પુષ્ટિ ભક્તનું ધ્યેય નિત્યલીલાસ્થ સ્વરૂપ
spacer
spacer

- શ્રીવલ્લભપાદપદ્મમિલિન્દ

અષ્ટાક્ષરની ભાવના :
 
અષ્ટાક્ષર વિપ્રયોગ ભાવથી લેવાય તો શ્રી વલ્લભ સ્વરૂપ તેનાથી ભિન્ન નથી. વિરહ ભાવાત્મક યુગલોમાં વિરહભાવાત્મક શ્રીવલ્લભનો વિલાસ છે. વિરહાગ્નિ સ્વરૂપ શ્રીવલ્લભથી આ યુગલો તદ્રુપ છે, વિરહ ભાવાત્મક સુધાનો જ પરસ્પરના વિરહે અનુભવ કરી રહ્યાં છે. તેવા યુગલ સ્વરૂપના ભાવનું આ અષ્ટાક્ષર નામ છે, તેવી ભાવના રાખી અષ્ટાક્ષરનું સ્મરણ કરવું તે શ્રીવલ્લભનું જ સ્મરણ છે.
 
રસસ્વરૂપ – દ્વિદલાત્મક :
 
રસ સ્વરૂપ બે પ્રકારનું છે. સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. તેમાં સંયોગાત્મક પું ભાવાત્મક સ્વરૂપ શ્રીમહાપ્રભુજીનું છે, એટલે સેવ્ય સ્વરૂપ અને શ્રીવલ્લભ શ્રીવિઠ્ઠલની ભિન્નતા ન રહી.
 
દ્વિદલાત્મક રસાત્મક વિલાસના ભેદે શ્રી વલ્લભ શ્રીવિઠ્ઠલ-શ્રીજી-શ્રીનવનીતપ્રિયાજી આદિ આવા નામોના ભેદો રહેલા છે તે સર્વ સ્વરૂપો રસો વૈસઃ જ છે. તેમાં ગુંચવણ ઉભી ન થાય તે માટે સંયોગાત્મક-વિપ્રયોગાત્મક વિલાસ ભેદનો વિચાર કરવો. અથવા ‘‘યજ્ઞભોક્તા’’ અને ‘‘યજ્ઞકર્તા’’ સ્વરૂપનો વિચાર કરવો.
 
ગાયત્રી ભાષ્યમાં શ્રીગોકુલેશપ્રભુ આજ્ઞા કરે છે કે કૃષ્ણ સ્વરૂપ બે પ્રકારનું છે. એક સદાનંદરૂપ બીજું સચ્ચિદાનંદ રૂપ. બહાર પ્રગટ સ્વરૂપોનાં જે દર્શન થાય છે તે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અને તે બહાર પ્રગટ સ્વરૂપોની ભીતર સુધા સ્વરૂપે જે બિરાજે છે તે સદાનંદ સ્વરૂપ છે. આને ‘‘નિર્ગુણ’’ સ્વરૂપ પણ કહેવાય છે. આ સદાનંદ સ્વરૂપ વિપ્રયોગ-ભાવાત્મક હોવાથી તેનેજ શ્રીવલ્લભ સુધા કહેવાય છે. આ સુધા સ્વરૂપ શ્રીવલ્લભની, સચ્ચિદાનંદ સ્વરૂપની ભીતર સદા સ્થિતિ હોવાથી સચ્ચિદાનંદ સ્વરૂપનો વિલાસ સિદ્ધ થાય છે. અથવા સચ્ચિદાનંદનો અનુભવ ક્રિયા દ્વારા થાય છે, અને સદાનંદનો અનુભવ ભાવ દ્વારા થાય છે. આ રીતે લીલા લોકમાં કે ભૂતલમાં સચ્ચિદાનંદ સ્વરૂપોમાં તેમજ શ્રીસ્વામિનીજીઓમાં આંતર સ્થિત સદાનંદ સ્વરૂપ રહેલું છે. આવી રીતે શ્રીકૃષ્ણના બે સ્વરૂપ જાણવા.
 
આ સદાનંદ, સુધા સ્વરૂપ યુગલ સ્વરૂપોમાં વિલાસ સિદ્ધ કરે છે તેનું વર્ણન સપ્તશ્લોકીના પહેલા અને ત્રીજા શ્લોકમાં શ્રીપ્રભુચરણોએ કરેલું છે. યુગલોમાં ભોક્તારૂપે અને યજ્ઞકર્તારૂપે સુધા સ્વરૂપ શ્રીવલ્લભની નિરંતર સ્થિતિ છે.
 
‘‘દાતા ભોક્તા ઓર ન દુજા સાચા ત્રિભુવન રાય વહાં’’ મૂલ સુધા સ્વરૂપ શ્રીવલ્લભમાં અનંત ‘‘સ્ત્રી’’ ભાવો અને અનંત ‘‘પું’’ ભાવો રહેલા છે. જ્યારે આપને બહાર વિલસવાની ઇચ્છા થઈ-થાય છે ત્યારે પોતાના ‘‘સ્ત્રી’’ ભાવમાંથી અનંત સ્વામિની ભાવાત્મક સ્વરૂપો પ્રગટ કરે છે, અને આપના ‘‘પું’’ ભાવમાંથી અનંત પુરુષોત્તમ ભાવાત્મક ભગવદ્ સ્વરૂપો પ્રકટ કરે છે, આથી બહારનો વિલાસ સિદ્ધ થાય છે. આ સર્વે સ્વામિની ભાવાત્મક સ્વરૂપો અને ભગવદ્ ભાવાત્મક સ્વરૂપો શ્રીવલ્લભના મૂળ પૂર્ણ બ્રહ્મ સ્વરૂપમાંથી જ પ્રગટ થાય છે, તેથી રસોવૈસઃ પ્રકારે તે સર્વ વલ્લભરૂપજ છે. તેમ છતાં-રૂપ નામનો ભેદ રાખેલો છે તે લીલા વિચિત્રતાને માટે.
 
બહાર પ્રગટ થયેલા યુગલ સ્વરૂપોમાં શ્રી વલ્લભ મુલ સુધા રૂપે આંતરમાં સ્થિત રહી, યુગલોમાં સુધાના ભાવો-(રસાત્મક ભાવો)ને પ્રગટ કરી જ્યારે વિલાસ સિદ્ધ કરે છે ત્યારે આપ ‘‘યજ્ઞકર્તા’’ રૂપે છે. અને તે યુગલોમાં રસ વિલાસ થાય છે. તેથી શ્રીવલ્લભ જ આંતર અને બહાર અથવા સંયોગ અને વિપ્રયોગમાં વિલાસ સિદ્ધ કરીને તેના ભોક્તા પણ પોતેજ થાય છે.
 
પ્રશ્ન - ‘‘આપ સેવા કરી શિખવે શ્રીહરિ’’ આમાં સેવાનો પ્રકાર અને પોતાની લીલાના દર્શન કરાવ્યા છે તે રસાત્મક સ્વરૂપે લીલા કરી છે. આ તત્વ સમજવું હોય તો આચાર્ય પદ અને લીલાત્મક પદ કેવી રીતે સમજી શકાય ?
ઉત્તર – લીલાત્મક સ્વરૂપ યજ્ઞ ભોક્તા છે, કારણ કે શ્રી સ્વામિનીજીઓ સાથેની લીલામાં પ્રભુને રસનો અનુભવ થાય છે તેથી તે ‘‘યજ્ઞભોક્તા’’ છે. શ્રી આચાર્ય સ્વરૂપથી સેવા કરી અને નિજજનોને ઉપદેશ કરી રસાત્મક ભાવોને પ્રગટ કરે છે, તે આપનું ‘‘યજ્ઞકર્તા’’ સ્વરૂપ જાણવું. તેથીજ ‘શિખવે શ્રીહરિ’ એમ કહ્યું. શિખવવાનો જ્યાં જ્યાં પ્રકાર હોય ત્યાં ત્યાં ‘યજ્ઞકર્તા’ સ્વરૂપ કાર્ય કરી રહ્યું છે તેમ જાણવું.
 
સેવ્ય સ્વરૂપમાં જ અનન્યતા થતાં સેવ્ય સ્વરૂપ પોતેજ યજ્ઞભોક્તા અને યજ્ઞકર્તા થઈ જશે. શ્રી વ્રજરત્ના-ગોપીજનોએ પ્રકટ સ્વરૂપનેજ પોતાનું સર્વસ્વ માન્યું હતું. તેથી પ્રકટ સ્વરૂપથીજ તેમનું પોષણ થયુ. પ્રકટ સ્વરૂપજ તેમના માટે યજ્ઞકર્તા અને યજ્ઞભોક્તા થયા હતા. શ્રી ગોપીજનો સાથે રમણ સમય ‘યજ્ઞભોક્તા’ અને વેણુનાદ સમયે તેમનામાં રસાત્મક ભાવો પ્રક્ટ કરતી વખતે ‘‘યજ્ઞકર્તા’’ સ્વરૂપ. આમ એક જ પ્રગટ (સેવ્ય) સ્વરૂપથી ઉભય પ્રકારે શ્રી ગોપીજનોને અનુભવ થયો હતો. તેવીજ રીતે અધુના સેવ્ય સ્વરૂપ પ્રકટનીજ ભાવનાથી બિરાજી રહેલ છે. તેમાં અનન્યતા અને સર્વસ્વની ભાવના થતાં પોતેજ ભોક્તારૂપ થશે. અને સેવા કરનારમાં રસાત્મક ભાવ સંપદાની હૃદયમાં પ્રેરણા કરીને યજ્ઞકર્તા સ્વરૂપ થશે. સેવ્ય સ્વરૂપમાં સર્વસ્વનો ભાવ દ્રઢ થતાં ગુરૂ ભાવ, સ્વામિભાવ, બાલક ભાવ, મિત્ર ભાવ, અથવા યજ્ઞભોક્તા, યજ્ઞકર્તા આવા ભાવોને ધારણ કરે છે કારણ કે આપ સર્વ ભાવરૂપ છે. શ્રીવલ્લભનું ‘‘શ્રીકૃષ્ણાસ્ય’’ નામવાળું સ્વરૂપ ભાવ સ્વરૂપ છે. એટલે કે અનંત પ્રકારના વિવિધ ભાવો આ શ્રી કૃષ્ણાસ્ય સ્વરૂપમાંથી જ પ્રગટ થાય છે. આપના અંગીકૃત સ્વકીયોમાં આપનું શ્રીકૃષ્ણાસ્ય સ્વરૂપ બિરાજે છે. બહાર ભિતર આજ સ્વરૂપ નિજજનોનો નિરોધ કરે છે. બહાર સેવ્યરૂપથી સંયોગનો અનુભવ કરાવીને અને ભીતર વિપ્રયોગ સ્વરૂપથી અનુભવ કરાવીને નિરોધ સિદ્ધ કરે છે.
 
પ્રશ્ન – અવતાર લીલા સમયે તો પ્રભુ સન્મનુષ્યાકાર સ્વરૂપે પ્રગટ હતા, તેથી વેણુનાદ દ્વારા રસાત્મક ભાવો પ્રક્ટ કરી યજ્ઞકર્તા થયાં. પરંતુ અત્યારે વિદ્યમાન તો અવતાર કાલ નથી તો સેવ્ય સ્વરૂપમાં ‘યજ્ઞકર્તા’ ભાવ કેમ ઘટે ?
ઉત્તર – અત્યારે અવતાર કાલમાં ભક્ત હૃદયમાં બિરાજતા ભાવાત્મક સ્વરૂપથી રસાત્મક ભાવોની પ્રેરણા થાય છે. આ પ્રેરણાને જ વેણુનાદ જાણવો. તેથી તેવી રીતે ‘યજ્ઞકર્તા’ પણ સેવ્યમાં ઘટી શકે છે. જ્યારે આ રીતે સેવ્ય સ્વરૂપમાં સર્વસ્વતાનો ભાવ દ્રઢ થયો, અને સેવ્ય સ્વરૂપને આ રીતે સમજાણું તો પછી કોની આશા કરવાની બાકી રહે છે ? શ્રી ગોપીજનો અને ચોરાશી બસો બાવન ભગવદીયોને આજ રીતે અનુભવ થયો છે. ગીતાજી 9-22માં જે બાહેંધરી આપેલી છે. અને ‘‘સ્વદાસાર્થકૃતાશેષ સાધનઃ’’ આ નામની સંગતિ પણ સેવ્ય સ્વરૂપમાં જ થાય છે.
 
ઘનહી જીવન પ્રાણ,
ઘનસોં પ્રીત ઘન પતિવર ।
ઘનકો સુમરણ ધ્યાન,
ઘન ઘન રટતે ઘનભયે ।।
 
સેવ્ય સ્વરૂપજ જીવન પ્રાણ, તેમાંજ પ્રીતિ, તેજ પતિવર, તેની પ્રણય લીલાઓનું જ સ્મરણ, અને તેના સ્વરૂપનું જ ધ્યાન થતાં ‘કીટ ભ્રમર’ ન્યાયે પ્રિયતમરૂપ થઈ જવાબ છે; પછી ક્યો પુરુષાર્થ ઢુંઢવાનો બાકી રહે ?
 
વેણુગીતમાં-વેણુજીમાંથી જે સુધા પ્રકટ થાય છે તે વેણુની ઉચ્છિષ્ટ સુધાએ ગોપીજનોમાં પ્રવેશ કર્યો નથી. શ્રી ગોપીજનો અનન્ય છે, પોતાના પ્રિયતમના જ ઉચ્છિષ્ટ-અધરામૃતને ગ્રહણ કરનારા છે. તેમ શ્રીમદ્ પ્રભુચરણોએ તે પ્રસંગના સ્વતંત્ર લેખમાં આજ્ઞા કરી છે. આનો અર્થ એ થયો કે સેવ્ય સ્વરૂપથીજ જેનું પોષણ થઈ રહ્યું છે તે સર્વોત્કૃષ્ટ અધિકારી છે. આસકિત અને અનન્યતા જુદી ચીજ નથી. આસકિત કુંભનદાસજીની, વ્યસન ગજ્જનધાવનજીમાં, અને તન્મયતા આશકરણજીમાં સિદ્ધ થઈ છે. શ્રી વ્રજરત્નાઓને પ્રિયના વિયોગની એક ક્ષણ સો યુગ જેવી (લાંબી) વ્યથા ઉત્પન્ન કરનારી હતી. આ છે આસકિત અને વ્યસનનું સ્વરૂપ.
 
તન્મયતાનું સ્વરૂપ :
 
સુંદરદાસ શ્રીમહાપ્રભુજીના સેવક હતા. શ્રી વલ્લભ વિના કોઈને, કોઈ તત્વની સુંદરતાએ તેમના હૃદયમાં સ્થાન લીધું નહીં હતું. આ સુંદરદાસને એક સમયે શ્રીપ્રભુચરણોએ મહાપ્રસાદ લેવાની આજ્ઞા કરેલી. બીજા વૈષ્ણવો સાથે સુંદરદાસ મહાપ્રસાદ લઈ રહ્યા હતા તે સમયે શ્રીપ્રભુચરણોએ આજ્ઞા કરી કે સુન્દરદાસ, મહાપ્રસાદ કેસો હૈ ? ત્યારે સુન્દરદાસે વિનતી કરી કે રાજ ! બહોત સુન્દર. ત્યારે આપે આજ્ઞા કરી કે ‘‘સુન્દરદાસ, તુમારી અનન્યતા ચુકી ગયા’’ ત્યારે સુંદરદાસે વિનતી કરી કે રાજ અનન્યતા તો આપ રખાવો તો રહે પરન્તુ મારી અનન્યતા તો કેવી રીતે હું ચુક્યો છું તે આપ આજ્ઞા કરો તો મને જાણવામાં આવે ! ત્યારે આપે આજ્ઞા કરી કે તમારી અનન્યતા શ્રીમહાપ્રભુજીમાં છે. અને શ્રીમહાપ્રભુજી વિના બીજા કોઈને તમે સુન્દર કહેતા નથી અને માનતા પણ નથી તો મહાપ્રસાદને સુંદર કેમ કહ્યો ? ત્યારે સુન્દરદાસે કહ્યું કે રાજ ! મહાપ્રસાદમાં તો મારૂં ચિત્ત નહીં હતું, પણ કૃષ્ણદેવ રાજાની સભામાંથી મારા પ્રાણાધાર મંદગતિથી પધારી રહ્યા છે તે સમયના સૌન્દર્ય લાવણ્યનું પાન કરી રહ્યો હતો તેના ધ્યાનમાં આપને કહ્યું કે ‘‘બહોત સુન્દર.’’
 
અહીં વિચારણીય બાબત તો એ છે કે, શ્રીપ્રભુનું અધરામૃત અને શ્રીમત્પ્રભુચરણ સન્મુખ બિરાજી રહ્યા છે. આ તત્વમાં સુંદરદાસનું ચિત્ત અટકેલું નથી અને શ્રીવલ્લભના સૌન્દર્ય પાનમાં જ ડૂબેલા છે. તો શું, શ્રી પ્રભુચરણ અને અધરામૃત તે કંઈ ન્યુન તત્વ છે ? તેમાં ન્યુનતા (ગૌણતા) નથી, પરન્તુ આસકિતનું સ્વરૂપ આવું જ છે તેમ નિજસૃષ્ટિને જણાવવા માટે આ ચરિત્ર શ્રીપ્રભુચરણે જ કરાવ્યું છે.
 
આસકિત અને અનન્યતા :
 
એક ડોકરી શ્રી મદનમોહનજીનું સેવન કરતાં હતાં. તેમણે શ્રીમદનમોહનજી સિવાય બીજા સ્વરૂપને જીવનભર જોયેલું નહીં. તેને ત્યાં એક વિરકત વૈષ્ણવે પોતાના શ્રીબાલકૃષ્ણજીને પધરાવેલા. આ શ્રીબાલકૃષ્ણજીને શ્રીમદનમોહનજી જેવા કરી દીધા. બસો બાવનમાં આ પ્રસંગ છે. આ ચરિત્ર પણ શ્રીપ્રભુચરણનું જ છે. અને તે અનન્યતા શિખવવા માટે છે.
 
પંચમ ઘરના એક બાલક જયપુર બિરાજતા હતા. તેમની આસકિત શ્રી ચંદ્રમાજીમાં હતી. આ બાલક એક સમય શ્રીજીની સેવા કરવા પધાર્યા, રાજભોગ સમયે શ્રીજીને વેણુજી ધરાવે છે, શ્રીજીનો એક શ્રીહસ્ત કટી પર અને બીજો શ્રીહસ્ત ઊંચો હોવાથી શ્રીહસ્તમાં જેમ શ્રી ચંદ્રમાજીને વેણુજી ધરાય છે તેમ ધરાવી શકાતી નથી, ત્યારે તે બાલક વિચારે છે કે આજ મારો ક્યો એવો અપરાધ થયો છે કે શ્રી ચંદ્રમાજી વેણુજી ધરતા નથી ? આમ અપરાધના વિચાર નેત્રોમાંથી અશ્રુધારા ચાલવા લાગી. શ્રીજીથી આ દુઃખ સહન ન થવાથી ચંદ્રમાજીનું સ્વરૂપ શ્રીજીએ ધારણ કરીને શ્રીવેણુજી શ્રીહસ્તમાં ધારણ કરી લીધા. આ બાલકનું અન્તઃકરણ શ્રી ચંદ્રમાજીના સ્વરૂપની આકૃતિવાળું થઈ ગયું હતું. તેથી શ્રીચંદ્રમાજી વિના બીજા કોઈ તત્વનું સ્મરણ જ તેમને નહી હતું. અનન્યતાના આવા પ્રસંગોના શ્રવણથી હૃદય જો સદાય ઘવાયેલું રહી આવે તો આસકિત અને અનન્યતા વિજ્યની માળાથી સત્કાર કરવા સામેથી ચાલી આવે છે.
 
શ્રીજી કંઈ ચંદ્રમાજીથી ગૌણ નથી, પરંતુ આસકિતનું સ્વરૂપ એક જ છે. અને જેમાં આસકિત છે તેમાંજ પુષ્ટિના સમસ્ત લીલા સ્વરૂપોનો સમાવેશ છે. એમ આ પ્રસંગથી સમજાય છે. શ્રી પદ્મનાભદાસજીનો અનન્ય ભાવ શ્રીવલ્લભમાંજ હતો, તેથી પુષ્ટિપ્રભુની દ્વિધા શ્રુંગાર રસાત્મક લીલાને શ્રીવલ્લભ સ્વરૂપમાંજ નિહાળી, શ્રી વલ્લભથી જુદી રીતે નહી. આવી અનન્યતાના શિખરે શ્રી પદ્મનાભદાસજી પહોંચેલા હોવાથી ‘‘કોટિમાં વિરલ’’નું બિરદ શ્રી ગોકુલેશ પ્રભુએ આપ્યું છે.
 
અનન્યતાનું સ્વરૂપ અને સિદ્ધિ :
અનન્યતા અથવા આસકિત સાધારણ વસ્તુ નથી. પરમ કાષ્ઠાપન્ન વ્યથાનો અનુભવ કર્યા પછી સિદ્ધ થાય છે. આવી આસકિત સિદ્ધ કરવામાં એક રસિક ભક્ત વ્યથા ભોગવી રહેલ તેનો અનુભવ કહે છે.
 
કઠીન હે રસિક અનન્યતા,
રહત તન મન એક ઠોર ।
રાયકે સમ ચલતાહી હોત ઓર કી ઓર ।।
 
સુઇમાં દોરો પરોવાયેલો રહે તેમ મન જ્યારે પ્રિયતમના સ્વરૂપમાં નિરંતર પરોવાયેલું રહે ત્યારે અનન્યતા સિદ્ધ થાય છે. પ્રિયતમના સ્વરૂપમાંથી રંચક પણ મન અલગ થયું કે અનન્યતા ચુકાઈ ગઈ.
 
પ્રેમ એક, એક ચિત્તસો એકહી સંગ સમાય,
ગાંધીકો સોદા નહી જન જન હાથ બિકાય.
 
મારા જેવા વાંચક સિદ્ધાંતની ગડમથલ કરનારને પ્રેમ તત્વનો સ્પર્શ પણ દુર્લભ છે. દુનિયાથી બરબાદ થયા વિના પ્રેમ તત્વની અનિર્વચનીય માધુર્યતાનું આસ્વાદન કેમ પ્રાપ્ત થાય ? મારી (લેખકની) તો જગતમાં પૂજાવાની લાલસા છે તેવા પામરને મન-વાણીથી અગોચર આ દિવ્ય પ્રેમ સુધા કેમ મળે ?
 
ચઢનો મોમ તુરંગ પે ચલનો પાવક માવ ।
ઇસ્ક ચિમનકે બિચમેં એસે હોતો આવ ।।
 
મીણના અશ્વ ઉપર સ્વાર થઈને અગ્નિમાંથી પાર થઈ જવું જેટલું કઠીન છે, તેટલું દિવ્ય પ્રેમ તત્વ પ્રાપ્ત કરવું કઠીન છે. તેમ છતાં આ તત્વને મેળવવા ત્યાગ રૂપી અગ્નિના માર્ગે ચાલનાર માટે કઠિનતા નથી. જેણે સર્વ સુખોની લાલસા છોડી પ્રિય વિયોગના દારૂણ દુઃખને અમૃત ગણ્યું તેને માટે કોઈ વસ્તુ અસાધ્ય નથી. પ્રેમ સંગ્રામમાં કુદી પડેલા વીરોએ ત્યાગના અમોઘ શસ્ત્રથી અજીત એવા પ્રેમદેવ ઉપર વિજય મેળવ્યો છે.
 
પ્રેમ મારગ તો શુરાનો છે. જેના હૃદયમાં દિવ્ય પ્રેમનો અંશ રહેલો છે તે કદાપિ પીછેહઠ કરતા નથી. મરણના ભયને દુર કરી પ્રેમ સંગ્રામમાં કુદી પડનાર વિજ્યવંત બને છે. આ પત્રમાં પ્રભુએ પ્રેરણાનું બલ આપ્યું તે બલે આ લેખમાં પ્રભુ પ્રાપ્તિનાં સાધનોનો અન્તીમ નિચોડ આપેલ છે. તે સાધનનો આ લેખથી વારંવાર, અવલોકીને સ્વરૂપ ધ્યાનરૂપી સ્વરૂપ પ્રાપ્તિના અચુક સાધનમાં સંલગ્નતા પ્રાપ્ત કરી ધ્યેય સિદ્ધ કરવું.
 
શ્રુતિઓને વરદાન મલ્યું પછી ગોપીરૂપે વ્રજમાં પ્રક્ટ થયાં. પશ્ચાદ વરદાનીક સ્વરૂપનું કલ્પ પર્યંત ધ્યાન કર્યું. આ અચુક ધ્યાનના સાધનથી લીલા-લોકની સમસ્ત દિવ્ય લીલા સહિત પ્રભુનું સ્વરૂપ નંદાલયમાં શ્રીયશોદોત્સંગ લાલિત રૂપે પ્રક્ટ થયું. અને આ જ સ્વરૂપ શ્રીગોપીજનોના હૃદયરૂપ વ્યોમમાં પણ રસાત્મક ભાવાત્મક રૂપથી સમસ્ત લીલા સહિત પ્રક્ટ થયું. આ છે અચુક સ્વરૂપ ધ્યાનના સાધનનો મહિમા.
 
પંચપર્વા વિદ્યા અને અવિદ્યાની સમજ :
 
જેમ પ્રભુ પ્રાપ્તિમાં અવિદ્યા બાધક છે તેમ-સ્વરૂપને ભુલાવી દેનારી વિદ્યાને પણ બાધક જાણવી. સ્વરૂપને પ્રાપ્ત કરાવનારી વિદ્યાનું નિરૂપણ વેણુગીતના શ્રી સુબોધિનીજીમાં કરેલું છે. તે વિદ્યાના પાંચ પર્વ છે. અથવા આ વિદ્યાના પાંચ અંગો છે. તે નીચે મુજબ : (1) વૈરાગ્ય (2) સાંખ્ય (3) યોગ (4) તપ અને (5) ભક્તિ. (1) પ્રભુના સ્વરૂપ સિવાય અન્ય સર્વમાંથી રાગની નિવૃત્તિ તેનું નામ ‘‘વૈરાગ્ય’’ છે. (2) પ્રભુનું સ્વરૂપ રસાત્મક છે તેવું ધ્રુવ જ્ઞાન તે ‘‘સાંખ્ય’’ કહેવાય છે. અથવા આત્મ-અનાત્મનો વિવેક કરી અનાત્મથી નિવૃત થવું તે પણ સાંખ્ય કહેવાય છે. (3) ‘‘યોગ’’ ચિત્ત સર્વમાંથી નિવૃત થઈ પ્રભુ સ્વરૂપમાંજ સંલગ્ન રહે તેને ‘‘યોગ’’ કહેલ છે. (4) પ્રભુના વિરહે આત્યન્તિક તાપકલેશનો અનુભવ કરવો તેને ‘‘તપ’’ શબ્દથી કહેલ છે, અને (5) ધર્મ-અર્થ-કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થની આકાંક્ષા રહિત પ્રભુ સ્વરૂપમાંજ આસકિત તેને ‘‘ભક્તિ’’ કહેલ છે.
 
આ પંચ પર્વવાળી વિદ્યા નિત્યલીલા સ્વરૂપના સંબંધવાળી અને નિત્યલીલા સ્વરૂપને પ્રાપ્ત કરાવનારી છે. તેના અનુસંધાન પૂર્વક ધ્યાનના સાધનથી પ્રાણનાથના સાક્ષાત સંબંધરૂપી સૌભાગ્યને સિદ્ધ કરે એવી અભિલાષા સેવતો સાધક સફલતાને વરે છે.
 
પ્રશ્ન - પુષ્ટિ પ્રભુ પાસે પ્રમેયનું અબાધિત દાન કરવાનું સામર્થ્ય હોવા છતાં લીલા ધામથી વિછુરેલ નિજ સૃષ્ટિના જીવોને પુષ્ટિ રસથી વંચિત રાખવાનું પ્રભુએ કેમ વિચાયું હશે ?
 
ઉત્તર – આ રીતે વિચારી શકાય (1) ચોરાશી વૈષ્ણવની ત્રણ જન્મની વાર્તાના પ્રારંભમાં ‘‘ભાવ પ્રકાશ રહસ્ય’’ શ્રી હરિરાય ચરણે આપેલ છે. તે જોઈ લેવાથી આ પ્રશ્નનું સમાધાન થઈ જશે. (2) પ્રભુની ઇચ્છા તર્કથી અગોચર છે. બ્રહ્માદિક પણ જાણવાને સમર્થ નથી. (3) શ્રી અંગની સૃષ્ટિ હોવા છતાં પુષ્ટિ રસથી વંચિત રહેવાનું કારણ આ સૃષ્ટિ પાસે હજુ કોઈ કાર્ય કરાવવાની ઇચ્છા નહી હોવા છતાં પુષ્ટિરસથી વંચિત રહેવાનું બીજુ કારણ જીવનો પોતાનો પ્રમાદ છે. (5) પ્રમેય દાન લીલા ધામથી વિછુરેલા જીવોને કરવા માટેજ આપ લીલા ધામને છોડીને ભુતલ પ્રાદુર્ભુંત થયા છે. ‘‘અંગસૃષ્ટિ’’ (નિજ પરિકર) સંબોધન લીલાધામથી વિછુરેલા જનોમાંજ ઘટે છે. આ તથ્ય ભુલવું નહી જોઈએ. (6) જેનો પ્રમેયમાં અધિકાર છે. તેનું પ્રભુ સ્વરૂપજ જીવનના અવલંબન રૂપ છે. પ્રભુનું સ્વરૂપ તેનેજ પ્રમેય કહેવાય છે, તેથી સ્વરૂપના અવલંબન વાળાનેજ પ્રમેયનું દાન થાય છે અને આવા ભાગ્યવંત જનોજ પુષ્ટિ રસને પ્રાપ્ત કરી શકે છે. (7) ‘‘પુષ્ટિ રસ’’ એટલે નિરવધિ આનંદવાળા પ્રભુના સ્વરૂપાનંદનો અખંડ અનુભવ આ ‘પુષ્ટિ રસ’ શબ્દનો વાસ્તવિક અર્થ છે. અને આ નિરવધિ પુષ્ટિ રસનો અનુભવ વિપ્રયોગ વિના થઈ શકે નહી. વિપ્રયોગમાંજ રસોવૈસઃનો પ્રાદુર્ભાવ થાય છે. અને વિપ્રયોગ ભાવનું દાન શ્રી વલ્લભ ચરણકમલના આશ્રયથી જ પ્રાપ્ત થાય છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.