પરમ પુરુષાર્થ વિરહ
spacer
spacer

લેખક : શ્રીવલ્લભપાદપદ્મમિલિન્દ

પ્રશ્ન – પરમ પુરુષાર્થને પ્રાપ્ત કરાવનારો વિરહ કેવી રીતે પ્રાપ્ત થાય ?
ઉત્તર – પરમ પુરુષાર્થરૂપ વિરહ ભાવનું દાન વિરહ ભાવાત્મક સ્વરૂપ શ્રી વલ્લભના અનન્ય આશ્રયથી પ્રાપ્ત થાય છે. આવા પુરુષાર્થની પ્રાપ્તિ માટે જ શ્રીમત્ત પ્રભુચરણે વલ્લભાષ્ટકમાં વિરહ ભાવાત્મક સ્વરૂપને પ્રાર્થના કરી છે –
 
‘‘સ્વામિન્ શ્રીવલ્લભાગ્ને ક્ષણમપિ, ભવતઃ સન્નિધાને કૃપાતઃ પ્રાણપ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન, દિ દ્રુક્ષાર્તિ તાપો જનેષુ.’’
 
શ્રીહરિરાય પ્રભુએ શિ. પ.માં વિરહભાવાત્મક સ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત થાય છે તેનું વર્ણન કરેલું છે, અને પોતાના બીજા ગ્રંથમાં પણ આજ્ઞા કરે છે કે શ્રીમહાપ્રભુજીના આશ્રિત જનોને જાજા ભાગે આપ શ્રીવલ્લભ વિપ્રયોગ ભાવનું દાન કરે છે. વિપ્રયોગ ભાવનું દાન એ અતિશય અનુગ્રહથી પ્રાપ્ત થાય છે. આપણા સ્વામી તો મહા કારૂણિક મહોદાર ચરિત્રવાન છે. તેથી પોતાના પદામ્બુજના આશ્રિત સ્વકીયોને અદેયતમ એવા વિપ્રયોગાનંદ સ્વરૂપનું દાન કરે છે જ.
 
શ્રી હરિરાયપ્રભુના એક પદમાં-‘પ્રગટેપુષ્ટિ મહારસ દેન’ તેની ત્રીજી પંક્તિમાં- ‘‘નિત્ય સંબંધ કરાય ભાવદે વિરહ અલૌકિક બેન.’’ નિત્યલીલાસ્થ અગણિતાનંદ પ્રભુનો સંબંધ કરાવીને તેનો અનુભવ કરાવવા માટે નિજજનોને આપ શ્રીવલ્લભ કેવલ વિરહભાવનું દાન કરે છે. ‘કેવલ’ એટલે જેમાં માત્ર અનંત કોટિ કંદર્પ સૌન્દર્ય સ્વરૂપનો જ નિરંતર અનુભવ થાય છે. અન્યનો સંબંધ જ જેમાં નથી તે કેવલ વિરહ છે.
 
ગદ્ય મંત્રમાં ‘‘તાપકલેશાનંદ’’ વાક્ય છે તેમાં આ વિરહાત્મક સ્વરૂપનું અંતરંગજનોને દાન કર્યું છે.
 
જ્યારે આપણે એકાંગી નિષ્ઠા શ્રીવલ્લભ પાદપદ્મમાંજ રાખીએ છીએ ત્યારે ભગવત ગીતાજીમાં કહ્યા મુજબ ‘‘યોગ અને ક્ષેમ’’ આપણા પ્રાણવલ્લભથી જ થાય છે. તેજ હેતુસરનું શ્રીસર્વોત્તમજીમાં આપશ્રીનું નામ ’સ્વદાસાર્થ કૃતાશેષ સાધનઃ’ બિરાજે છે. વિરહ ભાવને પ્રાપ્ત કરાવવો તે યોગ અને આ દુર્લભ નિધિરૂપ વિરહનું આપ સ્વયં રક્ષણ કરે તે ક્ષેમ. યોગ અને ક્ષેમ બન્ને આપણા પ્રાણવલ્લભ સ્વયં જ કરે છે.
આપણી એકાંગી નિષ્ઠા શ્રીવલ્લભ ચરણ સરોજમાં થાય તે માટે શ્રી હરિરાયપ્રભુની વાણીનો સંગ રાખવો. આપની વાણીનો સંગ રાખવાનું કારણ આપના સ્તોત્રો-પદો-ગ્રંથોમાં શ્રીમહામભુજીના નિગુઢ સ્વરૂપને ઘણી જ સરલતાથી સમજાવેલ છે. તેથી આપની વાણીનું અવલંબન રાખવું.
એકાંગી પ્રીતિ વિના વિરહ થતો નથી તેથી પ્રાથમીક એકાંગી ભાવને સિદ્ધ કરવો આવશ્યક છે. આપશ્રી વલ્લભનું અચિન્ત્ય માહાત્મ્ય સમજાય ત્યારે સર્વથી અધિક અને સુદ્રઢ સ્નેહ શ્રીવલ્લભ ચરણ કમલમાં જ થાય છે. આવા માહાત્મ્યનું વર્ણન શ્રીહરિરાયચરણે ‘‘શ્રીવલ્લભ તજ અપુનો ઠાકુર કહો કોનપે જૈયેહો’’ આ પદમાં સુંદર પ્રકારે કર્યું છે. આ પદમાં અનન્ય નિષ્ઠા અને આપશ્રીના રસરૂપ ઐશ્વર્યને સમજાવેલ છે. શ્રી હરિરાય પ્રભુની વાણીનો જ્યારે સંગ કરીયે ત્યારે પ્રથમ આપણને સર્વ પ્રકારની આસકિતઓ અને પ્રલોભનોના બંધનમાંથી મુક્ત કરી શ્રીવલ્લભમાં આપણો અનન્ય ભાવ સુદ્રઢ થાય તે માટે ઉપદેશે છે કે-‘‘શ્રીહરિરાય પ્રભુ પુષ્ટિમાર્ગના મર્મજ્ઞ શિરોમણિ રૂપે પ્રસિદ્ધ છે. તેથી મર્મનેજ ગ્રહણ કરે છે. આપે જે મર્મ ગ્રહણ કર્યો છે તે શ્રીવલ્લભ ચરણ સરોરૂહમાં એકાંગી પ્રીતિ રૂપે છે. તે ઉપરોક્ત પદની પંક્તિમાં દર્શન થાય છે. અને ‘‘પતિ શ્રી વલ્લભોડ સ્માકં ગતિઃ શ્રીવલ્લભ સદા’’ આ ‘‘શ્રીવલ્લભભાવાષ્ટક’’ નામના સ્તોત્રોમાં પણ નિરૂપણ કરેલ છે.
 
શ્રીહરિરાય પ્રભુએ શ્રીવલ્લભના સ્વતંત્ર પ્રમેય સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે. તેથી સૌભાગ્યના ગૌરવભર્યા સામર્થ્યથી પોતે કહી રહ્યા છે કે
 
કાન ન કાહુકી મન ધરીયે,
વ્રત અનન્ય એક ગહીયે હો.
સબહીન તે અતિ ઉત્તમ જાની,
ચરણ પર પ્રિત બઢૈયે હો.
 
શ્રીવલ્લભમાં જ સમસ્ત લીલાસૃષ્ટિ લીલા ધામનો દિવ્ય પરિકર, પ્રત્યેક શ્રીસ્વામિનીજીની નિકુંજમાં બિરાજતા નિકુંજનાયક શ્રીજીના સ્વરૂપો, લીલાધામ, દિવ્ય મનોહર કુંજો, નિકુંજો-શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, આ સર્વ પ્રાણ પ્રિય શ્રીવલ્લભના ‘વિભુ’ નામવાળા સાકાર વ્યાપક સ્વરૂપની ભિતર રહેલું છે. આવું આપશ્રીનું માહાત્મ્ય સમજવાથી સર્વથી અધિક સુદ્રઢ સ્નેહ આપના સ્વરૂપમાં થાય છે. આવા પ્રકારનું માહાત્મ્ય હૃદયમાં વસી જવાથી દુર્લભ એવો તત્સુખી મધુર પ્રેમ આપના પાદપદ્મમાં જ થાય છે. અને આવા પ્રેમથી વિપ્રયોગ અનુભવાય છે.
 
તત્સુખી મધુર સ્નેહ અને વિરહ બન્ને સંવલીત મળેલા જ રહે છે. જેમ મીશ્રીની ડેલી સ્વરૂપ છે અને રસમાં મધુરતા વ્યાપ્ત જ રહે છે, તેમ દિવ્ય સ્નેહ અને વિરહ બન્ને ઓતપ્રોત મળેલાજ રહે છે. સેવ્ય સ્વરૂપની સન્મુખ આર્તભાવ પૂર્વક, દૈન્યતા પૂર્વક વિનતી કરવી : હે નાથ ! આપને હું સુખદ બનું તેવા દિવ્ય તત્સુખી સ્નેહ ભાવનું દાન કરો. આપણા માર્ગનો સિદ્ધાંત એવો છે કે પ્રિય પ્રભુ પાસે કંઈ યાચના ન થાય. કારણ કે સ્નેહ એને જ કહેવાય કે જેમાં પ્રિયતમના સુખનો જ વિચાર હોય અને આવો તત્સુખી પ્રેમ તો સ્વયં પ્રિયતમ દાન કરે તો જ ચિરસ્થાયી બને. તેથી આપને સુખદ બનાય તેવા તત્સુખી પ્રેમની યાચના સ્નેહ સિદ્ધાંતથી વિરૂદ્ધ નથી.
 
(પોતાના સેવ્ય સ્વરૂપને શ્રીવલ્લભ રૂપેજ માનવા. જેમ મહાનુભાવ શ્રી પદ્મનાભદાસજીએ શ્રી મથુરેશજીનું સેવન શ્રી વલ્લભભાવથી જ કર્યું. કાશીવાળા શેઠ શ્રી પુરુષોત્તમદાસજીએ શ્રી મદનમોહનજીનું સેવન શ્રીવલ્લભ ભાવથીજ કર્યું. મહાભાગ્યવાન શ્રી રજોબાઈએ શ્રી બાલકૃષ્ણજીનું સેવન શ્રીવલ્લભ ભાવથીજ કર્યું. તેમ પોતાના સેવ્ય સ્વરૂપને શ્રી વલ્લભ ભાવથી સેવવા.)
 
શ્રી મત્પ્રભુ ચરણ વિજ્ઞપ્તિમાં આવા જ સ્નેહ દાનની પ્રિયતમને પ્રાર્થના કરે છે –
યદ્ દૈન્યં ત્વત્કૃપા હેતુર્ન તદસ્તિ મમાણ્વપિ,
તાં કૃપાં કુરૂ રાધેશ ! યયા તદ્ દૈન્ય માપ્નુયામ.
(વિ. 3-1)
 
‘‘હે રાધિકેશ ! આપની કૃપાના હેતુરૂપ જે દેન્ય ભાવ તે મારામાં અણુમાત્ર નથી, તેવી દૈન્યતાનું દાન કૃપા કરીને કરો.’’
 
આવી દૈન્યતામાં તાપાત્મક તત્સુખી સ્નેહ વ્યાપ્ત રહેલો હોય છે. પ્રિયતમને અગણિત રસાનંદનો અનુભવ કરાવવા છતાં તૃપ્તિ નહી થવાથી તત્સુખનો તાપ બન્યો જ રહે છે. આવા તાપભાવથી દૈન્ય સિદ્ધ થાય છે. અથવા જેમાં અગણિત પ્રેમાનંદનો અનુભવ પ્રિયતમને કરાવવા છતાં સંતોષ થતો નથી અને તેથી તત્સુખાત્મક તાપ બન્યો જ રહે છે. આવા તાપ ભાવથી મધુર સ્નેહથી જીવની દૈન્યતા પ્રાપ્ત થાય છે. તેવા દૈન્યભાવની પ્રાપ્તિ માટે શ્રીમત્પ્રભુચરણ ઉપરની વિજ્ઞપ્તિમાં પ્રિયતમને વિનતી કરે છે.
 
વિરહભાવની ઉત્પત્તિ માટે વિરહાત્મક સ્વરૂપ પ્રાણવલ્લભના 108 નામવાળા શ્રી સર્વોત્તમ સ્તોત્રનું આર્ત ભાવ પૂર્વક ગુણગાન કરવું. આ ગુણગાન સમયે પ્રિયતમના માનસી ભાવાત્મક સ્વરૂપનું ધ્યાન પણ કરવું. રાગની સાથે તાપ-આર્તભાવ પૂર્વક ગુણગાન કરવાથી પ્રિય પ્રભુના સાક્ષાત સ્વરૂપના અનુભવ કરાવનારા ભાવ સિવાય વિજાતીય ભાવો રૂપી કલ્મષો દગ્ધ થતા જાય છે. આ ક્રમ પ્રતિ દિવસનો રહે તો પ્રિયમાં આસકિત સુદ્રઢ બની જાય છે. આવી સુદ્રઢ આસકિતથી પ્રિયનો ક્ષણનો વિયોગ અસહ્ય બને તેવી વ્યસન અવસ્થા પ્રાપ્ત થાય છે. આ વ્યસન અવસ્થામાં નિરંતર પ્રિયના માનસી ભાવાત્મક સ્વરૂપનું ધ્યાન થવાથી સર્વાત્મભાવ અથવા પ્રિયપ્રભુના સ્વરૂપમાં તદાત્મકતા થાય છે. આ કક્ષાએ પહોંચવા માટે ‘રાગ’ એટલે સ્નેહ સાથે પ્રિય મિલનની વિરહાગ્નિ સહિત ગુણગાન કરવામાં આવે છે. ‘નિરોધ લક્ષણ’ ગ્રંથમાં આવા પ્રકારના ગુણગાનની આપશ્રીએ આજ્ઞા કરી છે.
 
તસ્માત્ સર્વં પરિત્યજ્ય નિરૂદ્ધૈઃ સર્વદા ગુણાઃ
સદાનંદ પરેર્ગેયાઃ સચ્ચિદાનંદતા તતઃ ।।9।।
 
રસભર્યા તાપાત્મક ગુણગાનથી રસ સ્વરૂપનો હૃદયમાં આવિર્ભાવ થાય છે ત્યારે ‘‘સચ્ચિદાનંદતા’’ એટલે પ્રભુને સુખદ એવા આધિદૈવિક દેહની પ્રાપ્તિ થાય છે. આવા દિવ્ય દેહથી પ્રિયપ્રભુની સાક્ષાત તત્સુખાત્મક સેવા થઈ શકે છે. તાપાત્મક રસભર્યા ગુણગાનનો આવો અચિન્ત્ય પ્રભાવ છે.
 
પ્રભુની વિયોગાવસ્થામાં આવા રસાત્મક તાપાત્મક ગુણગાનથી રસિકોનું જીવન નભે છે. તેથી શ્રી ગોપીજનો કહે છે કે – ‘‘તવકથામૃતં તપ્ત જીવનમ્’’ હે પ્રિય ! આપના વિયોગમાં આપનું રસભર્યું ગુણગાન અમારા જીવનને ટકાવી રાખે છે. પરંતુ તેથી પ્રિય પ્રભુના સાક્ષાત સંબંધ વિના રસિકોને સ્વસ્થતા થતી નથી.
 
આપશ્રી વલ્લભ શ્રી સુબોધિનીજીની કારિકાજીમાં આજ્ઞા કરે છે ‘‘હરેર્ગાનં પ્રિયં’’ હરિને રસભર્યું તાપાત્મક ગુણગાન પ્રિય છે. આવા ગુણગાનથી પ્રભુ પ્રસન્ન થઈને સાક્ષાત સ્વરૂપાનંદનો અનુભવ કરાવવા બહાર પ્રક્ટ થઈ જાય છે. પ્રભુને પ્રિય હોય તેનું સમર્પણ કરવાથી જ પ્રિયની પ્રસન્નતા થાય છે. અને પ્રિયની જેમાં પ્રસન્નતા થાય તેનેજ સેવા કહી શકાય છે. એટલે ગુણગાનમાં માનસી સેવા સિદ્ધ થાય છે.
 
તનુ વિત્તજા સેવામાં આપણને સુખ મળે છે. અથવા પ્રિય પ્રભુ આપણને સંયોગ સુખ આપે છે. જ્યારે રસભર્યા તાપાત્મક ગુણગાનમાં પ્રિય પ્રભુને સુખ થાય છે તેથી માનસી સેવા સિદ્ધ થાય છે. રસભર્યા તાપાત્મક ગુણગાનમાં પ્રિયપ્રભુનો સ્વારથ કેવી રીતે ઘટે ? આ પ્રશ્નના જવાબમાં-રસભર્યા તાપાત્મક ભાવોનું શ્રવણ પોતાના વિયોગથી વ્યથીત શ્રી ગોપીજનો દ્વારાજ પ્રભુને થઈ શકે છે. તેથી પ્રિયનો સ્વારથ સિદ્ધ થયો ! અને આવું રસભર્યુ તાપાત્મક ગુણગાન માનસી સેવાને સિદ્ધ કરે છે, તેથી માનસી પણ સિદ્ધ થઈ. ‘સિદ્ધાંત મુક્તાવલી’ ગ્રંથમાં ‘માનસીસા પરામતા’ આવી આજ્ઞા કરી છે. તે માનસી સેવા એક પ્રકારે તાપાત્મક ગુણગાનમાં સિદ્ધ થાય છે. પ્રિય પ્રભુની આવી પ્રસન્નતા અને માનસી સેવાને સિદ્ધ કરવા માટે પ્રિયની પરોક્ષમાં ઉપરોક્ત પ્રકારે ગુણગાન કરવું ! (અપૂર્ણ)

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.