આત્માયોગથી હૃદયસ્થ સ્વરૂપનો અનુભવ
spacer
spacer

લેખક : શ્રી વલ્લભપાદપદ્મમિલિન્દ

શ્રીવલ્લભ વર કે મિલન હેત,
રસ યોગીન બન જાઉંગી ।
શ્રીવલ્લભ વરકી કૃપા દ્રષ્ટિ તે,
રસ યોગીન બન જાઉંગી ।।1।।
મત્ત મધુપ મધુપાન હેતુ,
મકરંદી બન જાઉંગી ।
હૃદય નિકુંજ અંગ દ્વાદશવન,
પ્રેમ અલખ જગાવુંગી ।।2।।
રોમ રોમ પ્રતિ વૃક્ષ લતાપર,
પીક રસ વચન સુનાવુંગી ।
મધુર મેઘ હિત મન મયૂર કર,
મધુરે શબ્દ ઉચ્ચારૂંગી ।।3।।
સ્વાતિ પિય હિત ચિત ચાતક કર,
પિયુ પિયુ રટન લગાવુંગી ।
શુદ્ધ સ્નેહમય ગોરસ નવનીત,
અધરામૃત ચાખ ચખાવુંગી ।।4।।
રોમ રોમ પ્રતિ કેવલ રસમય,
આન્તર કેલિ કરાવુંગી ।
‘‘રસિક પ્રીતમ’’ રોમ રોમમેં
રસ રૂપી વ્હે જાઉંગી ।।5।।
 
આ પદ મર્મજ્ઞ શિરોમણિ શ્રી હરિરાય મહાપ્રભુનું છે. વેણુગીતના 10મા શ્લોકનો અને અણુભાષ્ય અ. 1-ના અંદર અધિકરણ તથા ગુહાપ્રવિષ્ટ અધિકરણનો આશય ઉપરોક્ત પદમાં આપેલો છે. સર્વને અભોગ્ય વિરલ સુધાનો અનુભવ કરવાવાળા વિપ્રયોગમાં સ્થિત વ્રજપ્રિયા શ્રીગોપીજનો વર્ણન કરે છે કે – અમારૂં હૃદય વૃન્દાવન છે. શ્રી યમુનાજી-શ્રી ગિરિરાજજી-કુંજ નિકુંજ આ સર્વે અમારા ભિતર છે. શ્રુતિઓ પણ કથે છે કે-દૈવીજીવોનું હૃદય કમલ એક ‘બ્રહ્મપુર’ છે. ‘બ્રહ્મપુર’ એટલે ભગવાનને બિરાજવાનું ધામ કહેવાય છે. અથવા ‘‘યથા બ્રહ્માંડે તથા પીંડે’’ એટલે જે સમગ્ર બ્રહ્માંડમાં છે તે દૈવી જીવના દેહ રૂપી પીંડની ભીતર રહેલું છે. નિત્ય લીલા પરિકર જે ભુતલમાં પ્રગટ થયેલો છે. તેના હૃદયની ભીતર લીલા ધામની સમગ્ર લીલા સહિત પ્રભુ નિત્ય (સદૈવ) બિરાજમાન છે. પરન્તુ પ્રભુની ઇચ્છા ભુતલમાં જ્યાંસુધી પુષ્ટિ સૃષ્ટિ સાથે પ્રવાહ અને મર્યાદા ભાવવાળી લીલા કરવાની ઇચ્છા હોય છે ત્યાંસુધી યોગમાયા ટેરો દઈને લીલા ધામને છુપાવી રાખે છે. જે સ્વકીયોને નિત્ય લીલામાં પ્રવેશ કરાવવો છે, તેને માટે યોગમાયા ટેરો હટાવીને લીલાધામની દિવ્ય લીલાઓનો સાક્ષાત્કાર કરાવીને નિત્ય લીલાધામમાં સ્થિત કરે છે, જેને પુષ્ટિનો મોક્ષ કહેવાય છે.
 
‘‘આત્મયોગ’’ એટલે સર્વ ત્યાગપૂર્વક વિરહાનુભવમાં નિત્ય લીલાસ્થ સ્વરૂપનું ચિંતન કરવું. આવા પ્રકારના ચિંતનની આજ્ઞા સ્વકીયોના સ્વામીએ સિદ્ધાંત મુક્તાવલીમાં કરી છે.
 
તસ્માત્ શ્રીકૃષ્ણ માર્ગસ્થો વિમુક્તઃ
સર્વ લોક્તઃ ।
આત્માનન્દ સમુદ્રસ્થં કૃષ્ણ મેવ વિચિન્તયેત્ ।।
 
યોગમાયાનો ટેરો લાગેલો હોવાથી આપણી ભીતર રહેલા દિવ્ય-નિત્ય લીલા ધામનાં દર્શન થતા નથી. જ્યાં સુધી બહિરંગ ભૌતિક જગત પ્રપંચની વિસ્મૃતિ ન થાય અને એકાદશ ઇન્દ્રિયોની અન્તરમુખતા ન થાય ત્યાંસુધી હૃદય ભીતર રહેલા દિવ્ય ધામનાં દર્શન થતાં નથી.
 
અતિ નિપટ નિકટ ઘટ ઘટ અંતરજામી આહી,
વિષય વિદુષિત ઇન્દ્રિય પકર સકત નહી તાહી.
(નંદદાસજી)
 
શ્રીઠાકુરજી વૃન્દાવનમાં પધારીને જે લીલા કરે છે તે બધી લીલાનાં દર્શન વ્રજભક્તો ગોકુલમાં રહીને કરે છે અને સમાન શિલ ગોપીજન સાથે વર્ણન કરે છે, તેનું કારણ વ્રજ ભક્તોનો દેહાદિ સંઘાત આધિદૈવિક બની ગયો છે, ભૌતિક જગત અને દેહદિ પ્રપંચની તેમને વિસ્મૃતિ થઈ ગઈ ત્યારે પ્રભુ જે જે લીલા વૃન્દાવનમાં કરી રહ્યા છે એ બધી લીલાનાં દર્શન ગોકુલમાં રહેલાં વ્રજભક્તોને થાય છે. જે સ્વરૂપ વૃન્દાવનમાં ગૌચારણ કરવા પધારીને લીલા કરી રહેલ છે તે ક્રિયાત્મક બહારનું સ્વરૂપ ભાવાત્મક રૂપથી વ્રજ ભક્તોના હૃદયમાં નિત્ય લીલા ધામની સમગ્રી લીલા સહિત સ્થિત છે. અથવા જે ક્રિયાત્મક સ્વરૂપ પ્રગટ છે તેજ ભાવાત્મક રૂપે વ્રજ ભક્તોના હૃદયમાં પણ સ્થિત છે. બહારનું ક્રિયાત્મક પ્રગટ સ્વરૂપ સંયોગાત્મક કહેવાય છે અને તેમના હૃદયમાં રહેલું ભાવાત્મક સ્વરૂપ વિપ્રયોગાત્મક કહેવાય છે. આ ભાવાત્મક સ્વરૂપ વ્રજભક્તોના હૃદયમાં સ્થિત હોવાથી તેમના હૃદયમાંથી આ લીલા સ્વરૂપની સ્ફુરણા થઈ રહી છે, તેજ ભાવાત્મક (સ્ફુરણાત્મક) સ્વરૂપના બહાર દર્શન કરે છે. વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપ તે મૂલ સ્વરૂપ કહેવાય છે, અને બહાર પ્રગટ થયેલું સ્વરૂપ અવતાર સ્વરૂપ કહેવાય છે. મૂલ સ્વરૂપ શ્રી ગોપીજનોના હૃદયમાં પ્રગટ થયું, અને અવતાર સ્વરૂપ નંદાલયમાં પ્રગટ થયું. અવતાર સ્વરૂપે બહાર પ્રગટ થવાનું કારણ જો પ્રભુનું સ્વરૂપ બહાર પ્રગટ ન થાય તો ભક્તોનો ભૌતિક પ્રપંચમાંથી નિરોધ ન થાય. તે નિરોધ કરવા માટે અતિ કરૂણાવાન બની પ્રભુ બહાર પ્રગટ થયા છે. ભક્તોનો ભૌતિક પ્રપંચથી નિરોધ સિદ્ધ થઈ ગયા પછી ભીતરના હૃદયસ્થ સ્વરૂપ સાથે જ વ્રજભક્તો વિલાસનો અનુભવ કરે છે. આ ભીતરનું સ્વરૂપ ભાવાત્મક છે. આ ભાવાત્મક સ્વરૂપના અનુભવ ભાવ દ્વારા જ થાય છે. ભાવાત્મક સ્વરૂપમાંથી સ્વરૂપ લાવણ્યામૃતના ભાવો પ્રગટ થાય છે. અને આ ભાવોથીજ આનંદનો અનુભવ થાય છે. બહાર પ્રગટ સ્વરૂપનો આનંદ સંયોગની ક્રિયા દ્વારા અનુભવાય છે. બન્ને સ્વરૂપો એકજ છે.
 
હવે આવા પ્રકારના લીલાનાં દર્શન શ્રી ગોપીજનોને જે થાય છે તે ક્યા સાધનથી થાય છે તેને અહીં સમજીએ –
 
શ્રી યમુનાજી આઠ પ્રકારની સિદ્ધિના દાતા છે. તેમાં ‘‘દૂર દર્શન-દૂરશ્રવણ’’ નામની એક સિદ્ધિ છે. તે સિદ્ધિના દાનથી પ્રભુની પરોક્ષમાં પ્રભુની લીલાનાં દર્શન થાય છે. પણ આ દર્શન આપણી ઇન્દ્રિયોને જગતપ્રપંચમાંથી હટાવી ભગવાનના સ્વરૂપ સાથે જોડી દેવાથી આપણી ઇન્દ્રિયો અલૌકિક બને છે ત્યારે થાય છે. જે ભક્તોની ઇન્દ્રિયો અંતરમુખ થઈ ગઈ છે તેની ચક્ષુ ઇન્દ્રિય પણ અલૌકિક બની ગઈ હોય છે. આ ઇન્દ્રિયો અલૌકિક થતાં માયા-અવિદ્યાનો ટેરો સરકી જાય છે ત્યારે લીલાના સાક્ષાત દર્શન થાય છે. ‘અંતરમુખતા’ એટલે જેમ આપણા નેત્રો જગત પ્રપંચને જોવે છે તેના બદલે પ્રભુના સ્વરૂપને અને લીલાઓનેજ સર્વત્ર જોવે. તેવી રીતે બધી ઇન્દ્રિયોનો સંબંધ ભગવાન સાથે રહી આવે તેને અંતરમુખતા કહેવાય. જ્યારે આપણી ઇન્દ્રિયોની આવા પ્રકારની અંતરમુખતા થાય છે ત્યારે આપણને પ્રાકૃત પ્રપંચનો સંબંધ રહેતો નહીં હોવાથી આપણે વ્રજમાં હોઈએ કે બીજા ગમે તે સ્થાનમાં હોઈએ ત્યાં આપણને સાક્ષાત સ્વરૂપ અને લીલાનાં દર્શન થાય છે. જેમ માધવદાસને કાબુલમાં શ્રીજી ગૌચારણ કરીને પધારતા તેનાં દર્શન થતા હતાં. તેનું કારણ એમ છે કે ભૌતિક ઇન્દ્રિયોથી આપણે ભૌતિક જગત જોઈ શકીયે છીએ, પણ આપણી ઇન્દ્રિયોનો સંબંધ પ્રભુ સાથે થઈ જતાં આપણું જગત અલૌકિક રૂપે પલટાઈ જાય છે. એટલે જેમ ગોલોકમાં રહેનારા ભક્તો સર્વત્ર પ્રભુની લીલાનાજ દર્શન કરે છે તેમ આપણને પણ થાય છે. ગોલોક એ આપણું દિવ્ય જગત છે. તે દિવ્ય જગત જ આપણી અંતરમુખતામાં દેખાય છે.
 
ભૂતલમાં રહેલો દૈવી પરિકર તે નિમિત્ત લીલામાં રહેલો છે. ભૂતલના પરિકરમાં જ્યાં સુધી પ્રાકૃત અધ્યાસો રહેલા હોય અને પ્રભુને તે પ્રકારની આ જીવો સાથે લીલા કરવાની ઇચ્છા હોય તે બધાનો નિમિત લીલામાં પ્રવેશ કહેવાય છે. અથવા પ્રાકૃત અધ્યાસ વાળા ભક્તો સાથે ભગવાનની ભૂતલમાં જે (પ્રવાહ અને મર્યાદા ભાવવાળી) લીલા તે નિમિત લીલા કહેવાય. જ્યાં સુધી આધિદૈવિક દેહ સિદ્ધ નથી થયો ત્યાં સુધી ભૂતલના પરિકરમાં ભૌતિક અધ્યાસ રહેતાજ હોય છે. આવી સ્થિતિમાં પ્રભુના સાક્ષાત સ્વરૂપનો અને આ સ્વરૂપની કરેલી સાક્ષાત લીલાનો અનુભવ થઈ શકતો નથી. તેથી ભગવાને ગોપીજનોને મથુરાથી ઉદ્ધવજી સાથે સંદેશો પાઠવેલો તેમાં કહ્યું કે ‘‘તમે તમારા (ભૌતિક) દેહથી અલગ થાઓ. ઉત્તમ વસ્તુ ધનથી ભોગી ન જાય. મારૂ મૂળ (વિપ્રયોગ ભાવાત્મક) સ્વરૂપ જે મહાન દિવ્ય અને (મહાસાગરની જેમ) પૂર્ણ છે તેનો અનુભવ આત્મવાન દેહથી જ થઈ શકે. મારો સ્થાયી નિવાસ આત્મામાંજ છે. ભૌતિક દેહ ઇન્દ્રિયોમાં નથી. જગતના પ્રાકૃત વિષયોમાં મારા અપ્રાકૃત સ્વરૂપનો આવિર્ભાવ થતો નથી. તેથી તમારા દેહથી સર્વાંશે પ્રથક થઈ આત્માવાન દેહવાળા બનો, પછી મારા મહાન દિવ્ય અને મહાસાગર સમાન પ્રેમ-સુધા સ્વરૂપનો અનુભવ કરી શકશો.’’
 
શ્રીહરિરાયચરણે શિ. 18-4×5માં આજ્ઞા કરી છે કે, જે ભાગ્યવાન ભક્તને શ્રીવલ્લભાગ્નિએ વિપ્રયોગનું દાન કરેલું છે. તેને ભુતલ સ્થિત નિમિત લીલાના પરિકરોમાં નિરાનંદતા (આનંદનો અભાવ) ભાસે છે. તેનું કારણ નિમિત લીલાના પરિકરમાં પ્રાકૃત અધ્યાસોના કારણે ભગવદ્ સંબંધી આનંદ અલ્પજ અનુભવાય છે. વળી વિપ્રયોગનું દાન કર્યું છે તેવા ભક્તને શ્રી વલ્લભભાનુની કૃપાના કિરણોના પ્રકાશથી નિત્ય લીલાના મહાન દિવ્ય સ્વરૂપનું જ્ઞાન પણ થઈ ગયેલું હોય છે. નિત્ય લીલાનો નિત્ય લીલા સ્વરૂપથી નિત્ય લીલાધામમાં જે આનંદ અનુભવાય છે તે અગણિત અને મહાન અલૌકિક પરિકર સાથે નિરૂપધિ અને નિરવધિ હોય છે. નિત્ય લીલાના પરિકરમાં રંચક પ્રાકૃત કલેશની ગંધ પણ હોતી નથી. તે પરિકર તો મહાન દિવ્ય સૌંદર્યતા, માધુર્યતા, મૃદુલતા, પ્રિયત્વતા આદિ દિવ્ય ગુણોના સાગરથી ભરેલો છે. અને ભુતલનો પરિકર તો પ્રાકૃત સંબંધવાળો હોવાથી આનંદ પણ અલપ જ ભોગવે છે. પાત્રતા પ્રમાણે જ રસ-જલની સ્થિતિ હોય છે. સાગર, સરિતા, સરોવર, કૂપ, ઘરની મથની અને લોટી આ બધાં જલનાં પાત્ર છે. પાત્ર પ્રમાણે જલ-રસ રહી શકે છે. તેમ દૈવી જીવ ભૌતિક પ્રપંચને જેમ જેમ ભૂલતો જાય છે અને પ્રભુ તરફ તેની ગતિ થાય છે તેમ તેમ ઉત્તરોત્તર પાત્રની વિશાળતા બનતી જાય છે. નિત્યલીલા સ્વરૂપના જ્ઞાન વાળાની સ્થિતિ શ્રીપ્રભુચરણે વિજ્ઞપ્તિ 7-11માં જતાવી છે.
 
વરં નેત્રે મુદ્રા ન પુનરિતરાલોકનમપિ
વરં શૂન્યારણ્યં સ્થિતિરિહ
વરં નાન્ય મિલનમ્ ।
વરં મૂકીભાવો ન પુનરપરા કાચન કથા
વરં પ્રાણત્યાગઃ ક્ષણમપિ ન તત્સંગવિગમઃ ।।
 
‘‘નેત્રો બંધ કરીને રહેવું સારૂ પણ પ્રિયતમ સિવાય અન્યને દેખવું ગમતુ નથી. સુના અરણ્યમાં રહેવું સારૂં પણ-પ્રિયતમના સ્વરૂપ સિવાય બીજાનો મિલાપ સારો નથી. મૌન રાખીને રહેવું સારૂ પણ અન્યથી સંભાષણ દુઃખરૂપ લાગે છે. પ્રાણત્યાગ કરવો સારો પણ પ્રિયતમના સંબંધ વિના જીવવું સારૂ નથી.’’
 
ઉપરોક્ત પ્રકારે નિત્ય લીલાના સ્વરૂપ જ્ઞાનવાળો અને શ્રીવલ્લભભાનુની કૃપાથી ભીજાયેલો ભાગ્યવાન જીવ ભૂતલ પરિકરથી પ્રથક થઈ વિરહાનુભવના માર્ગે ગતિ માન હોય છે.
 
શ્રી હરિરાયપ્રભુ પુનઃ 18મા શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે-‘‘શ્રીઠાકુરજી, શ્રી મહાપ્રભુજી, શ્રીગુસાંઈજી અને નિત્ય લીલામાં સ્થિત શ્રીસ્વામિનીજીઓ, આ ચારની સમાન ભૂતલમાં કોઈમાં ભાવના કરવામાં આવશે તો અલૌકિક ભાવનો નાશ થશે. આ ચારે તત્વપૂર્ણ છે અને નિત્ય લીલાના મહાન દિવ્ય સ્વરૂપો છે. આ સ્વરૂપોની સમાનતા ભુતલના પરિકરમાં નથી કરી શકાતી. તેથી શ્રી હરિરાય પ્રભુ એક પદમાં પણ આજ્ઞા કરે છે –
 
છાંડ સાગર કોન મૂરખ ભજે છિલ્લર નીર,
રસિક મનકી મીટી અવિદ્યા,
પરિસ ચરણ સમીર.
 
સાગર સમાન તો નિત્યલીલા ધામનો વિલાસ છે. અને છિલ્લર-ખાબોચીયા ભરેલા જલ જેવો ભૂતલના પ્રાકૃત અધ્યાસ વાળા પરિકરનો છે. આવું જ્ઞાન શ્રીવલ્લભભાનુના ચરણકમલનો સ્પર્શ કરી વાયુએ મારા હૃદયમાં પ્રવેશીને કરાવ્યું છે તેમ શ્રીહરિરાયપ્રભુ શ્રી વલ્લભના મુગ્ધ સ્વકીય જનોને જતાવી રહ્યા છે. અને શ્રી સૂરદાસજીને પણ લીલાનાં દર્શન શ્રીવલ્લભે કરાવ્યા ત્યારે કહે છે કે – ‘‘અબ ન સુહાય વિષય રસ છિલ્લર, યહ સમુદ્ર કી આશ’’
 
તેથી જેને નિત્યલીલા ધામના દિવ્ય વિલાસનું અને દિવ્ય પરિકરનું જ્ઞાન શ્રીવલ્લભભાનુની કૃપાથી થઈ ગયું છે, તેને ભૂતલનો વાસ કે આનંદ સુહાતો નથી. ભૂતલના લૌકિક કે ભગવત્સંબંધી અલૌકિક પરિકરથી પ્રથક રહી, તેની વિસ્મૃતિ કરી, નિત્યલીલા સ્વરૂપના ચિન્તનમાં રહેવાથી, પ્રપંચની વિસ્મૃતિ થવાથી પ્રભુની સમગ્ર લીલાનાં સાક્ષાત દર્શન થાય છે. જેવાં વ્રજભક્તોને થયા છે તેવા આધુનિકને પણ થાય છે. દૈવીજીવની ભીતર દિવ્ય વિશ્વ છુપાયેલું છે. જ્યારે આત્મ યોગથી એકાદશ ઇન્દ્રિયોની અંતરમુખતા થઈ જાય છે ત્યારે નિત્યલીલા સ્વરૂપ, નિત્યલીલા ધામ, અને નિત્યલીલા ધામના પરિકરનો સાક્ષાત્કાર થાય છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.