શ્રી વલ્લભાગ્નિ પ્રક્ટીત પુષ્ટિ ભક્તિમાર્ગની સર્વોત્કૃષ્ટતા
spacer
spacer

લેખક : શ્રીવલ્લભપાદપદ્મમિલિન્દ

સર્વાનન્દમયસ્યાપિ કૃપાનંદઃ સુદુર્લભઃ ।
હૃદગતઃસ્વગુણાનશ્રુત્વા, પૂર્ણઃ પ્લાવયતેજનાન્
 
‘‘કૃપાનન્દ’’એ શ્રીવલ્લભ પ્રભુનું લીલા મધ્યપાતિ દાસ્ય સ્વરૂપ છે. આ દાસ્ય સ્વરૂપના દાનને ‘‘સુદુર્લભ’’ કહ્યું છે. આ દાસ્ય સ્વતંત્ર ભક્તિ સ્વરૂપ છે. ‘‘નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિ શાયિનમ્’’ આ કારિકાજીમાં આપશ્રીએ આ પ્રમાણે જતાવેલ છે. આ દાસ્યભાવ પુષ્ટિ ભક્તિમાર્ગમાં પરમ પુરુષાર્થરૂપ છે. આ દાસ્યભાવના દાનને, શ્રીદ્વારકેશજી ભાવનાવાળાએ દુર્લભ કહેલ છે. શ્રી વલ્લભાગ્નિની કૃપાથી શ્રી ગોપીજનોએ, અને આપશ્રીના પ્રાગટય સમયે શ્રીમદ્ દમલાજી, શ્રી પદ્મનાભદાસાદિ અંતરંગોને આ પરમ પુરુષાર્થ પ્રાપ્ત કરાવ્યો છે. તેથી તેઓને ‘‘કોટિમાં વિરલા’’ શ્રી ગોકુલેશ પ્રભુએ કહેલ છે. શ્રી હરિરાય પ્રભુ આ દાસ્યભાવના દાનની પ્રાર્થના કરે છે –
 
દાસ્યં પ્રયચ્છતાં મહ્યં સમસ્ત ફલ મૂર્ધગમ્ ।
સ્વામિનૌ વલ્લભાધીશ વિઠ્ઠલેશાભિધૌ સદા
(સ્વ સ્વામિપાણિ યુગલાષ્ટક)
ગોકુલેશાસ્ય વર દેહી દાસ્યમ્
મમ વિવિધ વિકલતામવલોક્ય લૌકિકે
નાથ કુરૂષે કુપુરૂષેડતિ હાસ્યમ્ ।।1।।
ન ભવતિ ભય યથા કુરૂ તથા મસ્તકે
નિજચરણ કર કમલ યુગલ લાસ્યમ્
વદતિ ‘હરિદાસ’ ઇતિ વિભુવદન દહન
પદમન્તરા જગતિ કિમિતર દુપાસ્યમ્ ।।2।।
(પદ્ય દ્વયમ્)
 
આ દાસ્યભાવરૂપ પરમ પુરુષાર્થનું દાન એ આપશ્રીનું મહોદાર ચરિત્ર સ્વકીયોમાં વિસ્તાર્યુ છે. આ દાસ્યભાવથી જ ધર્મી સંયોગ અને ધર્મી વિપ્રયોગની સર્વોચ્ચ ઉભય પ્રેમની અવસ્થાનો અનુભવ થાય છે.
 
‘‘સ્વામિનૌ વલ્લભાધિશ વિઠ્ઠલેશાભિધૌ સદા’’ ઉપરોક્ત પંક્તિનો ગુઢાર્થ આ છે કે શ્રી વલ્લભાગ્નિનું સ્વરૂપ ધર્મી વિપ્રયોગાત્મક છે. અને શ્રી વિઠ્ઠલેશ્વરનું સ્વરૂપ ધર્મી સંયોગાત્મક છે. આ ઉભય સ્વરૂપો, ઉભય સ્વરૂપનું દાસ્ય, અને ધર્મી સંયોગ, ધર્મી વિપ્રયોગ, ઉભયની અવસ્થા, આ ત્રણેનું સામ્ય છે. એટલે કે ધર્મી સંયોગ અને ધર્મી વિપ્રયોગના ઉભય સ્વરૂપનો,ઉભય પ્રકારનો અનંત વિલાસ આ દાસ્યભાવમાં અનુભવાય છે. કારણ કે ઉભય સ્વરૂપો પોતાના અનંત વિલાસ સહિત દાસ્ય ભાવવાળા સ્વકીયમાં બિરાજતાં હોય છે. તેથી જ મર્મજ્ઞ શિરોમણિ શ્રી હરિરાય પ્રભુ આ દાસ્ય ભાવના દાનની પ્રાર્થના કરે છે. આ દાસ્યભાવાત્મક સ્વરૂપ ‘‘સર્વભવન સમર્થ’’ છે. એટલે પોતાના સ્વતઃ સિદ્ધ સ્વરૂપમાંથી ‘‘સ્ત્રી-પું’’ ભાવાત્મક અનંત યુગલોને અને આ યુગલ સ્વરૂપોમાં થતી અનંત લીલાઓને પ્રક્ટ કરવાનું જેમાં સામર્થ્ય રહેલું છે તેનું નામ ‘સર્વભવન સમર્થ.’ આવું મહામહિમ્ન શ્રી વલ્લભાગ્નિનું દાસ્ય ભાવાત્મક સ્વરૂપ હોવાથી મર્મજ્ઞ શિરોમણિ હરિરાય પ્રભુ આ દાસ્ય ભાવાત્મક સ્વરૂપના દાનની પ્રાર્થના કરે છે.
 
આ પરમ પુરુષાર્થરૂપ દાસ્યભાવનું દાન અન્ય ભક્તિમાર્ગના આચાર્યોમાં અને તેના સેવકોમાં ક્યાં ? અતિ દુરાપ. આવા પ્રકારના દાસ્યભાવનું દાન અન્ય ભક્તિમાર્ગમાં નહી હોવાથી સ્વયં આપશ્રીએ આજ્ઞા કરી-સર્વત્રોત્કર્ષ કથનાત્ પુષ્ટિરસ્તીતિ નિશ્ચયઃ’’ તદુપરાંત શિ. 9-18માં શ્રીહરિરાય પ્રભુ આજ્ઞા કરે છે-
 
વિરહે યુગપત્ સર્વ નિજલીલાનુભાવકમ્ ।
સાકારાનંદ રૂપેણ વ્રજભક્ત હૃદિ સ્થિતમ્ ।।
 
ઉપરોક્ત શ્લોકમાં દાસ્યભાવમાં અનુભવાતા અગણિત સ્વરૂપાનંદનું કથન છે. જે અન્ય ભક્તિમાર્ગીયોને દુરાપ છે.
 
અન્ય ભક્તિ સંપ્રદાયમાં રાધિકાજીની જ મુખ્યતા અને એકજ યુગલનો લીલા વિહાર છે. આ ઉભય એક દેશી છે. જ્યારે પુષ્ટિભક્તિ માર્ગમાં તે-
 
કૃત્વા તાવન્તમાત્માનં યાવતી ર્ગોપ યોષિતઃ ।
રેમેસ ભગવાંસ્તાભિરાત્મા રામોડપિ લીલયા ।।
(સુ. 10-30-20)
 
જેટલા શ્રી ગોપીજનો હતા તેટલા સ્વરૂપ પ્રભુએ ધારણ કર્યા અને ‘‘મહા-સૌરત’’ રમણનું મહાન સુખ આપ્યું. જેટલા શ્રી ગોપીજનો તેટલા પ્રભુએ સ્વરૂપ ધારણ કરવાથી આ શ્રી ગોપીજનો મુખ્ય શ્રી સ્વામિની ભાવને પુર્ણ રૂપે પ્રાપ્ત કરી યુગલ ભાવવાળા થયા. એટલે કે અન્ય ભક્તિમાર્ગમાં એકજ યુગલનો લીલા વિહાર છે જ્યારે પુષ્ટિ ભક્તિમાર્ગમાં ‘અનંત’ યુગલોનો લીલા વિહાર છે. કારણ કે ‘‘અનંત’’ પદ વાચી પરબ્રહ્મ પુષ્ટિ પ્રભુ અનંત રૂપે જ ક્રીડા કરે છે. તેથી પુષ્ટિલીલા જગતમાં યુગલો પણ અનંત છે.
 
શ્રુતિરૂપા રૂષિરૂપા બન્ને યુથના શ્રી ગોપીજનોએ યુગલ ભાવને મહારાસ સમયે પ્રાપ્ત કર્યો છે. આ યુગલભાવ શ્રી વલ્લભાગ્નિની કૃપાથી જ પ્રાપ્ત કર્યો છે, નહી કે પોતાના સાધન બલથી. આ યુગલભાવ બાહિર રમણ વિહારનો અપેક્ષિત (સંયોગાત્મક) નથી. પરન્તુ ‘‘આન્તરં તુ મહાફલમ્’’ અનુભવાત્મક વિરહાત્મક યુગલભાવને પ્રાપ્ત કર્યો છે, કે જેમાં સ્વતંત્ર ભક્તિ રૂપથી ભાવાનંદ નિરંતર અનુભવાય છે. આ છે શ્રી વલ્લભાગ્નિ પ્રકટીત પુષ્ટિ ભક્તિમાર્ગની સર્વોત્કૃષ્ટતા. શ્રી વલ્લભાગ્નિની અતિશય કૃપાથી દિવ્ય પ્રેમ જગતમાં શ્રી ગોપીજનોના યશની ધ્વજા ઉંચી લહેરાઈ રહી છે.
 
ગોપી પ્રેમકી ધ્વજા ।
જિન ગોપાલ કિયે વશ અપને,
ઉર ધરી શ્યામ ભુજા ।।1।।
શુકમુનિ વ્યાસ પ્રસંશા કીની,
ઉદ્ધવ સંત સરાહી.
ભૂવિ ભાગ્ય ગોકુલકી વનિતા.
અતિ પુનિત જગ માંહી ।।2।।
કહા ભયો જો વિપ્રકુલ જન્મ્યો,
જો હરિ સેવા નાહી,
સોઈ પુનિત દાસ પરમાનંદ,
જો હરિ સન્મુખ જાહી ।।3।।
વ્રજ્જન સમ ઘર પર કોઉ નાંહી ।
જીન સબ તન મન હરિ અર્પન કરિ,
મોહન ધરે ઉર માંહી ।।1।।
સદા સંગ ડોલત મન મોહન,
ગોપી ધરિ ઉર ધ્યાન ।
ગોપી ગોપી રટત નિરંતર,
ભૂલિ ગયે સબ જ્ઞાન ।।2।।
જા ગોપીકી પદરજ ઉદ્ધવ,
બ્રહ્માદિક સબ જાચે ।
તા ગોપી ગૃહ માંખન કાજે,
સબ દિન ગિરધર નાચે ।।3।।
ગોપીજનમેં કોન બતાઉ,
હરિ હું પાર ન પાવે ।
તો હોં મંદ બુદ્ધિ કહાં જાનોં,
‘પરમાનંદ’ ગુન ગાવે ।।4।।
 
ઉપરોક્ત પદાનુસાર શ્રી ગોપીજનોનો સર્વોત્કર્ષ શ્રી વલ્લભાગ્નિની કૃપાથી જ સિદ્ધ થયો છે. તેથી કહ્યુ –
 
‘‘સર્વોત્રોત્કર્ષ કથનાત પુષ્ટિરસ્તીતિ નિશ્ચયઃ’’
 
શ્રી વલ્લભાગ્નિની કૃપાએ જેમ સારસ્વત કલ્પમાં શ્રી ગોપીજનોનો સર્વોત્કર્ષ સિદ્ધ થયો તેમ આપશ્રીના ભૂતલ પ્રાગટય સમયે શ્રીમદ્ દમલાજીમાં અને શ્રી પહ્માનાભદાસાદિમાં પણ સર્વોત્કર્ષ સિદ્ધ કર્યો છે.
 
‘‘દમલા ઓર ભક્ત બહોત હે મેં તેરે વશ હું’’ અનંત રસાત્મક બ્રહ્માંડોની રસ સમ્પત્તિ જેના સ્વરૂપના પ્રત્યેક રોમમાં રહેલી છે તેવું મહાન અલૌકિક શ્રી વલ્લભાગ્નિનું સ્વરૂપ જેને વશ થઈને રહે, આથી વિશેષ ઉત્કર્ષ બીજો શું હોઈ શકે ?
 
પુષ્ટિ ભક્તિમાર્ગની સર્વોત્કર્ષતા સ્વાધીના સ્વતંત્ર ભક્તિ સ્વરૂપની પ્રાપ્તિમાં રહેલી છે. આ સ્વતંત્ર ભક્તિનું સ્વરૂપ અને તેનો મહિમા કેવા પ્રકારનો છે તેનું વિવેચન નીચે મુજબ –
 
‘‘પુષ્ટિ’’-આપશ્રી મહાપ્રભુજીએ ‘પુષ્ટિ’ શબ્દનો અર્થ ભાગવત પ્રતિપાદિત ‘અનુગ્રહ’ કર્યો છે. એ અનુગ્રહ કેવળ વ્રજગોપીકાઓમાં જ સ્વરૂપ વિદ્ધાંત્મક ભાવરૂપે સ્થિત છે. એથી આપે તેના ગુરૂ રૂપે વ્રજગોપીકાઓને જ કહ્યા છે. કૌડન્યો ગોપિકાઃ પ્રોકતા ગુરૂવઃ ચ તત્’’ તે વ્રજભક્તોમાં સ્વતંત્ર પ્રમેય બલે પોતાની કૃપાને સ્થાપી ત્રિગુણાતીત પુષ્ટિ પુરુષોત્તમે તેમને જે ભાવાનંદનું દાન કર્યું છે તે ઉક્ત અનુગ્રહનું શુદ્ધ સ્વરૂપ છે. અતઃ એવ તેમાં લોક વેદના પ્રમાણોનું રાહિત્ય હોવાથી તે લોક વેદાતીત રૂપે સ્પષ્ટ જ છે. વળી તે કેવલ ‘ભાવરૂપ’ હોવાથી ‘નિર્ગુણ’ શબ્દથી પણ બોધિત છે. એમાં સ્વરૂપ મર્યાદાનીએ અપેક્ષા નહિ હોવાથી (બહાર સ્વરૂપની અપેક્ષા નહિ હોવાથી) તે પુષ્ટિ સ્વાધીના-સ્વતંત્ર ભક્તિ રૂપે પણ પ્રસિદ્ધ છે. અત્રે ‘‘કૃષ્ણાધીના તુ મર્યાદા સ્વાધીના પુષ્ટિ રૂચ્યતે’’ એ શ્રી આચાર્યચરણનું વાક્ય અત્ર સ્મરણીય છે.
 
સ્વાધીનાનું વિવેચન નીચે મુજબ :
 
ઉપરોક્ત પ્રકારના ‘ભાવાનંદ’ને પ્રાપ્ત કરનાર અલૌકિક સામર્થ્યવાળો ભક્ત સ્વેચ્છાનુસાર આત્મનંદ સમુદ્રમાંથી કૃપાનંદાત્મક અનેક લીલા વિશિષ્ટ પ્રભુના સ્વરૂપોને પ્રક્ટ કરી તેની સાથે એક કાલાવચ્છિન્ન અનેક ભાવોથી વિહરે તે ‘‘સ્વાધીના પુષ્ટિ’’ છે. મહારાસ સમયે જે પ્રાગટયો થયા તે અને ઉદ્ધવ સંવાદ કાલે જે લીલાનુભવ થયો તે ઉક્ત પ્રકારની સ્વાધીના પુષ્ટિનું સ્વરૂપ છે. આ વિશુદ્ધ પુષ્ટિ પ્રેમની સર્વોત્તમ અવસ્થા છે. અતઃ ‘‘શુદ્ધા પ્રેમ્ણાતિ દુર્લભા’’ એ આપશ્રીના વાક્યાનુસાર આ પ્રકારના શુદ્ધ પ્રેમવાળા પુષ્ટિ ભક્તો અતિ દુર્લભ છે. આવા પ્રકારની સ્વાધીના ભક્તિ વ્રજ સિમંતીનીજીઓમાં સિદ્ધ છે. અને તેથી જ શ્રી મહાપ્રભુજી વ્રજ સિમંતીનીજીઓના ભાવ સંપુટરૂપે આ પ્રકારના અનુગ્રહ માર્ગના ગુરૂ છે.
 
પુષ્ટિ ભક્તિમાર્ગની સર્વોત્કર્ષતાને જાણવા માટે પ્રથમ સર્વોત્કર્ષ પુષ્ટિભક્તિમાર્ગને પ્રક્ટ કરનારા શ્રી વલ્લભાગ્નિના સ્વરૂપને જાણવું અત્યંત આવશ્યક છે. સર્વાજ્ઞાત, અચિન્ત્ય અને અનંત શક્તિ યુક્ત ઐશ્વર્યવાળું શ્રી વલ્લભાગ્નિનું સ્વરૂપ કેવા પ્રકારનું છે તેનું નિરૂપણ સ્વતંત્ર પ્રમેય બલથી શ્રી ગોકુલેશ પ્રભુએ શ્રી સર્વોત્તમજીની સ્વતંત્ર (બ્રહદ) ટીકામાં કરેલું છે. આ ટીકા-ગ્રંથ પુષ્ટિમાર્ગીય સાહિત્યમાં ‘‘અજોડ’’ છે. આપશ્રીના ચરણકમલમાં જેને અનુરાગ નથી તેવા પંડિતોનો પ્રવેશ આ ટીકામાં થઈ શકતો નથી. ‘‘નિગૂઢ હૃદયોનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય’’ અનન્ય સ્વીકીય જનોજ સમજી શકે છે. આ સ્વતંત્ર ટીકા અન્તરગત ‘‘ભક્તિમાર્ગાબ્જ માર્તંડ’’ નામમાં આ સ્વતંત્ર ટીકાના અવલોકનનો અધિકારી કેવા પ્રકારનો છે તેનો નિર્દેશ શ્રી ગોકુલેશ પ્રભુ કરે છે –
 
જો યહ મેરો સ્વતંત્ર લેખ હે સો વિન વિરહાગ્નિસું વ્યાપ્ત રસિકનકે ભોગ યોગ્ય હે, ન કે વિનસું ઇતર જીવકે લિયે હે યહ જાનનો. મુખારવિંદ ફલમેં વિવિધ રસકે અનુભવસું ભયો જો આસ્વાદ, તાસું ભયો જો વા મુખારવિંદ ફલમેં નિરોધ તાકી સંપદા જીનમેં નહી હે વે જીવ યા રસકે પૂર્ણ અર્થભાવ પદ્ધતિ કે માર્ગકું દેખ કે કાતર હી હોયગો. યાસું પિતૃચરણ આજ્ઞા કરતે ભયે-
 
કસ્યાગ્રે કથયામ્યાલિ મનો દુઃખસ્ય સંતતિમ્
વ્રજાધિપ વિયોગાબ્ધિ મગ્નઃ કોડપિ ન દ્રશ્યતે
રસિકા એવ જાનંતી ગોપીશ પ્રેમજં સુખં
અન્યે વિરહજ દુઃખ શ્રુત્વા કાતરતાં ગતા ।।
 
શ્રીજીકે અત્યંત વિરહસું શ્રી પ્રભુચરણમેં ગુપ્ત શ્રી સ્વામિની ભાવ પ્રગટ ભયો હે. યા ભાવસું આપ કહે હે, હે આલિ ! અપને મનમેં જો દુઃખ સંતતી હે, વિરહ દુઃખકો વિસ્તાર હે તાકું કોનકે આગે કહું ? કહેના તો વેસે દુઃખકેહી આગે ચહીયે જો વ્રજાધીપ શ્રી ગોકુલપતિ કે વિયોગ સમુદ્ર મેં મગ્ન ભયો હે. જાકે રોમ રોમમેં હું વિયોગ ભર રહ્યો હોય, એસો કોઉ નજર નહી આવે હે. કેવલ રસિકહી ગોપીપતિ શ્રીજીકે પ્રેમસું ભયે સુખકું જાને હે. ઓર જે નિરસ હે વે તો વિરહસે ભયે દુઃખકું સુનકે કાતર ભાવકું પ્રાપ્ત હે ગયે હે.
 
પરમાવધિએ પહોંચેલું ધર્મી વિપ્રયોગાત્મક સ્વરૂપાનંદરૂપ ફલ અને તેના અધિકારીનું વર્ણન ઉપરોક્ત પ્રકારે શ્રી ગોકુલેશ પ્રભુએ કરેલ છે. ખરેજ, વિરહ સમુદ્રમાં ડુબ્યા રહેવું એ તો કોઈ વિરલાને જ પ્રાપ્ત થાય છે.
 
‘‘પ્રથક શરણ માર્ગોપદેષ્ટા’’ વિરહાત્મક માર્ગને જ પ્રથક શરણ માર્ગ કહ્યો છે. આ માર્ગે વિરહીજનો જ ચાલી શકે છે. ભૂતલના ભાવ વિજાતીય કોઈપણ પરિકર સાથે સંબંધ વિરહમાર્ગનો પથિક રાખી શકતો નથી. કારણ કે આ સ્વરૂપ લોકાતીત છે, તેથી ભૌતિક જગત સાથે સંબંધ રાખવાથી તે સ્વરૂપનો અનુભવ થઈ શકતો નથી. તેથી એક પ્રાણ વલ્લભના સ્વરૂપ સિવાય અન્ય કોઈનો પણ સંબંધ થતાં જ વિરહભાવનું તિરોધાન થઈ જાય છે. આ રતિ પથનો પથિક જ્યારે વ્યસન ભાવમાં પ્રવેશ કરે છે ત્યારે પ્રિયતમના વિયોગની એક ક્ષણ સો યુગ જેવી વ્યથાકારી બની જાય છે. આ વ્યસન ભાવમાં પ્રિયતમના સ્વરૂપ સિવાય અન્ય સર્વનો ત્યાગ સહજ થઈ જાય છે. આ જ વિરહ અવસ્થા છે. એટલે વ્યસન અને વિરહાનુભવ બન્ને એક જ છે. શ્રી હરિરાય પ્રભુએ એક પદમાં પોતાના અનુભવને કથ્યો છે.
 
‘‘ભૂલ જીન જાય મન અનત મેરો........’’ આ પદની છેલ્લી તુકમાં :
 
રસિક શિર કર ધરો ભવદુઃખ પર-હરો કરો કરૂણા મોહી રાખી નેરો.’’ ‘‘ભવ દુઃખ પર હરો’’ શ્રી હરિરાયચરણનું સ્વરૂપ તો અલૌકિક છે. સ્વામિની ભાવ સ્વરૂપમાં સદૈવ સ્થિત છે, તેમને ભવ દુઃખ કેમ ઘટે ? આવી આકાંક્ષામાં કથવાનું કે આપ જે ’ભવ દુઃખ’ કહી રહ્યા છે તે તો અનંત યુગલોના એવા શ્રી વલ્લભાગ્નિ સ્વરૂપના અનુભવ વિના અન્ય ભાવોને ભવ દુઃખ રૂપે કહી રહ્યા છે.
 
‘‘અન્ય સંબંધતે અધિક ડરપત રહું.’’ વિરહના અનુભવમાં પ્રાણવલ્લભના સ્વરૂપ સિવાય અન્ય સંબંધ વિરહીજનને મૃત્યુ સમાન દુઃખ ઉત્પન્ન કરે છે. વિજ્ઞપ્તિમાં શ્રી પ્રભુચરણ આજ્ઞા કરે છે – ‘‘અન્ય સંબંધ ગંધોડપિ કંધરામેવ બાધતે.’’ અન્ય સંબંધની ગંધ પણ મૃત્યુ જેવું દુઃખ ઉત્પન્ન કરે ત્યાં અન્ય વ્યક્તિનો સંબંધ કેમ રહી શકે ? ‘‘વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશકઃ’’ આ નામમાં પહેલા સર્વત્યાગ કર્યા પછી જ શુદ્ધ વિરહનો અનુભવ થાય છે. તેવું આ નામનું તાત્પર્ય છે.
 
(1) ‘‘નિગૂઢ હૃદયોનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશયઃ’’ અનન્યતા જેને તેને પ્રાપ્ત થતી નથી. પોતાના અહંના વિસ્મરણ વિના અનન્યતા કહાં ? પોતાનું અહં નિર્મુળ થવું તે શ્રી વલ્લભના સ્મરણ ચિંતન વિના શક્ય નથી.
 
(2) ‘‘રસિકા એવ જાનંતિ ગોપીશઃ ‘પ્રેમજ સુખં’ ‘‘રસિકા કામ વર્જિતા’’ વિરહાગ્નિથી સર્વાત્મભાવ પ્રાપ્ત કર્યા વિના રસિકતા કહાં ? વિરહાગ્નિમાં ‘કામ’ (સ્વસુખનો સ્વાર્થ) દગ્ધ થઈ જાય છે પછી રસિકતા પ્રાપ્ત થાય છે. શ્રી હરિરાયચરણનું ‘રસિક’ નામ વિરહ સમુદ્રમાં નિમગ્નતાનું સુચક છે. ‘‘ગોપીશ પ્રેમજં સુખં’’ દિવ્ય પ્રેમ અગણિત તત્સુખ ભાવથી ભરેલો છે. તે સાગર સમાન દિવ્ય પ્રેમને ધારણ કરવાની પાત્રતા વિરહાનુભવથી જ સિદ્ધ થાય છે.
 
(3) ‘‘શુદ્ધાપ્રેમ્ણાતિ દુર્લભા’’ આવા અતિ દુર્લભ પ્રેમી ભક્તોનું માહાત્મ્ય પ્રક્ટ કર્તા પ્રભુ ઉદ્ધવજી પ્રતિ કહી રહ્યા છે :
 
જહાં જહાં ભક્ત મેરો ચરણ ધરત હે,
તહાં તીરથ ચલી આવે ।
વે રજ લે અંગ લગાવે,
કોટિ બ્રહ્માંડ સુખ પાવે ।।
 
(4) સુ. 3-6-35માં આપશ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે યોગમાયા એક ક્ષણમાં કોટિ બ્રહ્માંડને રચવાની શક્તિવાળી છે. જેવું આ યોગમાયામાં સામર્થ્ય છે, તેવુંજ સર્વાત્મ ભાવવાળા સ્વાધીના ભક્તિ પ્રાપ્ત થયેલ ભક્તોમાં પણ રહેલું છે.
‘‘શ્રી વલ્લભાગ્નિ પ્રકટીત પુષ્ટિ ભક્તિમાર્ગની સર્વોત્કૃષ્ટતા’’ એ શિર્ષકનો આ લેખ શ્રી વલ્લભાગ્નિની અતિ કરૂણતાથી પ્રાપ્ત થતો સ્વકીયોનો મહાન અભ્યુદય છે. અને તે ધર્મી વિપ્રયોગાત્મક ફલાનુભવનો નિર્દેશક છે. આવા મહાન ફલના અધિકારી પણ કોટીમાં વિરલા છે. તેથી જ કહ્યું છે કે :
 
રસિક યૂથ બહુ ના મીલે સિંહ ટોલ નહિ હોય
વિરહવેલ જહાં તહાં નહી, ઘટ ઘટ પ્રેમ ન જોય

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.