પુષ્ટિ ભક્તનું ધ્યેય નિત્યલીલાસ્થ સ્વરૂપ
spacer
spacer

- શ્રીવલ્લભપાદપદ્મમિલિન્દ

પુષ્ટિ માર્ગમાં ફલ પ્રભુનું સ્વરૂપ છે. આપશ્રી મહાપ્રભુજીએ ધર્મી માર્ગ પ્રક્ટ કર્યો છે. સાક્ષાત સ્વરૂપનો અનુભવ કરાવનાર પ્રથક શરણ માર્ગનો આપ ઉપદેશ કરનારા છે. સેવા માર્ગ પ્રગટ કરવાનો પણ આ જ હેતુ છે કે – સેવ્ય સ્વરૂપમાં પ્રેમ-આસકિત અને વ્યસન ભાવ સિદ્ધ કરીને નિજ્જનો નિત્ય લીલા વિહારી રસાત્મક પ્રભુનો અગણિત આનંદ મેળવે. આપણું આ જ ધ્યેય સ્વરૂપ હોવું જોઈએ. જેમ લક્ષ સાધીને બાણથી લક્ષને વેધે છે, તેમ આપણું લક્ષ સેવ્ય સ્વરૂપ હોવું જોઈએ.
 
(1) મન મૃગ વેધ્યો મોહન નયન બાણસો (2) કમલસી અખિયાં લાલ તિહારી, તીનસો તકી તકી તીર ચલાવત, વેધત છતીયા હમારી.
 
હિલગના આ પદોમાં રસિક ચૂડામણિ શ્રી વ્રજરત્નાઓએ પોતાનું લક્ષ પ્રિયતમના સ્વરૂપને બનાવ્યું છે. પોતાના નેત્રોથી નિરંતર પ્રિયતમના સૌન્દર્ય લાવણ્યનું પાન કરે છે. જેમ મધુ મક્ષીકા (માંખી) સર્વત્ર પરિભ્રમણ કરીને પુષ્પોનો રસ મેળવી મધપુડો બનાવી મધપુડામાં ચીપકી મધુનું પાન કર્યા કરે છે. તેમ ગોપીજનોના નેત્રરૂપી ભ્રમરીઓ સર્વત્ર પ્રિયતમના સૌન્દર્ય લાવણ્ય મધુને ગ્રહણ કરી-સ્વરૂપ રૂપી મધપુડામાંથી જ ચીપકેલી રહી આવે છે. આવા પ્રકારના અનુભવ માટે આપણા પ્રાણવલ્લભે રસિક ધર્મી માર્ગ પ્રક્ટ કર્યો છે.
 
શ્રીમદ્ ભાગવતના 12 મા સ્કંધમાં શ્રી શુકદેવજી રાજા પરીક્ષિતને અંતીમ ઉપદેશ આપે છે કે-‘‘હે રાજન ! તમે તમારા હૃદયમાં પ્રભુના સ્વરૂપને ધારણ કરો. પ્રભુનું સ્વરૂપ ધારણ કરનારને પ્રભુ પોતાના સ્વરૂપનું દાન કરે છે. તેથી તમારી આ અન્તીમ અવસ્થામાં પ્રભુના સ્વરૂપને જ હૃદયમાં ધારણ કરો.’’ શ્રીમદ્ ભાગવતના 12 સ્કંધ સંભળાવીને અન્તીમ પ્રભુના સ્વરૂપને જ હૃદયમાં ધારણ કરવાનો શુકદેવજી ઉપદેશ આપી રહ્યા છે, તેથી એનું એવું સ્વારસ્ય નીકળે છે કે 11 સ્કંધથી પ્રભુના સ્વરૂપને તમો હૃદયમાં ધારણ કરો, તેટલા માટે જ 11 સ્કંધની કથા તમને શ્રવણ કરાવી.
 
પ્રભુનું માહાત્મ્ય જાણવાથી મન સર્વમાંથી નીકળીને સુદ્રઢ રીતે અનન્ય ભાવથી પ્રભુના સ્વરૂપમાં લાગેલું રહે ત્યારે સર્વથી અધિક અને સુદ્રઢ સ્નેહ સેવ્ય સ્વરૂપમાં ઉત્પન્ન થાય છે. આપણે રસાત્મક સાહિત્યનું જે અવલોકન કરીયે છીએ તેનું તાત્પર્ય પણ એ જ છે કે ભોક્તા રૂપે આપણા મસ્તકે જે સેવ્ય સ્વરૂપ બીરાજે છે (અને જે આપણા જ આત્મા રૂપે આપણા હૃદયમાં બિરાજી રહ્યા છે) તેમનું અચિન્ત્ય (કલ્પનામાં ન આવી શકે તેવું) રસાત્મક માહાત્મ્ય આપણે જાણીયે. આ પ્રમાણેનું માહાત્મ્ય જાણ્યા પછી સેવ્ય સ્વરૂપમાં આપણને સુદ્રઢ અને સર્વથી અધિક પ્રેમ પ્રક્ટ થાય છે. એટલે એમ સમજાય છે કે પ્રિય પ્રભુના નિત્યલીલાસ્થ સ્વરૂપના સાક્ષાત્કારમાં સ્વરૂપનું ધ્યાન જ સાધન છે.
 
સ્વરૂપ ધ્યાનનો આદેશ :
 
સુ. 2-1-21માં પણ શ્રી મહાપ્રભુજીએ સ્વરૂપના ધ્યાનનોજ પ્રકાર બતાવેલો છે. પ્રભુના સ્વરૂપનું ધ્યાન કરનારને પ્રભુ ભક્તિ-યોગનું દાન કરે છે, એટલે કે પોતાના સ્વરૂપમાં પ્રેમ ઉત્પન્ન કરાવે છે.
 
શ્રીમદ્ ભાગવત 11-11-49માં પ્રભુ ઉદ્ધવજી પ્રતિ કહે છે કે, હે ઉદ્ધવ ! તમે મારા ભૂન્ય અને સુહૃદ (મિત્ર) હોવાથી તમને પરમ ગુહય એક વાત કહું છું તે સાંભળો ! આમ આજ્ઞા કરીને ઉદ્ધવજીને જે ગુઢ વાત કહી છે તે ભા. 12-12-14 છે. તેનો સાર એ છે કે ‘‘વિધિનિષેધ પ્રવૃત્તિ-નિવૃત્તિ, સાંભળવાનું અને સાંભળેલું આ સર્વને છોડીને મારા એક ધર્મી સ્વરૂપનું જ સર્વાત્મ ભાવથી શરણ ગ્રહણ કરો. આ રીતે મારા સ્વરૂપનો જ આશ્રય કરવાથી તમે ‘‘અકુતોભય’’ થઈ જશો. ‘‘અકુતોભય’’ એટલે કાળના બંધનમાંથી અથવા જન્મ-મરણના કારણ રૂપ ત્રિગુણાત્મક માયાના બંધનમાંથી મુક્ત થઈને મારા સાક્ષાત નિત્યલીલાસ્થ સ્વરૂપને તમે પ્રાપ્ત કરશો. અથવા સ્વરૂપના જ ધ્યાનથી નિત્યલીલાસ્થ સ્વરૂપનો સાક્ષાત્કાર થતાં કાલ માયાના બંધનમાંથી મુક્ત થઈને દૈવીજીવનો લીલા લોકમાં જ પ્રવેશ થાય છે, આને ‘અકુતોભય’ કહેલ છે. પ્રભુના સ્વરૂપ ધ્યાનનો આવો મહિમા પ્રભુ જ જાણતા હોવાથી ભા. 11-11-49માં ઉદ્ધવજીને આપેજ આજ્ઞા કરી કે- ‘‘હું તમને પરમ ગુહય વાત કરૂં છું તે તમે સાંભળો.’’ ગુહય વાત, પોતાના અંતરંગ અને અતિશય કૃપા પાત્ર હોય તેનેજ કહી શકાય છે. જ્યારે પ્રભુ સ્વયં શ્રીમુખથી આવો નિગૂઢ ઉપદેશ પોતાના સ્વરૂપ પ્રાપ્તિ માટે આપી રહ્યા છે, તો નિજ્જનોએ આ પરમ હિતકારી દિવ્ય ઉપદેશને અતિ આદરથી ગ્રહણ કરવો યોગ્ય છે.
 
પ્રમેય બલનું સ્વરૂપ :
 
શ્રી ગોકુલેશ પ્રભુએ પણ નિજ્જનો પ્રતિ પ્રથમ દશા કે ઉત્તર દશામાં, અથવા સાધન દશામાં કે ફલ દશામાં સ્વરૂપના ધ્યાનનો જ આગ્રહ શ્રી સર્વોત્તમની ટીકામાં કરેલો છે, તેમાં જે પરમ પુરુષાર્થ સિદ્ધ કરાવવા માટેની શ્રી ગોકુલેશ પ્રભુની પરોક્ષ મહા કારૂણિકતા રહેલી છે તેનું રહસ્ય એ છે કે પૂર્ણ પ્રમેય બલ પ્રભુના સ્વરૂપમાં જ રહેલું છે, અને આ પ્રમેય બલ જીવની કલ્પનાથી અતીત છે. એક ક્ષણમાંજ સ્વરૂપ ભાવનાથી સ્વરૂપમાં તદાત્મક કરે છે. સ્વરૂપના આવા અચિન્ત્ય પ્રમેય બલનો નિર્દેશ શ્રીગોકુલેશ પ્રભુએ ‘‘વિરહાનુભવૈકાર્થ સર્વ ત્યાગોપદેશકઃ’’ આ નામમાં કરેલો છે કે – ‘‘જે નિજ્જન પ્રભુના વિરહમાં સ્થિત રહી પ્રભુના સ્વરૂપની ભાવના ચિન્તન કરી રહેલ છે તેને એક ક્ષણમાંજ સાક્ષાત સંબંધ થઈ જતાં સર્વોત્કૃષ્ટ ફલ જે નિત્યલીલામાં પ્રવેશ, તેનું દાન કરે છે, અને તેથી અખંડ રસાનંદનો અનુભવ કરે છે. આવું આપ એક ક્ષણમાંજ કરે છે. સ્વરૂપનું આ પ્રકારનું પ્રમેયબલ હોવાથી સાધન દશા કે ફલ દશામાં સ્વરૂપધ્યાન માટેનો આગ્રહ શ્રીગોકુલેશ પ્રભુએ કર્યો છે.
 
મહાસિંધુ-સુધાસિધુ શ્રીવલ્લભ :
 
બન જા હરિદાસા હરિદાસા રે
મન છોડ સબનકી આશા ।
સુધાસિન્ધુકે નિક્ટ બસત હે
ક્યોં મરત મૂઢ પ્યાસા ।।
શ્રીવલ્લભકે પદકમલમેં મહા રસકી હે રાસા ।
પદકમલકો આશ્રય કરલે કટ જાય ભવકી ફાંસા ।।
‘રસિક’ જન તું પાન કરલે અમૃત રસકોપ્યાસા ।
 
ઉપરમાં ‘‘સુધા સિન્ધુકે નિક્ટ બસત હે’’ આ પંક્તિથી ભાવાત્મક સ્વતઃ સિદ્ધ સુધાના મહાસિન્ધુ સમાન આપણા આત્મામાં આત્મા રૂપે જ બિરાજતું અગણિત આનંદરૂપ તેનો શ્રીહરિરાયપ્રભુ પરિચય કરાવે છે. ‘‘નિક્ટ બસત હે‘‘ આપણા હૃદય ભિતરજ બિરાજી રહેલ છે તેવું સૂચન કરે છે.
 
બીજા પદમાં –
 
શ્રીવલ્લભ મહાસિન્ધુ સમાન ।
દાસ સુમરત હોત સબકો, અભય પદકો દાન ।।1।।
કૃપાજલ ભરપૂર રહે જહાં, ઉઠત ભાવ તરંગ ।
રત્ન ચૌદહ સબ પદારથ, ભક્તિ દશવિધ સંગ ।।2।।
 
રાસાદિ લીલા જલધિઓના (સમુદ્રોના) પ્રવાહો જેમાં સમાવિષ્ટ થઈ જાય છે, તેવા મહાસિન્ધુ સમાન શ્રીવલ્લભ આપણા આત્મા રૂપે આપણી જ ભીતર બિરાજી રહેલા છે. નિજ્જનો જે આ પદ કમલના જ આશ્રિત થઈ સ્વરૂપ ચિન્તન કરે છે, તેને લીલા લોકમાં પ્રવેશ કરાવી અભય પદનું દાન કરે છે. સ્મરણ કરનાર નિજ્જનોમાં લાવણ્યામૃતના અનિર્વચનીય માધુર્યભાવો રૂપી તરંગો ઉછળે છે. ‘‘રત્નચૌદહ’’ કહેવાથી શ્રીજી શ્રી નવનીતપ્રિયાજી આદિ મુખ્ય નિધિ અને ગોદના સ્વરૂપો, તથા લીલાધામસ્થ અનંત શ્રીસ્વામિનીજીઓ અને તેમના ભાવાત્મક અનંત પ્રભુના સ્વરૂપો, દશ પ્રકારની રસાત્મક ભક્તિ, લીલા લોકની સમસ્ત લીલા સામગ્રીઓ આ ‘‘મહાસિન્ધુ’’ સ્વરૂપ શ્રી વલ્લભમાં જ રહેલ છે, અને તેજ સ્વરૂપ આપણા આત્મા રૂપે નિક્ટ જ બિરાજી રહેલ છે.
 
પ્રશ્ન-શ્રીવલ્લભ નિજ્જનોના આત્મારૂપે નિક્ટ જ બિરાજી રહ્યા છે તો તેનો પ્રત્યક્ષ અનુભવ કેમ થતો નથી ?
 
ઉત્તર-તેનું કારણ નંદદાસજીએ બતાવ્યું છે
 
અતિ નિપટ નિક્ટ ઘટઘટ અંતરજામી આહી ।
વિષય વિદુષિત ઇન્દ્રિય પકર સકત નહી તાહી ।।
 
ઇન્દ્રિયો સહિત મન આત્મગામી થતાં, અથવા પ્રભુના સ્વરૂપમાં પ્રવેશ થતાં પ્રત્યક્ષ અનુભવ થાય છે, બીજા પ્રકારે નહી.
 
દયારામભાઈને શ્રીજીની કૃપાથી મહાન સૌભાગ્ય પ્રાપ્ત થયું. શ્રીવલ્લભ નામરૂપી પરમ ધન પ્રાપ્ત થયું. જે ધનની અભિલાષા લીલા લોકના સમગ્ર ભક્તો પણ કરી રહ્યા છે, તેવા પરમ ધનને દયારામભાઈએ પ્રાપ્ત કરેલું હોવાથી શ્રીવલ્લભના ‘સર્વાજ્ઞાત’ સ્વરૂપને જાણીને પોતાના મનને બોધ આપે છે –
 
શ્રીમદાચાર્યકો દયા તું તો હોય રહે ।
અનાયાસે અભદાતા એ પ્રભુ અનલ હે ।।
 
હે મેરે મન ! તું તો શ્રીવલ્લભનો જ થઈને રહી આવ. ‘‘એ પ્રભુ અનલ હે’’ અનલ કહેવાનું સ્વારસ્ય એ છે કે જલરાશી સમુદ્રમાં વડવાનલ અગ્નિ રહે છે. તે જ્યારે જલરાશી સમુદ્રને સુકાવી નાખવો હોય ત્યારે વડવાનલ અગ્નિ પ્રભુ ઇચ્છાથી પ્રક્ટ થઈ જાય છે. આ રીતે આપણા હૃદયમાં ભૌતિક અને આધ્યાત્મિક વાસનાના તરંગોને ઉછાળતો વાસનાનો સાગર ભરેલો છે, તેને શ્રીવલ્લભ નામરૂપી અનલ અનાયાસે જ ક્ષણ એકમાં શોષણ કરી લીલા લોકમાં પ્રવેશ કરાવવારૂપ અભયતાનું દાન કરે છે. આવું મહાન સામર્થ્ય શ્રીવલ્લભનું દયારામભાઈ જાણી ચુકેલા હોવાથી કહે છે કે –
 
‘‘શ્રીમદાચાર્યજુકો દયા તુ તો હોય રહે’’ ।
 
ભાઈશ્રી ! નિકુંજ ધામમાં પ્રવેશ શ્રીવલ્લભ કૃપા વિના સર્વથા શક્ય નથી, શ્રીપદ્મનાભદાસજી કહે છે કે –
 
પ્રથમ વસીયે શ્રીવલ્લભપદ-
પંકજ નગર હી માંઈ ।
જહાં પરાગ પદ્મનાભાદિક
નિધિ વૃન્દાવન પાઈ ।।
 
દિવ્ય સ્નેહરૂપી મકરંદનું નખથી શિખા સુધી જેના સ્વરૂપો છે તેવા શ્રીસ્વામિનીજીઓના અનંત સ્વરૂપો જ્યાં નિવાસ કરી રહેલ છે, તેવા શ્રીવલ્લભ પદપંકજ નગરમાં, હે સખી ! ‘‘પ્રથમ વસીયે’’-આશ્રય કરીએ. આ સર્વ લખવાનો એ જ હેતુ છે કે પ્રભુના સ્વરૂપ ધ્યાનમાં સ્થિત થવું.
 
‘‘નિરોધ લક્ષણ’’માં પણ ‘‘હરિમૂર્તિ સદા ધ્યેયા સંકલ્પાદપિ તત્ર હિ.’’ પ્રભુના સ્વરૂપનું સદા ધ્યાન કરવું તેવી આપે આજ્ઞા કરી છે.
 
ચતુઃશ્લોકીનું હાર્દ :
 
પ્રાકટયના પ્રારંભથી મહારાસ સુધી લીલા કરીને જે સ્વરૂપ શ્રી ગોપીજનોમાં સિદ્ધ કર્યું તેજ સ્વરૂપ નિજ્જનોમાં સિદ્ધ થાય તેવો ઉપદેશ ચતુઃશ્લોકીમાં આપશ્રીએ કરેલો છે. આપ સ્વયં શ્વીસ્વામિનીજી ભાવાત્મક સ્વરૂપથી જે પરમ પુરુષાર્થનો અનુભવ કરી રહ્યા છે, તેજ પુરુષાર્થ નિજ્જનોને પ્રાપ્ત કરાવવા ‘‘ચતુઃશ્લોકી’’ પ્રક્ટ કરેલ છે, તેમાં નિજ્જનોના કર્તવ્યનો નિર્દેશ કરેલો છે તેમાં સર્વદા પદ ધરેલું છે. ‘‘સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ’’ સર્વદા નિજ્જનોનું આ જ કર્તવ્ય છે કે નિઃસાધનના સ્વામિ પ્રભુના સ્વરૂપનું નિરંતર સર્વ ભાવે કરીને ધ્યાન કરવું. ‘‘યદિ શ્રી ગોકુલાધીશો ઘૃતઃ સર્વાત્માના હૃદિ’’ આ પંક્તિથી નિરંતર ધ્યાન કરી પ્રભુ સ્વરૂપ રૂપી ફલનું સ્વાધીનપણુ જતાવેલું છે. જેમ એક ચિત્રકાર ચિત્રને તૈયાર કરે છે તેમ ધ્યાન દ્વારા પ્રભુનું સ્વરૂપ હૃદયમાં અંકિત થતું જાય છે. ત્યારે ફલનું સ્વાધિનપણુ સિદ્ધ થયું કહેવાય છે. નિજ્જનોમાં આ પરમ પુરુષાર્થ (કે જે અતિ દુર્લભ છે તેને) સિદ્ધ કરવા માટે નિરંતર સર્વભાવે સ્વરૂપ ધ્યાનનો ઉપદેશ કરે છે – ‘‘અતઃ સર્વાત્મના શશ્વદ્ ગોકુલેશ્વર પાદયોઃ’’ જો સર્વાત્મભાવે કરીને પ્રભુનું સ્વરૂપ હૃદયારૂઢ થયું પછી બાકી શું પ્રાપ્ત કરવાનું રહે છે ? આ પંક્તિથી સ્વાધિન ફલના નિરંતર અનુભવનું સુચન કરેલું છે. તાત્પર્યમાં આ ચતુશ્લોકીમાં જણાવેલો પુરુષાર્થ છે. ‘‘પુરુષાર્થ’’ એનું નામ કે જે સર્વથી નિરપેક્ષ હોય, પ્રભુ સ્વરૂપ સિવાય કોઈની અપેક્ષા ન રહે. સેવ્યમાં શું ન્યુનતા છે કે અન્યત્ર હસ્ત પસારવો પડે ? ચતુઃશ્લોકીમાં કહેલો પુરુષાર્થ તો ચરમ કોટિનો છે. મુલ ધામસ્થ સ્વરૂપાનંદના અનુભવમાં સ્થિત કરનારો છે. અન્તીમમાં-‘‘સ્મરણં ભજનં ચાપિ ન ત્યાજ્યમિતિ મે મતિઃ’’ એ પ્રમાણે આજ્ઞા કરી છે. અનેક પ્રકારની રસાત્મક લીલાનો વિચાર-મનન તે સ્મરણ રૂપ છે. અને કોટિકન્દર્ય લાવણ્ય પ્રભુના સ્વરૂપનું ધ્યાન એ ભજન રૂપ છે. આ બન્નેનો ત્યાગ નહી કરવો એમ નિજ્જનો પ્રતિ કોમલ આજ્ઞા છે. આ રીતે પ્રભુના સ્વરૂપનું નિરંતર ધ્યાન તેનું નામજ અનન્યતા છે. અનન્યતાના આગ્રહમાં શ્રી ગોકુલેશ પ્રભુ ચતુઃશ્લોકીના પ્રથમ શ્લોકની પ્રથમ પંક્તિનો નિજ્જનોને સંકેત કરે છે કે લીલા સાગરના સાર રૂપે આ ચતુઃશ્લોકી પ્રક્ટ કર્યા છે. જન્મ પ્રકરણથી લઈને મહારાસ સુધીના લીલા સાગરનું દોહન કરીને જે સ્વતઃ સિદ્ધ રસ પ્રક્ટ કર્યો છે તે આપે ચતુઃશ્લોકીમાં ધરી દીધેલો છે.
 
હરિના હરિ થવું એ પુષ્ટિમાર્ગમાં શિખર અધિકાર રૂપ છે. અને આવો શિખરનો અધિકાર મેળવવા માટે ચતુઃશ્લોકીના આશયને હૃદયમાં ધારણ કરી નિરંતર સ્વરૂપ ધ્યાનમાં સ્થિત રહેવું યોગ્ય છે.
 
અનન્યાશ્ચિન્તયન્તોમાં યે જનાઃ પર્યુપાસતે,
તેષાં નિત્યાભિ યુક્તાનાં યોગક્ષેમં વહામ્યહં.
(ગીતા-9/29)
 
કેવલ મારા સ્વરૂપનો જ આશ્રય કરીને મારા સ્વરૂપનું જે ચિન્તન-ધ્યાન કરે છે તેવા અનન્ય જનનો ‘યોગ’ એટલે મારા સ્વરૂપની પ્રાપ્તિમાં જે રસાત્મક ભાવોરૂપી સંપદાની આવશ્યકતા છે તેનું હુંજ દાન કરૂં છું. અથવા હૃદયમાં રહીને રસાત્મક ભાવો રૂપી સંપત્તિનો પ્રવાહ પ્રેરણા દ્વારા વહેવડાવીને મારા સ્વરૂપમાં સ્થિત થવા રૂપી ‘‘યોગ’’ હું જ સિદ્ધ કરૂં છું અને આ મહાન દિવ્ય ભાવ નિધિનું જે હું દાન કરૂં છું તેનું ચારે તરફથી રક્ષણ પણ હું જ કરૂં છું. આ રક્ષણ વિરહાનુભવરૂપ અજેય દુર્ગમાં થાય છે. અનન્યજનો માટે પ્રભુ આટલી બધી બાંહેધરી આપી રહ્યા છે છતાં આ અતિશય કરૂણા ઉપર કેમ લક્ષ અપાતું નહી હોય ? આ એક આશ્ચર્ય ઉત્પન્ન કરે છે ! અનંત ગુણ ગંભીર, પરમ ઉદાર, પોતાના મહારસનું દાન કરવા ઉત્સુક, આવા પ્રભુને છોડીને અન્યત્ર ભીક્ષા માગવાની વૃત્તિ કેમ થતી હશે ?
 
‘‘સ્વદાસાર્થકૃતાશેષસાધનઃ’’ સ્વદાસને અર્થે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરાવવા માટે પ્રભુ સ્વયં સમસ્ત સાધનો કરી રહેલ છે, પછી કોની આશા કરવાની રહે ? મહાસાગરનું જ્ઞાન થયા પછી કૂપ-સરોવર-સરિતાની કોણ આશા કરે ?
 
છાંડ સાગર કોન મૂરખ ભજે છિલ્લર નીર ।
‘રસિક’ મનકી મીટી અવિદ્યા
પરસી ચરણ સમીર ।।
 
પરમ કારૂણિક મહાનુભાવોએ સ્વરૂપાનુભવ કરીને માર્ગદર્શન આપેલું હોવા છતાં તે તરફ કેમ લક્ષ પહોંચતું નથી ?
 
જેમ શ્રી શુકે પરીક્ષિતને અંતીમ ઉપદેશમાં પ્રભુના સ્વરૂપના ધ્યાનનો જ નિર્દેશ કરેલો છે, તેમ આપણી ઉત્તર અવસ્થામાં આપણે જે કરવાનું છે, તેના સાધનનો નિચોડ બહુજ વિચારના મંથન પૂર્વક અહીં નિવેદન કર્યો છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.