દિવ્ય પ્રેમ પથ
spacer
spacer

લેખક : મધુકર

કોઉ મરે જુર રોગસું, કોઉ અવસ્થા પાય,
પ્રીત પીરમેં તન તજે તે ધન્ય જગમેં આય.
 
કોઈકતો દેહના રોગથી મરે છે. કોઈ વળી જીંદગી પુરી થતાં મરે છે. આવા જીવતાં હોવા છતાં મરેલ જેવાજ છે. ત્યારે પ્રશ્ન થાય કે, જીવી જાણ્યું કોને કહેવાય ? જવાબમાં-પ્રભુ સાથે પ્રેમ જોડીને પ્રિય પ્રભુ માટે જીવન ન્યોછાવર કર્યું તેણેજ જીવી જાણ્યું કહેવાય છે. પ્રભુ પ્રેમ વિનાનું દૈવી જીવન પશુ-પક્ષી કરતાં પણ વધારે નિંદનીય છે.
 
મનુષ્ય જીવન મેળવીને પ્રભુ પ્રેમમાં જીવન ન્યોછાવર કર્યું નહીં તે મનુષ્ય જીવનની શું સાર્થકતા ! ભલે કદાચ પ્રભુમાં પ્રેમ કરનાર સાધક, આ જન્મે પ્રભુને મેળવી ન શકે. છતાં પ્રભુ પ્રેમ માટે જીંદગી હોમી દેનારને બીજા જન્મે પણ પ્રભુનો પ્રેમ જ વરે છે. સૃષ્ટિ સર્જનહારનો આ અબાધિત નિયમ છે. તેથી બીજા જન્મે તે પ્રેમ પુર ઝડપથી વધે છે અને છેવટે પ્રભુને મેળવીને જ આ પ્રેમી સાધક જંપે છે. આવા પ્રભુ પ્રેમ માટે જીવન ન્યોછાવર કરી દેનારાએ જ આ દુનિયામાં જીવી જાણ્યું છે.
 
પ્રભુ પ્રેમનું લક્ષણ :
પ્રાણ વલ્લભમાં પ્રેમ થયો તેનું લક્ષણ પ્રિયતમના વિરહમાં આ પ્રેમીજન તપ્યો રહે છે. પ્રેમની ચોંટ લાગ્યા વિના નેત્રોમાંથી અશ્રુની ધારા અને મુખમાંથી વિરહની હાય દર્દભરી કેવી રીતે નીકળે ? પ્રિય પ્રભુમાં પ્રેમ થયાની એ જ નિશાની છે કે પ્રિયતમની ક્ષણ ક્ષણની યાદથી અશ્રુધારા અને મધુર દર્દભરી હાય નીકળતી જ રહે.
 
પ્યારે તેરે વિરહમેં સુકત સબ શરીર,
દો નેના સુકત નહી ભરિ ભરિ ડારત નીર.
 
પ્રિયતમના વિયોગે પ્રેમીજનના શરીરના માંસ લોહી સુકાય જાય છે. દેહ હાડપીંજરવત બની ગયો હોય છે પરંતુ તેના બે નેત્રોમાંથી વિરહના અશ્રુ સુકાતા નથી.
 
અહીં કોઈ શંકા કરે કે પ્રભુ સાથે પ્રેમ જોડીને તેના વિયોગે રડવું તેને કાયરતા કેમ ન માનવી ? આવી શંકા કરનારું હૃદય સુકા કાષ્ઠ જેવું છે. પ્રેમ વસ્તુ શું છે તેની ખબર નથી. જેમ પ્રસૃતિની પીડા વાંઝણી સ્ત્રી જાણી શકતી નથી, તેમ પ્રેમીના વિયોગ દુઃખની પ્રેમની ચોંટ લાગ્યા વિના ખબર પડતી નથી. આ પ્રભુ પ્રેમનું દુઃખ લૌકિક જેવું તો છે નહી. પ્રભુ પ્રેમના ચાહની વેદના જાણનાર કોઈક વિરલા જ હોય છે. દુનિયા બનાવનાર બ્રહ્માજી જેવા ચાહના કરે છે પણ તેમને પ્રભુપ્રેમની વેદના મળતી નથી. તેમજ ઉદ્ધવજી પણ મહા જ્ઞાની અને ભક્ત પણ હતા, તેમને પણ આ દિવ્ય પ્રેમનું દુઃખ પ્રિય વિયોગ સમુદ્રમાં ડુબેલા શ્રીગોપીજનોની કૃપાથી રંચક મલ્યું. પ્રિય વિયોગ સમુદ્રમાં નિમગ્ન બનેલા ગોપીજનોને જોઈને ઉદ્ધવજીનું જ્ઞાન ગર્વ શ્રી વ્રજવલ્લભાઓના વિયોગ સમુદ્રના અશ્રુપ્રવાહમાં તણાઈ ગયું અને ત્યાર પછી આવા મધુર દર્દ ભર્યા દુઃખની કણીકાની ચાહના ઉદ્ધવજી જેવા જ્ઞાની ભક્ત કરવા લાગ્યા. અને તે શ્રી ગોપીજનોની કૃપાથી મધુર દુઃખની કણીકા મળી. આ મધુર દુઃખની કણીકા પ્રાપ્ત કરવી અતિ દુર્લભ હોવાથી શ્રી હરિરાય પ્રભુ પદમાં આજ્ઞા કરે છે –
 
‘રસિક’ ચરણરજ વ્રજયુવતિનકી ।
અતિ દુર્લભ જીય જાન ।।
 
પ્રિય વિયોગ સમુદ્રમાં નિમગ્ન થયેલાં શ્રી ગોપીજનોની ચરણરજને અતિ દુર્લભ કહી છે. આ પ્રિય વિયોગમાં મધુર વ્યથા ભરી છે. સંયોગના કોટિ કોટિ સુખોમાં જે આસ્વાદન ન મળે તે પ્રિયના વિયોગની માધુરી વ્યથામાં અનુભવાય છે. આવી મધુર વ્યથાભરી ચરણરજ અતિ દુર્લભ છે તે પ્રિયનો સંદેશ લઈને આવનાર ઉદ્ધવજીને શ્રી ગોપીજનની કૃપાથી પ્રાપ્ત થઈ છે.
 
દિવ્ય પ્રેમમાર્ગના ગુરૂ :
 
દિવ્ય પ્રેમમાર્ગના ગુરૂ શ્રીગોપીજન છે. આ દિવ્ય પ્રેમ પ્રાપ્તિની પ્રણાલી (રીત) શ્રી ગોપીજનોના જીવનમાંથી આપણે શીખવી. શ્રીગોપીજનોની પ્રણયલીલાને અષ્ટસખા આદિ મહાનુભાવોએ હિલગ આદિ પદોમાં ગાઈ છે, તેમાં આ દિવ્ય પ્રેમનો વિલાસ જાણી શકાય છે.
 
વિરહ દુઃખની કિંમત કરનાર પ્રેમીજનો પ્રિય વિયોગના મધુર દુઃખની ચાહના કરે છે તે નીચે મુજબ :
 
કાહુકો દિયો કછુ, કાહુ લંક લુટાય ।
મોહી મયા કર દીજીયે, જબ નિકસે તબ હાય ।।
 
પ્રભુની ભક્તિ કરનારને જેવી જેની ચાહના તેવું ફલ પ્રભુ આપે છે. કોઈને ધનની ચાહના, કોઈને મોક્ષની ચાહના અને કોઈને લૌકિક તેમજ અલૌકિક સંસારમાં માન બડાઈની ચાહના હોય છે. જેને જેવી ચાહના તેવું ભગવાન આપે છે. પરન્તુ દિવ્ય પ્રેમના અનિર્વચનીય સુખની અને મધુર દુઃખની જે પ્રેમીજન કદર કરે છે તેવો ચતુર પ્રેમીજન માન બડાઈ કે બીજા કોઈ પણ બ્રહ્માનંદ જેવા અલૌકિક સંસાર સુખોની ચાહના કરતો નથી, પણ પ્રિય પ્રભુના વિયોગની મધુર દર્દભરી હાય સદા નીકળ્યા કરે તેજ ચાહે છે.
 
પ્રશ્ન : ભગવાનના દિવ્ય સુખની ચાહના નહી કરતા વિયોગ દુઃખની ચાહના પ્રેમીજન કરે છે તેમાં ગૂઢ રહસ્ય શું હશે ?
 
ઉત્તર : દિવ્ય પ્રેમ કેવા પ્રકારનો છે અને તે કેવા પાત્રમાં રહે છે તે આ દુઃખની ચાહના કરનારા પ્રેમીજને જાણી લીધેલ હોય છે. એટલે પ્રિયતમના વિયોગ દુઃખનો અનુભવ કર્યા વિના દિવ્ય પ્રેમનું પાત્ર બની શકાતું નથી. તેથી ચતુર પ્રેમી પ્રિય પ્રભુથી સુખની ચાહના નહી કરતાં વિયોગ દુઃખની ઇચ્છા કરે છે. ‘‘નિરોધ લક્ષણ’’ ગ્રંથમાં આપશ્રી મહાપ્રભુજીએ પ્રથમ વિયોગ દુઃખ દાનની પ્રાર્થના પ્રભુને કરી છે. તેનું કારણ વિયોગ દુઃખમાં જ અગણિત પ્રેમાનંદને ધારણ કરવાની પાત્રતા સિદ્ધ થાય છે, તેથી વિયોગ દુઃખની (સ્વકીયો માટે) પ્રાર્થના કરી છે. માટીના કાચા ઘડામાં જો જલ ભરવામાં આવે તો ઘડાને ઓગાળીને જળ બહાર નીકળી જાય છે તેમ જો દેહના ઇન્દ્રિયોના અન્તઃકરણના અધ્યાસ અને લોકલાજ, લૌકિક પ્રપંચ, માન-બડાઈ આ બધાની હૈયાતીમાં દિવ્ય પ્રેમ કદાચ પ્રાપ્ત થાય તો કાચા ઘડાની જેમ હૃદય ઘટમાં સ્થિર નહી રહેતા દેહના સુખમાં અને લૌકિક-અલૌકિક માન-બડાઈમાં આ દિવ્ય પ્રેમ વહેંચાઈ જાય છે. તેથીજ નંદદાસજી કહે છે કે :
 
પ્રેમ એક એક ચિતસો એક હી સંગ સમાય
ગાંધીકો સોદા નહી જન જન હાટ બિકાય.
 
દિવ્ય પ્રેમ એકમાં જ સિદ્ધ થાય છે જેમ સોયમાં દોરો પરોવાયેલો રહે તેમ ચિત્ત સતત પ્રિયતમ પ્રભુમાં પરોવાયેલું રહે ત્યારે દિવ્ય પ્રેમ સિદ્ધ થાય છે. આવી સ્થિતિને સમજવા માટે આગળ કહે છે :
 
મનકી ગતિ પ્રિયપે એકતારા ।
સમુદ્ર મિલી જેસે ગંગકી ધારા ।।
 
ગંગાજીની અવિરત ધારા જેમ સમુદ્રમાં મળી જતાં જુદી દેખાતી નથી, તેમ મનચિત્તની વૃત્તિઓનો પ્રવાહ નિરંતર પ્રિયતમના સ્વરૂપમાં લાગેલો રહે ત્યારે દિવ્ય પ્રેમ પ્રાપ્ત થાય છે. અથવા પ્રિય પ્રભુના એકજ સ્વરૂપમાં પ્રેમ-આસકિત-વ્યસન ભાવ સિદ્ધ કરીને અન્તીમ પ્રિય સ્વરૂપથી જ્યારે તદાત્મકતા થાય ત્યારે દિવ્ય પ્રેમ સિદ્ધ થયો કહેવાય. આવી તદાત્મક અવસ્થા વિરહાનુભવ વિના સિદ્ધ થતી નથી, તેથી કહે છે :
 
જા ઘટ વિરહ અવા અનલ પરિપક ભયે સુભાય
તાહી ઘટ મધ્ય નંદહો પ્રેમ અમી ઠહરાય ।।
 
વિરહના અનુભવથી દિવ્ય પ્રેમનું પાત્ર સિદ્ધ થાય છે, ત્યારે તદાત્મક અવસ્થાવાળો સિદ્ધ પ્રેમ ઠહેરી શકે છે.
 
ભગવાનની દૈવી ગુણમય-માયા જ્ઞાનીઓને ઠગી લે છે. પુષ્ટિ પ્રેમમાર્ગનું જ્ઞાન મેળવી સાક્ષાત પ્રિય પ્રભુના સ્વરૂપને મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. આવો જે પ્રયત્ન કરતા નથી અને માત્ર ઉપદેશક બને છે અને માન-બડાઈની ચાહના કરે છે તેવા ઉપદેશકોને ભગવતી માયા ઠગી લે છે. તેથી જ કૃષ્ણાશ્રયમાં આપશ્રી આજ્ઞાકરે છે : ‘‘લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણએવ ગતિર્મમ’’
 
‘‘લાભ’’ એટલે ભૌતિક સ્વાર્થ અને ‘‘પુજા’’ એટલે માન-બડાઈની ચાહના. આ બન્નેનો ત્યાગ કરો એમ નિજજનોને સાવધાનતા આપે છે. ચતુર પ્રેમીજન લાભ પૂજામાં ફસાતો નથી.
 
પ્રભુની દૈવી ગુણમય માયા :
 
પ્રેમીજન દૈવી ગુણમય માયાને શ્રીમહાપ્રભુજીની કૃપાથી ઓળખે છે કે સાક્ષાત પ્રિયતમના સ્વરૂપથી કોઈ પણ કારણે વિમુખ થવું તે દૈવી ગુણમય માયાનું જ કાર્ય છે તેમ ચતુર પ્રેમીજન જાણે છે.
 
‘‘દિવ્ય પ્રેમ એટલે પ્રિય પ્રભુથી પોતાના સુખની જેમાં ચાહના નથી પરન્તુ પ્રિયતમના સુખમાં જ પોતાને સુખી માનનારને દિવ્ય પ્રેમ કહેવાય છે. આવો પ્રેમ જેમનામાં નથી તેવાને માન-બડાઈમાં અને બીજા પણ ધર્મ સમુહના સંપ્રદાયના કાર્યોમાં અને આવા કાર્યોથી મળતા સ્વલ્પ આનંદમાં અટકાવી દઈ ભગવાનની ગુણમયી માયા દિવ્ય પ્રેમમાર્ગમાં ચાલવા દેતી નથી.
 
રસિક કોને કહેવાય ?
 
‘‘રસિક’’ શબ્દનો અર્થ ‘‘રસ’’ અને ‘‘ઇક’’ એવા બે પદો નીકળે છે. સંસ્કૃત, હિન્દી અને વ્રજભાષામાં ’ઇક’ને શેરડી કહેવાય છે. શેરડી જેમ થડથી પીછાના અગ્ર ભાગ સુધી રસથીજ ભરેલી છે, તેમ જેના સર્વાંગમાં પ્રિયતમના સુખનો દિવ્ય પ્રેમ રસ ભરેલો રહે છે તેને રસિક કહેવાય છે. આવા રસિકની સ્થિતિ કેવી હોય છે : ‘‘રસિકનકો રસ એકહી બાતનમેં, નેન બહે મુખ બેન ન આવે.’’ પ્રિયતમની ક્ષણ ક્ષણની યાદથી જેના નેત્રોમાં અખંડ અશ્રુ પ્રવાહ ચાલી રહેલ છે, અને વાણી પ્રવાહ જેનો બંધ પડી ગયો છે તેને અહિં રસિક કહેલ છે. અથવા રસિકા કામ વર્જિતા રસિકમાં કામ હોતો નથી, પરન્તુ દિવ્ય પ્રેમ ભરેલો હોય છે. જ્યાં સુધી દેહ પ્રાણ-ઇન્દ્રિયો અને અંતઃકરણમાં ભૌતિક પ્રપચના અધ્યાસો વ્યાપેલા છે ત્યાં સુધી કામનું રાજ્ય ચાલી રહ્યું છે. આવા કામના રાજ્યમાં દિવ્ય તત્સુખી પ્રેમ પ્રગટ થઈ શકતો નથી. કામ-ગંધ શૂન્ય થયા વિના દિવ્ય પ્રેમ રાજ્યના પ્રદેશમાં પ્રવેશ થઈ શકતો જ નથી.
 
કામ અને પ્રેમનો ભેદ :
 
પ્રભુએ વ્રજમાં પ્રગટ થઈને બાલલીલાથી ભક્તોનો પોતાનામાં પ્રેમ ઉત્પન્ન કરી ભક્તોના દેહના ભૌતિક અધ્યાસોરૂપી ભૌતિક અવિદ્યા દુર કરી (પ્રિય પ્રભુને ભૂલાવી દે તેવા વિચારરૂપ પ્રપંચને અવિદ્યા કહેવાય છે) અને ગૌચારણ લીલાના મિષથી ભક્તોને વિયોગનો અનુભવ કરાવી આધ્યાત્મિક અવિદ્યા દુર કરી. આ બન્ને અવિદ્યા દુર થતાં શ્રીગોપીજનોની કેવી અવસ્થા બની તેને સમજવા સુ. 10-16-16માં આપશ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે :
 
ગોપીનાં પરમાનંદ આસીદ ગોવિંદ દર્શને ।
ક્ષણં યુગશતમિવ યાસાં યેન વિના ભવત્ ।।
 
પ્રિયતમ પ્રભુનાં દર્શનથી શ્રીગોપીજનોને પરમાનંદનો અનુભવ થાય છે. અને પ્રિયતમના વિયોગ સમયે તેમની એક-એક ક્ષણ સો યુગ જેવી લાંબી અને વ્યથા ઉત્પન્ન કરનારી થઈ પડે છે. પ્રિય વિયોગની આવી વિરહાગ્નિથી તેમનામાં રહેલી સ્વલ્પ અંશે પણ સ્વસુખની ભાવના સર્વાંશે દગ્ધ થઈ જાય છે ત્યારે વેણુગીત પ્રસંગે શુદ્ધ તત્સુખી દિવ્ય પ્રેમનો અનુભવ થયો હતો. પ્રભુથી મને સુખ મળે તેવા ભાવને ‘‘કામજ’’ કહેવાય, દિવ્ય પ્રેમ ન કહી શકાય. પોતાના સુખની ઉપાધિ વગરનો અને જેની સીમા નથી તેવો, અગણિત આનંદ જેમાં ભરેલો રહે છે, અને જે અનિર્વચનીય વાણીમાં આવી શકતો નથી, કેવલ અનુભવથી જ સમજી શકાય છે તેને અહી ‘દિવ્ય પ્રેમ’ કહેવાય છે. એક એક ક્ષણ પ્રિય વિયોગે સો યુગ જેવી લાંબી અને વ્યથાભરી અનુભવી લીધા પછી અગણિત પ્રેમાનંદને ધારણ કરવાની પાત્રતા શ્રીગોપીજનોમાં સિદ્ધ થઈ. આવી પાત્રતાને જ અહિં ‘‘રસિક’’ શબ્દથી ઓળખાવેલ છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.