અવગાહનીય પત્ર
spacer
spacer

- શ્રીવલ્લભપાદપદ્મમિલિન્દ

અવિદ્યા ગ્રસિત દેહથી સર્વત્યાગની પ્રવૃત્તિમાં પાખંડી તો નહી થવાય ? આ આપની શંકાના સમાધાનમાં લખવાનું જે, શ્રીવલ્લભ કૃપાએ આપણા અલૌકિક સ્વરૂપનું જ્ઞાન થયા પછી પ્રિય પ્રભુની સાક્ષાત તત્સુખાત્મક સેવા પ્રાપ્ત કરવા માટે જે પ્રચુર તાપ કલેશ પ્રગટ થાય છે તે તાપાગ્નિમાં ભૌતિક અને આધ્યાત્મિક અવિદ્યાની આહુતિ અપાય જાય છે. વાસ્તવિક તત્સુખાત્મક સેવા અલૌકિક દેહથી જ થાય છે. આ અલૌકિક દેહ પ્રાપ્ત કરી પ્રિયતમની તત્સુખાત્મક સેવા કરવી એ આપણું કર્તવ્ય જ છે. જ્યાં આ કર્તવ્યનો જ વિચાર થતો હોય ત્યાં ‘‘પાખંડી’’ થઈ જવાની શંક કેમ રહી શકે ? ષોડશ ગ્રંથમાં આપશ્રીએ જે જે આજ્ઞાઓ કરેલી છે તે નિજજનના કર્તવ્યરૂપે જ કરી છે.
 
(1) ચતુઃશ્લોકીમાં :
 
સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ ।
સ્વસ્યાયમેવ ધર્મોહિ નાન્યઃ કવાપિ કદાચન
એવં સદા સ્વ કર્તવ્યં સ્વયમેવ કરિષ્યતિ 1*
 
‘‘વ્રજાધિપ’’ સાધન રહિતને સ્વરૂપાનંદનું દાન કરવા સમર્થ પ્રભુનું ‘‘સર્વ’’ ભાવથી અથવા સર્વાત્મભાવથી ‘‘સર્વદા’’ નિરંતર ‘‘ભજન’’ સેવન કરવું. ‘સ્વસ્ય’ એટલે નિજજનોનો ‘‘અયમેવ’’ આજ સેવ્ય સ્વરૂપની તત્સુખાત્મક સેવા એજ ‘‘ધર્મ’’ છે. ‘‘નાન્ય’’ સેવા સિવાય અન્ય કોઈપણ કોઈ સમયે બીજો ધર્મ નથી. ‘‘એવં સદા સ્વકર્તવ્યં’’ નિજજનોનું આજ સદા કર્તવ્ય છે. અહીં જે ‘‘સદા’’ પદ ધર્યુ છે તે નિજજનો પ્રત્યેની અતિશય કરૂણતાનું દર્શક છે. આપ સ્વના આગ્રહપૂર્વક આજ્ઞા કરે છે કે મારા જનોનું આજ કર્તવ્ય છે.
 
ચતુઃશ્લોકીમાં પુરુષાર્થનું વર્ણન કરેલું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચારે પુરુષાર્થરૂપ નિજજનો માટે ધર્મી સ્વરૂપ જ છે. (‘‘ધર્મી સ્વરૂપ’’ એટલે જેમાં અનંત લીલાઓ, અનંત સ્વામિની વૃંદ, અનંત લીલા સામગ્રી સહિત લીલાધામ જેમાં રહેલું છે અને વિપ્રયોગ ભાવાત્મક રસાત્મક સાકાર સ્વરૂપને ધર્મી કહેવાય છે.)
 
ચતુઃશ્લોકીમાં કહેલા પુરુષાર્થનો સંબંધ નિત્ય લીલાસ્થ સ્વરૂપ સાથેનો છે. આપ સ્વયં શ્રી સ્વામિનીજી ભાવથી જે નિરવધિ રસ વિલાસનો અનુભવ કરી રહ્યા છે, તેનું જ પ્રતિપાદન ચતુઃશ્લોકીમાં કરેલું છે. એટલે શ્રી સ્વામિનીજી ભાવથી આપ જે અનુભવ કરે છે તેવો પુરુષાર્થ પોતાની અંગી સૃષ્ટિ નિજજનોમાં સિદ્ધ કરાવવા માટે ચતુઃશ્લોકી પ્રગટ કર્યા છે. તેમાં નિજજનોના કર્તવ્યનો આપશ્રીએ નિર્દેશ કર્યો છે, તે આપની અતિશય કરૂણા જ છે.
 
ચતુઃશ્લોકીનું ધ્યેય સ્વરૂપ નિત્યલીલાના સંબંધવાળું જ છે અને તે નિત્યલીલામાં સ્થિતિ પ્રાપ્ત કરાવનાર છે.
 
(2) ‘‘અંતઃકરણ પ્રબોધ’’ ગ્રંથમાં :
 
‘‘સેવકસ્ય તુ ધર્મોયં સ્વામિ સ્વસ્ય કરિષ્યતિ’’ સેવકનો ધર્મ સ્વામિની તત્સુખાત્મક સેવા છે. વાસ્તવિક તત્સુખાત્મક સેવા અલૌકિક દેહથી થાય છે. અને અલૌકિક દેહ વિરહાનુભવથી સિદ્ધ થાય છે. વિરહમાં નિજ સ્વામિ સિવાય સર્વનો પરિત્યાગ કરવાનો હોય છે. સર્વના ત્યાગપુર્વક અલૌકિક દેહને પ્રાપ્ત કરી સ્વામિની તત્સુખ સેવાનો જે સેવક મનોરથ કરી રહેલ છે તેના આ મનોરથને સ્વામી પ્રોત્સાહન આપીને સિદ્ધ કરે છે. જ્યારે આ મનોરથમાં સ્વામી અનુકૂલ છે તો પછી સર્વત્યાગની પ્રવૃત્તિ મારા માટે અનધિકાર ચેષ્ટા તો નહિ હોય ? આ શંકાને સ્થાન કેમ રહે ?
 
પ્રૌઢાપિ દુહિતા યદવત્ સ્નેહાન્ન પ્રેષ્યતે વરે ।
તથા દેહે ન કર્તવ્યં વરસ્તુષ્યતિ નાન્યથા ।।
 
‘‘પ્રોઢા’’ પોતાના અને પ્રિય પ્રભુના સ્વરૂપને અને સંબંધને જાણી ચૂકેલી પ્રૌઢા નાયકા પોતાના ભૌતિક દેહમાં મમતા રાખીને પ્રિયતમની નિકટ ગમન કરતી નથી તો પ્રિયની પ્રસન્નતા મેળવી શકાતી નથી. પ્રિયતમની નિકટ ગમન અલૌકિક દેહથી થાય છે, અને અલૌકિક દેહની પ્રાપ્તિ સર્વત્યાગ પૂર્વકના વિરહાનુભવથી થાય છે.
 
‘‘સંત્યજ્ય સર્વ વિષયાન્ તવ પાદ મુલં પ્રાપ્તા’’ શ્રી ગોપીજનોએ સર્વ વિષયોનો સારી રીતે ત્યાગ કર્યો અને અલૌકિક દેહથી રાસમાં પ્રિયતમની નિકટ ગમન કર્યું તેમ પ્રૌઢા પોતાના અને પ્રિયતમના સ્વરૂપને જાણનારી સર્વત્યાગ પૂર્વક અલૌકિક દેહને પ્રાપ્ત કરી નિત્ય લીલાસ્થ પ્રિયતમની તત્સુખાત્મક સેવામાં સ્થિત થતી નથી તો પ્રિયની પ્રસન્નતા પ્રાપ્ત થતી નથી. પોતાના અને પ્રિયતમના સ્વરૂપને અને સંબંધને જાણી ચૂકેલી પ્રૌઢાએ સર્વ ત્યાગ કરી પ્રિયતમની નિકટ ગમન કરવું એવો જ ધ્વનીતાર્થ ઉપરોક્ત શ્લોકની આપની આજ્ઞામાં પ્રાપ્ત થાય છે. પછી ‘‘સર્વત્યાગમાં અનધિકાર ચેષ્ટા’’ની શંકા બાકી કેમ રહે ? આ પ્રૌઢાની સંગતિ શિ. 18-4×5માં કહેલા વિરહી જ્ઞાની ભક્તની અવસ્થામાં યોજવી.
 
‘‘નિરોધ લક્ષણ’’ ગ્રંથમાં :
તસ્માત્ સર્વં પરિત્યજ્ય નિરૂધ્ધૈઃસર્વદા ગુણાઃ
સદાનંદ પરેર્ગેયા સચ્ચિદાનંદતા તતઃ ।।9।।
 
‘‘તસ્માત્ સર્વં પરિત્યજ્ય’’ અહી પણ આપશ્રી સર્વના ત્યાગની જ આજ્ઞા કરે છે. અહી કહેલા ગુણગાનની સંગતિ ‘ગોપીગીત’ સાથે થાય છે. માન મદથી પ્રિયતમ અંતર્હિત થયા પછી પ્રિયની ખોજ કરી તો પણ પ્રિયની પ્રાપ્તિ ન થઈ ત્યારે સર્વે મળીને વિચાર કર્યો કે ‘‘હરિને ગાન પ્રિય છે.’’ દેહપાત પર્યંતનો નિશ્ચય કરીને તાપાત્મક ગુણગાન કરવા લાગ્યા. તાપાત્મક ગુણગાનથી ‘‘સચ્ચિદાનંદતા તત.’’ એટલે નિત્ય લીલા સ્વરૂપનો સાક્ષાત અનુભવ થઈ શકે તેવા સામર્થ્યવાળો અલૌકિક દેહ પ્રાપ્ત થાય છે. અહીં પણ સર્વત્યાગ પૂર્વક નિરૂદ્ધ ચિત્તથી તાપાત્મક ગુણગાન કરવું નિજજનોનું કર્તવ્ય છે તેવી આજ્ઞા આપે કરી છે.
 
‘‘વિરહાનુભવનું દાન તો મહા કારૂણિક શ્રી વલ્લભને હાથ છે એમ મારૂં માનવું છે.’’ આ આપના કથનના સમાધાનમાં સૂર્યની સન્મુખ રહેવાથી સુર્યના ગુણ ઉષ્ણતા આપણામાં પ્રવેશ કરે છે જ. તેમ વિરહાગ્નિ વલ્લભની સન્મુખ રહેવાથી વિરહભાવ જાગૃત થાય છે. શ્રી હરિરાયપ્રભુ ‘‘સ્વમાર્ગ રહસ્ય વિ.’’ નામના ગ્રંથમાં આજ્ઞા કરે છે. ‘‘તદાશ્રયા દિહ પ્રાયઃ સર્વેષાં તાપ સમ્ભવઃ’’ શ્રી મહાપ્રભુજીના આશ્રયે જવાથી મોટે ભાગે આશ્રિતજનોને વિપ્રયોગાત્મક તાપકલેશનો અનુભવ થાય છે.
 
‘‘રાજ, યહ મારગ હાંસી ખેલકો નહી હે, તાપ કલેશ કો હે’’ શ્રીદમલાજીના વચનમાં જ તાપ કલેશનું દાન શ્રી ગુસાંઈજીને શ્રીવલ્લભે કર્યું. શ્રીમદ્ દમલાજીના આ વચનને શ્રદ્ધા અને આદરથી આપણા હૃદયમાં ધારણ કરીએ તો તે વચનમાં રહેલું તાપનું બીજ (અગ્નિ બીજ) આપણા હૃદયમાં બોવાય જાય છે. જેમ ભગવાનની વાણી સત્ય સંકલ્પ હોય છે તેમ સિદ્ધ ભક્તોની વાણી પણ સત્ય સંકલ્પ હોય છે. તેથી તેમાં આદર અને વિશ્વાસ રાખવાથી જેવી વાણી તેવી જ ફલીતતા થાય છે. શ્રીદમલાજીએ વચન દ્વારા જ શ્રી ગુસાંઈજીના તાપભાવને પ્રગટ કર્યો.
 
પૂર્વપત્રમાં નિત્યલીલાસ્થ સ્વરૂપનો નિત્યલીલા સહિત સાક્ષાત્કાર સર્વત્યાગપૂર્વક વિરહના અનુભવથી થાય છે. આવું જે સુચન કરેલું તેમાં હું તો માત્ર નિમિત્ત જ બન્યો છું. તે સુચનમાં પ્રેરણા કરનાર શ્રીવલ્લભ છે. આ સુચનામાં શ્રીવલ્લભ કૃપાને વર્તમાન ઓળખી લેવાય તો આ સુચનમાં આપ મને સર્વત્યાગપૂર્વક વિરહાનુભવની આજ્ઞા કરી રહ્યા છે તેમ સમજી શકાય. આપણે અંતરમુખ નહી હોવાથી કૃપા ભરી પ્રેરણા થતી હોય છે તેને ગ્રહણ કરી શકતા નથી. પાતલમાં ધરેલા પ્રસાદને પીઠ દઈને પ્રસાદ માટે પોકારતા રહીએ છીએ. કૃપારૂપી પ્રસાદ વર્તમાન જ હોય છે. કૃપામાર્ગમાં પ્રવેશ થયા પછી કૃપાની વર્ષા નિરંતર થતી જ હોય છે. તેની પહેચાન નહી હોવાથી વંચીતતા રહી આવે છે.
 
મન વાણીથી અગોચર વિપ્રયોગ ભાવાત્મક શ્રી વલ્લભના સ્વરૂપનો અનુભવ વિરહી ભક્તોને જ થાય છે. અને વિરહનું દાન લક્ષાવધિમાં કોઈ એકને જ થાય છે. અથવા શ્રી વલ્લભ જ જેનું સર્વસ્વ છે તેને આપ વિરહનું દાન કરે છે.
 
અધુના ભૂતલમાં પ્રવાહી સૃષ્ટિની જ વૃદ્ધિ થયેલી હોવાથી શ્રીવલ્લભ ચરણકમલના આશ્રિતોએ પ્રવાહથી પ્રથક થઈ પ્રિય વિયોગાનુભવ કરવાનો છે.
 
‘‘અત્યારની સ્થિતિમાં શ્રીવલ્લભ વિના બીજું કોઈ અવલંબન નથી’’ આ આપનું કથન સત્ય જ છે. આ પ્રમાણે સમજાઈ ગયું તે પણ શ્રીવલ્લભની અહેતુકી કૃપાથી જ.
 
‘‘ગ્રંથો કે અષ્ટસખાની વાણીના અવગાહનમાં કોઈને પણ રૂચિ હોય એવું દેખાતું નથી.’’ તેનું કારણ લીલાના જીવો હવે ભૂતલમાં બહુજ થોડા રહ્યા છે, તેમ નિશ્ચય સમજી સર્વથી પ્રથક રહી આપણો પુરુષાર્થ મેળવવા પ્રિયતમના વિયોગ અનુભવમાં સ્થિત રહેવું. લીલા ધામથી વિછુરેલા અને શ્રીમહાપ્રભુજીએ અંગીકૃત કરેલા દૈવી જીવનું લક્ષણ એ છે કે પ્રિય પ્રભુની સેવા અને પરોક્ષમાં તાપાત્મક ગુણગાન, લીલા ચિન્તનાદિથી પ્રિયની સન્મુખતા વિના એક ક્ષણ રહી શકતા નથી. વેરાવળવાળા શ્રીગોવરધનલાલજી મહારાજનાં 42 વચનામૃતો છે, તેમાં એક વચનામૃતમાં આજ્ઞા કરે છે કે બહુધા દૈવી જીવો શ્રીમહાપ્રભુજી શ્રીગુસાંઈજીના સમયમાં લીલાધામમાં પહોંચી ગયા છે. હવે કોઈક જ જીવો રહેલા છે, તે જો દુઃસંગથી બચી વિપ્રયોગના અનુભવમાં સ્થિત રહેશે તો લીલાધામમાં પ્રવેશ કરી શકશે. અન્યથા જન્માંતરનો વિલંબ થશે. શ્રીહરિરાય પ્રભુ આજ્ઞા કરે છે કે આ ભૂતલમાં પ્રભુના વિયોગે અશ્રુપાત કરતો હોય તેવો ભક્ત મને કોઈ ન મળ્યો. મહાનુભાવો પોતાનો અનુભવ વાણીમાં મુકી ગયા છે :
 
દેખ દેખ સખી ચાલિયે ગિરિમેં પંથ અનેક ।
દુષ્ટ જીવ કલિકાલકે જો પ્રભુ રાખે ટેક ।।
દુઃસહ સમયકો દેખ સંત ગયે નિજ ધામ ।
અબ રહીવો કહા કામ ગજકે ખુંટા ખર બંધે ।।
 
તામસ ફલ પ્રકરણના શ્રીસુબોધિનીજીમાં શ્રીગોપીજનો પ્રિય પ્રભુને કહે છે કે ‘‘આપ અરણ્યપ્રિય છો’’ એટલે સંગનો અભાવ પ્રિય પ્રભુની પ્રસન્નતાના હેતુરૂપ છે. ઉત્તમ અધિકારી જનો માટે ‘‘સગ’’ સર્વાત્મનાત્યાજ્યં’’ આપે સ્વયં આજ્ઞા કરી છે. સર્વાત્મભાવને સિદ્ધ કરવામાં પ્રિય સ્વરૂપ સિવાય બધુંય બાધક છે.
 
વેણુગીતના શ્રીસુબોધિનીજીમાં પણ આપ આજ્ઞા કરે છે કે સર્વાત્મભાવની સાધન દશાવાળાએ પણ બુદ્ધિપૂર્વક સર્વત્યાગ કરવો. શ્રી ગોપીજનોમાં તો સહજ અનુરાગ હોવાથી પ્રિય પ્રભુ સિવાય સર્વનો ત્યાગ કર્યો જ હતો. પરંતુ આધુનિકમાં સહજ અનુરાગ નહી હોવા છતાં બુદ્ધિપુર્વક ત્યાગમાં રૂચિ રાખવી.
 
‘‘શ્રીવલ્લભે કૃપા વિચારી વ્યવહારમાં વિપરીત અનુભવો કરાવી એકાન્ત સેવી કર્યો છે, પરંતુ એકાન્ત સેવનમાં જે અનુભવ કરવો જોઈએ તે નથી.’’ આ આપના કથનમાં શ્રી વલ્લભની કૃપાથી જ દૈવી ગુણમય માયાના બંધનમાંથી છુટકારો મળે છે. લૌકિક સંસાર તો સમજી શકાય તેવો છે, પણ દૈવી ગુણમય માયાથી ઉત્પન્ન થયેલો અલૌકિક પ્રભુ સંબંધ વાળો ભુતલને પરિકરરૂપ અલૌકિક સંસાર ઉલઝન ભરેલો છે. કારણ કે તેમાં પ્રભુનો સંબંધ રહેલો છે. પ્રભુના સંબંધવાળા ભૌતિક અધ્યાસવાળા પરિકરમાં ઉરઝાઈ જવું તે અલૌકિક સંસાર અને તેમાંથી શ્રીવલ્લભ કૃપા વિના નિવૃત્ત થઈ શકાતું નથી.
 
જાચું જાય કોનકે ઘરપે,
શ્રીવલ્લભસે પાય ધની ।
તીન લોક હું ફીર ફીર આયો,
આનંદ અલ્પ ઉપાધિ ઘની ।।
 
આ પદ મહાનુભાવ શ્રી પદ્મનાભદાસજીનું છે. તેમાં ‘‘તીન લોક’’ એટલે રાજસ-તામસ-સાત્વિક ભાવવાળા અને ભૌતિક અધ્યાસવાળો પ્રભુ સંબંધવાળો કહેવાતો પરિકર, તેમાં ’આનંદ અલ્પ અને ઉપાધિ ઘણી છે.’ ભૌતિક અધ્યાસ દૂર થયેલા નહી હોવાથી માયા જન્ય ગુણોની ઉપાધિ ઘણી છે, અને પ્રભુના સંબંધનો આનંદ અલ્પ છે. આવોજ અનુભવ વર્તમાન અલૌકિક સંસાર-પરિકરમાં થાય છે.
 
’’એકાન્ત સેવનમાં જે અનુભવ કરવો જોઈએ તે નથી’’ એમ જે આપે સૂચન કર્યું તેના સમાધાનમાં-સર્વાત્મભાવની સિદ્ધિમાં વિલંબ થાય છે. જેને સ્વરૂપાનંદનું દાન કરવું છે તેમાં પ્રથમ સર્વત્યાગથી સર્વાત્મભાવનું અધિષ્ઠાન (પાત્ર) સિદ્ધ કરે છે, પ્રશ્ચાદ્ સ્વરૂપાનંદનો અનુભવ કરાવે છે. આ વિષયને સમજવા માટે શ્રી હરિરાય પ્રભુ કૃત- ‘‘ભાવસાધક બાધક’’ ગ્રંથનું અવલોકન કરવું.
 
‘‘એકાન્ત સેવનમાં મને અનુભવ નથી’’ આ આપના કથનમાં પોતાના સુખ સ્વારથની ભાવના હોય તો તેનું શોધન કરીને હૃદયમાંથી બહાર ફેંકવી. કારણ કે શ્રીવલ્લભનો પ્રકટ કરેલો માર્ગ કેવલ પ્રિય પ્રભુના સુખનોજ છે હું પ્રિયની તત્સુખ સેવાને યોગ્ય ક્યારે બનીશ ? મારા અલૌકિક દેહને પ્રાપ્ત કરી અગણિત રસસહિત પ્રાણ પ્રેષ્ઠની તત્સુખ સેવાનો અનુભવ મને ક્યારે થશે ? આવા પ્રિયના સુખના વિચારોજ અપેક્ષિત છે.
 
એક તત્સુખી સ્નેહી ભક્ત પ્રિય પ્રભુના વિયોગનો અનુભવ કરી રહ્યો છે, તેના દુઃખને સહન નહી થવાથી પ્રભુ તે ભક્તની નિકટ પધારે છે. ત્યારે આ ભક્ત પ્રભુને વિનતી કરે છે કે હે મૃદુલ, સ્વાંતઃપ્રેષ્ઠ ! આપ મારા દુઃખને સહન નહી કરી મને સુખદાન કરવા પધાર્યા છો, પરન્તુ હું આપના વિયોગ દુઃખમાં પ્રસન્ન છું. આપ અન્ય ભક્તોને રસનું દાન કરી તેમનાથી સુખનો અનુભવ કરો તેમાંજ મારી અતિ પ્રસન્નતા છે. ‘‘આપને અન્ય ભક્તથી સુખ મળે તેમાંજ મારૂં સુખ સમાયેલું છે.’’ આ નિર્હેતુક સ્નેહી ભક્ત તત્સુખી દિવ્ય સ્નેહના ગૌરવને જાણી ચુક્યા છે અને પ્રિયતમના સ્વરૂપને પણ જાણી ચુક્યા છે કે પ્રિય પ્રભુ તો કોટાનકોટિ ભક્તોને રસદાન કરી તેનો આપ અનુભવ કરે છતાં અતૃપ્ત જ રહે છે. એટલે અગણિતાનંદના ભોક્તા છે આવા પ્રિય સ્વરૂપને વિહારમાં સુખ આપવાનું તો હું જ્યારે અલૌકિક સામર્થ્યને પ્રાપ્ત કરૂં ત્યારેજ બને. અત્યારે તો મારી એ અવસ્થા નથી. પ્રિય વિયોગાનુભવથી પ્રિય સ્વરૂપથી તદાત્મકતા પ્રાપ્ત કરૂં ત્યારે જ અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત કરી પ્રિય પ્રભુને સુખમય બની શકું આવું જ્ઞાન આ ભક્તે મેળવેલું હોવાથી પ્રિયને વિનંતી કરે છે કે હું આપના વિયોગ દુઃખમાં પ્રસન્ન છું. તત્સુખાત્મક સ્નેહરાજ્યની બડી હી વિલક્ષણતા છે.
 
ઉપરોક્ત બાબતને લક્ષમાં રાખી પ્રભુને સુખરૂપ અવસ્થા પ્રાપ્ત કરવા સર્વ ત્યાગ પૂર્વક વિયોગાનુભવમાં સ્થિત રહેવું. ‘નવરત્ન’ ગ્રંથમાં ‘‘સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ’’ આ શ્લોકમાં ‘‘નિજ’’ શબ્દનો બે પ્રકારે અર્થ થાય છે. એક પ્રિય પ્રભુની ઇચ્છા, બીજી નિજ ભક્તોની ઇચ્છા, નિજભક્તોની ‘‘નિર્વીકાર’’ ઇચ્છા હોય તો તે મુજબ કરે છે. ‘નિર્વિકાર’ એટલે પોતાના સુખની જેમાં ગંધ માત્ર પણ નથી, અને પ્રિયતમના સુખનાજ મનોરથો કરે છે તેના મનોરથોને સિદ્ધ કરવામાં પ્રિય વિલંબ કરતા નથી.
 
જ્યારે પ્રિય સ્વરૂપને આપણે જાણ્યું કે આપ તો મહાન અલૌકિક છે, આપની તત્સુખ સેવા તો મારા અલૌકિક દેહથી જ કરી શકું. અલૌકિક દેહને પ્રાપ્ત કરી તત્સુખ સેવાનો જે આપણે મનોરથ કરશું તેને સિદ્ધ કરવામાં આપ વિલંબ નહી કરે. આ મનોરથમાં જ્યારે આપ વિલંબ કરતા નથી તો પછી એમ કહેવાનું નહી રહે કે – ‘‘સર્વત્યાગની પ્રવૃત્તિમાં મારી અનધિકાર ચેષ્ટા તો નહીં હોય ?’’
 
શાસ્ત્રનો એવો નિયમ છે કે ‘‘પૂછયા વિના કોઈને કહેવું નહીં.’’ તેનું કારણ પ્રશ્નથીજ અધિકારનો નિર્ણય થાય છે. આપને પૂર્વ પત્ર લખ્યો તેમાં પ્રશ્નની અપેક્ષા રાખી નથી. આપની એકાન્તમાં રૂચિ શ્રવણ કરીને જ, એકાન્તમાં જે ધ્યેય સ્વરૂપ સિદ્ધ કરવું છે તેની સાધન સંપદાનું આપશ્રી મહાપ્રભુજીની વાણીના પ્રમાણથી સૂચન કર્યું છે.
 
આપના પ્રશ્નોનું મંતવ્યોનું વિસ્તૃત પ્રકારે સમાધાન કરવું આ કૃતિ મારી પામર જીવની નહીં. પરન્તુ નિજજનોના દુઃખને સહન નહી કરનારા નિજધામમાંથી ભૂતલમાં પધારેલા મહા કારૂણિક સ્વામી શ્રી મહાપ્રભુજીની કૃપા ભરી પ્રેરણા જ જાણવી. પૂર્વ પત્ર કે આ પત્રનો વિષય સ્વકીયો સહ આપને અને મને પ્લાવીત કરનારી સ્વામીની કૃપા પિયૂષભરી ઘટાનીજ આ વર્ષા છે. આ પત્રમાં તો ‘‘હિત કૃત સતામ્’’ સ્વામીએ અનેક રહસ્યભર્યા તથ્યોની પ્રેરણા કરી છે. આપશ્રીની આ પરોક્ષ કૃપાને વર્તમાન જાણી દ્રવિત હૃદયે હૃદયમાં તેને પધરાવી લેશો તેવી અભિલાષા સહ વિરમું છું.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.