પુષ્ટિ જીવનનું ગૌરવ
spacer
spacer

લેખક : પ. ભ. શ્રીવલ્લભપાદપદ્મમિલિન્દ

પ્રગટ ભયે ઘન ચંદ્રમા, શ્રીલક્ષ્મણ ભટ ગેહ ।।
તવ નિકુંજ લીલા લીયે, રહસી સુધા નિધિ નેહ ।।1।।
 
નિત્યસિદ્ધા અનંત શ્રીસ્વામિનીજીઓ કે જે, રહસી સુધાનેહના સાગર રૂપ છે, તેમની લીલા અને તે અનંત સ્વામિનીજીઓથી વેષ્ટિત આપ શ્રીવલ્લભ ભૂવિતલે પ્રગટ થયા. આવા જ સ્વરૂપનો અનુભવ શ્રીમદ્ દમલાજીને આપના પ્રાગટય સમયે દિવ્ય ચક્ષુથી થયો છે. શ્રીમદ્ દમલાજી કેવલ સ્વરૂપનિષ્ઠ હોવાથી પ્રિયતમના અપરિમિત લાવણ્ય માધુર્ય સુધા સ્વરૂપના અનુભવમાં જ નિમગ્ન રહ્યા છે, જ્યારે શ્રીપદ્મનાભદાસજીએ આ સ્વરૂપનો અનુભવ કરી પદો દ્વારા નિજજનોને માટે સ્વરૂપનું વર્ણન કરેલું છે. આ સ્વરૂપનું જ વર્ણન ‘‘નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિ શાયિનમ્ । લક્ષ્મી સહસ્ત્ર લીલાભિઃ સેવ્યમાનં કલાનિધિમ્‘‘ એ શ્લોકમાં કરેલું છે. ‘‘લક્ષ્મી સહસ્ત્ર’’ નિત્યસિદ્ધા અનંત સ્વામિનીજીઓની તેમના ભાવાત્મક સ્વરૂપ સાથે રસાત્મક વિચિત્ર કલાઓથી જે રહસ્યલીલા થઈ રહી છે તે સર્વ ભૂવિતલમાં પ્રગટ થયેલા શ્રી વલ્લભના હૃદયમાં સ્થિત છે. આ સ્વરૂપનો આપણને અનુભવ કેવી રીતે થાય ? અથવા આપણા હૃદયમાં આપનું પ્રાગટય કેવી રીતે થાય ? તેનો વિચાર કરીએ.
 
‘‘લક્ષમનભટ’’ આ નામમાં ત્રણ પદો રહેલાં છે, ‘‘લક્ષ-મન-ભટ’’ આપણું લક્ષ આપના સ્વરૂપનું ચિંતન અને તે લક્ષમાં મનને ‘‘ભટ’’ એટલે સુભટતાથી જોડવું. સ્વરૂપ ચિંતન પ્રિય પ્રાપ્તિના તાપભાવ પૂર્વક થતું હોવાથી આપણું હૃદય અગ્નિકુંડરૂપ બને છે. વિરહની અગ્નિથી હૃદય કુંદન સમાન શુદ્ધ બનતાં આધુનીક સમયમાં પણ નિજજનોનાં હૃદયમાં આપનું પ્રાગટય થાય છે. આ જ સ્વરૂપનું વર્ણન શ્રીહરિરાયચરણોએ એક પદમાં કરેલ છે તે નિમ્ન :
 
પ્રગટે પુષ્ટિ મહા રસ દેન ।।
શ્રીવલ્લભ હરિ ભાવ અગ્નિ મુખ, રૂપ સમર્પિત લેન ।।1।।
નિત્ય સંબંધ કરાય ભાવ દે, વિરહ અલૌકિક બેન ।।
યહ પ્રાગટય રહત હૃદયમેં, તીન લોક ભેદનકો જેન ।।2।।
રહીયે ધ્યાન સદા ઈનકે પદ, પાતક કોઉ ન લગેન ।।
‘રસિક’ યહ નિરધાર નિગમ ગતિ, સાધન ઓર ન હેન ।।3।।
 
આ સ્વરૂપ ભાવાત્મક-રસાત્મક હોવાથી નિજજનોનાં હૃદયમાં પ્રગટ થઈ ભાવાત્મક પ્રકારે જ અનુભવ કરાવે છે. આ સ્વરૂપનું આપણાં હૃદયમાં પ્રાગટય વિરહના અનુભવથી જ થાય છે, અને પ્રાગટય પછી પણ વિરહાત્મક (ભાવાત્મક) પ્રકારે જ તેનો અનુભવ થાય છે. અનવતાર કાલમાં આ ભાવાત્મક સ્વરૂપ હૃદયમાં સર્વ લીલા સહ પ્રગટ થઈને નિજજનોનો નિરોધ સિદ્ધ કરે છે.
 
પદની પ્રથમ પંકિતમાં ‘‘મહા રસ દેન’’ એવું જે વિશેષણ આપ્યું છે તેનું સ્વારસ્ય એ છે કે ‘‘ત્રૈલોક્યલક્ષ્મ્યેક પદં વપુર્દધત્’’ આ શ્લોકમાં કહેલું સ્વરૂપ, ‘‘નમામિ હૃદયેશેષે લીલા ક્ષ્રીરાબ્ધિ શાયિનમ્’’ શ્લોકમાં કહેલું સ્વરૂપ, અને વલ્લભાષ્ટકના પ્રથમ શ્લોકમાં ‘‘સ્ફૂર્જદ્ રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપિશશ્વત્’’ આ શ્લોકમાં રહેલું સ્વરૂપ, આ ત્રણેની એક સંગતીવાળું આપનું સ્વરૂપ હોવાથી ‘‘મહારસદેન’’ એવું વિશેષણ આપ્યું છે. આ મહા રસરૂપ સ્વરૂપને ધારણ કરવાની પાત્રતા શ્રીવલ્લભ-ચરણકમલના અનન્ય આશ્રયથી જ સિદ્ધ થાય છે, તેવો નિર્ધાર શ્રી હરિરાયચરણોએ તે પદમાં જ કરેલો છે.
 
સ્વરૂપનિષ્ઠા એ જ આપણા પુષ્ટિ જીવનનું ગૌરવ છે :
 
સ્વરૂપનિષ્ઠા એટલે જેમ રસગુલ્લા રસમાં ડુબેલા જ રહી આવે છે, તેમ પ્રિયતમના રૂપસુધા-સમુદ્રમાં આપણું મન સદૈવ ડુબેલું રહે તે સ્વરૂપનિષ્ઠા છે. આવી સ્વરૂપનિષ્ઠા શ્રી વલ્લભના સ્વામિની ભાવાત્મક સ્વરૂપની કૃપા વિના થવી સર્વથા અસંભવીત છે. તે સંબંધમાં શ્રી હરિરાયચરણનું પદ નીચે પ્રમાણે છે.
 
શ્રીવલ્લભ સદા વસો મન મેરે ।।
ધરમ કરમ કછુ નહિ સમજત, જેસે તેસે તેરે ।।1।।
દાન વૃત્તાદિકતે કછુ નાહિન, હોત પુષ્ટિકી ભક્તિ ।।
તિહારી કૃપાકટાક્ષ વૃષ્ટિતે, હોત હે હરિ આસકિત ।।2।।
તુમ બિન તત્વ કછુ નહિ જગમેં, યહ નિશ્ચય મન કિન્હો ।।
શ્રીહરિ વદનાનલ આનંદ નિધિ, વેદ બખાનત તિન્હો ।।3।।
ભટકિ ભટકિ હાર્યો હોં, હા હા પકરો મેરી બાંહ ।।
ભલો બુરો ‘હરિદાસ’ તુમ્હારો, દેહું ચરણકી છાંહ ।।4।।
 
શ્રીવલ્લભાષ્ટકના 7મા શ્લોકમાં ‘‘સ્વામિન્ શ્રીવલ્લભાગ્ને...’’ તે શ્લોકનો ભાવાર્થ ઉપરના પદમાં છે. ‘‘તિહારી કૃપાકટાક્ષ વૃષ્ટિતે હોત હે હરિ આસકિત.’’ આ પંક્તિનું સ્વારસ્ય વેણુગીતના પંચમ શ્લોકમાં ગોપીજનોને સિદ્ધ થયું છે. ‘સ્ત્રીગૂઢ ભાવો પુષ્ટિમાર્ગે તત્વ.’’ આ વેણુગીતની પંક્તિ છે. સ્ત્રીગૂઢ ભાવાત્મક સ્વરૂપ તે શ્રીવલ્લભનું સ્વામિનીજી ભાવાત્મક (અધર સુધા) સ્વરૂપ છે. તેની કૃપા કટાક્ષમાં અધરસુધાની વૃષ્ટિ વેણુજી દ્વારા શ્રીગોપીજનોમાં થઈ, તેથી તેમની સ્વરૂપાસકિત દ્રઢ બની. તે પ્રમાણે આપણને શ્રીવલ્લભના સ્વામિની ભાવાત્મક સ્વરૂપની કૃપાથી જ (પુષ્ટિમાર્ગના પરમ પુરુષાર્થ રૂપ) સ્વરૂપાસકિત જાગૃત થાય.
 
‘‘સ્ત્રીગૂઢભાવો પુષ્ટિમાર્ગે તત્વ’’માં કહેલું આપનું સ્વામિનીજી ભાવાત્મક અધરસુધા સ્વરૂપ તે ‘‘રાસસ્ત્રીભાવ પૂરિત વિગ્રહ’’ નામમાં કહેલું સ્વરૂપ છે. ‘‘રાસસ્ત્રી’’-નિત્યસિદ્ધા અનંત સ્વામિનીજીઓનાં ગૂઢ ભાવો કે જે સ્થાયી રતિરૂપ છે, તે અનંત સ્વામિનીજીઓના ગૂઢ ભાવ (પ્રેમ ભાવ)થી પૂરિત વિગ્રહ શ્રીવલ્લભનું હોવાથી આપની સાનિધ્ય થતાં માત્રમાં જ નિત્યસિદ્ધા સ્વામિની ભાવવાળા પ્રેમભાવનું નિજજનોને આપ દાન કરે છે. આ પ્રેમ દાનથી જ સ્વરૂપાસકિત અવિચલ, દ્રઢ બને છે, અને તેથી પ્રિયતમના સ્વરૂપ સુધા સમુદ્રમાં નિજજનને નિમગ્ન કરે છે.
‘‘તુમ બિન તત્વ કછુ નહિ જગમેં, યહ નિશ્ચય મન કિન્હો.’’ આપના સ્વામિની ભાવાત્મક અધરસુધા સ્વરૂપથી પુષ્ટિ જગતમાં બીજું કોઈ તત્વ વિશેષ નથી તેમ નિશ્ચય સિદ્ધાંત છે.
 
‘‘શ્રીહરિ વદનાનલ આનંદ નિધિ.’’ આ પંક્તિમાં કહેલું સ્વરૂપ અધર સુધા સ્વરૂપ જ છે. ‘વેદ બખાનત તિન્હો’ આ વાક્યનો અર્થ, રાજસ, તામસ, સાત્વિક એ ત્રણ ભાવવાળા શ્રી સ્વામિનીજી રૂપ ત્રણ વેદથી અધર સુધા સ્વરૂપનો જ યશ ગવાયેલો છે. તેના પ્રતિકો, વેણુગીત-યુગલગીત, ગોપીગીત-ભ્રમરગીત અને અષ્ટસખાદિનાં કીર્તનો છે.
 
‘‘ભટકિ ભટકિ હોં હાર્યો, પકરો મેરી બાંહ.’’ હે નાથ ! પુષ્ટિ પુરુષાર્થને મેળવવા ભટકી ભટકીને હું હાર્યો છું. આપ આપના પ્રમેય બલથી મારો કર પકડીને અધર સુધા શ્રવિત આપના ચરણામ્બુજની શીતળ છાંયામાં મને રાખી લો. ભલો બુરો હું આપનો છું. આમ કરૂણા કરીને શ્રીહરિરાયચરણ (સ્વરૂપનિષ્ઠા રૂપી પરમ પુરુષાર્થ મેળવવાની ઇચ્છાવાળા વલ્લભીય જગતને) ગૂઢતાથી સંબોધી રહ્યા છે. ‘‘તિહારી કૃપા કટાક્ષ વૃષ્ટિતે’’ અને ‘‘તુમ બિન તત્વ કછુ નહિ જગમેં’’ આ પંક્તિઓનો વલ્લભીઓએ ગંભીરતાપૂર્વક વિચાર કરવો જરૂરી છે.

‘‘ભલો બુરો હરિદાસ તુમ્હારો.’’ આ પંક્તિથી મારી જેવા અનધિકારીને આશ્વાસન આપીને શ્રીવલ્લભ ચરણકમલનો જ દ્રઢ આશ્રય કરવાનો સંકેત શ્રીહરિરાયજી કરી રહેલ છે. આપણા પ્રભુ વિભુ હોવાથી કર્તુમ્-અકર્તુમ્-અન્યથા કર્તુમ્ સામર્થ્યવાળા છે. આપણી અયોગ્યતાને દૂર કરીને નિજ ચરણામ્બુજના આશ્રયનું દાન કરે છે જ.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.