અવગાહનીય પત્ર
spacer
spacer

- પ. ભ. મધુકર

જ્યાં સુધી દેહના અધ્યાસો ભૂખ-પ્યાસ અને રોગાદિક બાધક બને છે ત્યાં સુધી આપણી સાધન દશા કહેવાય છે. આવી સાધન દશામાં શ્રીની સેવામાં અન્યના સહારાની જરૂર રહે. આપણા જ હાથે (સ્વયં પાકી બની) રસોઈ કરી પ્રભુને ભોગ ધરવા એ ઉત્તમ પ્રકાર છે. તેમ છતાં શરીરની અનુકુલતા ન હોય ત્યારે સહારાની જરૂર પડે. વળી સેવા દ્વારા ઘરનો પરિકર પ્રભુ સન્મુખ રહે છે અને તેમ થવાથી પ્રભુની પ્રસન્નતા થાય છે. આપણામાં ભૌતિક અવિદ્યા રહેલી છે ત્યાં સુધી દેહના અધ્યાસો બાધક બને છે. આ અવિદ્યાની નિવૃત્તિ પ્રભુની નિઃસાધન દૈન્યભાવે શરણાગતિથી થાય છે. મારા પ્રભુને હું સુખરૂપ ક્યારે બનીશ તેવો તત્સુખાત્મક તાપભાવ રાખી સેવા સ્મરણાદિ કરતા રહેવાથી નિઃસાધન દૈન્યભાવ પ્રક્ટ થાય છે, ત્યારે પ્રેમ સ્વરૂપ પ્રિય પ્રભુનો હૃદયમાં આવિર્ભાવ થતાં અવિદ્યાના બંધનમાંથી આપણે નિવૃત્ત થઈએ છીએ, દેહાદિના અધ્યાસો રહેતા નથી. આ પછીની આપણી અવસ્થા પ્રેમમય છે. હૃદયમાં પ્રેમ સ્વરૂપ પ્રભુ પ્રગટ થવાથી જે અવસ્થા થાય છે તેનું નીચેના દોહામાં બ્યાન આપ્યું છે. ‘‘પ્રેમ પ્રગટ જબ હોય હે ભૂલે જગતકો ભાન, તુ તુ તુ રહી જાય હે, હું કો મીટે નિશાન.’’ દિવ્ય પ્રેમ આપણા ભૌતિક સ્વરૂપને અને ભૌતિક જગતને ભૂલાવી દે છે, અને તુ તુ તુ એટલે પ્રાણવલ્લભનું ભાવાત્મક સ્વરૂપ સર્વત્ર લાવણ્યામૃતની વર્ષા કરતું અનુભવાય છે.
 
પીત્વા મુકુંદ મુખસારઘ અક્ષિ ભૃંગૈઃ ।। મધપુડામાં મધુમાખી ચીપકીને જેમ મધુપાનમાં મગ્ન બની જાય છે, તેમ શ્રી ગોપીજનોના નેત્રરૂપી ભ્રમરીઓ સર્વત્ર પ્રિયતમના લાવણ્યામૃત મધુનું પાન કરી રહી છે. ભૌતિક દેહના અધ્યાસો નિવૃત્ત થવાથી ભૌતિક દેહનું વિસ્મરણ થઈ જાય છે. અને આપણા અલૌકિક દેહથી લાવણ્યામૃત પાન નિરંતર થાય છે. પરંતુ પ્રેમ સ્વરૂપ હૃદયમાં પ્રક્ટ થયા પછી ઉપરોક્ત અવસ્થા બને છે. આ પ્રેમ સ્વરૂપનું પ્રાગટય નિઃસાધન દૈન્ય ભાવથી થાય છે. અને નિઃસાધન દૈન્યભાવ તાપભાવથી થાય છે. હું મારા દિવ્ય દેહને પ્રાપ્ત કરી પ્રાણપ્રિય પ્રભુને ક્યારે સુખદ બનીશ ? આવા તાપભાવપૂર્વક આપણા દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરવું અને શ્રી સર્વોત્તમજીથી આપનું ગુનગાન કરવું અને નામનું પણ સ્મરણ તાપ ભાવપૂર્વક કરવાથી, નિઃસાધન દૈન્યભાવ પ્રાપ્ત થતાં માયાના ટેરાને હટાવી આપણા પ્રાણવલ્લભ હૃદયમાં પ્રગટ થઈ જાય છે.
 
આપણી સાધન દશામાં બીજામાં રાગ અને દ્વેષના આસુરી ભાવો અવિદ્યા ઉત્પન્ન કરે છે. આ ભાવો આપણા હૃદયમાં હોય ત્યાં સુધી પ્રેમ સ્વરૂપનું પ્રાગટય આપણા હૃદયમાં થતું નથી. આપશ્રીએ ભાગવતાર્થ નિબંધમાં આજ્ઞા કરી છે કે પ્રાણીમાત્ર પ્રત્યે દ્વેષભાવ નિવૃત્ત થાય ત્યારે જ ભગવાનમાં ભક્તિ (પ્રેમ) થાય છે. આપની આ આજ્ઞા અનુસાર આપણા સમાનશિલ વલ્લભીજન સિવાય કોઈમાં રાગ નહી કરવો. અને બીજાના દોષ જોઈને દ્વેષ પણ નહી કરવો. ઉંચ-નીચમાં પ્રભુની લીલા ભાવના વિચારી આપણા મનને (તે રાગદ્વેષની ખટપટમાંથી) નિવૃત્ત કરતા રહેવું. આવા જ આશયથી આપે સ્વકીય હિતાર્થં નવરત્નમાં આજ્ઞા કરી છે –
 
લોકે સ્વાસ્થ્યં તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ ।
પુષ્ટિ માર્ગસ્થિતો યસ્માત્ સાક્ષિણો ભવતાખિલા
 
‘‘પુષ્ટિમાર્ગ’’ એટલે પ્રેમમાર્ગમાં સ્થિત થવા માટે સાક્ષિવત થઈ જવું. ‘‘સાક્ષિવત’’ એટલે કોઈમાં રાગ અને દ્વેષથી મનનો તેમાં પ્રવેશ થવા ન દેવો. ઉંચ નીચ સર્વમાં લીલા ભાવના રાખવી. આ ભાવનામાં બીજે અટક્યા વગર પ્રભુનો સંબંધ બન્યો રહે છે, અને તેથી અવિદ્યા દૂર રહે છે. પ્રેમમારગમાં મનને બધેયથી નિવૃત્ત કરી પ્રિય પ્રભુમાં સ્થિર કરવાનું હોય છે. તે પ્રેમમાર્ગની રીત નંદદાસજીએ બતાવી છે કે –
 
પ્રેમ એક એક ચિત્તસોં, એકહી સંગ સમાય ।
ગાંધીકો સોદા નહી, જન જન હાથ બિકાય ।।
 
રાગ અને દ્વેષમાંથી મનને નિવૃત્ત કરી સર્વત્ર ઉંચ નીચમાં લીલા ભાવના રાખીને હું મારા પ્રાણવલ્લભને સુખરૂપ ક્યારે બનીશ તેવા તાપ ભાવપૂર્વક સેવા સ્મરણાદિથી નિઃસાધન દૈન્યભાવ પ્રાપ્ત થતાં પ્રાણવલ્લભ હૃદયમાં પ્રાદુર્ભૂત થઈ જશે. આ સમયે ત્રિવિધ માયાનો લય થઈ જાય છે. આપણી ભૂતલ સ્થિતિમાં સેવા સ્મરણાદિ અલૌકિક સાધનોથી જે પુરુષાર્થ પ્રાપ્ત કરવાનો છે તે છે આપણો અલૌકિક દેહ (તનુનવત્વ) આ અલૌકિક દેહ તત્સુખના તાપાત્મક ભાવથી શિઘ્ર સિદ્ધ થઈ જાય છે. અને આ અલૌકિક દેહથી જ લીલા ધામમાં પ્રવેશ થાય છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.