ગૂઢ તત્વ
spacer
spacer

- શ્રીવલ્લભપાદપદ્મમિલિન્દ

ત્રિદુખ સહનં ધૈર્યમામૃતેઃ સર્વતઃ સદા ।
તક્રવદ્ દેહવદ્ ભાવ્યં જડવદ્ ગોપભાર્યાવત્ ।।
 
ઉપરોક્ત વિવેક ધૈર્યાશ્રયમાં શ્રીમદાચાર્યચરણોએ આજ્ઞા કરી છે-ત્રણે પ્રકારના દુઃખોને મરણ પર્યંત સહન કરવા. આવી આજ્ઞાનું સ્વારસ્ય મરણનો ભય દુર કરવા માટે છે. સર્વતઃ સર્વ પ્રકારના અથવા સર્વ તરફથી આવતા દુઃખોને સદા શબ્દથી જીવન રહે ત્યાં સુધી સહન કરવા. આ દુઃખોને દુર કરવાનો પ્રયત્ન નહિં કરતા સહન કરવાની આપશ્રી આજ્ઞા કરે છે. તેનું રહસ્ય પ્રભુના વિયોગજનીત દુઃખ સિવાય કે ભૌતિક અને આધ્યાત્મિક અવિદ્યાથી ઉત્પન્ન થતાં દુઃખોના ભાવો તે કુસૃષ્ટિ માત્ર છે. આસુરભાવના આવેશવાળા મનમાંથી આ કુસૃષ્ટિ ઉત્પન્ન થાય છે. (‘‘કુસૃષ્ટિ’’ એટલે ખોટી-સાચી નહીં.) તેનું આત્મામાં કોઈ પ્રકારે અસ્તિત્વ (સત્યપણુ) માની શકાતું નથી. દુઃખરૂપી મિથ્યા વિચારોનુ બીજું નામ કુસૃષ્ટિ છે. તે સાગરના ઉછળતા તરંગોની જેમ મનમાંથી જન્મે છે. આ મિથ્યા વિચાર સૃષ્ટિને અજ્ઞાનતાએ કરીને દૈવી જીવ પોતાનામાં આરોપણ કરે છે. તે વિચારોમાં ‘અહં’ ને સેવે છે, તેથી તેને દુઃખના વિચારોથી દુઃખ થાય છે. તેમાં અભિમાન ન કરે તો બીજા મનુષ્યને થતું દુઃખ તે આપણું દુઃખ બનતું નથી, તેમ હું જીવાત્મા નિર્વિકાર આત્મા છું. આ દુઃખના વિકારવાળા ભાવો અવિદ્યાએ ઉત્પન્ન કર્યા છે. તેની સાથે મારે કંઈ લેવા-દેવા નથી. આવું નિરંતર જ્ઞાન રહેતા કુસૃષ્ટિથી થતી પીડાનું નિવારણ થતું જાય છે.
 
જાગૃત અવસ્થામાં દેહમાં અભિમાન રાખતો જીવાત્મા જ્યારે ગાઢ નિદ્રામાં હોય છે ત્યારે પરમાત્મા પાસે જાય છે ત્યારે અભિમાન નહિ હોવાથી શરીરના અને મનના દુઃખોનો તેને અનુભવ થતો નથી. ગાઢ નિદ્રા એક અપમૃત્યુનું રૂપક છે. જેમ મૃત્યુ સમયે દેહનું વિસ્મરણ થઈ જાય છે, તેમ કોઈ કારણસર દેહને ભૂલી જવો તેને મૃત્યુ કહેવાય છે. તેથી ગાઢ નિદ્રામાં જીવને પોતાના દેહનું સ્મરણ નહી હોવાથી તે એક અપમૃત્યુ કહેવાય છે.
 
હવે મૃત્યુ એ શું વસ્તુ છે, તેના રહસ્યને વિચારીયે- જેમ સૂર્યનો ઉદય ન થયો હોય ત્યાં સુધી જ અંધકાર હોય છે. સૂર્યનો ઉદય થતાં તે અંધકાર દેખાતો નથી. અંધકાર કોઈ પદાર્થ નથી કે કોઈ વ્યક્તિ નથી તેમ મૃત્યુ કોઈ પદાર્થ કે વ્યક્તિ નથી કે જેનાથી ભયભીત થવું પડે. નિત્ય અજર-અમર પોતાના આત્માનું અજ્ઞાન જ મૃત્યુનું રૂપક બને છે. પોતાના આત્માનું જ્ઞાન થતાં જેમ સૂર્યનો ઉદય થતાં અંધકાર દુર થાય છે, તેમ આત્મ જ્ઞાન થતાં મૃત્યુનું મૃત્યુ થઈ જાય છે. મિથ્યા વિચારથી મિથ્યા થતાં દુઃખને દુર કરવાનો ઉપાય પોતાના અજર-અમર તેવા પોતાના આત્મ સ્વરૂપનો વિચાર કરતા રહેવું, અને વિકારોમાં અહંનું આરોપણ નહિ કરવું.
 
આત્માનું જ્ઞાન શ્રીમદાચાર્યચરણે બીજા સ્કંધના સુબોધિનીજીમાં કરાવ્યું છે.
(1) આત્મા નિત્ય છે, ત્યારે દેહ અનિત્ય છે. (નિત્ય)
(2) આત્મા ક્ષીણતાને પામતો નથી, ત્યારે દેહ ક્ષીણ થાય છે (નિર્વિકાર)
(3) આત્મા શુદ્ધ છે, ત્યારે દેહ મળમૂત્રથી ભરેલો અપવિત્ર છે. (શુદ્ધ)
(4) આત્મા એક છે, ત્યારે દેહ અનેક છે. (એક)
(5) આત્મા દેહાદિકને જાણનારો છે, ત્યારે દેહ જડ છે. (ક્ષેત્રજ્ઞ)
(6) આત્મા દેહાદિકનો આધાર છે, ત્યારે દેહ પરાધીન છે. (આશ્રય)
(7) આત્મા વિકાર રહિત છે, ત્યારે દેહ વિકારવાળો છે. (વિક્રિયા રહિત)
(8) આત્મા સ્વયં પ્રકાશ છે, ત્યારે દેહ પરપ્રકાશ છે. (સ્વપ્રકાશ)
(9) આત્મા સર્વનું કારણ છે, ત્યારે દેહ કાર્યમૂર્તિ છે (સર્વકારણ)
(10) આત્મા વ્યાપક છે, ત્યારે દેહ અમુક પ્રદેશમાં જ રહે છે (સર્વ વ્યાપક)
(11) આત્મા સંગ રહિત છે, ત્યારે દેહ સંગવાળો છે. (અસંગ)
(12) આત્મા કોઈથી ઢંકાતો નથી, ત્યારે દેહ વસ્ત્રાદિકથી ઢંકાય છે. (અનાવરણ)
 
ઉપર મુજબ પોતાના આત્માના જ્ઞાનથી માયાજનીત દુઃખની નિવૃત્તિનો એક પ્રકાર કહીને હવે બીજો પ્રકાર કહે છે :
 
ઉપરોક્ત પોતાના આત્માનું જ્ઞાન નિરંતર રહી ન શકે અને કુસૃષ્ટિ વ્યથા પહોંચાડતી રહે તો આ કુસૃષ્ટિરૂપી સાગર જલરાશીનું ક્ષણમાં શોષણ કરી નાખનાર વડવાનલ અગ્નિરૂપ શ્રીવલ્લભ નામનું સ્મરણ કરવું. આ સ્મરણ એવી રીતે કરવું કે, હે નાથ ! હું આપને ક્યારે સુખરૂપ બનીશ. તત્સુખના આર્તભાવ સાથે નામનું સ્મરણ નાભીમાંથી પ્રક્ટ થવું જોઈએ. પુષ્ટિ-સૃષ્ટિ પ્રભુની સુખદ સેવા માટે પ્રક્ટ કરવામાં આવી છે. પ્રભુને સુખદ બનવાના વિચારો નહીં કરતાં જીવ પોતાના દુઃખના જ રોદણાં રોયા કરશે ત્યાં સુધી જળોની જેમ વળગેલી અવિદ્યા જીવમાંથી અળગી નહીં થાય. જળાશયોમાં રહેતી આ જળો પશુને વળગે છે ત્યારે ચીપકીને ખુન (લોહી) પીતી હોય છે. તેને ખેંચવામાં જ્યાં વળગેલી હોય છે તે ભાગની ચામડી પણ ખેંચાય જાય છે. તેને સરળતાથી અળગી કરવાનો ઉપાય અગ્નિ છે. અગ્નિનો તાપ લાગતા સરળતાથી છુટી પડી જાય છે. તેમ અસંખ્ય જન્મેથી વળગેલી જળો જેવી આ અવિદ્યા તત્સુખના તાપાગ્નિ વિના સરળતાથી દુર થઈ શકે તેમ નથી. તત્સુખ ભાવથી પ્રભુની પ્રસન્નતા થાય છે.
 
અષ્ટાક્ષરના સ્મરણ સાથે પ્રભુના સુખના વિચારો રહે છે ત્યારે પ્રભુ પ્રસન્ન થઈ તેના હૃદયમાં પ્રગટ થઈ જાય છે. આપ પ્રગટ થતાં જ અનેક જન્મોથી દૈવી જીવ અવિદ્યાના બંધનમાં બંધાઈ દુઃખ ભોગવે છે તે દુઃખમાંથી મુક્ત થાય છે માટે અહીં રહસ્ય એ છે કે, પોતાના દુઃખને નહીં રોતા પ્રભુને હુ સુખદ ક્યારે બનીશ, આવા પુષ્ટિ સિદ્ધાંતને આગળ રાખી પ્રભુને સુખદ બનવા માટે દુઃખપૂર્વક શ્રીવલ્લભ નામ કે શ્રી કૃષ્ણનામનું સ્મરણ કરવું. શ્રીકૃષ્ણ નામનો અષ્ટાક્ષર કે શ્રીવલ્લભ નામનો અષ્ટાક્ષર બન્ને એક જ સ્વરૂપ હોવાથી બન્નેમાંથી કોઈપણ સતત જપતા રહેવાથી અવિદ્યાના બંધનમાંથી મુક્ત થવાય છે. શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મસંબંધ મંત્ર પહેલાં અષ્ટાક્ષર મંત્રનું દાન કર્યું છે. તેનું રહસ્ય એ છે કે અષ્ટાક્ષરનું કાર્ય દૈવી જીવને ત્રિવિધ પ્રકારની અવિદ્યાના બંધનમાંથી મુક્ત કરવાનું છે.
 
‘‘ત્રિમાયા કો પ્રલય કરી,
હરિ મિલાવે હરિ નામ.’’
 
નામ સ્મરણ દ્વારા ત્રિવિધ માયાના બધનમાંથી દૈવી જીવ જ્યારે મુક્ત થાય છે ત્યારે નિત્ય લીલાસ્થ સ્વરૂપનો તેના હૃદયમાં લીલા ધામ સહિત પ્રાદુર્ભાવ થાય છે. અને પ્રભુના સ્વરૂપનો તથા આપની દિવ્યા લીલાઓનો અષ્ટસખાની જેમ સાક્ષાત અનુભ થાય છે.
 
પ્રભુને સુખદ બનવાનું દુઃખ જ્યાં સુધી ઉત્પન્ન થયું નથી ત્યાં સુધી પુષ્ટિમાં પ્રવેશ થયો છે તેમ સમજવામાં ભૂલ ન કરવી, શ્રીકૃષ્ણદાસ મેઘનજીએ વરદાનમાં-માગ્યું ‘‘આપના માર્ગના સિદ્ધાંતને હું જાણું’’ આ સિદ્ધાંત તે ‘‘તત્સુખતા’’ છે. પ્રાણની પરવા કર્યા વગર ગંગાસાગરમાં ઝંપલાવી સામે પાર જઈ મુરમુરા સિદ્ધ કરાવી સ્વસ્વામીને આરોગાવ્યા. સ્વામીના સુખમાં પોતાના પ્રાણની પરવા ન કરી. સ્વામીના સુખમાં જ પોતાની કૃતાર્થતા. આવો સિદ્ધાંત હૃદયમાં બીજ રૂપે નહી રહે અને પોતાના દુઃખના જ રોદણા રોવાયા કરશે ત્યાં સુધી પુષ્ટિમાં પ્રવેશ નહી થાય. પુષ્ટિમાર્ગમાં શરણે આવવાથી પુષ્ટિ વૈષ્ણવપણાની છાપ ભલે લાગી હોય પણ તેનો પુષ્ટિમાં અંગીકાર હજુ થયો નથી. અને તેને પુષ્ટિ પ્રભુનો કંઈ અનુભવ પણ થતો નથી.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.