નામ-સ્મરણ મહિમા
spacer
spacer

- પ. ભ. મધુકર

કલીકાળમાં નામ સ્મરણ સિવાય બીજાં કોઈ સાધનો સિદ્ધ થતાં નથી. ‘‘વિવેક ધૈર્યાશ્રય’’માં શ્રીવલ્લભે તેવીજ આજ્ઞા કરી છે. ‘‘નિઃસાધન બનીને દીનભાવે નામ સ્મરણ દ્વારા પ્રભુની શરણાગતિમાં રહેવું. ‘નિઃસાધનના ફલરૂપ પ્રભુ શ્રી ગોકુલમાં પ્રક્ટ થયા છે તેથી અમો સર્વ રીતે નિશ્ચિંત છીએ...’’ એમ શ્રી મત્પ્રભુચરણોની આજ્ઞા છે. તે પ્રમાણે નિઃસાધન બની દીન ભાવે નિરંતર નામનું સ્મરણ કરવાથી પ્રભુની પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે. તેમ શ્રીપ્રભુચરણની આજ્ઞાનો આશય સમજાય છે.
 
નામ સ્મરણમાં, ‘‘શ્રી સર્વોત્તમજી’’ના સ્તવનનો આગ્રહ રાખવો. પ્રત્યેક નામના મહત્વના અનુસંધાન પૂર્વક, અને પ્રભુ પ્રાપ્તિના, અથવા આપના સાક્ષાત દર્શનના તાપભાવ પૂર્વક શ્રી સર્વોત્તમજીના સ્તવનથી, ભૌતિક અને આધ્યાત્મિક પ્રપંચનો સત્વરે લય થઈ જાય છે, તેવો આશય શ્રી સર્વોત્તમજીના મંગલાચરણના ચોથા અને છઠ્ઠા શ્લોકમાંથી પ્રાપ્ત થાય છે. પ્રપંચનો સત્વરે લય થવાનું કારણ શ્રી વલ્લભ અગ્નિ સ્વરૂપ છે તે અગ્નિ સ્વરૂપનાં જ 108 નામો છે. પ્રત્યેક નામમાં અગ્નિ સ્વરૂપની વ્યાપ્તતા છે, તેથી પ્રપંચનો શીઘ્ર લય કરે છે.
 
‘વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને’ ‘‘ભક્તિયોગ’’ શબ્દ પ્રભુના સાક્ષાત સ્વરૂપ સંબંધમાં યોજાયેલ છે. એટલે કે નિત્યલીલાસ્થ કોટિકદર્પથી અધિક લાવણ્ય સૌન્દર્ય, અને અનંત રસાત્મક સામગ્રીયુક્ત રસાત્મક સ્વરૂપના સાક્ષાત અનુભવમાં (ભૌતિક, આધ્યાત્મિક-આધિદૈવિક) જેટલા પ્રતિબંધો છે તેનો વિશેષે કરીને નાશ કરવામાં શ્રી સર્વોત્તમજીનો વિનીયોગ છે. ‘‘વિનાશને શબ્દનું એવું પણ તાત્પર્ય નીકળે છે કે ત્રણે પ્રકારના પ્રતિબંધોનો મૂળમાંથી નાશ થતો હોવાથી ફરી તેની ઉત્પત્તિની સંભાવનાજ નથી.
 
જેવી રીતે અવતાર લીલાના ભક્તોની ભૌતિક અવિદ્યા તામસ પ્રમાણ પ્રકરણ મુજબ બાલલીલાથી દૂર કરી. આધ્યાત્મિક અવિદ્યા તામસ પ્રમેય પ્રકરણની લીલાથી દૂર કરી અને આધિદૈવિક પ્રતિબંધ શ્રી ગિરિરાજ ધારણ કરી દૂર કર્યો. પ્રશ્ચાત્ ફલપ્રકરણમાં મહારાસ સમયે નિત્ય લીલાસ્થ પૂર્ણાનંદ સ્વરૂપનો શ્રી ગોપીજનોને અનુભવ થયો. તેવી રીતે ત્રણે પ્રકારના પ્રતિબંધોને દૂર કરી સાક્ષાત સ્વરૂપાનંદનું દાન કરવાનું શ્રીસર્વોત્તમજીમાં અચિંત્ય સામર્થ્ય છે. આ પ્રકારનું ‘‘વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને’’ આ પંક્તિનું નિગૂઢ તાત્પર્ય છે. કારણ કે આ શ્લોકના ઉત્તરાર્ધમાં – ‘‘કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશયઃ’’ એમ શ્રીમત્પ્રભુચરણની આજ્ઞા છે. ‘‘કૃષ્ણ અધર અમૃત’’ એ શ્રી વલ્લભપ્રભુનું મૂલ સુધા સ્વરૂપ છે. આ સુધાના દાનથી પાઠ કરનાર ભક્તને નિત્ય લીલા સંબંધી આધિદૈવિક દેહ સિદ્ધ થઈ જાય છે, અને આધિદૈવિક દેહ સિદ્ધ થતાં નિત્ય લીલાસ્થ કોટિકંદર્પથી અધિક લાવણ્ય-સૌન્દર્ય પૂર્ણાનંદ સ્વરૂપના અનુભવનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. આ મહાન ફલદાનમાં શ્રી સર્વોત્તમજીનું અચિન્ત્ય સામર્થ્ય હોવાથી, અને આપનો સ્વયંનો તેવો અનુભવ હોવાથી ‘‘ન સંશયઃ’’ તેવી શ્રી મત્પ્રભુચરણે આજ્ઞા કરી છે.
 
લીલાધામમાં અનંત પ્રકારની રસાત્મક લીલાઓ અનંત શ્રી સ્વામિનીજીઓમાં અથવા અનંત યુગલોમાં જે થઈ રહી છે તે લીલાના સંબંધવાળા શ્રીસર્વોત્તમજીનાં 108 નામો છે. એટલે કે 108 નામનું અખંડ જોડાણ નિત્યલીલા ધામની દિવ્ય લીલાઓ સાથે રહેલું છે, તેવું તાત્પર્ય મંગલા ચરણના ચોથા શ્લોકમાં ‘‘પ્રવક્ષ્યામ’’ શબ્દથી પ્રાપ્ત થાય છે. પાઠ કરનાર ભક્તની આધિદૈવિક અવસ્થા પ્રાપ્ત થતાં 108 નામની દિવ્ય લીલાઓ આધિદૈવિક પ્રકારેજ નિત્યલીલાનો અનુભવ કરાવે છે.
 
જેમ ભગવાનનાં ત્રણ સ્વરૂપો છે – ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક, અને જેનું વર્ણન સિદ્ધાંત મુક્તાવલીમાં કરેલુ છે, તે પ્રમાણે પ્રત્યેક નામના ત્રણ પ્રકારનાં સ્વરૂપો છે. આપણી ભૌતિક દશામાં લેવાતું નામ આપણા ભૌતિક અધ્યાસોને દુર કરે છે જેમ બાલલીલામાં પ્રભુએ પ્રાકૃત બાલક જેવું સ્વરૂપ ધારણ કરી બાલલીલાથી ભક્તોમાં પ્રેમ ઉત્પન્ન કરી તેમની ભૌતિક અવિદ્યા દુર કરી, તેમ આપણી ભૌતિક દશામાં લેવાતું નામ, પોતાના સામર્થ્યથી આપણી ભૌતિક અવિદ્યાને દુર કરી પ્રભુ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન કરે છે, અને ભૌતિક અવિદ્યા દુર થતાં, આપણી આધ્યાત્મિક અવસ્થા પ્રક્ટ થાય છે. આ આધ્યાત્મિક અવસ્થામાં બ્રહ્મભાવ પ્રાપ્ત થતો હોવાથી આધ્યાત્મિક અવિદ્યાને દુર કરી સાક્ષાત્ રસાત્મક સ્વરૂપના પ્રાદુર્ભાવની ભૂમિકા સિદ્ધ થાય છે. તામસ પ્રમેય પ્રકરણની અવિદ્યા નામ સ્મરણથી દૂર થતાં આપણી જ્યારે આધિદૈવીક અવસ્થા બને છે, ત્યારે આધિદૈવિક રસાત્મક સ્વરૂપનો ભાવાત્મક પ્રકારે લીલા સહિત આપણા હૃદયમાં પ્રાદુર્ભાવ થાય છે જેનું વર્ણન વેણુગીતના શ્રી સુબોધીનીજીમાં કરેલું છે.
 
જેમ અવતારલીલા સમયે પ્રભુએ લીલા કરીને ભક્તોના ત્રણે પ્રકારના પ્રતિબંધોને દૂર કરી સાક્ષાત્ સ્વરૂપાનંદનું મહારાસમાં દાન કર્યું. તેમ વિદ્યમાન – અનવતાર કાલમા ‘‘નામ સ્મરણ દ્વારા’’ ત્રણે પ્રકારના પ્રતિબંધો દૂર થઈ સાક્ષાત સ્વરૂપાનંદનું દાન થાય છે, તેવું શ્રીસર્વોત્તમજીના છઠ્ઠા શ્લોકનું નિગૂઢ તાત્પર્ય છે. વળી ભાગવતાર્થ નિબંધમાં પણ શ્રી વલ્લભપ્રભુએ આજ્ઞા કરી છે કે, ‘‘ભગવદ્ નામ અવતાર તુલ્ય કાર્ય કરનારૂં છે.’’ અને શ્રી સર્વોત્તમજીનું છઠું નામ ‘‘સ્મૃતિ માત્રાર્તિનાશનઃ’’ છે, તે ભક્તની ત્રિવિધ પ્રકારની આર્તિને દૂર કરીને સાક્ષાત પ્રભુનો સંબંધ કરાવનાર છે.
 
શ્રી સર્વોત્તમજી આપણને ફલિત કેવી રીતે થાય ? તેનો આશય ‘‘શ્રદ્ધાવિશુદ્ધ-બુદ્ધિર્યઃ’’ – એ 34મા શ્લોકમાં જણાવેલો છે. આ શ્લોકનાં સંપૂર્ણ આશયને જાણીને તે પ્રમાણે નિરંતર તન્મય બનીને ‘‘શ્રી સર્વોત્તમજીનું જ અનન્ય ભાવથી પઠન કરવાથી દુર્લભ અધર સુધા રૂપ સિદ્ધિ નિઃસંદેહ પ્રાપ્ત થાય છે.’’
 
નામ અને નામીમાં અભેદ છે, નામમાં ભાવાત્મક સ્વરૂપ રહેલું છે. જેમ બીજમાં વૃક્ષ સૂક્ષ્મરૂપે (ન દેખાય તેવી રીતે) રહેલું છે, અને બીજને પોષણ મળતાં અંકુરીત થઈ વૃક્ષ રૂપે પ્રક્ટ થઈ જાય છે, તેમ શ્રીવલ્લભ નામમાં આપનું ભાવાત્મક સ્વરૂપ રહેલું છે, અને નામના સ્મરણ દ્વારાજ નામ રૂપ બીજનું પોષણ થતાં, નામ રૂપ બીજમાં રહેલું આપનું ભાવાત્મક સ્વરૂપ આપણી હૃદય ભૂમિમાં પ્રક્ટ થઈ જાય છે, અને શ્રુંગાર કલ્પવૃક્ષ રૂપ બનીને નિત્યલીલા ધામની, અનંત કુંજોરૂપી અનંત શાખાઓમાં, જે અનંત પ્રકારની દિવ્ય લીલાઓ નિત્ય ચૈતન પ્રકારે થઈ રહી છે, તેનો અનુભવ કરાવે છે. આપના નામનો આવો અનિર્વચનીય મહિમા હૃદયમાં ધારણ કરીને, નામ-સ્મરણમાં અનન્ય ભાવ રાખીને પ્રભુ વિયોગ જનિત આર્તભાવથી નિરંતર નામનું સ્મરણ કરવાથી મહાકારૂણિક શ્રી વલ્લભ પ્રભુ-પોતાના ‘‘અદેય’’ સ્વરૂપાનંદનો અનુભવ કરાવશે જ.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.