પ્રશ્નોત્તર
spacer
spacer

 લે. મધુકર

સ્નેહી ભાઈશ્રી, સપ્રેમ શ્રી સ્મરણ.
 
આપનો પ્રશ્ન : ‘‘અત્યારે શ્રીમહાપ્રભુજીના સિદ્ધાંતના નામે, અથવા જુની પ્રણાલીના હિસાબે જે ચાલી રહ્યું છે, તેમાં સાચો સિદ્ધાંત ક્યો તે કેવી રીતે ખબર પડે ? કોઈ માપ દંડ ખરો ?’’
 
સમાધાન : પ્રથમ તો આપણે એ સમજી લઈએ કે શ્રીમહાપ્રભુજીનો પ્રગટ કરેલો માર્ગ કોરો (શુષ્ક) જ્ઞાન માર્ગ નથી પરન્તુ (રસગુલ્લા જેવો બાહર ભીતર રસથી પ્લાવીત) દિવ્ય પ્રેમ માર્ગ છે.
(1)               રતિ પથ પ્રગટ કરણકું પ્રગટે કરૂણાનિધિ શ્રીવલ્લભ ભૂતલ.
(2)               વેણુગીત પુન યુગલ ગીતકી રસ બરખા બરખાઈ । સેવા રીત પ્રિત વ્રજજનકી જનહિત જગપ્રગટાઈ ।। (શ્રીહરિરાય ચરણોક્ત વધાઈ.)
(3)               કોઉ રસિક નહિ યા રસકો । વાગધીશ વચનામૃત ગહવર પરાકાષ્ઠા પ્રેમ પ્રસંગીત, વ્રજપુર વધૂ સ્વરૂપ સ્નેહ સુન સુન કાહુ કો ન કસકો ।।
(4)               શ્રીલક્ષ્મણ સુત નીકે ગાવે । દમલા પ્રભુદાસ બડભાગી, તીનકું પુનિ પુનિ આપ શિખાવે ।।
 
પ્રેમ વિવશ વ્હે શ્રીવલ્લભ પ્રભુ । નેનન સેનન અર્થ જનાવે ।। (શ્રીપદ્મનાભદાસજી)
વેણુગીત અને યુગલ ગીતમાં શ્રીમહાપ્રભુજીએ, નિજજનો પ્રતિ દિવ્ય પ્રેમ સુધાની વર્ષા કરી છે.
 
શ્રીમહાપ્રભુજીનો સિદ્ધાંત તત્સુખી દિવ્ય પ્રેમ છે. આ પ્રેમને જેણે જાણ્યો અને માણ્યો (અનુભવ્યો) તેણે સિદ્ધાંતનું માપ દંડ સમજી લીધું. ચાહે જુની પ્રણાલી હો કે નવી પ્રણાલી હો. આ ઉભયના સિદ્ધાંતમાં જો તત્સુખાત્મક દિવ્ય પ્રેમનો સંબંધ નથી તો એવા સિદ્ધાંતોની નોબતમાં સૂર (અવાજ) પુષ્ટિ પ્રભુના કર્ણ સુધી નહી પહોંચે. કારણકે પુષ્ટિ સિદ્ધાંતોથી જે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે તે રસોવૈસઃ દિવ્ય પ્રેમ સ્વરૂપનું છે. વેણુગીતમાં પાંચ પર્વવાળી વિદ્યામાં બીજું પર્વ સાંખ્ય’’ (જ્ઞાન) છે. આ જ્ઞાન રસોવૈસઃ સ્વરૂપનું છે.
 
શ્રી વલ્લભ પ્રીતમ પ્યારે,
વલ્લભ જગમેં પરમ ઉજીયારે ।
દૈવીનકે હિતકારી,
પ્રેમ ભક્તિ કે જયજય કારી ।।
પ્રેમ ગાવે પ્રેમ ભાવે,
પ્રેમમેં અનુદિન રહે ।
પ્રેમ સ્નેહી પ્રેમ દેહી,
પ્રેમ બાની નીત કહે ।।
પ્રેમ સેવા કરે કરાવે,
નંદ સુત હૃદે રહે ।
વલ્લભી નિજદાસ દાસી,
સુખ સમૂહ કહા કહે ।।
(ચોખરા)
 
‘પુષ્ટિ’ માર્ગ એટલે દિવ્ય પ્રેમ માર્ગ. આ પ્રેમ માર્ગના ગુરૂ શ્રી ગોપીજનો છે. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોનું સાચું (વાસ્તવિક) માપદંડ શ્રી ગોપીજનોના જીવનમાંથી મેળવવું જોઈએ. તેઓ મહા જ્ઞાની ઉદ્ધવજીને કહે છે કે :
 
પ્રેમ વિના સબ પચિમરે વિષય વાસના રોગ
સખા સુન શ્યામકે.
 
જેમાં આ દિવ્ય પ્રેમ નથી. આ અનિર્વચનીય પ્રેમને જાણીને તેને પ્રાપ્ત કરવાની તમન્ના નથી. માત્ર કોરા જ્ઞાની છે, તેવાના સિદ્ધાંતોમાંથી ઉત્પન્ન થતાં (વાદ વિવાદના) વમળો પ્રભુ પ્રેમીજનો માટે આત્માના રોગ રૂપ છે.
 
શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોનું વાસ્તવિક માપદંડ પ્રભુની શ્રી ગોપીજનો સાથે રસ લીલાઓનાં ચરિત્રોમાંથી પ્રાપ્ત કરવું જોઈએ.
 
શ્રીમદ્ ભા. 11-11 17×18માં ભગવાન ઉદ્ધવજી પ્રતિ આજ્ઞા કરે છે કે – ‘‘હે ઉદ્ધવ ! શબ્દ બ્રહ્મનો નિષ્ણાત પરબ્રહ્મમાં પ્રવેશ કરતો નથી, તો વસુકી ગયેલી ગાય તેના પાલકને બોજરૂપ બને છે,’’ તેમ દિવ્ય પ્રેમ વિનાનું જ્ઞાન, પ્રેમ સ્વરૂપ પ્રભુમાં પ્રવેશ કરતું નહી હોવાથી, શબ્દ બ્રહ્મના નિષ્ણાતે મેળવેલું જ્ઞાન નિરર્થક બને છે. જે વાણીનો સ્વીકાર પ્રેમ સ્વરૂપ પ્રભુ કરતા નથી તે વાણી વિધવા જેવી ગણાય. શબ્દબ્રહ્મ જ્ઞાનરૂપ છે, અને પરબ્રહ્મ પ્રેમ સ્વરૂપ છે. પ્રેમ સ્વરૂપમાં જે સિદ્ધાંત જ્ઞાનનો ઉપયોગ નથી તેવું જ્ઞાન વ્યર્થ છે. લાભ પૂજામાં કે મનોરંજનમાં આવા જ્ઞાનનો ઉપયોગ થતો હોય તો તેવા જ્ઞાનીની પુષ્ટિમાં ગણના નથી.
 
‘‘જે કોઈ પ્રેમ અંશ અવતરે,
પ્રેમ રસ તેના ઉરમાં ઠરે.’’
 
પુષ્ટિ પ્રભુનું ધામ એ દિવ્ય પ્રેમની રાજધાની છે. આ ધામમાં સ્થાવર જંગમ સર્વ દિવ્ય પ્રેમનું જ બનેલું છે. આવા ધામમાંથી વિછુરેલો દૈવી જીવ એ દિવ્ય પ્રેમના અંશ રૂપ જ છે. આવા અંશ રૂપ જીવને તેના પ્રેમના અંશ પણાના સહજ સ્વભાવથી દિવ્ય પ્રેમની પ્રાપ્તિ તરફ તેના મન-ચિત્ત આકર્ષાય છે. તેનું જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે તેને સમજાય છે કે પુષ્ટિ પ્રભુના સંબંધવાળો તત્સુખાત્મક દિવ્ય પ્રેમ એ ભૂલોકની વસ્તુ નથી. તેમજ સ્વર્ગથી લઈને વૈકુંઠ લોક સુધીના દેવતાઈ લોકમાં પણ આ દિવ્ય પ્રેમ છે નહીં.
 
નેહ અક્ષર હે દોય, એ વિધના નાહીન રચે ।
તો ક્યા સમજે કોય, નેહ પંથ નેહી બિના ।।
 
આવું સમજ્યા પછી આ પ્રેમી સાધક લોકાતીત બને છે. લોકાતીત થવાથી તેના મન-ચિત્તની વૃત્તિઓ દિવ્ય પ્રેમ રાજ્યમાં પ્રવેશ કરી દિવ્ય પ્રેમને પ્રાપ્ત કરે છે. લોકાતીત બનીને જે સાધના કરે છે તેનો પરિચય રસિક ભક્ત નંદદાસજી નીચે મુજબ કરાવે છે :
 
જા ઘટ વિરહ અવા અનલ,
પરિપક ભયે શુભાય ।
તાહી ઘટ મધ્ય નંદ હો,
પ્રેમ અમી ઠહરાય ।।
 
લીલા ધામથી વિછુરેલા નિજજનને લીલા ધામમાં પહોંચાડવા માટે મહાકારૂણિક પ્રભુ વિરહ ભાવનું દાન કરે છે. આ વિરહના અનુભવથી ત્રિવિધ માયાનો પ્રલય થઈ જાય છે, ત્યારે તેને પ્રિય પ્રભુમાં વ્યસનાત્મક પ્રેમ પ્રગટ થાય છે.
 
પરેષામાસકિત સુત ધન શરીરાદિષુ દ્રઢાં,
દ્રુતં ભસ્મીચક્રે બહલમપિ તૂલં જવલ ઇવ ।
સ્વસાનિધ્યાદેવ વ્યશનપિ કૃષ્ણેડપિવિદધૃત્,
સ મે મૂર્ધન્યાસ્તાં હરિવદન વૈશ્વાનરવિભુઃ ।।
(વૈશ્વાનરાષ્ટક)
 
ઉપરોક્ત વ્યસનાત્મક પ્રેમની વિલક્ષણતાને નીચેના દોહામાં અવલોકીયે :
 
પ્રેમ પ્રગટ જબ હોય હે, ભૂલે જગત કો ભાન ।
તુ તુ તુ રહી જાય હે, હું કો મીટે નિશાન ।।
 
જુની પ્રણાલી કે નવી પ્રણાલીના સિદ્ધાંતના વક્તાઓને શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતનું વાસ્તવિક માપદંડ ઉપરોક્ત દોહામાંથી પ્રાપ્ત કરવા યોગ્ય છે. અને પુષ્ટિ પ્રભુના સંબંધ વાળા અમારા દૈવી જીવનની વાસ્તવિકતા કેવા પ્રકારની હોવી જોઈએ તે પણ સમજી શકાશે. હજુ આગળ જોઈએ :
 
ચાચા શ્રી ગોપેશ્વરજી કૃત શ્રી સર્વોત્તમ સ્તોત્રના મંગલાચરણનો શ્લોક :
 
પ્રવૃદ્ધ યત્કૃપામ્ભોધિ બિન્દુરેકોપિયં સ્પૃશેત્ ।
સજ્જન રસાબ્ધૌ તપતે સ તં વન્દેનલ પ્રભુમ્ ।।
 
અર્થાત્ – જેમાં ખુબ (દિવ્ય પ્રેમની) ભરતી આવેલી છે એવો શ્રીવલ્લાધીશ્વરની કૃપાનો સમુદ્ર, જે સમુદ્રનું એક બિન્દુ પણ જેનો સ્પર્શ કરી લે તે (બડભાગી) જીવ સાગરમાં ડુબતો જાય અને તપતો પણ જાય. (વિપ્રયોગમાં સિજાતો જાય) તેવા (મધુર) અગ્નિ સ્વરૂપ વલ્લભ પ્રભુને હું વંદન કરું છું.
 
પ્રશ્ન- દિવ્ય પ્રેમની એક બિન્દુનો વિલક્ષણ પ્રભાવ ઉપરોક્ત શ્લોકમાં કહ્યો, તેમાં રહસ્ય શું છે ?
 
સમાધાન-આ પ્રેમનું બિન્દુ આત્મારૂપ હોવાથી અને આત્મતત્વનું વિરૂદ્ધ ધર્માશ્રયત્વ હોવાથી તે બિન્દુ ભીતર સાગરરૂપ પણ છે અને વ્યાપકત્વતા પણ છે. આત્માની સાગર રૂપતા શ્રીમદાચાર્યચરણે ‘‘સિદ્ધાંતમુક્તાવલી’’માં કથી છે :
 
‘‘આત્માનંદ સમુદ્રસ્થં કૃષ્ણમેવ વિચિન્તયેત’’ અને આત્માની વ્યાપકતા આપશ્રીએ ’’શાસ્ત્રાર્થ નિબંધ’’માં નિરૂપેલ છે : અણુડપિ બ્રહ્મ વ્યાપકમ્ આત્મતત્વની આ બે વિરૂદ્ધ ધર્માશ્રયતા આત્મારૂપ દિવ્ય પ્રેમના બિન્દુમાં પણ રહેલી જ છે, તેથી પોતાના અનિર્વચનીય રસાસ્વાદમાં ડૂબાવી રાખે છે અને તેમાં મધુર અગ્નિરૂપતા હોવાથી રસાસ્વાદમાં અતૃપ્તિ પણ બનીજ રહે છે. હજુ આગળ જોઈએ :
 
કહત હોં સબે સયાની બાત ।
જો લો નાહીન દેખે સુન્દર,
કમલ નૈન મુસિકાત ।।
સબ ચતુરાઈ વિસર જાત હે,
ખાન પાન કી બાત ।
બિન દેખે છિન કલ ન પરત હે,
પલભર કલ્પ સમ જાત ।।
સુનિ ભામીનીકે વચન મનોહર,
સખી મન અતિ સકુચાત
ચત્રભુજ પ્રભુગિરિધરનલાલ સંગ સદા બસોં દિનરાત

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.