ચતુઃશ્લોકી
spacer
spacer

- ‘‘મધુ’’

પ્રાકટયના પ્રારંભથી મહારાસ સુધીની લીલા કરી જે સ્વરૂપ શ્રી વ્રજરત્નાઓમાં સિદ્ધ થયું તેજ સ્વરૂપ નિજજનોમાં સિદ્ધ થાય તેવો ઉપદેશ ચતુઃશ્લોકીમાં આપ ‘‘શ્રી મહાપ્રભુજીએ’’ કરેલો છે. આપ સ્વયં શ્રી સ્વામિની ભાવાત્મક સ્વરૂપથી જે પરમ પુરુષાર્થનો અનુભવ કરી રહેલા છે, તેજ પુરુષાર્થ નિજજનોને પ્રાપ્ત કરાવવા ચતુઃશ્લોકી પ્રકટ કરેલ છે તેમાં નિજજનોના કર્તવ્યનો નિર્દેશ કરેલો છે.
 
ચતુઃશ્લોકીમાં ‘‘સર્વદા’’ પદ ધરેલું છે ‘સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધીપઃ’’ સર્વદા નિજજનોનું આજ કર્તવ્ય છે કે નિઃસાધનના સ્વામી. પ્રભુના સ્વરૂપનું નિરંતર સર્વ ભાવે કરીને ધ્યાન કરવું ’’યદિ શ્રી ગોકુલાધિશો ધૃતઃ સર્વાત્મના હૃદિ’’ આ પંક્તિથી નિરંતર ધ્યાન કરીને પ્રભુ સ્વરૂપ રૂપી ફલનું સ્વાધીનપણું જતાવેલું છે. જેમ એક ચિત્રકાર ચિત્રને તૈયાર કરે છે તેમ ધ્યાન દ્વારા પ્રભુનું સ્વરૂપ હૃદયમાં અકીત થતું જાય છે. જ્યારે ધ્યાનથી સ્વરૂપ હૃદયમાં સ્થાયી થાય છે. ત્યારે ફલનું સ્વાધીનપણું સિદ્ધ થાય છે. નિજજનોમાં આ પરમ પુરુષાર્થ કે જે અતિ દુર્લભ છે તેને સિદ્ધ કરવા માટે નિરંતર સર્વભાવે સ્વરૂપ સેવાનો શ્રી વલ્લભ ઉપદેશ કરે છે. ‘‘અતઃ સર્વાત્મનાશશ્વદ્ ગોકુલેશ્વર પાદયોઃ’’ જો સર્વાત્મભાવે કરીને પ્રભુનું સ્વરૂપ હૃદયારૂઢ થયું તો પછી બાકી શું રહે છે ? આ પંક્તિથી સ્વાધીન ફલના નિરંતર અનુભવનું સૂચન કરેલું છે. તાત્પર્યમાં આ ચતુઃશ્લોકીમાં જણાવેલો પુરુષાર્થ મૂલ ધામસ્થ સ્વરૂપાનંદના અનુભવમાં સ્થિતિ કરાવનારો છે.
 
અંતિમમાં ‘સ્મરણં ભજનં ચાપિનત્યાજય મિતિ મે મતિઃ’ આજ્ઞા કરે છે કે ‘‘અનેક પ્રકારની રસાત્મક લીલાનો વિચાર અને મનન તે સ્મરણરૂપ છે, અને કોટી-કંદર્પલાવણ્ય પ્રભુના સ્વરૂપનું ધ્યાન એ ભજનરૂપ છે.’’ આ બન્નેનો ત્યાગ નહી કરવો એમ નિજજનો પ્રતિ આજ્ઞા છે.
 
આ રીતે પ્રભુના સ્વરૂપનું નિરંતર ધ્યાન તેનું નામ જ અનન્યતા છે. અનન્યતાના આગ્રહમાં શ્રીગોકુલેશ પ્રભુ ચતુઃશ્લોકીના પ્રથમ શ્લોકની પ્રથમ પંક્તિનો નિજજનોને સંકેત કરે છે કે, લીલાબ્ધિ મથનના સારરૂપે આ ચતુઃશ્લોકી પ્રકટ કરેલ છે. જન્મ પ્રકરણથી લઈને મહારાસ સુધીના લીલાસાગરનું દહન કરીને જે સ્વતઃ સિદ્ધ રસ પ્રકટ કર્યો છે તે આપે ચતુઃશ્લોકીમાં ધરી દીધેલો છે.
 
‘‘હરિના હરિ થવું’’ એ આ માર્ગના શિખ અધિકારરૂપ છે, અને આવો મહત્તમ અધિકાર મેળવવા માટે ચતુઃશ્લોકીના આશયને હૃદયમાં ધારણ કરી નિરંતર સ્વરૂપ સેવા અને સ્વરૂપ ધ્યાનમાં નિજજનોએ સ્મિત થવું યોગ્ય છે.

મહાનુભાવ શ્રી સૂરદાસજી કૃત

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.