અવગાહનીય પત્ર
spacer
spacer

લેખક : ‘‘પથિક’’

ભાઈશ્રી, તમારો પત્ર મળ્યો હતો. જેમ માતા સંડાસ-પેશાબથી બગડેલા બાળકને ધોઈને સાફ કરે છે, તેમ ભગવાન સિવાય આપણને બીજું રૂચે-ગમે તે આપણા હૃદયનો બગાડ છે. આ બગાડ સાફ ન થાય ત્યાં સુધી પ્રભુ એવા હૃદયમાં પધારતા નથી. આવા બગાડની આપણને ખબર પડતી નથી. તે તો માતા જેવું હિર્તઇચ્છનાર ભગવદીયો જ જાણે છે. પણ આવા માતાના સ્વભાવવાળા ભગવદીયો મળવા દુર્લભ છે. પ્રભુની કૃપાથી જ મળે છે.
 
હું અમુકનો પિતા, અમુકનો પુત્ર, અમુકનો પતિ, અમુકનો ભાઈ, એ પ્રકારની સમજણે આપણને અનેક જન્મોથી ભમાવ્યા છે. આવી સમજણ જાય નહિ ત્યાં સુધી જન્મ-મરણ છુટતું નથી. અનેક જન્મોથી આપણી પાછળ પડેલું આવું અભિમાન મુળમાંથી કાઢી નાખવા આપણને શ્રી વલ્લભે અષ્ટાક્ષર મહામંત્રનું દાન કર્યું અને બ્રહ્મસંબંધથી આપણું ગણાતું બધુંય પ્રભુને અર્પણ કરાવ્યું. જેની સાથે આપણો સંબંધ કરાવ્યો તે પ્રભુ જ આપણા સાચા સંબંધી છે. આ સંબંધને ભુલાય નહિ તે માટે પ્રભુને આપણા ગૃહમાં પધરાવી આપ્યા.
 
આપણો પરિવાર તે આપણો નહિ, પરંતુ પ્રભુનો છે. અને તેથી પ્રભુનો માની તેને સંભાળવો. આપણી અંગત મમતા તેમાં કરીએ તો સંસારનું બંધન થાય. માટે પ્રભુનું માની સંભાળવું અને હું આપનો દાસ છું તેવી ભાવના હર સમય રાખી દાસપણાનું કર્તવ્ય કરવું. સેવા-સ્મરણમાં ચિત્તવૃત્તિ સદાય રહે તો આપણા દાસપણાનું રક્ષણ થાય છે. પ્રભુ હૃદયમાં ન પધારે ત્યાં સુધી માયાના બંધનમાંથી છુટાતું નથી. અભિમાન દુર થતું નથી. પ્રભુને હૃદયમાં લાવવા માટે સેવા-સ્મરણ વગેરેથી મનને પ્રભુમાં જોડી રાખવું. ગૃહસ્થી (આપણો પરિવાર) પ્રભુનો માની સંભાળવાથી આપણો દાસભાવ બન્યો રહે છે.
 
અષ્ટાક્ષરનું સતત સ્મરણ દાસભાવને જાગૃત રાખે છે. દાસભાવનું રક્ષણ કરે છે અને પ્રભુ હૃદયમાં પધારે તેવા પ્રકારના હૃદયને સિદ્ધ કરે છે. શ્રી સર્વોત્તમજી, શ્રી યમુનાષ્ટક અને અષ્ટાક્ષરના સતત સ્મરણનો અભ્યાસ રાખવો જોઈએ.
 
વૈરાગ્યથી આપણું મન બધેયથી નિવૃત્ત થતું જાય છે અને પ્રભુનો સંબંધ દ્રઢ બનતો જાય છે. આવો વૈરાગ્ય અષ્ટાક્ષરના સતત સ્મરણથી મેળવી શકાય છે. વૈરાગ્યથી જ પ્રભુનો દ્રઢ સંબંધ થતો હોવાથી આ વૈરાગ્ય માટે સતત અષ્ટાક્ષરનું સ્મરણ કરવું જોઈએ. દિવાનો બનેલો ફકીર પોતાના મહેલમાં આવી પોકાર્યા કરતો : ‘‘માલિક, તું કબ મિલેગા.’’ આવો પોકાર અષ્ટાક્ષરમાં રહેલો છે. આપણા આવા પોકારથી પ્રભુ હૃદયમાં પધારી આપણને માયાના બંધનમાંથી મુક્ત કરે છે અને પોતાના સંબંધી બનાવી જ્યાંથી આપણે અનેક જન્મોથી ભુલા પડયા છીએ તે ધામમાં પ્રભુ કૃપા કરી પહોંચાડી દે છે. આવું આપણું જીવન બને ત્યારે જ આપણું દૈવી જીવન સફળ થયું કહેવાય. વૈરાગ્ય નાશવંત સુખોમાંથી છોડાવી નિત્યના સાચા સુખમાં લઈ જાય છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.