અવગાહનીય પત્ર
spacer
spacer

- શ્રીવલ્લભપાદપદ્મમિલિન્દ

સ્નેહી ભાઈ...શ્રી, સપ્રેમ શ્રી...સ્મરણ...
આપનો પત્ર મળ્યો. આપના પૂર્વપક્ષનું સમાધાન નિમ્ન (1) ‘‘સર્વત્યાગની પ્રવૃતિ મારા માટે અનધિકાર ચેષ્ટા તો નહી હોય ?’’ આ આપના પૂર્વપક્ષના સમાધાનમાં – શાસ્ત્રાર્થ નિબંધમાં આપશ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે :
 
‘‘અવતીર્ણો હિ ભગવાન સર્વમુક્તિ અર્થમ્ ઇતિ પ્રમેય બલેનૈવ ફલીષ્યતિ ઇતિ ! સ્વાધિકાર અભાવેપિ તતઃ ફલં ભવિષ્યતિ ઇતિ અર્થ: । અતો અધિકારેણ અનધિકારેણ વા કૃષ્ણ ભજનં કર્તવ્યમ્ ઇતિ સિદ્ધમ્’’
 
ઉપરોક્ત આપ શ્રીમુખથી આજ્ઞા કરે છે કે અધિકારી હોય કે અધિકારી ન હોય તેણે કૃષ્ણભજન કર્તવ્ય છે,
 
શ્રીસુબોધિનીજીમાં પણ આપશ્રી આજ્ઞા કરે છે :
નિઃસાધન ફલાત્માયં પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે ।
અતો વયં સુનિશ્ચિન્તા જાતાઃ સર્વત એવહિ ।।
 
સાધનહિન (અનધિકારી) જનોને પોતાના સ્વરૂપાનંદનું દાન કરવા પૂર્ણ પુરુષોત્તમનો શ્રીમદ્ ગોકુલમાં પ્રાદુર્ભાવ થયો છે તેથી અમો નિશ્ચિંત છીએ. પ્રભુના પ્રાદુર્ભાવનું અસાધારણ પ્રયોજન સાધનહીન (અનધિકારી) જનોને પણ સ્વરૂપાનંદ દાન કરવામાં રહેલું છે. ‘‘પ્રમેય બલ સાધનની અપેક્ષા રાખતું નથી.’’ પ્રભુ અદભુત કર્મણા છે. અસાધનને પણ સાધન બનાવી ફલદાન કરવા સમર્થ છે. કર્તુમ્-અકર્તુમ્ અન્યથાઃ કર્તુમ્-આવું આપશ્રીનું વિરુદ્ધ ધર્માશ્રય ઐશ્વર્ય છે. તેથી જ આપે ‘‘અતો વયં સુનિશ્ચિન્તા’’ અનુભવમાં નિશ્ચિંત રહેવા આજ્ઞા કરી છે.
 
ઉપર નિબંધમાં-‘‘અનધિકારીએ પણ કૃષ્ણ ભજન કર્તવ્ય’’ આપણા કર્તવ્યનો જ વિચાર કરવો યોગ્ય છે.
 
અધિકાર અને કર્તવ્ય બન્ને જુદા રહી શકતા નથી. કર્તવ્યની ભીતર અધિકાર વ્યાપ્ત રહેતો હોય છે. અધિકારે પ્રેરણા કરી તેથી કર્તવ્યની ઇચ્છા થઈ. અથવા અધિકાર અનુગ્રહ રૂપ છે. અનુગ્રહને કૃપા કહેવાય છે. આ કૃપા શક્તિનો પ્રવેશ બ્રહ્મસંબંધ સમયે જ આપણામાં થયેલા હોય છે, અને તે કૃપાશક્તિની પ્રેરણાથી જ સેવા સ્મરણાદિરૂપ આપણા કર્તવ્યમાં પ્રવૃત થઈએ છીએ. આ કૃપા અવ્યક્ત આપણા હૃદયમાં રહેતી હોવાથી આપણે પ્રત્યક્ષ જોઈ શકતા નથી તેથીજ અધિકારમાં સંદેહ થાય છે. આવા સંદેહોને ‘‘સેવા ફલ’’ ગ્રંથમાં કુસૃષ્ટિ કહેલ છે.
 
શ્રીહરિરાય પ્રભુ ‘‘કાર્યણ્યોકિત’’ નામના ગ્રંથમાં આજ્ઞા કરે છે કે – ‘‘હે નાથ ! આપની જે અમારી ઉપર કૃપા છે તે કૃપાને અમો પહેચાનીએ તેવી કૃપા કરો.’’ બ્રહ્મસંબંધ સાથે જ કૃપાશક્તિનો પ્રવેશ હૃદયમાં થયેલો છે અને આ કૃપાશક્તિની પ્રેરણાથી જ સેવા સ્મરણાદિ સાધનો થતા હોય છે.
 
દૈવી જીવ ગર્ભદાસ છે. બ્રહ્મસંબંધ થતાં જ સ્વામીની સેવાનો અધિકાર તેને પ્રાપ્ત થયેલો છે પછી અનધિકારી ચેષ્ટા તો નહી હોય ? આવી શંકા કેમ રહી શકે ? પ્રભુએ પુષ્ટિ સુષ્ટિનું સર્જન પોતાની સેવા માટે જ કરેલું છે, તેથી સર્જન સમયથી જ સેવાનો અધિકાર પ્રાપ્ત થયેલો જ છે.
 
શ્રીહરિરાયપ્રભુ શિ. 1 શ્લોક 9-10-11 માં નીચે મુજબ આજ્ઞા કરે છે.
 
હૃદયસ્યાત્ય શુદ્ધ ત્વાન્ન તત્રાવેશ સમ્ભવઃ ।
સ્વમૂર્તાવતિ શુદ્ધાયાભાવિ શ્યાનુભવં હરિઃ ।।
 
લીલાધામથી વિછુરેલો દૈવી જીવ ભૂતલમાં આવ્યો. સંસારી આસુરી જીવો સાથે ભળી ગયો તેથી તેનું હૃદય અત્યંત અશુદ્ધ થયેલું હોવાથી નિત્યલીલાસ્થ હરિનો તેના હૃદયમાં આવેશ થવો સમ્ભવીત નથી તેમ વિચારી શ્રીમહાપ્રભુજીએ સેવામાર્ગ પ્રક્ટ કરી સેવ્ય સ્વરૂપને પધરાવી આપ્યું. આ સેવ્ય સ્વરૂપમાં (મૂર્તિ સ્વરૂપમાં) સેવ્ય સ્વરૂપને પુષ્ટ કરાવતી સમયે નિત્યલીલાસ્થ સ્વરૂપનો સમાવેશ થાય છે, તેથી જ સ્વમાર્ગમાં સેવ્ય સ્વરૂપનું સાક્ષાત ભાવનાથી જ સેવન થાય છે.
આ સેવ્ય સ્વરૂપને પધરાવી દેવામાં શું હેતુ રહેલો છે તે આગળના શ્લોકમાં કહે છે –
યાવત્સાધન સમ્પત્તિઃ કારયત્યખિલાન્નિજાન્ ।
શુધ્ધં વિધાય હૃદયં પશ્ચાત્તત્રાવિશેત્સ્વયમ્ ।।
 
દૈવી જીવ શરણે આવ્યા પછી પોતાની પ્રાપ્તિ માટે જેટલી સાધન સમ્પત્તિની આવશ્યકતા છે તે પ્રભુ સ્વયં જ મિલાવી આપે છે અથવા સેવા – સ્મરણ – ગુણગાનાદિ અલૌકિક સાધન સમ્પતિરૂપે પોતેજ થઈ જાય છે. આ અલૌકિક સાધનો દ્વારા દૈવી જીવના હૃદયને શુદ્ધ કરી પશ્ચાત્ તેના હૃદયમાં લીલાધામની સમસ્ત લીલા સહિત પ્રભુનો પ્રાદુર્ભાવ થાય છે (આ પ્રાદુર્ભાવવાળું સ્વરૂપ ‘‘નમામિ હૃદયેશેષે લીલા ક્ષીરાબ્ધિ શાયિનમ્’’ આ કારિકાજીમાં કહેલું અનંત આધિદૈવિક લક્ષ્મીઓ સાથેના વિહારવાળું જ સ્વરૂપ છે. આ વિહારનો અનુભવ નિજજનોને કરાવવા સેવ્ય સ્વરૂપને પધરાવી આપ્યું છે.
 
દત્વા દૈન્યેન સન્તુષ્યે નિત્યં દેહમલૌકિકમ્ ।
સ્વયં પ્રવિશ્ય ભાવાત્માડનુભવં કારયેત્સ્વયમ્ ।।
 
ઉપરોક્ત 10મા શ્લોકમાં કહેલી સાધન સમ્પતિ સેવા સ્મરણાદિથી જ્યારે હૃદયમાં રહેલો ભાવ પ્રપંચ (અવિદ્યા જનીત) દૂર થાય છે ત્યારે દૈન્ય પ્રાપ્ત થાય છે. દૈવી જીવને પોતાના અલૌકિક સ્વરૂપનું અને સેવ્ય પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થાય છે. આ બન્ને પ્રકારના જ્ઞાનથી મારા મસ્તકે (ગૃહમાં) બિરાજતા પ્રભુ તો મહાન અલૌકિક છે તેની વાસ્તવિક તત્સુખાત્મક સેવા તો મારા અલૌકિક દેહથી જ કરી શકું અને અલૌકિક દેહ તો તાપ કલેશથી જ પ્રાપ્ત થાય છે. એટલે ભૌતિક દેહથી તનુ-વિત્તજા સેવા માર્ગમર્યાદા પ્રમાણે થતી હોય છે છતાં પોતાનું અને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થયેલું હોવાથી નિત્યલીલાસ્થ સ્વરૂપની સાક્ષાત તત્સુખાત્મક સેવાનો આ દૈવી જીવમાં પ્રચુર તાપ કલેશ રહી આવે છે. આવા તત્સુખાત્મક તાપકલેશથી તેનામાં દૈન્યભાવ પ્રક્ટ થાય છે તેથી પ્રભુ પ્રસન્ન થઈને આ ભક્તને લીલાધામ સંબંધી અલૌકિક દેહનું દાન કરે છે અને પશ્ચાદ્ આ અલૌકિક દેહમાં નિત્યલીલાસ્થ પ્રભુનું ભાવાત્મક સ્વરૂપ નિત્યલીલાસ્થ પરિકર સહ પ્રગટ થઈ જાય છે ત્યારે પોતાના સ્વરૂપનો તેમજ લીલાઓનો અનુભવ કરાવે છે.
 
આ પ્રકારના અનુભવની અવસ્થાને પ્રાપ્ત કરવામાં મુખ્ય કારણ પ્રભુની તત્સુખાત્મક સેવાનો પ્રચુર તાપકલેશ જ છે. આ તાપકલેશથીજ ‘‘સર્વત્યાગ’’ સહજ જ થતો હોય છે. દિવ્ય સ્નેહનો સહજ સ્વભાવ છે કે પોતાના પ્રિયતમના જ સુખથી પોતાને સુખનો અનુભવ થાય. આવો તત્સુખાત્મક દિવ્ય સ્નેહ સર્વ ત્યાગ પૂર્વક વિરહના અનુભવ વિના પ્રાપ્ત થતો નથી. દિવ્ય સ્નેહના ગૌરવને જાણી લેનારો પ્રણય પથિક વિરહની દુઃસહ દશાને સહર્ષ સહન કરતો હોય છે. આ દુઃખને સહન કરવાનું સામર્થ્ય તત્સખ ભાવમાં રહેલું છે, સ્વમુખની ભાવનામાં નહી. તેથીજ કહ્યું છે કે-‘‘સાપેક્ષિતમસમર્થો ભવતિ’’ સ્વસુખની ભાવનાવાળાનો આત્મા ત્યાગમાં નિર્બળ છે.
 
દિવ્ય પ્રેમ અને અલૌકિક દેહ બન્ને એક જ વસ્તુ છે. આપણો અલૌકિક દેહ નખથી શીખા સુધી દિવ્ય સ્નેહથીજ ભરેલો છે. આવા અલૌકિક દેહને પ્રાપ્ત કરવા માટે તત્સુખી ભક્તને પ્રચુર તાપકલેશ બન્યોજ રહે છે. આવો તત્સુખાત્મક તાપકલેશ પ્રગટ થતાં ‘‘સર્વત્યાગની પ્રવૃતિ મારા માટે અનધિકાર ચેષ્ટા તો નહીં હોય ?‘‘ આવી શંકા ઘણી દુર રહે છે.
 
‘‘એકોડહં બહુશ્યામ્’’ આ શ્રુતિના કથન મુજબ બહાર વિહારની ઇચ્છા થતાં પરબ્રહ્મ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ પોતાના મૂળ પરબ્રહ્મ સ્વરૂપમાંથી ‘‘પું’’ ભાવાત્મક અને ‘‘સ્ત્રી’’ ભાવાત્મક સ્વરૂપો પ્રગટ કર્યા. ‘પું’ ભાવાત્મક તે પુરુષોત્તમ સ્વરૂપ અને ’સ્ત્રી’ ભાવાત્મક તે સ્વામિનીજી સ્વરૂપ-આ બન્ને રસથી પૂર્ણ અને સમાન ઐશ્વર્યવાળાજ પ્રગટ કર્યા છે. ‘સ્ત્રી’ ભાવાત્મક એ દૈવી જીવ નાયકા ભાવરૂપ છે, તે પુરુષોત્તમની સમાન જ છે. આ નાયકા ભાવવાળા દૈવી જીવો ભૂતલમાં આવવાથી પોતાના દિવ્ય સ્વરૂપને ભૂલી ગયા છે, તેથીજ ‘અનધિકાર’ની શંકા થાય છે. પોતાના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન થતાંજ જેમ ભુલુ પડેલું બકરાના ટોળામાં ભળી ગયેલું સિંહનું બાલક બકરાના ટોળામાંથી જુદુ પડી જાય છે તેમ દૈવી જીવ પોતાના ભૌતિક દેહમાંથી અને ભૌતિક દેહ સંબંધી સંસાર જગતમાંથી, અલગ થઈને પોતાના દિવ્ય સ્વરૂપને પ્રાપ્ત કરી નિત્ય લીલાસ્થ પ્રિયતમની તત્સુખાત્મક સેવા માટે વિરહના અનુભવમાં નિરંતર સ્થિત રહે છે. આ જ કથનની સંગતિમાં શ્રી હરિરાયપ્રભુએ શિ. 18-4×5માં વિરહી જ્ઞાની ભક્તની અવસ્થાને જણાવેલ છે –
 
વિરહેણ હરિ સ્ફુર્ત્યાં સર્વત્ર કલેશ ભાવનાત્ ।
લીલાતિરિક્ત સૃષ્ટૌહિ નિરાનંદત્વ નિશ્ચયાત્ ।।
 
નિત્ય લીલાસ્થ સ્વરૂપના જ્ઞાનવાળા ભક્તને ભૂતલના ભૌતિક અધ્યાસવાળા દૈવી જીવોમાં આનંદનો અભાવ દેખાય છે, તેથી તેની સાથેના સંબંધને તોડીને નિત્ય લીલાસ્થ સ્વરૂપના નિરવધિ દિવ્ય આનંદમાં પ્રવેશ કરવા સર્વત્યાગ પૂર્વક વિરહાનુભવ કરી રહેલ છે.
 
પૂર્વોક્ત પ્રકારે પોતાના મૂળ દિવ્ય વ્રજભક્તના ભાવવાળા સ્વરૂપનું જ્ઞાન થઈ જતાં ‘‘અનધિકાર’’ની શંકા તો પુનઃ ઉદભવતી જ નથી, પરન્તુ પોતાના દિવ્ય સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે સર્વત્યાગપુર્વક નિરંતર વિરહાનુભવમાં સ્થિત રહે છે.
વલ્લભાખ્યાનવાળા મહાનુભાવ શ્રીગોપાલદાસજીને શ્રીગુસાંઈજીની કૃપાથી શ્રીગુસાંઈજીના પુર્ણ પુરુષોત્તમ સ્વરૂપનું જ્ઞાન થયું ત્યારે કહે છે કે : ‘‘તે પદ ક્યારે દેખીશું, જે ગોધન પુંઠે થાયેજી’’ સારસ્વત કલ્પમાં આપ પુર્ણ પુરુષોત્તમરૂપે પ્રકટ થઈ જે લીલા કરી વ્રજભક્તોને સ્વરૂપાનંદનો અનુભવ કરાવ્યો તે સ્વરૂપનો મને અનુભવ ક્યારે થશે ?
 
હવે ગોપાલદાસજીને પોતાના અલૌકિક સ્વરૂપનું જ્ઞાન પણ શ્રીગુસાંઈજીની કૃપાથી થયું ત્યારે આપને વિનતી કરે છે કે : ‘‘સેવકજન દાસ તિહારો રે, તેનો રૂપ વિયોગ નિવારો રે.’’ મારા અલૌકિક સ્વરૂપનો મને વિયોગ છે તે અલૌકિક સ્વરૂપને આપ પ્રાપ્ત કરાવી તે મારા સ્વરૂપના વિયોગનું નિવારણ કરો. આવા પ્રકારની પોતાના અલૌકિક સ્વરૂપને પ્રાપ્ત કરાવવા માટેની વિનતી કરવાનું સ્વારસ્ય એ છે કે મારા અલૌકિક સ્વરૂપથી જ આપના પુર્ણ પુરુષોત્તમ સ્વરૂપની તત્સુખાત્મક સેવા કરી શકું. આ પ્રકારે કોઈ બડભાગી (લીલાધામથી વિછુરેલા) દૈવી જીવને શ્રીવલ્લભભાનુની કૃપાથી પોતાના અલૌકિક સ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે તે અલૌકિક સ્વરૂપને પ્રાપ્ત કરી પ્રિયતમની તત્સુખાત્મક સેવા માટે સર્વત્યાગમાં ઉત્સાહિત થઈ વિરહના અનુભવમાં જ નિત્ય સ્થિત રહે છે.
 
રાસમાં પધારેલા શ્રીગોપીજનોને વ્રજમાં પાછા જવાની પ્રભુ આજ્ઞા કરે છે તે સમયે શ્રી ગોપીજનોએ વિચાર કર્યો કે સર્વનો ત્યાગ કરીને આપની સેવાને અર્થે પ્રિયતમ પાસે આવવાનું થયું છે, અને પ્રિય તો પાછા જવાની આજ્ઞા કરે છે ! પ્રિય કોઈ સમયે અપ્રિય બનતા નથી. અપ્રિય જેવું જે કહી રહ્યા છે તે આપણું પ્રિય સ્વરૂપ નથી, કારણ કે વિશુદ્ધ દિવ્ય પ્રેમમાં અરસપરસ સમાનતા હોય છે, એટલે કે જેમ આપણે પ્રિયતમને ચાહીએ છીએ, પ્રિય વિના ક્ષણ રહી શકતા નથી, તેમ પ્રિયતમ આપણને ચાહે છે. અને આપણી વિના તે ક્ષણ રહી શકતા નથી. તેથી અપ્રિય જેવું બોલનાર આપણું પ્રિય સ્વરૂપ નથી તેમ શ્રી વાગધીશ શ્રીવલ્લભની વિશુદ્ધ સ્નેહના નિયમની પ્રેરણાથી ગોપીજનોએ જાણ્યું અને પાછા જવાની આજ્ઞા કરનારા ધર્મ સ્વરૂપ સાથે વાદ શરૂ કર્યો.
 
ફલાત્મક પ્રભુ સાધનરૂપ થતા નથી. અથવા પ્રિય એમ નહી કહે કે તમે મને ચાહો. દિવ્ય પ્રેમ પ્રિય પાત્રને ચાહીને જ સંતુષ્ટ રહે છે. મારૂં પ્રિય પાત્ર મને ચાહે આવી સકામતા વિશુદ્ધ પ્રેમમાં કલંકરૂપ બને છે. આવા વિશુદ્ધ પ્રેમના નિયમને શ્રીગોપીજનોએ શ્રી વાગધીશચરણની પ્રેરણાથી જાણ્યો ત્યારે ‘‘વર એમ નહી કહે કે તમે મને વરો.’’ આપની સાક્ષાત સેવાને પ્રાપ્ત કરવામાં વચમાં આવતા પ્રતિબંધોને આપણે બલાત્ હટાવવાના છે. આવો નિર્ણય કરી અપ્રિય બોલનાર ધર્મ સ્વરૂપના આવેશને પ્રિય સ્વરૂપમાંથી દુર કરવા 11 શ્લોકોથી વાદ કરી વિજય મેળવ્યો. આ વિજયને પ્રાપ્ત કરાવનાર કરૂણાસાગર શ્રીવાગધીશ વલ્લભ છે. આ ગોપીજનોના દ્રષ્ટાંતથી નિત્યલીલાસ્થ સ્વરૂપની તત્સુખાત્મક સેવા પ્રાપ્ત કરવામાં વચમાં આવતા સમગ્ર પ્રતિબંધોને શ્રીવલ્લભ આશ્રિત જન શ્રીવલ્લભ કૃપાના બલે દુર ફેંકી શકે છે. ‘‘વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને,’’ આ શ્લોકનો આ જ ભાવાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણા આધિદૈવિક સ્વરૂપનું જ્ઞાન શ્રીવલ્લભની કૃપાથી થતાં સાક્ષાત નિત્ય લીલાસ્થ પ્રિય સ્વરૂપની સેવાને પ્રાપ્ત કરવામાં વચમાં આવતા પ્રતિબંધોને દુર કરવાનું સામર્થ્ય શ્રીવલ્લભ કૃપાથી પ્રાપ્ત થાય છે જ.
 
પોતાના અલૌકિક સ્વરૂપનું જ્ઞાન, પ્રિયતમની તત્સુખ સેવા પ્રાપ્ત કરાવનારો પ્રચુર તાપકલેશ અને સર્વત્યાગ પૂર્વક વિરહનો અનુભવ આ સર્વમાં શ્રી વલ્લભની કૃપા શક્તિ વર્તમાન વ્યાપેલી છે, તેને પહેચાનીને કર્તવ્યનિષ્ઠ થવું નિજજનો માટે યોગ્ય છે. ‘‘અનધિકાર ચેષ્ટા’’ની શંકાને નિર્મુળ કરવા અહીં સુધી શ્રી વલ્લભ કૃપાએ સમાધાન કરવાનો પ્રયાસ કર્યો છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.