સત્વરે પ્રભુ પ્રાપ્તિમાં નિશ્ચય પૂર્વકના કર્તવ્યનું મહત્વ
spacer
spacer

લેખક : શ્રીવલ્લભપાદપદ્મમિલિન્દ

નીશ્ચેના મહેલમાં વસે મારો વાલમો
જે રે જાયે તે ઝાંખી પામે હો જી રે ।
ભૂલા ભમે તે બિજા સદનમાં શોધે,
હરિ ના મિલે એકો ઠામે હો જી રે ।।
 
ઉપરોક્ત પદની છેલ્લી પંકિતમાં ‘‘શ્રી વલ્લભ શરણ થકી સૌ પડે સહેલું’’ શ્રીવલ્લભ નામ જ સર્વ સાધનોનું ફલ અને શ્રી વલ્લભ નામમાં જ સર્વસ્વતા. સર્વસ્વતાની અને ફલરૂપતાની નિષ્ઠા અને નિર્ણય શ્રી વલ્લભ નામમાંજ થતાં નામમાં આપ ભાવાત્મક સ્વરૂપે પ્રવેશ કરે છે. તે પોતાના કર્તુમ્-અકર્તુમ્-અન્યથા કર્તુમ્ સામર્થ્ય સહિત પ્રવેશ કરતા હોવાથી શ્રી વલ્લભનું નામ શું કાર્ય કરે છે, તે નીચેના પદમાં અવલોકીયે –
 
શ્રીવલ્લભ નામકી નાવ,
વાકો શ્રીવલ્લભ નામ ચલાવે ।
લેત નહી કછુ દામ નાવમેં યોંહી બેઠાવે ।।
એસી તરેહ લે જાય પેટકો પાની ન હિલાવે
ઉતારે ભવ પાર, શ્રીવલ્લભ કો જાય મિલાવે ।।
વૃન્દાવન કે બીચ જહાજ કો જાય ઝુકાવે ।
કહે કૃષ્ણદાસ હુલ્લીસ, અમર કે મહેલ બસાવે ।।
 
‘‘શ્રીવલ્લભ નામકી નાવ વાકો ભગવદીય ચલાવે’’ એવો પણ પાઠ છે. પરંતુ શ્રીવલ્લભ નામજ નાવીક બનીને નાવ ચલાવે આ પાઠ અતિ ઉત્તમ છે. કારણકે કર્તુમ્-અકર્તુમ્ અન્યથા કર્તુમ્ એવું પૂર્ણ પ્રમેય બલ અથવા વિરૂદ્ધ ધર્માશ્રય ઐશ્વર્ય ધર્મી પ્રભુ સ્વરૂપમાં જ રહેલું હોય છે. ભગવદીયોમાં આપે દાન કર્યું હોય તે પ્રમાણે સામર્થ્ય હોય છે. ભગવદીયોમાં પણ ભગવાન સમાન સામર્થ્ય હોય છે, પરંતુ તેવું સામર્થ્ય તો નિરંતર વિરહાનુભવથી પ્રભુ સ્વરૂપ સાથે તન્મયતા (સર્વાત્મભાવ) પ્રાપ્ત થયા પછી આવે છે. આવા ભગવદીયો બહુ દુર્લભ છે. જે છે તેને શ્રીગજ્જન ધાવનજીની જેમ પ્રેમ રાજ્યનો કરફયું હોય છે. તેનો મિલાપ દુર્લભ છે.
 
‘‘લેત નહી કછુ દામ.’’ નામ સ્મરણને કોઈ ઉપકરણની જરૂર નથી. દામનો ખર્ચ નથી, ગમે ત્યારે ગમે તેવી અવસ્થામાં લઈ શકાય છે. નામને વિધિ નિષેધ લાગુ પડતા નથી. ભગવદ નામમાં અલૌકિક અગ્નિનો પ્રબળ પૂંજ હોવાથી વિધિ નિષેધ બહુ દૂર રહી આવે છે. કોટિ કોટિ સૂર્યના તેમાં પ્રકાશ હોવાથી માયા જન્ય અનેક જન્મોના ગાઢ અંધકારને ઉદય થતાં જ દૂર કરે છે.
 
‘‘એસી તરહ લે જાય પેટકો પાની ન હાલે’’ નામમાં નિશ્ચય થવાથી તેમાં નામી સ્વરૂપનો પ્રવેશ થાય છે, તેથી માયાકૃત પ્રતિબંધો આવી શકતા નથી. જ્યા પ્રભુ સ્વરૂપ બિરાજતું હોય ત્યાં માયાકૃત કલેશાત્મક ભાવો સ્પર્શ કરી શકતા નથી. (તેને કાળ કર્મ નવ બાંધેરે, યમ શિર ધનુષ ન સાંધેરે).
 
‘‘ઉતારે ભવ પાર.’’ એટલે સંસાર સાગરથી પાર કરી નામ પોતાના નામી સ્વરૂપને પ્રાપ્ત કરાવી દે છે. નામના સ્મરણથી તનુનવત્વ સિદ્ધ થવાથી પોતાના ધામ-વૃન્દાવનમાં શ્રી વલ્લભ આવા ભક્તને નિત્ય નિવાસ કરાવે છે. ત્યાંથી પાછુ ફરવાનું હોતું નથી તેથી કહ્યું ‘અમરકે મહેલ બસાવે’ નામ સ્મરણ કરનારને તનુ નવત્વ (અલૌકિક દેહ) પ્રાપ્ત થાય છે. તે દેહ નિત્ય-અજર-અમર છે. તેથી જન્મ-મરણનું આવાગમન રહેતું નથી. આ અલભ્ય પુરુષાર્થ નામના સ્મરણ માત્રથી જ પ્રાપ્ત થતો હોવાથી નિશ્ચયાત્મક પ્રકારે મહાનુભાવ શ્રી હરિરાય ચરણોએ આ નામનું અચિન્ત્ય માહાત્મ્ય બતાવ્યું છે.
 
શ્રીમદાચાર્ય ચરણે શાસ્ત્રાર્થ નિબંધમાં આજ્ઞા કરી છે : ‘‘કલિકાલ સ્વભાવતઃ ઉત્કૃષ્ટ સ્વલ્પ સાધનેન મહાફલપ્રદઃ’’. આપશ્રીએ અષ્ટાક્ષર મહામંત્રનું જે દાન કર્યું છે તેનું જ મહત્વ નિબંધમાં જતાવી રહ્યા છે.
 
શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું સતત પાલન કરીયે તેમાં આપશ્રીની આશિષની વર્ષા સતત થતી હોય છે. પ્રભુની પ્રસન્નતા તેમની આજ્ઞા પાલનથી થાય છે અને પ્રસન્નતાની અંદર જ આશિર્વાદ સ્થિતિ કરીને રહેલા છે. અથવા પ્રસન્નતા, આશિર્વાદ અને કૃપા ત્રણે પરસ્પર મળેલા રહે છે. આથી નિજ સ્વામી જેમ પ્રસન્ન થાય તેજ નિજજનોનું કર્તવ્ય છે.
 
ચોરાશી ભગવદીયો આપણા પૂર્વજ છે અને વંદનીય પણછે. તેઓએ શ્રી વલ્લભ પ્રભુને વિનંતી કરી જે ‘‘અમારૂં કર્તવ્ય શું ?‘‘ કર્તવ્ય પરાયણ રહીયે તેમાંજ આપશ્રીની પ્રસન્નતા છે. અને પ્રસન્નતાથી આશિર્વાદ અભિન્ન છે તેથી મહાનુભાવોએ આશિષની યાચના નહી કરતા કર્તવ્યને જાણવાની વિનંતી કરી. આપશ્રીએ કર્તવ્યને જણાવતા આજ્ઞા કરી-અમે તમને જે સેવ્ય સ્વરૂપ પધરાવી આપ્યું છે તે અમારૂં સર્વસ્વ છે, તેનું તમે સર્વસ્વ માની સેવન કરજો. સર્વસ્વ એટલે જીવનરૂપ, જેના વિના જીવી ન શકાય, એક ક્ષણ તેનાથી અળગા ન રહેવાય. સેવા-સ્મરણ-ગુણગાન-ધ્યાન કે ગ્રંથાવલોકનથી સતત પ્રભુ સન્મુખ રહી પોતાનું જીવન નભાવે છે તેને સર્વસ્વતા કહેવાય છે.
 
જેમ પતિવ્રતાને પતિ વશ થઈ જાય છે તેમ કર્તવ્ય પરાયણ જીવોને પણ પ્રભુ વશ થઈ જાય છે.
 
આધુનિકોને પોતાના સેવ્ય સ્વરૂપમાં-સર્વસ્વતાનો ભાવ નહી હોવાથી, અથવા સર્વસ્વતાનો નિશ્ચય નહી થવાથી સેવ્યમાં પ્રેમ ઉત્પન્ન થતો નથી અને તેથી આનંદનો અનુભવ થતો નથી અને પરિણામે તેઓ અન્યત્ર ધર્મ સમૂહમાં આનંદની ભીક્ષા માગતા ફરે છે. તેવાને માટે દયારામભાઈ કહે છે કે ‘‘ભૂલા ભમે તે બીજા સદનમાં શોધે, હરિ ના મીલે એકે ઠામે હોજી રે.’’ ધર્મી સ્વરૂપ હરિથી મળતો આનંદ સમુદ્રના વહેતા પ્રવાહ જેવો અવિરત ચાલતો હોવાથી તેને અન્યત્ર આનંદની ભીક્ષા માગવાની કેમ રહે ? હમારા પૂર્વજોએ સેવ્યમાં સર્વસ્વતાની ભાવનાથી અવિરત દિવ્ય આનંદનો અનુભવ કરેલો હોવાથી તેમને અન્યત્ર આનંદ માટે વિચરવાનું ન રહ્યું.
 
વિદ્યમાન પુષ્ટિમાર્ગમાં ત્રિવિધ પ્રકારના જીવોનો પ્રવેશ છે. વિષયાનંદના અધિકારીયો, બ્રહ્માનંદના અધિકારીયો અને ભજનાનંદના અધિકારીયો. વિષયાનંદના અધિકારી જીવો પ્રવાહી છે. આવા જીવોની ભરતી પુષ્ટિમાર્ગમાં વિશેષ થઈ છે. આ પ્રવાહી જીવોએ બ્રહ્મસંબંધ લીધેલું હોય છે. ઘરમાં શ્રી ઠાકુરજી પણ બિરાજતા હોય છે, પણ શ્રીમહાપ્રભુજીની સેવા મર્યાદા પ્રમાણે આચાર વિચારથી પ્રભુને ભોગ ધરીને અધરામૃતથી નિર્વાહ કરવો તેવો પ્રચાર આ પ્રવાહી જીવોમાં હોતો નથી. સંસારમાં આસકતી, પ્રભુ ગૌણ અને સંસાર મુખ્ય. આજના સુધરેલા જમાનાની ભ્રષ્ટતા આ પ્રવાહી જીવોના ઘરમાં વ્યાપેલી છે. અને તે કારણે થોડી ઘણી રહેલી વૈષ્ણવતાનું આ પ્રવાહી જીવો લીલામ કરાવી રહ્યા છે.
 
આવા જીવોની ઓળખાણ કરાવવાનું કારણ પુષ્ટિ પ્રભુના સંબંધવાળા દૈવી જીવો આવા જીવોથી સાવધાન થઈ જાય. આ પ્રવાહી જીવોમાં પુષ્ટિ પ્રભુનો સંબંધ માની અજ્ઞાનથી અને ભાવલાપણાથી તેના સંબંધને જાળવી રાખે છે તે ઉચિત નથી. કારણ તેમના દુઃસંગથી આપણું પણ પતન થાય છે. કેવલ લૌકિક જીવો કરતા આવા દૈવી પણાનું બાનુ રાખી વિષયાનંદને મુખ્ય માની જીવનારા જીવોનો સંબંધ ભારે અનિષ્ટ કરનાર છે. બ્રહ્માનંદનો અનુભવ કરનારા જીવોમાં પ્રભુનું અક્ષરાત્મક-આધ્યાત્મિક સ્વરૂપ રહેલું છે અને શુદ્ધ પુષ્ટિ ભક્તોમાં પ્રભુનું આધિદૈવિક (ભજનાનંદ) સ્વરૂપ રહેલું છે. પુષ્ટિ જીવો આ ભજનાનંદનો અનુભવ કરી શકે તે માટે સેવ્ય સ્વરૂપને પધરાવી આપ્યું છે. તે સેવ્યમાં જ સર્વસ્વતાનો ભાવ (પ્રેમ) થવાથી ભજનાનંદનો અનુભવ કરી શકે છે. નામ સ્મરણ કરનાર અને સ્વરૂપ સેવા કરનાર બન્નેએ શ્રી મહાપ્રભુજીની સેવા મર્યાદા પ્રમાણે પ્રભુને ભોગ ધરીને અધરામૃતથી નિર્વાહ કરવો અત્યંત જરૂરી છે. કારણકે અસમર્પીત લેવાથી નામમાં રહેલી આધિદૈવિકતા અને સ્વરૂપમાં રહેલી આધિદૈવિકતા (આસુરી ભાવના કારણે) તિરોહિત થઈ જાય છે.
 
નામ સ્મરણમાં નિશ્ચય થવાથી મન અન્ય સાધનોથી નિવૃત થઈ નામ સ્મરણનું અવલંબન લે છે. નામ સ્મરણનું અવલંબન એ નામી સ્વરૂપનું જ અવલંબન (આધાર-આશ્રય) હોવાથી નામી સ્વરૂપ હૃદયમાં પધારે છે. નામી સ્વરૂપ જીવની કલ્પનામાં ન આવે તેવું તેમજ અચિન્ત્ય અને અનંત શક્તિ વાળુ હોવાથી નામ સ્મરણ કરનાર સ્વકીયને લીલા ધામમાં સત્વરે પહોંચાડે છે.
 
જીવની કલ્પનામાં ન આવે એવું અદભુત શ્રીવલ્લભ નામનું માહાત્મ્ય શ્રીહરિરાય પ્રભુએ પદોમાં વર્ણવ્યું છે :
 
(1) સબનતે શ્રીવલ્લભ નામ ભલો ।
યાહીમેં ગોકુલ યાહીમેં વૃન્દાવન
યાહીમેં વ્રજ મંડલો ।।
યાહીમેં ગોવર્ધન રાસાદિ લીલા
યાહીમેં યમુના કંદલો ।
‘રસિક’ પ્રીતમ શ્રીવલ્લભ તજકે,
વૃથા ઈત ઉત ન ચલો ।।
 
(2)               જપ તપ તીરથ નેમ ધરમ વ્રત
મેરે શ્રીવલ્લભ પ્રભુજી કો નામ ।
સુમરો મન સદા શુભકારી
દુરીત કટે સુધરે સબ કામ ।।
હૃદે વશે યશોદા સુત પદ
લીલા સહિત સકલ સુખ ધામ ।
રસિક યહ નિરધાર કીયો હે
સાધન તજ ભજ આઠો યામ ।।
 
ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે હે અર્જુન ! જે ભક્ત મારો અનન્ય આશ્રય રાખી મારું ભજન કરે છે, તેનો ‘‘યોગ’’ એટલે પોતાની પ્રાપ્તિ માટે અલૌકિક સાધન મિલાવી આપવું. આ અલૌકિક સાધનમાં નામ નાવ અને નામી નાવીક રૂપથી પોતેજ સાધન રૂપ બની પોતાના ધામમાં લઈ જાય છે. અને ‘ક્ષેમ’ એટલે નામ અને નામી રૂપે અથવા નાવ અને નાવીક રૂપે પોતેજ હોવાથી કાલ-માયા કૃત કોઈ પણ પ્રકારના પ્રતિબંધ લીલા ધામમાં પહોંચવામાં આવી શકતા નથી. અનન્યતામાં યોગ-ક્ષેમ વહન કરનાર પોતેજ હોવાથી નામ સ્મરણ કરનારને સત્વરે પોતાના દિવ્ય સ્વરૂપની પ્રાપ્તિ કરાવી પોતાના લીલા ધામમાં પહોંચાડી દે છે. અનન્યતા અને નિશ્ચય એક બીજાના સહાયક છે. એટલે નિશ્ચય વિના અનન્ય થઈ શકાતું નથી અને અનન્યતા વિના નિશ્ચયનું રક્ષણ થઈ શકતું નથી. રતિપથના પથિકો રતિપથ પર ચાલીને દિવ્ય પ્રેમ રાજ્ય પર વિજય ધ્વજ ફરકાવે તેવા મહાન ગૌરવને પ્રાપ્ત કરાવનાર નિશ્ચય પૂર્વકનું કર્તવ્ય છે. દૈવી જીવન કર્તવ્ય પાલન વિના બરબાદ થઈ જાય છે. ‘‘આયે તે કછુ લેનકું ગયે ગાઠકો ખોય.’ દૈવી જીવ હોવા છતાં કર્તવ્ય પાલન કેમ થઈ શકતું નથી તે જાણવા માટે બ્રહ્મસંબંધ દાતા પોત પોતાના ગુરૂદેવને વિનમ્ર પ્રશ્ન કરી જાણવું જોઈએ. પ્રભુ પ્રાપ્તિનો માર્ગ ગાફેલ રહેનારને નહી ભળે. ‘‘મુસાફર જાગતે રહેના, નગરમેં ચોર આતે હે.’’

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.