ભગવદ્ કૃત પ્રતિબંધની નિવૃત્તિનો પ્રકાર
spacer
spacer

લેખક : શ્રીવલ્લભપાદપદ્મમિલિન્દ

પ્રશ્ન – ભગવદ્ કૃત પ્રતિબંધની નિવૃત્તિ કેમ થાય !
ઉત્તર – ભગવદ્ કૃત પ્રતિબંધની નિવૃત્તિનો ઉપાય શ્રી યમુનાષ્ટકના શ્લોક 7 ઉપરની શ્રી દ્વારકેશચરણ અને શ્રી હરિરાયચરણની ટીકામાં જતાવ્યો છે.
 
ભગવદ્ કૃત પ્રતિબંધની નિવૃત્તિ લીલા ધામથી વિછુરેલા દૈવી જીવની થઈ શકે છે, પરન્તુ પ્રવાહ અને મર્યાદા જીવો જે પુષ્ટિમાર્ગમાં બ્રહ્મસંબંધ લઈને ભળી ગયા છે તેના પ્રતિબંધોની નિવૃત્તિ થતી નથી.
 
સારસ્વત કલ્પમાં ભગવદ્ કૃત પ્રતિબંધોની નિવૃતિ પૂર્વક ભગવદ્ પ્રાપ્તિ શ્રીયમુનાજી દ્વારા થતી હતી. આધુનીકો માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટય થયું છે. તેથી શ્રી મહાપ્રભુજી દ્વારા થાય છે. તેમ શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે.
 
શ્રીવલ્લભ મેરી કૃતિ જીન દેખો
ક્ષણ ક્ષણમેં અપરાધ પરત હે,
ગીનત ન આવે લેખો ।। 1 ।।
અનાથ કે નાથ તુમ હો,
સો અપનો બિરદ વિસેખો,
રસિક કહે કર જોર જોરકે,
કૃપા દ્રષ્ટિ સો પેખો ।। 2 ।।
 
આવા દોષગ્રસીત-દોષથી પુષ્ટ થયેલા નિજ દૈવીજીવના ઉદ્ધાર માટે મહાકારૂણિક શ્રી વલ્લભનો ભૂતલમાં પ્રાદુર્ભાવ થયો છે. તેથી શ્રી હરિરાયચરણ શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે – ‘સેવાફલ’ ગ્રંથમાં કહેલા ભગવદ્ કૃત પ્રતિબંધથી મને ફલમાં નિરાશા થતી નથી. તેનું કારણ શ્રી મહાપ્રભુજીના પ્રાદુર્ભાવ પ્રયોજનને અને આપશ્રીના અતુલિત સામાર્થ્યને મર્મજ્ઞ શિરોમણી શ્રી હરિરાયચરણ જાણે છે. તેથી સ્વયંની પદ કૃતિમાં સ્વકીયોને આશ્વાસન આપતા કહે છે કે :
 
જો પે શ્રીવલ્લભ ચરણ ગહે ।
તો મન વૃથા કરત ક્યોં ચિન્તા,
હરિ હિયે આય રહે ।।
જનમ જનમકે કોટિક પાતક,
છિનહી માંજ દહે ।
સાધન કર સાધો જીન કોઉ,
સબ સુખ સુગમ લહે ।।
કોટિ કોટિ અપરાધ ક્ષમા કર,
સદા નેહ નિવહે ।
ભૂલ જીન કરો કોઉ મન શંકા,
કરૂણા સિન્ધુ કહે ।।
અબ લો બિન સેવે શ્રી વલ્લભ,
ભવ દુઃખ બહુત સહે ।
‘રસિક’ મહાનિધિ પાય ઓર ફલ,
મન વચ કર્મ ના ચહે ।।
 
ઉપરોક્ત પ્રકારે દયારામભાઈએ પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રીમહાપ્રભુજીના સ્વરૂપને જાણીને પોતે પોતાને કહે છે –
 
શ્રીમદાચાર્ય જુકો દયા તુ તો હોય રહે ।
અનાયાસે અભય દાતા એ પ્રભુ અનલહે ।।
 
લીલાથી વિછુરેલા દૈવી જીવો ભુતલમાં બહુ થોડા રહ્યા છે. આવા પુષ્ટિ દૈવી જીવોએ અને પ્રવાહી તથા મર્યાદા જીવોએ બ્રહ્મસંબંધ લીધું હોય છે. પરંતુ પ્રવાહ અને મર્યાદા જીવોને પુષ્ટિ પ્રભુના સ્વરૂપનો અનુભવ થતો નથી. પ્રવાહ અને મર્યાદા જીવોએ દેખા દેખીથી બ્રહ્મસંબંધ લીધું હોય છે પણ તેમને પુષ્ટિ પ્રભુના સ્વરૂપનો સંબંધ થતો નહીં હોવાથી પુષ્ટિ ફલનો પણ અનુભવ થતો નથી. આવા જીવોમાં પુષ્ટિની છાપ માત્ર હોય છે. તેથી એક મહાનુભાવ કહે છે કે –
 
દેખ દેખ સખી ચાલીયે ગિરિમેં પંથ અનેક,
દુષ્ટ જીવ કલિકાલકે જો પ્રભુ રાખે ટેક.
સ્વેત સ્વેત સબ એક હે કહા કૌવાકો જ્ઞાન,
નીર ક્ષીર રસ તર્ક તે હંસ કરે પહેચાન.
 
પ્રવાહી જીવો જે પુષ્ટિ માર્ગમાં ભળી ગયા છે તેને માટે ‘સેવાફલ’ ગ્રંથમાં આપશ્રીએ આજ્ઞા કરી-‘‘સંસાર નિશ્ચયાત્’’ અને ‘‘તદા આસુરોયં જીવ ઇતિ નિર્ધારઃ’’ અને મર્યાદા જીવે જે પુષ્ટિમાં ભળી ગયા છે તે પુષ્ટિ ફલના અધિકારી નહી હોવાથી, અને મોક્ષના અધિકારી હોવાથી- ‘‘જ્ઞાન માર્ગેણ સ્થાતવ્યંશોકાભાવાયેતિ વિવેકઃ’’ આપશ્રીએ આજ્ઞા કરી છે.
 
પુષ્ટિ જીવોની પહેચાન તેનામાં પ્રિય પ્રભુના સુખનો તત્સુખાત્મક ભાવ બીજરૂપે રહેલો હોય છે. હું મારા પ્રાણવલ્લભને સુખદ ક્યારે બનીશ તેવો ભાવ બીજ રૂપે રહેલો હોય છે. આ પુષ્ટિ દૈવી જીવ સેવા-સ્મરણાદિ સાધનો કરે છે તેના ફલમાં પ્રિય પ્રભુને સુખદ બનવાનોજ મનોરથ હોય છે. તત્સુખ સાગર શ્રી વલ્લભે બ્રહ્મસંબંધ સમયે જ પોતાના સ્વકીયને તત્સુખાગ્નિ ભાવનું બીજરૂપે દાન કરેલું હોય છે. તે બીજ પ્રાણ વલ્લભના યશોગાનથી આપશ્રીની સન્મુખ રહેવાથી અંકુરીત, પલ્લવીત-પુષ્પિત અને ફલીત થઈ જાય છે.
 
‘સાનિધ્ય માત્ર દત્ત શ્રીકૃષ્ણપ્રેમા’ સ્વયશોગાન સંહૃષ્ટ હૃદયાંભોજ વિષ્ટરઃ, યશ પીયૂષ લહરી પ્લાવિતાન્યરસઃ અને ‘નિરોધ લક્ષણ’માં પણ આજ્ઞા કરી છે : ‘‘સર્વાનન્દ મયસ્યાપિ કૃપાનન્દઃ સુદુર્લભઃ, હૃદગતઃ સ્વગુણાન્ શ્રુત્વા પૂર્ણઃ પ્લાવયતે જનાન્.‘‘ ઉપરોક્ત પ્રકારે આપશ્રીના યશોગાન દ્વારા તત્સુખાગ્નિ બીજ ફલીત થાય છે.
 
પ્રવાહી અને મર્યાદા જીવોમાં પોતાના સુખનો વિચાર હોય છે. તે સેવા સ્મરણાદિ સાધનો કરે છે પણ તેમાં પોતાના સુખની ભાવના મુખ્ય હોય છે, તેનું ભજન સ્વસુખાર્થે હોય છે. આ પ્રવાહી જીવો પોતાના અહંતા-મમતાત્મક સંસારનો બાગ ફાલ્યો ફુલ્યો રહે તેવી સ્વાર્થ વૃત્તિથી સેવા સ્મરણાદિ કરતા હોય છે, તેને ફલમાં સંસારસુખ જ હોય છે.
 
મર્યાદા જીવો મહાત્મીક હોય છે. તેનામાં પ્રભુ પ્રત્યે સ્નેહ હોતો નથી. જન્મ મરણના દુઃખમાંથી છુટવા માટે ભજન કરતા હોય છે, તેને આવાગમન મટી જાય છે પરંતુ પુષ્ટિ ફલનો અનુભવ થતો નથી. આ જીવો મોક્ષના અધિકારી હોવાથી- ‘‘જ્ઞાનમાર્ગેણ સ્થાતવ્યંશોકા ભાવાયેતિ વિવેકઃ’’ સેવા ફલમાં આજ્ઞા કરી છે. આવા બન્ને પ્રકારના જીવોના પુષ્ટિ ફલાનુભવમાં ભગવદ્ કૃત પ્રતિબંધ થાય છે. તેનું નિવારણ થઈ શકતું નથી.
 
પુષ્ટિ દૈવી જીવમાં પણ ભગવદ્ કૃત પ્રતિબંધ થાય છે, પરંતુ તે તેના અપરાધની નિવૃતિ માટે હોય છે. આ અપરાધની નિવૃતિ પશ્ચાદ્ પુષ્ટિ ફલાનુભવનો અધિકારી બની શકે છે. (દ્રષ્ટાંતમાં ચોરાશી વૈષ્ણવ અંતરગત રામાનંદ પંડિતનો વાર્તા પ્રસંગ વિચારવો) આવા પુષ્ટિ જીવના અપરાધની સત્વરે નિવૃતિ માટે અને પુષ્ટિ ફલ કે જે સાક્ષાત પ્રિય પ્રભુના સ્વરૂપાનન્દનો અનુભવ કરાવવા માટે દયાસાગર શ્રી અગ્નિકુમારે શ્રી સર્વોત્તમ સ્તોત્ર પ્રગટ કરેલ છે. મહાકારૂણિક શ્રી વલ્લભના યશોગાન પુષ્ટિ જીવને અપરાધથી અને અનેક જન્મોના સંચિત દોષોથી સત્વરે મુક્ત કરી પુષ્ટિ ફલાનુભવનો અધિકારી બનાવે છે. તેથી જ મર્મજ્ઞ શિરોમણિ શ્રી હરિરાય પ્રભુ આજ્ઞા કરે છે –
 
લાખ લાખ બાતનકી એક બાત કહીયે ।
શ્રીવલ્લભાધીશ જુકી શરણાગતિ લહીયે ।।
જપ તપ તીરથ નેમ ધરમ વ્રત,
મેરે શ્રીવલ્લભ પ્રભુજીકો નામ ।
સુમરો મન સદા શુભકારી,
દુરીત કટે સુધરે સબ કામ ।।
હૃદે વસે યશોદાસુત પદ,
લીલા સહિત સકલ સુખ ધામ ।
‘રસિક’ યહ નિરધાર કીયો હે,
સાધન તજ ભજ આઠો યામ ।।
 
હવે નિત્યલીલાસ્થ ભગવદ સ્વરૂપનો સાક્ષાત્કાર કેમ થાય એ વિચારીએ :
‘‘પ્રિય સંગમ રાહિત્યાદ્ વ્યર્થ સર્વે મનોરથા’’ (વિજ્ઞપ્તિ)
 
સાક્ષાત પ્રિય પ્રભુના સંગમના મનોરથો સિવાયના બીજા મનોરથો વ્યર્થ છે. કેમકે આવા મનોરથો મનોરંજન માત્ર હોય છે. પ્રલોભનોને ઉત્પન્ન કરી વાસ્તવિક ફલાનુભવથી અનિર્વચનીય પ્રિયતમનો સ્વરૂપાનંદ રહેલો છે તેનાથી વંચિત રાખે છે.
 
નિષ્ઠાતુ સાધનેરેવ ન મનોરથો વાર્તયા (શાસ્ત્રાર્થ નિબંધ)
 
‘‘નિષ્ઠાતુ સાધનેરેવ’’ પ્રિય પ્રભુનો સાક્ષાત્કાર જેનાથી થાય છે તેવા સાધનમાંજ નિષ્ઠા રાખવી. આ સાધન રવયં આપશ્રી વલ્લભે સ્વકીયો માટે નિરોધ લક્ષણ ગ્રંથમાં જતાવેલ છે –
 
તસ્માત્ સર્વં પરિત્યજ્ય નિરૂધ્ધૈઃ સર્વદા ગુણાઃ
સદાનન્દ પરૈર્ગેયાઃ સચ્ચિદાનન્દતા તતઃ ।। 9 ।।
સર્વાનન્દમય સ્યાપિ કૃપાનન્દ સુદુર્લભઃ ।
હૃદગતઃ સ્વગુણાન શ્રુત્વા,
પૂર્ણ પ્લાવયતે જનાન્ ।।
કિલશ્ય માનાન્ જનાન્ દ્રષ્ટવા,
કૃપા યુક્તો યદા ભવેત્ ।
તદા સર્વં સદાનન્દં હૃદિસ્થં નિર્ગતં બહિઃ ।।
 
નિત્યલીલાસ્થ પ્રિયપ્રભુના સાક્ષાત્કાર માટે તાપ પૂર્વક યશોગાન કરવું જોઈએ. ગુણ ગાનનો આવો અચિન્ત્ય મહિમા હોવાથી જ આપે સ્વકીયો માટે ગુણગાનની આજ્ઞા કરી છે.
 
માને તાકો તનક બહુ સજ્જનકો સંકેત ।
જેસે જામન દુધમેં આપહી સો કર લેત ।।
 
આપશ્રી વલ્લભે સ્વકીયોને પોતાના વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવવા માટે ગુણગાનરૂપી સાધનનો સંકેત કર્યો છે. આપશ્રીના સંકેતમાં અનેક ગુઢ રહસ્ય રહેલા છે. તે ગુઢાતીગૂઢ રહસ્યને અનન્ય-પતિવ્રતભાવી જનોજ સમજી શકે છે. આ ગુણગાનનો જે સંકેત કર્યો છે તે પણ સ્વકીયજનો પ્રતિ જ કર્યો છે.
શ્રી સુરદાસજી શરણે આવ્યા ત્યારે પોતાની હિનતા કરવા લાગ્યા-હોં પતિતનકો નાયક, હોં પતિતનકો ટીકો. ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી : ‘‘સૂર હોય કે ઘીઘાવે ક્યોં, ભગવદ યશ ગાઓ.’’ શ્રીસૂરના નિમિતે સમસ્ત પુષ્ટિ સૃષ્ટિને ભગવદ યશોગાનનું કર્તવ્ય બતાવ્યું છે.
 
પુષ્ટિ દૈવી જીવો જે લીલાધામથી વિછુરેલા છે તેમને નિજ ધામની પ્રાપ્તિ કરાવવા આપનું પ્રાગટય છે.
 
ગુણગાન દ્વારા પ્રિય પ્રભુની સન્મુખ રહેવાથી આધિદૈવીક દેહ પ્રાપ્ત થાય છે. આ આધિદૈવીક દેહને સત્વરે પ્રાપ્ત કરાવનાર શ્રી સર્વોત્તમજીનું યશોગાન છે.
દેહના નિર્વાહ માટે શ્રીમહાપ્રભુજીએ પ્રગટ કરેલી સેવા મર્યાદા પ્રમાણે (ન કે સગવડીયા સેવા પ્રણાલી પ્રમાણે) સેવ્યને ભોગ ધરીને અધરામૃતથી જ દેહનો નિર્વાહ કરવો, અને આપશ્રીના યશોગાનમાં તત્પર રહેવું. સ્વકીયોનું આ કર્તવ્ય છે.
 
ભા. 11-20 મા અધ્યાયમા- ‘‘ભિદ્યતે હૃદયગ્રંથી છિદ્યતે સર્વ સંશયા’’ આ શ્લોકમાં કહેલ ભગવદ સાક્ષાત્કાર થતાં પુષ્ટિ જીવની જે સ્થિતિ બને છે તેનું નીચેના દોહામાં નિરૂપણ કરે છે –
 
પ્રેમ પ્રગટ જબ હોય હે ભૂલે જગતકો ભાન,
તુ તુ તુ રહી જાય હે, હું કો મીટે નિશાન.
 
પ્રાકૃત જગતને અને પોતાના પ્રાકૃત દેહને ભુલી જાય છે એટલે પ્રિયતમના સ્વરૂપ લાવણ્ય માધુર્ય સુધાનો અનુભવ કરે છે. આવો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી ભૌતિક દશામાં થતા સ્વપ્નાના સ્વલ્પ આનંદના અનુભવમાં સ્વસ્થ ન થવું.
વિચાર વગરની નિદ્રાને સુષુપ્તિ કહેવાય છે. આ નિરાવરણ અવસ્થા છે. આ દશામાં નિત્યલીલાસ્થ પ્રિય પ્રભુના સ્વરૂપનો, નિત્યલીલાસ્થ દિવ્ય પરિકરનો, દિવ્ય લીલા ધામનો અને દૈવી જીવના પોતાના આધિદૈવિક સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. આ સાક્ષાત્કાર થતાજ પોતાના દિવ્ય સ્વરૂપથી દૈવી જીવ લીલા ધામમાં પ્રવેશ કરે છે. આવા અનુભવને વાસ્તવિક જાણવો. આ સિવાયના ભગવદ્ સંબંધ જોડીને ભૌતિક દશામાં અનુભવાતા રોકડીયા-અલ્પ આનંદોમાં સ્વસ્થ નહી થવું. સ્વપ્નામાં ન ધારેલા-ન જોયેલા ઘણા માણસો ઘણા બનાવો જોવાય છે, અને ચાલુ જીવનનું પણ દ્રશ્ય દેખાય છે-આ સેવા ફલમાં કહેલ કુસૃષ્ટિ છે. અનેક જન્મોની વાસના હૃદયમાં રહેલી છે તે આવી કુસૃષ્ટિ ઉત્પન્ન કરતી જ રહે છે. નિત્યલીલાસ્થ સ્વરૂપના સાક્ષાત્કાર વિના બીજા જે સ્વલ્પ આનંદના દ્રશ્યો-પ્રલોભનો ઉત્પન્ન કરે છે તેને પણ કુસૃષ્ટિમાં જ ગણના કરવી. આવી કુસૃષ્ટિનો પ્રલય કરી હૃદય નિરાવરણ બનાવી પ્રિય પ્રભુનો સાક્ષાત્કાર કરાવનાર નીચે લખ્યા સાધનમાં તત્પર થવું અનિવાર્ય છે.
 
1 શ્રીમહાપ્રભુજીએ પ્રગટ કરેલી સેવા મર્યાદા પ્રમાણે સેવ્યને ભોગ ધરીને અધરામૃતથી જ દેહનો નિર્વાહ કરવો.
 
2 ‘નિરોધલક્ષણ’ ગ્રંથમાં આપશ્રીની આજ્ઞાનુસાર સર્વ પરિત્યાગ પૂર્વક શ્રીસર્વોત્તમ સ્તોત્રથી આપના યશોગાનમાં તત્પર થવું. અને ‘‘હરિઃમૂર્તિ સદા ધ્યેયા સંકલ્પાદપિ તત્ર હિ’’ આપશ્રીના સ્વરૂપનું ધ્યાન પણ કરતા રહેવું. ધ્યાન અને ગુણગાન બન્ને પ્રિય પ્રભુનો સાક્ષાત્કાર સત્વરે કરાવે છે.
 
પ્રિય પ્રભુના શ્રમની નિવૃતિ પૂર્વક પ્રિય પ્રભુને સુખદ બનવું એજ નિજ્જનોનું કર્તવ્ય ઉપરોક્ત સાધનથી સિદ્ધ થાય છે.
 
લાખ લાખ બાતનકી એક બાત કહીયે ।
શ્રીવલ્લભાધીશ જુકી શરણાગતિ લહીયે ।।
 
ભગવદ્ સાક્ષાત્કારમાં ‘મીલિત દ્રશૌ ધૃત મૌના’’ દ્રષ્ટિ બંધ અને વાણી વ્યાપાર બંધ આ બન્ને અવસ્થા આવશ્યક છે, અને આ અવસ્થાને સિદ્ધ કરનાર શ્રીપ્રભુનું ગુણગાન અને સ્વરૂપ ધ્યાન છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.