવક બને છે, તેમાં જ સ્વામીની બડાઈ થાય છે.
 
રાસાદિ લીલા-અમૃતના અનેક સમુદ્રો જેમાં ભરેલા રહે છે, તેવા શ્રીવલ્લભ સ્વામીને પ્રાપ્ત કર્યા પછી આપણે કોના યાચક રહીએ ?
 
શ્રીવલ્લભચરણ રજોધન જે જને પ્રાપ્ત કરેલ છે, તે પ્રભુ પાસે પણ કૃપાની યાચના કરતો નથી. પરંતુ પ્રિય પ્રભુ માટે સુખાત્મક ભાવના અનેક મનોરથ કરી પ્રિય પ્રભુને વિલસાવે છે. આ રજોધનનો અદભુત પ્રભાવ છે. આ રજોધન પ્રાપ્ત કર્યા પછી અન્ય ભક્તની કુંજમાં બિરાજતા પ્રિયતમને દુતી દ્વારા નિમંત્રણ આપવાની જરૂર નહિ રહે.
 
કમલ બુલાવન કબ ગયે, કબ કીનો સન્માન ।
નેહ નિમંત્રણકે સગે, અલિ અધિર ઉલટાન ।।
 
કમલ ભ્રમરને બોલાવવા જતું નથી પણ ભ્રમર જ કમલ મકરંદથી આકર્ષીત થઈ કમલ પાસે પહોંચી જાય છે. તેમ શ્રીવલ્લભ ચરણરજ જેણે પ્રાપ્ત કરી છે તેના હૃદય-કમલમાં તત્સુખી મધુર પ્રેમરૂપી મકરંદ પ્રગટ થાય છે. આ મકરંદનું પાન કરવા પ્રભુ અધીર બનીને સ્વતઃ તે ભક્ત પાસે પધારે છે. શ્રીવલ્લભની આ ચરણરજમાં તત્સુખી મધુર પ્રેમની ધારા અખંડ વહ્યા કરે છે. તે પ્રવાહ શ્રીવલ્લભ-જનના હૃદય સરોવરમાં સંચિત થાય છે અને આ સરોવર સદા તત્સુખી મધુર પ્રેમજલથી ભરેલું રહે છે. તેમાં તત્સુખી ભાવના રૂપી અનેક કમલો પ્રગટ થાય છે. તે કમલની મધુર મકરંદનું પાન કરવા પ્રિયતમનું મન રૂપી ભ્રમર અધીર થઈ મકરંદ પાનમાં વશીભૂત થઈ જાય છે. શ્રીવલ્લભ પદામ્બુજરજના પ્રભાવથી જ પ્રાથમિક પ્રેમની અવસ્થાથી પ્રિય પ્રભુને વશીભુત કરી લેવા સુધીની ફલદશા સુધી પહોંચી શકાય છે.

મહાનુભાવ શ્રીપદ્મનાભદાસજીએ શ્રીવલ્લભ ચરણરજને રાજધાની રૂપ કહી છે. આ ચરણરજનું જ સર્વત્ર સામ્રાજ્ય છાયેલું છે. અશેષ ભક્તો આ અનિર્વચનીય રજની જ પ્રાર્થના કરે છે. ‘‘અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોધનઃ’’

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.