પરમ પુરુષાર્થ વિરહ
spacer
spacer

લેખક : શ્રીવલ્લભપાદપદ્મમિલિન્દ

(ગતાંકથી ચાલુ)
 
પ્રશ્ન – સેવામાં આપણો સ્વારથ કેમ કહેવાય ?
ઉત્તર – માર્ગ મર્યાદા પ્રમાણે તનુ-વિતજા સેવા કરનારને આનંદનો અનુભવ થાય તેવો સેવામાર્ગ શ્રીવલ્લભે પ્રગટ કર્યો છે. પરન્તુ આ પ્રકારે સેવાના આનંદમાં શિતળભાવ રહી આવવાથી-અથવા તાપભાવ નહી રહેવાથી પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક આધિદૈવિકતા સિદ્ધ થતી નથી. અને આધિદૈવિકતા વિના મહા-અલૌકિક પ્રિયપ્રભુના સાક્ષાત સ્વરૂપની તત્સુખાત્મક સેવા થઈ શકતી નથી. સાક્ષાત સેવામાં પણ તત્સુખનો તાપભાવ રહી જ આવે ત્યારે પ્રિય પ્રભુનો સ્વારથ સિદ્ધ થાય. (જેનાથી પ્રભુ પ્રસન્ન થાય તેવી સેવા કહેવાય.) કારણકે પ્રભુ અગણિત રસાનંદના ભોકતા છે. અને આ અગણિત રસની પ્રાપ્તિ તાપભાવથી જ થાય છે. આધિદૈવિકતામાં જ અગણિતાનંદ રહેલો છે. માનસી સેવા અગણિત રસાનંદથી ભરેલી છે. તે તાપાત્મક ગુણગાનથી આધિદૈવિકતા પ્રાપ્ત થાય છે. અગણિત રસાનંદથી જ્યારે પ્રિય પ્રભુની સેવા થાય ત્યારે પ્રભુનો સ્વારથ સિદ્ધ થયો કહેવાય ! તાપાત્મક ગુણગાન આધિદૈવિકતા પ્રાપ્ત કરાવીને અગણિત રસનું પાત્ર બનાવે છે. તેથી જ નિરોધ લક્ષણ ગ્રંથમાં ગુણગાનની જ આજ્ઞા કરી છે.
 
નિરોધ લક્ષણમાં-‘‘તસ્માત્ સર્વં પરિત્યજ્ય નિરૂધ્ધૈઃ સર્વદા ગુણાઃ’’. એમ જે આપે આજ્ઞા કરી છે તેની સંગતિ ગોપીગીત સાથે થાય છે. શ્રીગોપીજનોને લઘુરાસમાં પ્રિયતમે સ્વરૂપાનંદનો અનુભવ કરાવ્યો. આ સ્વરૂપાનંદને તેઓ ધારણ ન કરી શક્યા. અને સૌભગ મદ થયો તેથી પ્રભુ અંતરહિત થઈ ગયા. ત્યારે શ્રીગોપીજનોએ પ્રિય પ્રભુની ખોજ કરી તો પણ પ્રાપ્ત ન થાય, ત્યારે બધા વ્રજભક્તોએ સાધનો છોડી શ્રીયમુનાજીની પુલિનમાં આવી રસભર્યું તાપાત્મક ગુણગાન કરવા લાગ્યા. તેની સંગતિમાં ગુણગાનની આપે આજ્ઞા કરી છે એમ જણાય છે.
 
પ્રિય વિયોગની માધુરી વ્યથા ભર્યા આ ગોપીગીતનું ગાન આ પ્રકારે કરવું કે પ્રથમ આ વિરહ વ્યથીત શ્રીગોપીજનોના ચરણ કમલનું ધ્યાન કરવું. પશ્ચાદ્ નમન કરવું. તદનંતર કૃપણવત યાચના કરવી કે હે મહાસૌભગ ! હું દીન કિંકરી પ્રભુને સુખદ બનું તદર્થ આપના ચરણાંભોજ રેણુની કામના કરૂં છું. આપ કૃપા કરીને દાન કરો.
 
શ્રીહરિરાય પ્રભુનું એક પદ છે-‘‘પરમ રસ પાયો વ્રજકી નારી’’. આ પદની અન્તીમ પંક્તિમાં-‘‘રસિક ચરણરજ વ્રજયુવતીનકી અતિ દુર્લભ જીય જાન’’. વિરહાબ્ધિમાં નિમગ્ન શ્રીગોપીજનોની ચરણ રજની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. (વિરહાબ્ધિમાં નિમગ્ન શ્રી ગોપી જનોના વિરહ સમુદ્રમાં શ્રીવલ્લભ વિરહાગ્નિ સ્વરૂપ વિહાર કરી રહેલ છે. ‘‘વિહારાન્કુર્વાણા વ્રજપતિ વિહારાબ્ધિષુ સદા’’.
 
અહિં ‘‘ચરણરજ’’નો અર્થ સ્નેહ થાય છે. શ્રીગોપીજનોનો પ્રિયતમ પ્રત્યેનો સ્નેહ સમુદ્રની ધારાવત અખંડ વહયા કરે છે. આવા સ્નેહરૂપી રજની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. શ્રી ગોપીજનોના સ્નેહની અવિરત ધારા પ્રિય પ્રત્યે જોઈને મહાજ્ઞાની ઉદ્ધવજી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા અને શ્રીગોપીજનોના ચરણ રજની કૃપણવત યાચના કરે છે.
 
આ સ્નેહ રૂપી રજની પ્રાપ્તિને અતિ દુર્લભ કેમ કહી તેનું કારણ સ્વયં પ્રિય પ્રભુજ શ્રીમુખથી કહી રહ્યા છે.
 
તુમને કરી સો કોઉ ન કરે સુન નવલકિશોરી ।
લોક વેદકી સુદ્રઢ શૃંખલા તૃણ સમ તોરી ।।
 
શ્રીગોપીજનોએ પ્રિયતમને સુખદ બનવા દુઃસહ વિરહનો અનુભવ કર્યો. લોક-વેદના ત્યાગ કરતા પણ પ્રિય વિયોગ-વ્યથા અતિ દુઃસહ છે. શ્રી ગોપીજનો પ્રિયના સ્વરૂપને જાણતા હતા કે આપ અમોઘ વીર્ય છે. એટલે કોટન કોટિ ભક્તોથી વિહાર કરવા છતાં, તેનો સુખાનુભવ કરવા છતાં તૃપ્તિનો અભાવ જ રહે છે. અથવા અતૃપ્ત જ રહે છે. આવા પ્રિયને સુખદ બનવા તેવાજ પાત્ર બનવું જોઈએ. આવી અગણિત રસને ધારણ કરવાની પાત્રતા તો પોતાનું ‘‘અહં’’ ન ભૂલાય ત્યાં સુધી ન બને.
 
‘‘એવં મદર્થોજ્જીત લોક વેદ સ્વાનાં’’ (સુ. 10-29-21) ઉપરના ટિપ્પણીજીમાં શ્રી મત્પ્રભુચરણ આજ્ઞા કરે છે કે-લોકવેદનો ત્યાગ કરવો કઠીન છે. તેમાં પણ સ્વાનાં એટલે પોતાના આત્માનો ત્યાગ અતિ કઠીન છે. શ્રી ગોપીજનોએ પોતાના આત્માનો પણ પ્રિય પ્રભુ માટે ત્યાગ કર્યો છે, તે કેવી રીતે – ગોપીગીતના વ્યથાભર્યા ગાન સમયે અન્તીમ તેમની મૂર્છિત અવસ્થા બની ગઈ છે. પોતાનું વિસ્મરણ થઈ ગયું છે (તેનું નામજ આત્માનો ત્યાગ) પોતાનો આત્મા પ્રિયતમના સ્વરૂપમાં પ્રવેશી ગયો છે, દેહ નિર્જીવ જડવત બની ગયો છે. આવા પ્રકારના પોતાના આત્માનો ત્યાગ દુઃસહ પ્રિય વિયોગ વ્યથા ભર્યા ગાનમાં કર્યો છે.
 
બીજી વિશેષતા શ્રીગોપીજનોની એ છે કે પ્રિય પ્રભુ સ્વમુખથી આજ્ઞા કરે છે કે – લોક વેદ અને સ્વનો ત્યાગ ગોપીજનોએ કર્યો છે તે મને મેળવીને નહી પરન્તુ મને મેળવ્યા પહેલા મારા માટે જ, મને સુખદ બનવા માટે જ ત્યાગ કર્યો છે.
 
દિવ્ય પ્રેમની એક બિન્દુમાં એવું સામર્થ્ય છે કે લોક વેદ અને સ્વ પોતાનું વિસ્મરણ કરાવી દે છે તો પ્રેમના સાગર સ્વરૂપ પ્રિય પ્રભુને પ્રાપ્ત કરીને સર્વ ત્યાગ થાય તેમાં શું આશ્ચર્ય ? પ્રિયને પ્રાપ્ત કર્યા પહેલા પ્રિયને સુખદ બનવા માટે જે દુઃસહ વિરહનો અનુભવ કરવો પડે છે તે અસહ્ય દુઃખને કોઈ સહન કરી શકતું નથી. તેથી જ કહ્યું –
 
‘‘તુમને કરી સો કોઉ ન કરે,
સુન નવલકિશોરી’’
 
આવા ત્યાગથી પ્રિય પ્રભુની સ્તુતિના વિષય શ્રીગોપીજનો બની ગયા છે. શ્રી ગોપીજનોએ પ્રિયને સુખદ બનવા દુઃસહ વિરહની વ્યથા ભોગવી છે તેથી પ્રિયની સ્તુતિના વિષય બન્યા અને પ્રભુ તેમના સદૈવ રૂણિ થઈ ગયા. આવા પ્રિય પ્રભુનેઅતિ પ્રિય શ્રીગોપીજનોના ચરણ કમલને વંદન કરી દુર્લભ ચરણરેણુ દાનની પ્રાર્થના કરી પશ્ચાદ્ ગોપીગીતનું ગાન શરૂ કરવું. ગોપીગીતના પ્રત્યેક શબ્દોમાં તાપાત્મક રસ ભર્યો છે તે શબ્દોના રહસ્યને હૃદયમાં ઉતારતા જવું. શબ્દોમાં જેવા ભાવો છે તે ભાવો આપણા હૃદયમાં પ્રવેશ કરે ત્યારે ત્યારે પ્રભુ વિયોગ વ્યથાને ઉત્પન્ન કરે છે. આવા પ્રકારના ગુણગાનથી જેમ શ્રી ગોપીજનો લોક વેદ અને પોતાને વિસ્મરી ગયા તેમ આપણી પણ સ્થિતિ બને છે. અને નિરંતર આવા તાપાત્મક ગુણગાનથી થોડા કાળમાંજ અમોઘવીર્ય પ્રિયતમને હૃદય નિકુંજમાં બિરાજવાનું અધિષ્ઠાન (પાત્ર) સિદ્ધ થઈ જાય છે.
 
પ્રિય પ્રભુની સત્વરે પ્રાપ્તિ વિપ્રયોગના અનુભવથી જ થાય છે. કારણ કે વિપ્રયોગ ત્યાગાત્મક હોવાથી લોકાતીત અવસ્થા જેમ જેમ બનતી જાય છે તેમ તેમ દિવ્ય પ્રેમ રાજ્યમાં પ્રવેશ થતો જાય છે.
 
કિલશ્ય માનાન્ જનાન્ દ્રષ્ટવા
કૃપા યુક્તો યદા ભવેત્ ।
તદા સર્વં સદાનન્દં
હૃદિસ્થં નિર્ગતં બહિઃ ।।
 
નિરોધ લક્ષણના ઉપરોક્ત શ્લોક કથીતં માયાના આવરણને દૂર કરીને પ્રિય પ્રભુ લીલાધામ સહ પ્રગટ થઈ જાય છે. તેથી એકાન્ત અને એકાગ્ર ચિતથી પોતે એકલા જ પરોક્ષમાં સેવ્ય સ્વરૂપના ભાવાત્મક-માનસી સ્વરૂપના અનુસંધાન પૂર્વક આ ગીતનું અર્થાત્ અષ્ટ સખાદિના પદોનું પોતે એકલા અથવા સમાન શિલ સાથે ગાન કરવું. ગોપીગીતના પ્રથમ શ્લોકનું પ્રથમ વાક્ય ‘‘જયતિ’’ છે તેનું રહસ્ય ‘અજીત’ એવા પ્રિયતમ પ્રભુને વશીભૂત કરવારૂપ જે ‘વિજય’ શ્રીગોપીજનોએ મેળવ્યો તે આ રસભર્યા તાપાત્મક ગુણગાનથી જ તે પ્રમાણે આપણે પણ જો ગુણગાન કરીયે તો નિઃસંદેહ પ્રિય પ્રભુની પ્રાપ્તિ થાય છે જ.
 
શંકા-શ્રીગોપીજનો જેવો અધિકાર આપણે આધુનિક જીવોને કેમ પ્રાપ્ત થાય ? શ્રીહરિરાયચરણે એક પદમાં કહ્યું છે.
 
શ્રીવલ્લભ મેરી કૃતિ જીન દેખો ।
ક્ષણ ક્ષણમેં અપરાધ પરતહે,
ગીનત ન આવે લેખો ।।
 
ઉપરોક્ત પદાનુસાર આધુનિક જીવો ક્ષણ ક્ષણમાં અનેક અપરાધ કરનારાને શ્રીગોપીજનો જેવા અધિકાર કેવી રીતે પ્રાપ્ત થાય ?
 
સમાધાન-શ્રીમહાપ્રભુજીની એક વધાઈમાં કહ્યું છે-
પ્રગટ વ્હે મારગ રીત દીખાઈ ।
 
સેવા રીત પ્રિત વ્રજજનકી,
જન હિત જગ પ્રગટાઈ ।।
 
સેવાની રીત અને તત્સુખાત્મક પ્રીત જેવી શ્રીગોપીજનોની છે તેજ પ્રકારનો માર્ગ નિજ્જનો માટે પ્રગટ કર્યો છે. અહીં આવશ્યકતા શ્રીગોપીજનોએ પ્રભુને સુખદ બનવા જેવો ત્યાગ કર્યો છે અને દુઃસહ વિરહનો અનુભવ કર્યો છે તેની છે. ‘‘ગોપીનકે મનમેં મન દીજે’’ આ મહાનુભાવના કથન મુજબ જેવો શ્રીગોપીજનોનો ત્યાગ અને જેવી તેમની પ્રિય પ્રભુને સુખદ બનવાની ભાવના, તેવો ત્યાગ અને તત્સુખભાવ વાળુ જીવન બનાવવાથી શ્રીગોપીજનો જેવોજ અધિકાર પ્રાપ્ત થાય છે. જો તેમ ન હોત તો માર્ગને પ્રગટ કરવાનું શું પ્રયોજન ?
 
‘‘જેની જેમાં શ્રદ્ધા તે તેવોજ થાય છે’’ આ શ્રુતિના કથન મુજબ શ્રીગોપીજનોના તત્સુખ સ્નેહભાવને હૃદયમાં ધારણ કરવાથી શ્રીગોપીજનોના જેવો અધિકાર પ્રાપ્ત થાય છે. અથવા શ્રીગોપીજનોના તત્સુખાત્મક સ્નેહભાવને હૃદયમાં ધારણ કરવો તેનું નામ જ શ્રીગોપીજનોના ચરણ રજની પ્રાપ્તિ છે. આ કથનની સંગતિમાં સુ. 10-44-62 ઉપરના શ્રીસુબોધિનીજીમાં જીજ્ઞાસુઓએ અવલોકવું.
 
વસ્તુતઃ તો શ્રી ગોપીજનોને પણ પ્રિય પ્રભુની પ્રાપ્તિ તાપાત્મક સ્વરૂપ શ્રી વલ્લભની કૃપાથી જ થઈ છે. શ્રી પદ્મનાભદાસ પોતાની પદ કૃતિમાં તે રહસ્યને પ્રગટ કરે છે –
 
‘‘વૃન્દાવન વિરહ વહ્લિ
ચરન સમીપ બીન નાહિન
લાલ પ્રાપ્તિ તાકો પ્રમાણ
રાસમંડલમેં પાઇયત.’’
 
આધુનિકોને પણ શ્રીવિરહ વહ્લિ શ્રીમહાપ્રભુજીની કૃપાથીજ આપશ્રીના ચરણકમલના આશ્રયથી જ-પ્રભુ પ્રાપ્તિ સુલભ છે. દયારામભાઈએ પણ તેજ કહ્યુ છે-‘‘શ્રીવલ્લભ શરણ થકી સહુ પડે સહેલું.’’
 
પ્રિય મિલનની સાધનામાં એકાન્ત અને એકાગ્રતાની અતિ આવશ્યકતા રહેલી છે. ‘એકાન્ત’માં સ્થુલ અને માનસી બન્નેનો સમાવેશ થાય છે. સ્થુલ એકાન્ત પોતાના ગૃહમાં કે અન્ય સ્થાનમાં. અને માનસી એકાન્ત મનની સમસ્ત વૃત્તિઓને બહારના પ્રાકૃત પ્રપંચમાંથી સમેટી લઈને ધ્યેય સ્વરૂપમાં જોડવી તે માનસી એકાન્ત છે.
હવે ‘‘એકાગ્રતા’’ એ ચિત્તનો વિષય છે. જ્યારે ગુણગાન થતું હોય ત્યારે પ્રભુની પ્રત્યક્ષ કે પરોક્ષતામાં આપના સ્વરૂપનું ધ્યાન કરતા રહેવું. ચિત્તનો અભિનિવેશ પ્રિયના સ્વરૂપમાં કરવો. અને ગાનમાંથી જે રસભર્યા તાપાત્મક ભાવો પ્રગટ થાય તે પ્રિયના ભાવાત્મક સ્વરૂપમાં સમર્પવા. શ્રીગોપીજનો જે ગાન કરે છે તેમાં જે વાક્યો પ્રગટ થાય છે તે જાણે પ્રિય પ્રત્યક્ષ હોય અને આપને સમ્બોધિને કહેતા હોય તેવો ધ્વનીતાર્થ પ્રાપ્ત થાય છે.
 
શ્રી ગોપીજનો પ્રિય વિના એક ક્ષણ પ્રાણ ધારણ કરવા સમર્થ નથી. સ્વરૂપામૃત એજ તેમનું જીવન છે. તેથી જો પ્રિયનું માનસી-ભાવાત્મક સ્વરૂપ વિપ્રયોગ સમયે તેમનાથી અળગુ રહે તો તેમની દશમી અવસ્થા બની જાય. તેથી ગાન સમયે અને અન્ય સમયે પણ પ્રિયનું ભાવાત્મક સ્વરૂપ તેમની સમક્ષ રહેલું જ હોય છે. તે સ્વરૂપને સમ્બોધિને કહી રહ્યા છે. તેમ ગુણગાનમાંથી પ્રગટ થતા તાપાત્મક ભાવો પ્રભુના માનસી સ્વરૂપના ધ્યાન પૂર્વક માનસી-ભાવાત્મક સ્વરૂપમાં સમર્પીત કરવા. આથી પ્રપંચ ભુલાતો જાય છે, સ્વરૂપ આસકિત વધતી જાય છે અને પ્રભુને હૃદયમાં પ્રાદુર્ભાવ થવામાં પાત્રતા સિદ્ધ થતી જાય છે.
 
નિરોધ લક્ષણગ્રંથમાં શ્રીવલ્લભે પ્રિય પ્રભુના સંયોગની પ્રથમ પ્રાર્થના ન કરી, પરંતુ વિયોગ દુઃખ દાનનીજ નિજ્જનો અર્થે પ્રભુને પ્રાર્થના કરી.
 
તેનું કારણ પ્રિયતમને સુખદ અવસ્થા વિયોગજનીત દુઃખથી જ થાય છે. અને તે તાપાત્મક ગુણગાન દ્વારા જ સિદ્ધ થાય છે. તેથી પ્રથમ આપે તાપાત્મક ગુણગાનનો જ નિરોધલક્ષણમાં આગ્રહ કરેલો છે.
 
સારસ્વત કલ્પની અવતાર લીલા સમયે શ્રી ગોપીજનો સાધન સિદ્ધ હતા. એટલે કે પ્રભુના વ્રજમાં પ્રાગટય પહેલા શ્રુતિરૂપ અને અગ્નિકુમારિકા બન્ને પ્રકારનાં ગોપીજનોએ પ્રભુ વિયોગજનીત દુઃખનો અનુભવ કર્યો છે. અને આ વિયોગ જનીત દુઃખથી રસસ્વરૂપનું અધિષ્ઠાન (પાત્ર) સિદ્ધ થતાં પ્રભુ જ્યારે તેમના હૃદયમાં રસાત્મક ભાવાત્મક સ્વરૂપથી પ્રગટ થયા ત્યારે તેમના દેહો અલૌકિક બન્યા છે, તેમણે આધિદૈવિકતા પ્રાપ્ત કરી છે. તેથીજ જ્યારે પ્રિય પ્રભુનો પ્રાદુર્ભાવ નંદલાયમાં થયો ત્યારે તેઓ આત્માના શૃંગાર કરીને પ્રિયતમના દર્શન કરવા ગયા છે તેમ સુ. 10-5-9માં આપશ્રી વલ્લભે આજ્ઞા કરી છે.
 
શ્રી ગોપીજનોના દેહો અલૌકિક હોવાથી પ્રથમ તેમને પ્રિયતમે સંયોગાનંદનો અનુભવ કરાવ્યો છે. પરંતુ આધુનિક ભક્તોએ આવા પ્રકારના પ્રિય વિયોગ જનીત દુઃખથી અલૌકિકતા પ્રાપ્ત કરેલી નહી હોવાથી નિકાલમાં પ્રથમ વિયોગ જનીત દુઃખદાનની પ્રાર્થના કરી છે. આથી આધુનિક ભક્તોએ આધિદૈવિકતા પ્રાપ્ત કરવા માટે આપશ્રી વલ્લભની આજ્ઞા અનુસાર રસાત્મક તાપાત્મક ગુણગાન કરવું અતિ આવશ્યક છે. પ્રિય પ્રભુના નંદાલયમાં પ્રાગટય પહેલા શ્રી ગોપીજનો પ્રિય વિયોગ દુઃખનો અનુભવ કરતા હતા. આ વિયોગ દુઃખથી પ્રિય પ્રાગટયનું અધિષ્ઠાન સિદ્ધ થવાથી પ્રિયનો તેમના હૃદયમાં પ્રાદુર્ભાવ થયો. આ સમયે અવિદ્યાના બંધનમાંથી મુક્ત થયા અને તેમણે અલૌકિકતા પ્રાપ્ત કરી.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.