પરમ પુરુષાર્થ વિરહ
spacer
spacer

- શ્રીવલ્લભપાદપદ્મમિલિન્દ

(ગતાંકથી ચાલુ)
તનુ વિત્તજા સેવા સંયોગરૂપ છે, અને આ સેવામાં (ભક્તોની ભૌતિક અવસ્થામાં) આનંદનો અનુભવ થતો હોવાથી તે સમયે તાપભાવ થતો નથી. કોઈ વિરલ ભક્તોમાં પ્રિયમાં તત્સુખ સ્નેહની પ્રાબલ્યતા હોય છે તેને સેવામાં સંયોગ સમયે પણ પ્રિયતમના સુખનો તાપકલેશ રહી આવે છે.
 
શ્રી હરિરાયપ્રભુ શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે સેવા સ્મરણ ગુણગાન વિગેરે તાપભાવ પૂર્વક કરવા. આવી આજ્ઞાનું રહસ્ય તાપભાવથી જ આધિદૈવિકતા પ્રાપ્ત થાય. અગણિતાનંદના ભોક્તા પ્રિયપ્રભુની સાક્ષાત તત્સુખાત્મક સેવા થઈ શકે. લીલાસ્થ ભક્તોની આધિદૈવિકતામાં અનિર્વચનીય દિવ્ય પ્રેમનો સમુદ્ર ભરેલો રહે છે. અને સમુદ્રમાં જેમ પ્રતિક્ષણ તરંગો પ્રગટ થયા કરે છે તેમ ક્ષણે ક્ષણે પ્રિયના સુખા વિવિધ ભાવો પ્રગટ થયા જ કરે છે. આવા તત્સુખાત્મક ભાવોથી લીલાસ્થ ભક્તો પ્રિયતમની અખંડ સેવા કરી રહ્યા છે. ‘‘નિત્યલીલા નિત્ય નૌતન શ્રુતિ ન પામે પાર’’
 
તનુ-વિત્તજા સેવામાં પણ તાપ ભાવનો પ્રસંગ શ્રીનારાયણદાસ બ્રહ્મચારીજીની વાર્તામાં જાણવા મળે છે. શ્રી ચંદ્રમાજીએ પ્રસન્ન થઈ નારાયણદાસજીને આજ્ઞા કરે છે કે ‘‘તુ માંગ, હું તારી ઉપર પ્રસન્ન થયો છું.’’ ત્યારે નારાયણદાસજીએ પ્રભુને વિનંતી કરી કે, ‘‘આપશ્રી ગુસાંઈજીના ઘરે પધારો.’’ આવું માગવાનું કારણ શ્રીગુસાંઈજી સ્વામિનીજી સ્વરૂપ છે. તેમનાથી મારા પ્રિયને અગણિત સુખ મળશે. લીલાસ્થ શ્રી સ્વામિનીજીઓમાં એવું અચિન્ત્ય સામર્થ્ય રહેલું હોય છે કે એક ક્ષણમાં વિવિધ પ્રકારના દિવ્ય ગુણોવાળા પોતાના કોટાન કોટિ સ્વરૂપોને પ્રગટ કરી પ્રિયતમને વિલસાવતા હોય છે. શ્રીસ્વામિનીજીઓના આવા સામર્થ્યને શ્રીવલ્લભ ભાનુની કૃપાથી નારાયણદાસજી જાણતા હોવાથી પ્રિયના સુખની જ પ્રિયની પ્રસન્નતામાં યાચના કરી. આમ પ્રિયના સુખનો વિચાર તનુ-વિત્તજા સમયે થવો કોઈ વિરલ ભક્તોમાં જ હોય છે. શ્રીવલ્લભનું તત્સુખાત્મક સ્નેહ સ્વરૂપ જે ભક્તોમાં બિરાજે છે તેને સંયોગમાં પણ પ્રિય પ્રભુના સુખનો તાપભાવ રહી જ આવે છે.
 
પ્રત્યક્ષ વિરહ એ પ્રભુ પ્રેમની સર્વોત્કૃષ્ટ અવસ્થા છે. તે તો વ્યસન ભાવ પછી બને. આવો વિરહ સંયોગમાં નહી રહેતો હોવાથી શિતલ ભાવને પ્રગટ કરે છે, અને તેથી પ્રિયને સુખદ એવી આધિદૈવિકતા પ્રાપ્ત થતી નથી. આ આધિદૈવિકતા રસભર્યા તાપાત્મક ગુણગાનથી સિદ્ધ થાય છે. તેથી જ નિરોધ લક્ષણ ગ્રંથમાં આપે ગુણગાનની જ આજ્ઞા કરી છે. સંયોગાત્મક લઘુ રાસ પછી પ્રિય પ્રભુનું તિરોહિત થવું અને વિપ્રયોગમાં શ્રીગોપીજનોનું રસભર્યું તાપાત્મક ગુણગાન કરવું તેમાં ઉપરોક્ત રહસ્ય રહેલું છે.
 
તાપભાવ વિના આધિદૈવિકતા સિદ્ધ થતી નથી. તો આ અવસ્થા વિના મહા અલૌકિક પ્રિય પ્રભુને સુખદ કેમ બનાય ? અગણિત રસાનુભવ પ્રિયતમને કેમ કરાવી શકાય ? આવી અવસ્થા તાપાત્મક ગુણગાનથી જ થાય છે. તેથી અદેયદાનમાં દક્ષ, મહા કારૂણિક સ્વામીએ આપણે સ્વકીયો નિરવધિ રસને ધારણ કરવામાં પાત્ર બનીયે તે માટે તાપાત્મક ગુણગાન કરવું તેવી હિતકૃત આજ્ઞા કરી છે. આવા રસાત્મક-તાપાત્મક ગુણગાનમાં શ્રીવલ્લભનું વિરહ ભાવાત્મક-તાપાત્મક સ્વરૂપ રહેલું છે. તેથી આ ગુણગાનમાં વિરહ ભાવાત્મક શ્રી વલ્લભનો આશ્રય પણ સિદ્ધ થાય છે.
 
સેવા પણ ન થઈ શકે. ગુણગાન પણ ન થઈ શકે તો ફક્ત આપશ્રી વલ્લભના નામનું તત્સુખના તાપ ભાવપૂર્વક સ્મરણ કરવું હે નાથ ! હું આપને સુખદ ક્યારે બનીશ. આવા ભાવપૂર્વક સ્મરણ કરવું. તેથી પણ વિરહ ભાવાત્મક શ્રીવલ્લભનો આશ્રય સિદ્ધ થાય છે. આ કથનના પ્રમાણમાં મર્મજ્ઞ શિરોમણિ શ્રીહરિરાય પ્રભુનો નીચે મુજબનો શ્લોક –
 
શબ્દાર્થ યોનિત્યતાવદ્ ભક્તિરાત્યન્તિકી હરૌ ।
ઉદેતિ ‘શ્રીવલ્લભે’તિ નામોચ્ચારણ માત્રતઃ ।।
 
શ્લોકાર્થ –જેમ સતત શબ્દનું ઉચ્ચારણ થતાં અચુક અર્થ ઉઠે છે, તેમ ‘‘શ્રીવલ્લભ’’ આ નામના ઉચ્ચારણ માત્રથી શ્રીહરિમાં એકાંતિક (વિરહાત્મક) ભક્તિ ઉદય પામે છે. નામ અને નામમાં રહેલો અર્થ, આ બન્નેનો નિત્ય સંબંધ રહેલો છે. નામનો અર્થ એટલે નામનો ગુણ. જેવી રીતે જળનો ગુણ શિતલતા છે, અને અગ્નિનો ગુણ ઉષ્ણતા છે. તે સાથે જ રહેતા હોય છે. તેમ શ્રીવલ્લભ તાપાત્મક સ્વરૂપ છે, તેવું તાપાત્મક આપનું નામ છે. આપનો તાપાત્મક ગુણ નામ સાથે રહેલો જ છે. તેથી સ્મરણ કરનારમાં તાપાત્મક ભાવને પ્રગટ કરે છે. અથવા શ્રીવલ્લભ નામના સ્મરણ માત્રથી વિરહાત્મક ભક્તિનો ઉદય થાય છે ! ‘‘ઉપજત તાપ છિનક સાન્નિધ્યમેં, દેત વિરહ આનંદરસ કેવલ’’. આ વિરહાત્મક ભક્તિમાં તત્સુખના તાપભાવવાળો નિરવધિ રસ ભરેલો રહે છે. અથવા વિરહાત્મક ભક્તિનો ઉદય થતાં અગણિત રસને ધારણ કરવાની પાત્રતા સિદ્ધ થાય છે. શ્રીવલ્લભ નામનો આવો મહિમા જાણીને માત્ર શ્રીવલ્લભ નામનું જ તત્સુખના તાપભાવ પૂર્વક સ્મરણ કરવું.
 
પ્રશ્ન – તનુ-વિત્તજા સેવામાં પણ તાપકલેશનો અનુભવ કેવી રીતે થાય ?
 
ઉત્તર – સ્નેહની પ્રાબલ્યતાવાળા બડભાગી ભગવદીયને સેવ્ય સ્વરૂપની સેવામાં સંયોગ સમયે પણ પ્રિય પ્રભુના સુખનો તાપભાવ રહી આવે છે. આવા તત્સુખી સ્નેહી ભક્તને પોતાના સેવ્ય સ્વરૂપનું જ્ઞાન થયેલું હોય છે કે-આપ તો નિત્યલીલા ધામમાં નિત્ય સિદ્ધા શ્રીસ્વામિનીજીઓથી સેવ્યમાન છે. વળી નિત્ય સિદ્ધા શ્રીસ્વામિનીજીઓનું પણ આ બડભાગી ભક્તને જ્ઞાન થયેલું હોય છે કે-આ શ્રીસ્વામિનીજીઓ તત્સુખી તાપાત્મક સ્નેહના અને સૌન્દર્યતા આદિ દિવ્ય ગુણોના સાગરરૂપ છે. તેથી જેમ સાગરમાં પ્રતિ ક્ષણ તરંગ નવા નવા પ્રગટ થયા જ કરે છે, તેમ આ શ્રીસ્વામિનીજીઓમાંથી વિલક્ષણ પ્રકારના તત્સુખી તાપાત્મક સ્નેહ ભાવના તરંગો પ્રતિક્ષણ પ્રગટ થતા હોય છે, અને તેજ પ્રકારે શ્રીસ્વામિનીજીઓના શ્રીઅંગમાંથી પ્રતિક્ષણ નૂનન સૌન્દર્યતા પ્રગટ થતી હોય છે.
 
શ્રીગોકુલેશ પ્રભુ વલ્લભાષ્ટકના પ્રથમ શ્લોકમાં આ શ્રીસ્વામિનીજીઓને ‘‘પ્રતિક્ષણ તરૂણાનંદ વિગ્રહ’’ કહે છે. આવા શ્રીસ્વામિનીજીઓથી મારૂ સેવ્ય સ્વરૂપ નિત્યલીલા ધામમાં સેવ્યમાન છે. જેમાં અગણિત સાગર સમાન તત્સુખી સ્નેહ અને દિવ્ય સૌન્દર્યતા રહેલી છે, તેવા મારા પોતાના દિવ્ય સ્વરૂપને પ્રાપ્ત કરીને પ્રિય પ્રભુના સાક્ષાત સ્વરૂપની સુખદ સેવા હું ક્યારે કરીશ ? આવો તાપભાવ તનુ વિત્તજા સેવા સમયે પણ આવા બડભાગી ભગવદીયને રહી આવતો હોય છે. તનુ વિત્તજા સેવા નિષ્ઠ ભગવદીયોએ ‘‘સેવા’’ શબ્દનું વાસ્તવિક સ્વરૂપ અથવા રહસ્ય ઉપરોક્ત કથન મુજબ વિચારણીય છે.
 
શ્રીવલ્લભાગ્નિએ પોતાના તત્સુખાત્મક તાપાત્મક સ્નેહ સ્વરૂપનું દાન નિજ્જનોને કરેલું છે. તેથી નિજ્જનોને પોતાના સેવ્ય સ્વરૂપને નિરવધિ (અગણિત) સુખ આપવા માટેનો તાપભાવ બન્યો જ રહે છે. અગણિત રસને પ્રાપ્ત કરીને અગણિત રસથી પ્રિયતમની સુખદ સેવા શ્રીવલ્લભાગ્નિના તાપાત્મક સ્નેહ સ્વરૂપના દાનથી જ થાય છે. અથવા નિરવધિ રસને પ્રાપ્ત કરાવનારું શ્રીવલ્લભાગ્નિનું તાપાત્મક સ્વરૂપ જ છે.
 
શ્રી વલ્લભાષ્ટકના પ્રથમ શ્લોકમાં ‘‘સન્મનુષ્યાકૃતિરતિ કરૂણસ્તં પ્રપદ્યે હુતાશમ્’’ શ્રીમત્ પ્રભુચરણ ‘હુતાશ’ સ્વરૂપના શરણની પ્રાર્થના કરે છે. ‘હુતાશ’ સ્વરૂપ એ અલૌકિક આનંદમય અગ્નિ સ્વરૂપ છે. અથવા તાપાત્મક સ્વરૂપ છે. આ તાપાત્મક સ્વરૂપ શ્રીવલ્લભ જ્યારે હૃદયમાં પધારે ત્યારેજ અગણિત રસાનંદને ધારણ કરવાની પાત્રતા સિદ્ધ થાય છે. અને ત્યારે નિરવધિ-(અગણિત) રસથી પ્રિયતમની તત્સુખાત્મક સેવા થઈ શકે છે. ‘હુતાશ’ સ્વરૂપના શરણની પ્રાર્થનામાં આવું ગૂઢ રહસ્ય રહેલું છે. તેથી શ્રીગુસાંઈજી પોતાના નિમિતે શ્રીવલ્લભના જનોને હુતાશના શરણે જવાની આજ્ઞા કરી રહ્યા છે તેવો ધ્વનીતાર્થ પ્રાપ્ત થાય છે.
 
જેમ રજના કાચા ઘડાને નિભાડાની અગ્નિમાં પકાવવામાં આવે છે. પછી જ તેમાં જલ ભરાય છે. તેમ તાપાત્મક ભાવ ભક્તના પ્રાકૃત અંશને દગ્ધ કરી તેના સંઘાતમાં આધિદૈવિકતા સિદ્ધ કરે છે. આ આધિદૈવિકતા અગણિતાનંદને ધારણ કરી શકે છે. તેથી જ વિરહને પરમ પુરુષાર્થ રૂપ કહેલ છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.