નિવેદનના સ્મરણનું રહસ્ય
spacer
spacer

લેખક : પ. ભ. શ્રીવલ્લભપાદપદ્મમિલિન્દ

નિવેદનનું નિરંતર સ્મરણ કરવું તેવી આજ્ઞા શ્રીમહાપ્રભુજીએ ‘નવરત્ન’ ગ્રંથમાં કરી છે. આ નિવેદનના સ્મરણથી આપણને તાપકલેશ પ્રક્ટ થાય છે. તાપકલેશ વિના ભૌતિક, આધ્યાત્મિક આધિદૈવિક અવિદ્યાજનીત પ્રપંચની નિવૃત્તિ થઈ શકતી નથી અને તેથી અલૌકિક દેહ પ્રાપ્ત કરી નિત્યલીલાસ્થ રસાત્મક પૂર્ણ પુરુષોત્તમના અગણિતાનંદનો સ્થાયી-અખંડ અનુભવ થઈ શકતો નથી. ઉપરોક્ત નિવેદનનું સ્મરણ તાદ્રશી જનની સાથે કરવાની આપે આજ્ઞા કરી છે. તાદ્રશી એને કહેવાય કે નિત્યલીલાસ્થ પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપનો, લીલાધામના દિવ્ય પરિકરનો, દિવ્ય લીલાધામનો સાક્ષાત અનુભવ જે કરતો હોય તે તાદ્રશી કહેવાય. તેવા તાદ્રશી તો અષ્ટ સખાદિ મહાનુભાવો છે. સારસ્વત કલ્પની અવતાર લીલા સમયે પ્રિયપ્રભુએ વેણુનાદ દ્વારા દ્રવીભૂત સુધાનો પ્રવેશ શ્રીગોપીજનોમાં કરાવ્યો ત્યારે તેમણે વેણુગીત રૂપે ગાન કર્યું. તેમ દ્રવીભૂત સુધા સ્વરૂપે શ્રીવલ્લભ પ્રભુએ અષ્ટ સખાદિ મહાનુભાવોના હૃદયમાં પ્રવેશ કરી લીલા ગાન કરાવ્યું છે.
 
આ ગાન કરાવવાનો હેતુ ભવિષ્યની પુષ્ટિ દૈવી સૃષ્ટિને નિત્યલીલાનું સ્મરણ કરાવી તાપ ભાવની જાગૃતિ અને તાપભાવની વૃદ્ધિ થવા માટે છે. સાક્ષાત દર્શન કરીને ગાન કરેલું છે તેથી આ બડભાગી મહાનુભાવોની વાણીમાં આધિદૈવિકતા (રસરૂપતા) રહેલી છે. અથવા કોઈ કુંજમાં એકાન્ત સ્થળમાં બિરાજતા પ્રિયતમ અંતરંગ સખીને આજ્ઞા કરે છે કે તું શ્રીસ્વામિનીજીને અહીં પધરાવી લાવ. આ આજ્ઞાનુસાર અંતરંગ સખી શ્રી સ્વામિનીજીને પધરાવી લાવે છે. તેમ લીલાના સાક્ષાત દર્શન કરીને ગાન કરનારા મહાનુભાવો ભૂતલસ્થ તાદ્રશી ભક્તના મન ચિત્તને લીલાસ્થાનમાં દૂતીરૂપ બનીને પહોંચાડે છે. અથવા લીલાગાન કરનારા ભૂતલસ્થ ભક્તના હૃદયમાં લીલાનું માનસચિત્ર પ્રગટ થાય છે. પરન્તુ જેમ નિર્મળ જળાશયોમાં જ ચન્દ્રમા અને તારાગણ સહિત આસમાનનું પ્રતિબિમ્બ દેખાય છે, તેમ ભૌતિક પ્રપંચ રહિત હૃદયમાં લીલાસ્થાનનું માનસ-ચિત્ર અંકિત થઈ જાય છે.
નિવેદનના સ્મરણમાં ચાર-તત્વોનું ચિંતન કરવાનું હોય છે. તે પ્રકાર નીચે મુજબ :
 
(1)   પૂર્ણ પુરુષોત્તમનું નિત્યલીલાસ્થ સ્વરૂપ (2) નિત્યલીલા ધામમાં બિરાજમાન શ્રીસ્વામિનીજી આદિ દિવ્ય પરિકર (3) શ્રીયમુનાજી, શ્રી ગિરિરાજજી, કુંજો-નિકુંજો, પક્ષીગણો આદિ લીલા સામગ્રી સહિત લીલાધામ અને (4) નિવેદનનું સ્મરણ કરનાર ભૂતલસ્થ ભક્તનું પોતાનું આધિદૈવિક સ્વરૂપ. આ ચારે તત્વોના અનુસંધાન પૂર્વક નિવેદનનું જો નિરંતર સ્મરણ થાય તો તાપકલેશ અવશ્ય પ્રગટ થાય છે. કારણકે આપણને (ભૂતલસ્થ ભક્તોને) વર્તમાન સ્થિતિમાં ઉપરોક્ત ચારે તત્વોનો સાક્ષાત્કાર નથી. નિવેદનના સ્મરણમાં તેની સ્મૃતિ રહેવાથી આવું સ્મરણ કરનાર ભક્તોને અવશ્ય તાપકલેશ પ્રગટ થાય છે.
 
કૃષ્ણદાસ મેઘનજીએ વરદાનમાં શ્રી મહાપ્રભુજી પાસે માગ્યું : ‘‘હું આપના માર્ગનો સિદ્ધાંત જાણું.’’ આ સિદ્ધાંત તે પ્રિયતમ પ્રભુ માટેનો નિરવધિ તત્સુખ ભાવ છે. શ્રીદમલાજીએ શાંકર મતમાં કેટલાંએક કાપાલિકો તેમજ ચાર્વીકો વિ.ને તોપને ગોળે દીધાની વાર્તાઓ છે, કારણ કે રાજ્યાશ્રયનું એ પરિણામ હતું. શ્રીવલ્લભે કોઈ પણ સમયે આ રાહ લીધો નથી. વિદ્યા વિનયથી શોભે છે એ આપે સિદ્ધ કરી આપ્યું છે. સરસ્વતિના આપ સ્વામિ હતા. થાનેશ્વર પાસે આપે સરસ્વતિ ઉલ્લંઘન કર્યું નહિં. આપ વાકપતિ, વિબુધેશ્વર છે. આપે વેદ, શ્રીગીતા, વ્યાસ સુત્ર, શ્રીમદ્ ભાગવત એ ચારને પ્રમાણભુત માની પોતાના મતનું મંડન કર્યું હતું. આપ સાત્વિક હોઈ સાત્વિકતાને જ અનુસર્યા હતા. કોઈ વખત ક્રોધ કર્યો હોય એવો એકપણ દાખલો આપના ચારિત્ર્યમાં નથી. આપનું સમસ્ત જીવન નિર્મોહી તેમજ અતિ સરળ હતું, આપની સતત વિચારણા જીવોનું કલ્યાણ કેમ થાય એજ હતી.
 
આપના સ્વરૂપનું વર્ણન ‘‘સૌંદર્ય નિજહૃદગતં’’ એ શ્લોકમાં (સૌંદર્ય પદમાં) શ્રીગુસાંઈજી મહારાજે અત્યુત્તમ કરેલ છે. તેમાં અતિ ગુઢતા રહેલ છે. હાલ પણ કળા કૌશલ્ય, સામગ્રી, કીર્તન, શ્રૃંગાર વિગેરે જે પુષ્ટિમાં છે તે દુનિયામાં ક્યાંય નથી. ટુંકાણમાં શ્રીવલ્લભ અદ્વિતિય છે તેવો જ માર્ગ પણ અદ્વિતિય છે.
 
આપશ્રીના અંતિમ સમયે આપશ્રીએ આપણને સૌને એક મહત્વનો ઉપદેશ આપેલો છે. (યદા બહિર્મુખા યુયં ભવિષ્યતિ...) અંતિમ સમયે સાડા ત્રણ શ્લોકમાં બહુ મહત્વનો ઉપદેશ આપેલો છે, જે સંપ્રદાયમાં સુવિદિત છે, અને તે આપશ્રીનો આખરી ઉપદેશ અથવા વસિયતનામું એ સંજ્ઞાથી પ્રસિદ્ધ છે.

આ માર્ગમાં આપણો અંગીકાર થયો છે તે આપણું મહદ્ ભાગ્ય છે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.