પ્રભુ પ્રાપ્તિ માટે ગોપીજનોનું શાસ્ત્ર
spacer
spacer

લેખક : પ. ભ. શ્રીવલ્લભપાદપદ્મમિલિન્દ

પ્રિય પ્રભુએ વ્રજમાં પ્રગટ થઈને છ વર્ષ સુધી જે લીલા કરી તે આપના ઐશ્વર્ય-વીર્ય-યશ-શ્રી-જ્ઞાન-વૈરાગ્ય આ છ ધર્મથી કરી. આ લીલામાં દાન-માન-પનઘટ, હોરી, માખન ચોરી ઈત્યાદી આવી જાય છે. આ લીલા કરવાનો ઉદ્દેશ સ્વરૂપષ્ઠિ ઉત્પન્ન કરવા માટે જ હતો. અથવા પોતાના કેવલ ધર્મિ સ્વરૂપમાં જ દ્રઢ આસક્ત કરાવવા માટે જ હતો. હવે સાતમે વર્ષે કેવલ સ્વરૂપના અનિર્વચનીય સૌંદર્ય માધુર્ય સુધાનું દાન કરવા માટે ઈન્દ્રની વૃષ્ટિના મિષથી શ્રીગિરિરાજ ધારણ કરી પોતાની સન્મુખ શ્રીવ્રજરત્ના-ગોપીજનોને સાત દિવસ રાખી પોતાના ધર્મિ સ્વરૂપાનંદનો અનુભવ કરાવી ધર્મી સ્વરૂપમાં જ નિરૂદ્ધ કર્યા. ઈન્દ્રની વૃષ્ટિ એ કોઈ ભૌતિક જલ નથી. પરન્તુ કેવલ ધર્મિ સ્વરૂપાનંદના અનુભવમાં અવરોધરૂપ (પ્રતિબંધ રૂપ) ધર્મ સ્વરૂપથી કરેલી લીલા આનંદના ભાવો ગોપીજનોમાં જે હતા તે ઈન્દ્રની વૃષ્ટિના મિષથી દુર કર્યા (હૃદયમાંથી બહાર કાઢયા) અને પોતાના ધર્મિ સ્વરૂપના અનિર્વચનીય સૌન્દર્ય-સુધા આસ્વાદનમાં સ્થિત કર્યા. કેવલ ધર્મિ સ્વરૂપનો જે આનંદ છે તે પૂર્ણ અને અગણિત છે અને છ ધર્મ સ્વરૂપથી કરેલી લીલાઓનો આનંદ ગણત્રીનો છે અથવા બ્રહ્માનંદ રૂપ છે. બ્રહ્માનંદ ગણત્રીનો છે, તેથી જ શ્રીમદાચાર્યચરણે બ્રહ્માનંદ અને ભજનાનંદનું તારતમ્ય જતાવતાં આજ્ઞા કરી : ‘‘બ્રહ્માનંદદાત્ સમુધૃત્ય ભજનાનંદ યોજતે’’
(સુ. 10-26-કારિકા-1)
 
બ્રહ્માનંદમાંથી ઉધ્ધાર કરીને ભજનાનંદ સાક્ષાત ધર્મિના અગણિત સ્વરૂપાનંદમાં યોજ્યા (પ્રવેશ કરાવ્યો).
 
હવે જ્યારે કેવલ ધર્મિ સ્વરૂપાનંદના અનુભવમાં ધર્મિ સ્વરૂપથી કરેલી લીલા આનંદના ભાવો પણ અવરોધ રૂપ છે તો ભૌતિક આનંદો અવરોધરૂપ હોય તેમાં શું નવાઈ ?
 
વ્રજ વલ્લભા શ્રીગોપીજનો માટે તો પ્રિય પ્રભુનું સ્વરૂપ જ શાસ્ત્ર બન્યું હતું. રસોવૈસઃની અખિલ ભાવ સંપદા વેણુનાદ દ્વારા પ્રિયતમના સ્વરૂપમાંથી જ પ્રાપ્ત થતી હતી. તેથી સ્વરૂપાનંદની અવિરત ધારા તેમના હૃદયમાં વહન થયાજ કરતી હતી. દાન-માન-પનઘટ-હોરી આદિ લીલા કર્યા વગર પણ પોતાના ધર્મિ સ્વરૂપમાં સ્થિત કરવા પ્રભુ સમર્થ છે છતાં આ લીલા કરવાનો હેતુ એ છે કે ભવિષ્યની દૈવી સૃષ્ટિનો આ લીલા ગુણાનુવાદથી નિરોધ સિદ્ધ થઈ શકે.
 
પ્રશ્ન- શ્રી ગોપીજનો માટે પ્રિયતમનું કોટિ કન્દર્પથી અધિક સૌન્દર્ય લાવણ્ય સ્વરૂપ જ શાસ્ત્રરૂપ બન્યું હતું તે કેવી રીતે ઘટી શકે ?
 
ઉત્તર – મધુ મક્ષીકા (મધ માખી) જેમ સર્વત્ર પરિભ્રમણ કરીને પુષ્પોનો રસ લઈને મધપુડો બનાવે છે, પછી મધપુડામાં ચીપકીને મધુનું પાન કરે છે. તેમ શ્રી ગોપીજનોએ શ્રુતિકાળની અવસ્થામાં રસોવૈસઃની સર્વ શાખાઓમાં જે આનંદનું પ્રતિપાદન કરેલું છે, તે સર્વ આનંદને એકત્રીત કરીને તેનું મધપુડા જેવુ ઘનીભૂત પ્રિયતમના સ્વરૂપનો ગોપી અવસ્થામાં અનુભવ કરેલો. ગોપી- ‘ગો’ નામ નેત્ર ઈન્દ્રીય, ‘પી’ નામ પાન કરવું. અવિરત પ્રિયતમના શ્રીમુખ લાવણ્ય મધુનું પાન કરવું એ ગોપી શબ્દનો અર્થ છે.
 
શ્રુતિ અવસ્થામાં ઉપરોક્ત સ્વરૂપના સાક્ષાત અનુભવ માટે તેમણે રસાત્મક પ્રકારે ગુણગાન કર્યું. અને તેથી પ્રસન્ન થઈ, નિત્યલીલા ધામમાં વિહાર કરતા રસોવૈસઃ સ્વરૂપે તેમને દર્શન આપ્યાં. ત્યાં વરદાન પ્રાપ્ત કરી ભૂલોકમાં ગોપીરૂપે પ્રગટ થયાં અને એક કલ્પ પર્યંત વરદાનીક સ્વરૂપનું તેમણે ધ્યાન કર્યું. આ સ્વરૂપના અનુભવમાં સ્વરૂપ જ સાધન હોવાથી પ્રિય સ્વરૂપને પ્રાપ્ત કર્યું. આ સ્વરૂપ ગોપીજનોના હૃદયમાં ભાવાત્મક પ્રકારે, અને નંદાલયમાં વાસુદેવ વ્યુહમાં અસ્પર્શ યોગથી પ્રાકટય થયું. સ્વરૂપના પ્રાકટય પછી આ ગોપીજનો પ્રિયતમના માધુર્ય સુધા પાનનો અનુભવ કરી રહ્યાં છે તેથી હવે આ શ્રી ગોપીજનોનું શાસ્ત્ર પ્રિયતમનું સ્વરૂપજ બન્યું છે. કારણ કે શ્રી ગોપીજનોના જીવનમાં સ્વરૂપ ધ્યાન સિવાય વેદોકત કોઈ સાધન ન હતું.
 
‘‘પીત્વા મુકુંદ મુખ સાર ઘમક્ષિ ભૃંગૈઃ’’
(સુ. 10-11-43)
 
ગોપીજનો પ્રિયતમના શ્રીમુખનું લાવણ્ય મધુપાન સર્વ અવસ્થામાં અને સર્વત્ર કરી રહ્યાં છે. વળી આ શ્રી ગોપીજનો પ્રમેય માર્ગીય-રસિકા છે. તે સ્વરૂપ વિના ફલરૂપે બીજું કંઈ પણ ગ્રહણ કરતાં નથી. પ્રાગટય સમયે નંદાલયમાં પ્રિય પ્રભુનાં દર્શન કરવા ગયા છે ત્યારે તેમણે દેહનો શ્રૃંગાર કર્યો નથી, પરંતુ આત્માના શ્રૃંગાર કરીને ગયા છે. એટલે તેમણે વિવિધ અનિર્વચનીય દિવ્ય પ્રેમની વિવિધ ભાવનાઓના શ્રૃંગારથી તેમના આત્માનો શ્રૃંગાર સજ્યો છે. વળી આ ભક્તો તામસ એટલા જ માટે કહેવાય છે કે તે આ સ્વરૂપ સિવાય બીજુ કંઈ ફલરૂપે ગ્રહણ જ કરતાં નથી.
 
‘‘બિન દેખે મનમોહનકો મુખ,
મોહી લગત ત્રિભુવન દુઃખદાઈ.’’
 
જેમ મધુ મક્ષિકા સર્વત્ર પરિભ્રમણ કરે છે પરન્તુ પુષ્પોના રસ-મકરંદ વિના બીજુ કંઈ ગ્રહણ કરતી નથી, તેમ આ શ્રીગોપીજનોના નેત્ર રૂપી ભૃંગીઓ-(ભ્રમરીઓ) સર્વત્ર પ્રિયતમના સૌન્દર્ય માધુર્ય રસને જ ગ્રહણ કરે છે. વળી મધુ મક્ષિકાના દેહનો નિર્વાહ પુષ્પોના રસ મકરંદથી જ થાય છે, તેમ આ શ્રીગોપીજનોનો નિર્વાહ પ્રિયતમના રૂપ લાવણ્ય સુધારૂપ મધુથી જ થાય છે. તેથી સર્વાંશે તેમનું શાસ્ત્ર પ્રિયતમનું સ્વરૂપજ બનેલું છે.
 
રાગ-આસાવરી
અંખિયન એસી ટેવ પરી,
કહાં કરો વારિજ મુખ ઉપર,
લાગત જ્યોં ભંવરી ।। 1 ।।
હરખ હરખ પ્રિતમ મુખ નિરખત,
રહત ન એક ઘરી,
જ્યોં જ્યોં રાખત જતનન કર કર,
ત્યોં ત્યોં હોત ખરી ।। 2 ।।
ગડ કર રહી રૂપ જલનિધિમેં,
પ્રેમ પિયૂષ ભરી,
‘‘સૂરદાસ’’ ગિરિધર નગ પરસત,
લૂટત નિધિ સગરી ।। 3 ।।

 

આવું મહાન સૌભાગ્ય જે શ્રીગોપીજનોએ પ્રાપ્ત કર્યું છે તે પ્રિય પ્રભુના સ્વરૂપનેજ સાધન બનાવી કલ્પ પર્યંત વિયોગ અવસ્થામાં પ્રિયનું ધ્યાન કરીને જ મેળવેલ છે. પ્રમેય માર્ગની આ જ વ્યવસ્થા છે.
 
ભલે પ્રિય પ્રભુના સ્વરૂપમાં પ્રેમ-આસકિત ઉત્પન્ન થયા ન હોય છતાં પ્રિય પ્રભુમાંજ સર્વસ્વતાનો ભાવ રાખી સ્વરૂપ ધ્યાન રૂપી લક્ષથી સ્વરૂપ ધ્યાન-ગુણગાન સ્મરણનો આગ્રહ દ્રઢ રહી આવશે તો પ્રેમ આસકિત પણ સિદ્ધ થઈ જશે. અને પ્રેમ દાને કરીને સ્વરૂપની માધુર્યતાનો જે આનંદ અનુભવાશે તે અનિર્વચનીય હશે. વાણીથી તેનું વર્ણન નહી થઈ શકે, કારણ કે નેત્રને જીભ નથી.
 
કાગદ તો કરતે ન ઉઠે,
કર લેખની કે પદ કોન ઉઠાવે,
પ્રિતમ દ્રષ્ટિ પરે જબતેં,
છબિ છાય રહી અંખિયન ઝર લાવે ।। 1 ।।
પ્રેમ સખી ! મધકી મખીયા
મન જાય ફસ્યો ફિર હાથ ન આવે,
મૂરત શ્રીનંદનંદકી લિખતે ન બને,
લિખેહી બન આવે ।। 2 ।।
જલ વિના જીવે તેતો દાદુરડા કહેવાયે
મીન તો તુરત મરી જાય
 
પ્રિયતમના રૂપ – સુધા પાન વિના પ્રણય માર્ગીય કેમ જીવી શકે ? પ્રમેયની સાધના કાષ્ટાપન્ન છે. અનન્યતા જ તેનાં પ્રાણ છે. સ્વરૂપ સિવાય બીજો પરિગ્રહ નહી તેનું નામ અનન્યતા. આવી અનન્યતા નેહીઓના પ્રાણ છે. અને આવી અનન્યતાએ પ્રમેય સ્વરૂપ મેળવી શકાય છે. શ્રી ગોપીજનોએ મેળવેલું મહાન દિવ્ય સૌભાગ્ય દુર્લભ છે, દુઃસાધ્ય છે, છતાં-‘‘શ્રીવલ્લભ શરણ થકી સૌ પડે સહેલું’’. મહાનુભાવોની અનુભવાત્મક વાણી વલ્લભજનને આશ્વાસન રૂપ છે. શ્રીપદ્મનાભદાસજી પણ સ્વકીયોને આશ્વાસન આપતાં એક પદમાં કહે છે.
 
શ્રીવલ્લભ ચાહે સોઈ કરે,
જો ઈનકે પદ દ્રઢ કરિ પકરે,
મહારસ સિન્ધુ ભરે ।।
નાથકે નાથ અનાથ કે બંધુ,
અવગુણ ચિત નવધરે,
પદ્મનાભકો અપુનો જાન કે,
બૂડત કર પકરે ।।

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.