સત્સંગ સૌરભ અથવા સિદ્ધાંત નવીનત
spacer
spacer

લેખક : શ્રીવલ્લભપાદપદ્મમલિન્દ

(1) સેવા સ્મરણ :
સેવા તો વ્રજપ્રિયા શ્રીગોપીજનો જ કરી શકે છે. હું દેહાત્મવાદી તુચ્છ જીવ મહા અલૌકિક પ્રભુની સેવાને યોગ્ય નથી, પણ પ્રિય પ્રભુને હું શ્રમ જ આપું છું.
 
આમ દૈન્યભાવ સહિત પ્રભુની તનુ-વિત્તજા સેવા કરવી. હે નાથ ! હું તુચ્છ હોવા છતાં આપનો જ છું. આપે મારો પાણિગ્રહણ કર્યો છે તેથી આપ મારા સ્વામી છો અને સર્વ કરવા સમર્થ છો. આપની હું તત્સુખાત્મક સેવા કરી શકું તેવા મારા આધિદૈવીક સ્વરૂપનું (આપ સમાન સામર્થ્યવાળા સ્વરૂપનું) દાન કરો. આમ દૈન્યભાવ પૂર્વક સેવા કરવાથી આપની પ્રસન્નતા થાય છે. ત્યારે પ્રભુ આપણને દિવ્ય પ્રેમભાવનું દાન કરે છે. આ પ્રેમથી આસકિત થાય છે ત્યારે પ્રાકૃત પ્રપંચની નિવૃત્તિ થતાં આધિદૈવીકતા પ્રગટ થાય ત્યારે સેવ્ય સ્વરૂપની સમાન ઐશ્વર્ય પ્રાપ્ત થવાથી આપણાથી તત્સુખાત્મક સેવા થઈ શકે. ‘‘તત્સુખ’’ એટલે પ્રિય પ્રભુનું અને પ્રભુના પ્રિયજનો-વલ્લભીઓનું સુખ વિચારવું તેને તત્સુખ કહેવાય છે. અને ‘‘સ્વસુખ’’ એટલે પ્રભુથી પોતાનું સુખ વિચારવું તેને ‘‘સ્વસુખ’’ કહેવાય. તત્સુખ ભાવના સ્નેહથી પરમોત્કૃષ્ટ સર્વાત્મભાવવાળો દાસ્યભાવ પ્રાપ્ત થાય છે. આ દાસ્યભાવ પરમ પુરૂષાર્થ રૂપ છે. જેનું વર્ણન ‘‘નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિ શાયિનમ્’’ આ કારિકાજીમાં આપ શ્રીવલ્લભે કરેલ છે. કોઈપણ પ્રકારે પ્રભુમાં સ્નેહ કેમ ઉત્પન્ન થાય તેનો જ વિચાર કરતાં રહેવું જોઈએ. સ્નેહ વિના સર્વ કૃતિ સાક્ષાત સ્વરૂપ સુધી પહોંચી શકતી નથી.
 
(2) સ્વરૂપચિંતન અને લીલાચિંતનનો પ્રકાર :
સ્વરૂપચિંતન અને લીલાચિંતનને આપણે આધ્યાત્મિક અને આધિદૈવીક બનાવવું જોઈએ.
આધ્યાત્મિકનો અર્થ રસાત્મક સ્વરૂપનું માહાત્મ્ય સ્ફુરીત થાય તેને આધ્યાત્મિક કહેવાય. અને આ માહાત્મ્યથી સર્વથી અધિક સુદ્રઢ સ્નેહ સેવ્ય સ્વરૂપમાં જ થતાં આધિદૈવીક રસાત્મક સ્વરૂપના આનંદનો અનુભવ થાય તેને આધિદૈવીક કહેવાય છે.
 
(3) નિજધામના આપણા આધિદૈવીક સ્વરૂપની પ્રાપ્તિ :
આપણું આધિદૈવીક સ્વરૂપ લીલાધામમાં રહેલું છે તે સ્વરૂપ આપણા ભૂતલમાં રહેલા ભૌતિક સ્વરૂપને કેવી રીતે પ્રાપ્ત થાય તેનો વિચાર કરવો.
 
આપણા આધિદૈવીક સ્વરૂપની પણ માનસી ભાવના કરવી. ભૂતલમાં રહેલા પુષ્ટિલીલા સંબંધી દૈવીજીવોના ત્રણ પ્રકારનાં સ્વરૂપો છે : (1) ભૌતિક (2) આધ્યાત્મિક (3) આધિદૈવીક. ચોરાસી બસોબાવનની ત્રણ જન્મની વાર્તામાં શ્રી હરિરાય પ્રભુએ કહ્યું છે તે પ્રમાણે આપણા આધિદૈવીક સ્વરૂપનો વિચાર કરીને તેની માનસી ભાવના કરી મનનો તેમાં પ્રવેશ કરાવવો. જેમ પ્રિય પ્રભુનો આપણને વિયોગ છે તેમ આપણા આધિદૈવીક સ્વરૂપનો પણ આપણને વિયોગ છે. વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજીને પોતાના આધિદૈવીક સ્વરૂપનો પણ આપણને વિયોગ છે. વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજીને પોતાના આધિદૈવીક સ્વરૂપનું શ્રી ગુસાંઈજીની કૃપાથી જ્ઞાન થયેલું હોવાથી વિનંતી કરે છે –
 
‘‘સેવકજન દાસ તિહારો રે, તેનો રૂપ વિયોગ નિવારો રે.’’ મારા આધિદૈવીક સ્વરૂપનો મને વિયોગ છે તેનું મને દાન કરો. કારણકે મારા આધિદૈવીક સ્વરૂપથી જ મહાન અલૌકિક આપના સ્વરૂપની હું સાક્ષાત તત્ સુખ સેવા કરી શકું. આવા પ્રકારનો ગૂઢ આશય ગોપાલદાસજીની વિનંતીમાં રહેલો છે. તેથી પ્રભુની તત્સુખ સેવા કરી શકીયે તે માટે આ સ્વરૂપની માનસી ભાવના કરવી. પ્રભુથી મને સુખ મળે તેવી ભાવના નહી રાખવી પણ હું મારા પ્રાણનાથને સુખરૂપ ક્યારે બનીશ, તેવો તાપભાવ રાખી આપણે સેવા કરવી. લીલા ધામનો દિવ્ય પરિકર અહર્નિશ પ્રભુના સુખના જ નિત્ય નૂતન મનોરથો કરી પ્રિયતમની સુખદ સેવા અખંડ કરી રહેલ છે. લીલાધામમાં ભક્તોને પોતાના સુખની ગંધ માત્ર પણ હોતી નથી, તેથી હું મારા પ્રાણવલ્લભને સુખદ ક્યારે બનીશ તેવો તાપભાવ રાખવો. શ્રી વલ્લભ પ્રકટિત પુષ્ટિ પ્રેમ માર્ગનો મુખ્ય સિદ્ધાંત તત્સુખતા છે. મહાનુભાવ શ્રીકૃષ્ણદાસ મેઘનજીએ વરદાનમાં માગ્યું ‘‘મને આપના માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય.’’ આ સિદ્ધાંત તે તત્સુખાત્મક પ્રેમભાવ જ છે. તેવા આ પરમ નિધિરૂપ-પરમ પુરુષાર્થરૂપ તત્સુખભાવ શ્રી વલ્લભ ચરણ રેણુમાં સમાયેલો છે. તેથી જ કોટિમાં વિરલ શ્રી પદ્મનાભદાસજી કહે છે કે હે આલિ ! (સખી) ‘‘પ્રથમ વસીયે શ્રીવલ્લભ પદ પંકજ નગરહી માઈ. જહાં પરાગ પદ્મનાભાદિક નિધિ વૃન્દાવન પાઈ.’’
 
(4) તાપભાવની આવશ્યકતા :
સર્વ સાધનો વિપ્રયોગ ભાવથી થવા જોઈએ તેનું કારણ આપણને પ્રિય પ્રભુનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી પરોક્ષતા જ ગણાય તેથી તેનુ વિતજા સેવા-ગુણગાન ધ્યાન-સ્મરણાદિ સર્વ સાધનો તાપભાવ સંયુક્ત કરવા આવા પ્રકારની આજ્ઞા શ્રીહરિરાયપ્રભુએ શિ.41-15-16માં કરેલ છે. તાપભાવ સહિત સર્વ સાધનો કરવાનો હેતુ-તાપ ભાવે કરીને ધર્મી સ્વરૂપ સિવાય વિજાતીય ભાવો દગ્ધ થઈ જાય છે ત્યારે આપણામાં આધિદૈવીકતા રસાત્મકતા પ્રગટે છે અને આ સ્થિતિએ જ પ્રિય પ્રભુની તત્સુખ સેવાની યોગ્યતા થાય છે. તેથી તાપભાવની અતિ આવશ્યકતા રહેલી છે તેમ નિશ્ચય જાણવું. આ વિષયનું સુચન શ્રી હરિરાય પ્રભુએ શિ. 5-2માં કરેલું છે. અસ્માકમતિ ભાગ્યેન તદાસ્ય વહ્લિ રૂદગતઃ અતઃ શીતલભાવોડ સ્મિન્માર્ગે નૈવોપ યુજ્યતે શ્રીદમલાજીએ પણ શ્રી પ્રભુચરણને વિનંતી કરી – ‘‘રાજ, યહ મારગ હાંસી ખેલકો નહી હે, તાપભાવ કો હૈ.’’
 
(5) વિપ્રયોગના અનુભવ વિના પ્રભુ હૃદયમાં સ્થાયી બિરાજતા નથી.
ધર્મ વિપ્રયોગમાં પ્રભુના લીલા ગુણાનુવાદથી રસાત્મક ગુણોનો ગાન કરનારમાં પ્રવેશ થાય છે. આ ગુણો રસાત્મક હોવાથી પ્રભુના રસાત્મક ભાવાત્મક સ્વરૂપનો હૃદયમાં આવિર્ભાવ કરાવે છે. જેમકે વેણુગીત પ્રસંગે શ્રી ગોપીજનોના ગુણગાન દ્વારા પ્રભુનું રસાત્મક ભાવાત્મક સુધા સ્વરૂપ પ્રગટ થયું. આ રસાત્મક ગુણો હૃદયમાં આનંદનો અનુભવ કરાવે છે, અને પ્રભુના સાક્ષાત સંયોગ માટે તાપભાવની વૃદ્ધિ પણ કરે છે. તાપભાવના ગુણગાનથી પ્રિય સ્વરૂપ સિવાયનો સર્વ ભાવ પ્રપંચ (ભૌતિક આધ્યાત્મિક અવિદ્યારૂપ) નિવૃત થતાં ભાવાત્મક રસાત્મક સ્વરૂપનો હૃદયમાં પ્રાદુર્ભાવ થાય છે, ત્યારે બહાર ભીતર સાક્ષાત સ્વરૂપનો અનુભવ કરી શકાય છે. આ અનુભવ વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપનો થાય છે.
 
(6)  આજની સેવાથી મળતો આનંદ માત્ર આનંદનો આભાસ જ છે. :
જ્યાં સુધી ભૌતિક અને આધ્યાત્મિક અવિદ્યાની નિવૃત્તિ ન થાય ત્યાં સુધી દિવ્ય આનંદ કે જેનો અખંડ ધારાવાહી પ્રવાહ ચાલતો હોય છે તેનો અનુભવ થતો નથી. ભૌતિક દેહથી જ પ્રભુ સંબંધી આનંદ ભોગવી લેવાય છે. આ આનંદ દિવ્ય નથી પણ દિવ્યનો આભાસ માત્ર છે. અથવા વિષયાનંદમાં ભળી ગયેલો આ આનંદ છે. દિવ્ય આનંદ તો આપણા આધિદૈવિક સ્વરૂપથી (લોકાતીત થયા પછી જ અનુભવી શકાય છે)
 
(7) આપણા આધિદૈવિક સ્વરૂપ વિશે :
આપણા ભૌતિક અધ્યાસવાળા દેહથી પ્રભુ સંબંધી આનંદ ભોગવી લઈએ તેમાં પ્રભુને કંઈ સુખ નથી.
 
પ્રિય પ્રભુને સુખ તો આપણા આધિદૈવિક સ્વરૂપથી જ આપી શકાય છે. આપણું સત્ય જીવન તો એજ છે કે આપણા આધિદૈવિક (લીલા મધ્યપાતિ) સ્વરૂપને પ્રાપ્ત કરી પ્રભુની નિરવધિ તત્સુખ સેવા પ્રાપ્ત કરીયે. આપણું (ભૂતલસ્થ દૈવીજીવનું) આધિદૈવીક સ્વરૂપ સ્ત્રી ભાવાત્મક અને પ્રભુ સમાન આનંદ કરપાદ મુખોદરાદિ-રસરૂપ અનેષટ ગુણ ઐશ્વર્યવાન છે, સ્વતઃ સિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે, સર્વ ભવન સમર્થ છે, અગણિત આનંદને ધારણ કરનાર છે, આત્મારૂપ હોવાથી સાકાર વ્યાપક – અપરિચ્છિન્ન સત્તાવાળું છે. ઇત્યાદિ અનંત દિવ્ય ગુણોને ધારણ કરનાર છે. આવા પ્રકારના પોતાના જ મહાન દિવ્ય સ્વરૂપને ભૂલી ગયેલો દૈવી જીવ ભૌતિક દેહના સંબંધમાં અહંતા મમતાની બેડીયોથી બંધાયેલો દેહરૂપી કારાગૃહમાં પુરાયેલો જે પોતાના નથી તેવા દેહના સંબંધીઓની વેઠ કરી રહ્યો છે. ‘‘પેટ કરાવે વેઠ’’ આ કહેવત મુજબ પ્રભુ પ્રાપ્તિના ઉપાયો દેહ ધરીને ન થયા તો દેહના સંબંધીઓની વેઠ કરવામાં જ જીંદગી પુરી થાય છે જીવને આવા પ્રકારનું જ્ઞાન અવિદ્યારૂપ માયા થવા દેતી નથી. અજ્ઞાનના અંધકારમાં રહેલા દૈવી જીવને પોતાનું સાચું સ્વરૂપ સમજી શકાતુ નથી.
 
(8) સેવા તત્સુખ ભાવથી થવી જોઈએ. :
તત્સુખાત્મક સેવા માટે તાપભાવની અતિ આવશ્યકતા છે. તાપભાવથી જ્યારે આપણામાં આધિદૈવીકતા પ્રગટ થાય છે ત્યારે આધિદૈવીક રસાત્મક ભાવોની ધારા આત્માનંદ સમુદ્રમાંથી પ્રવાહીત થઈ દેહ-પ્રાણ-ઇન્દ્રિયો-અન્તઃકરણ અને ભૌતિક દેહના અભિમાનવાળો જીવાત્મા આ સર્વમાં પ્રવેશ કરી તનુનવત્વતા (આધિદૈવીકતા) પ્રાપ્ત કરાવી દે છે. આવા તનુનવત્વથી નિત્યલીલાસ્થ પ્રાણ પ્રેષ્ઠની તત્સુખાત્મક સેવા થઈ શકે છે.
 
(9) આપણા આધિદૈવીક સ્વરૂપની પ્રાપ્તિ :
‘‘તાપભાવ પ્રકટ કરવા માટે વિરહ ભાવાત્મક (તાપાત્મક) શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનું શરણ વિચારવુ. અથવા શ્રી સર્વોત્તમ સ્તોત્રથી આપનું યશોગાન કરવું.’’
શ્રી સર્વોત્તમજીમાં આપશ્રીનું તાપાત્મક સુધા સ્વરૂપ બિરાજી રહેલ છે. 108 નામ આધિદૈવીક-અગ્નિરૂપ છે. મંગલાચરણનો 6 શ્લોક ‘‘વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને’’ ઉપરોક્ત પંક્તિનો ભાવાર્થ એ થાય છે કે સાક્ષાત આપશ્રીના ધર્મી સ્વરૂપના અનુભવમાં જેટલા પ્રતિબંધો છે તેનો મુળમાંથી નાશ કરે છે અને ત્યારબાદ ‘‘કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિ રત્ર ન સંશયઃ’’.
 
આ પંક્તિનો ભાવાર્થ અધરસુધાની પ્રાપ્તિ થતાં આપણા આધિદૈવિક સ્વરૂપમાં પ્રવેશ થાય છે. અધરામૃતસુધા આધિદૈવીક દેહને પ્રાપ્ત કરાવનાર છે તેમ વેણુગીતના પાંચમા શ્લોકમાં કહેલ છે. શ્રી સર્વોત્તમજીનાં નામો તાપાત્મક હોવાથી સમગ્ર પ્રતિબંધોનો શીઘ્ર વિનાશ કરી આપણા સ્વતઃ સિદ્ધ (નિત્ય સિદ્ધ) આધિદૈવીક દેહને પ્રાપ્ત કરાવે છે. આપશ્રીનું ‘‘મહાકારૂણીક’’-‘‘મહોદાર ચરિત્રવાન’’-‘‘અદેયદાન દક્ષશ્ચ’’. આ નામો ભૂતલસ્થ સ્વકીયોને તેના નિત્ય સિદ્ધ આધિદૈવીક સ્વરૂપને પ્રાપ્ત કરાવવામાં પ્રયુક્ત થાય છે. આપણું આધિદૈવિક સ્વરૂપ સ્વતઃ સિદ્ધ છે. તનુનવત્વ પ્રાપ્ત થતાં શ્રી યમુનાજી અષ્ટ સિદ્ધિનું જે દાન કરે છે તે અષ્ટ સિદ્ધિ સંયુક્ત આપણું આધિદૈવીક સ્વરૂપ સ્વતઃ સિદ્ધ છે. તેથી સાધનાત્મક કોઈ પુરુષાર્થો કરવાના બાકી રહેતા નથી.
 
આધુનીક સમયે સ્વકીયોને આ આધિદૈવીક સ્વરૂપની પ્રાપ્તિ આપશ્રી વલ્લભની કૃપાએ જ થઈ શકે છે, તેમ શ્રી હરિરાય પ્રભુએ શ્રી યમુનાષ્ટકની ટીકાના પ્રારંભમાં જતાવેલ છે. તેથી શ્રી સર્વોત્તમજીનું યશોગાન કરવું. સ્વકીયોના આધિદૈવીક સ્વરૂપની પ્રાપ્તિ કરાવવી તદર્થ જ શ્રીસર્વોત્તમજીનો વિનિયોગ છે.
 
(10) શ્રી સર્વોત્તમજીના પ્રત્યેક નામ સ્વરૂપાત્મક છે. :
નામનું સ્વરૂપ ભાવાત્મક છે. તે ધર્મી સ્વરૂપ કહેવાય છે. તે વિપ્રયોગ ભાવાત્મક પ્રકારે સ્વકીયના હૃદયમાં પ્રગટ થાય છે. શ્રી હરિરાયચરણે નીચેની પદ પંક્તિમાં સુચિત કર્યું છે :
 
પ્રગટે પુષ્ટિ મહારસ દેન.
- - - - - - - - - - - -
યહ પ્રાગટય રહત હૃદયમેં,
તીન લોક ભેદન સકેન ।।
 
વિપ્રયોગ કાળમાં સ્વકીયના ગુણગાને કરીને આપશ્રીનું ભાવાત્મક વિપ્રયોગાત્મક સ્વરૂપ સ્વકીયના હૃદયમાં પ્રાદુર્ભૂત થાય છે.
 
ધર્મી નામાત્મકના ભાવાત્મક સ્વરૂપમાંથી જ દ્વિધા શૃંગાર વિલાસના રસાત્મક ભાવોનું સર્જન થાય છે. તેથી દ્વિધા શૃંગાર વિલાસને સિદ્ધ કરવામાં આપના નામાત્મક ધર્મી સ્વરૂપોજ કારણરૂપે રહેલા છે. અર્થાત્ નામના ભાવાત્મક સ્વરૂપો હૃદયમાં પ્રાદુર્ભૂત થવાથી જ લીલાલોકમાં અનંત યુગલોમાં રસ વિહાર સિદ્ધ થાય છે. આથી શ્રીસર્વોત્તમજીનુ ઐશ્વર્ય કેવું અચિન્ત્ય હશે તે યતકિંચિત જાણી શકાય છે. શ્રી મત્પ્રભુચરણ ગુસાઈજીએ (અથવા શ્રીજી સ્વરૂપ શ્રી ગુસાંઈજીએ) આ સ્તોત્રનું નામાધેય ‘‘સર્વોત્તમ’’ રાખેલું છે તેનો આશય પણ અતિ ગૂઢ છે. શ્રી વલ્લભચરણ કમલરજના અનુચર બની રહેવાથી ગૂઢ રહસ્ય સ્ફુરિત થાય છે (નિગૂઢ હૃદયોનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય)
 
(11) આ નામોની શક્તિ અચિન્ત્ય છે. :
શ્રી સર્વોત્તમજીના પ્રત્યેક નામને શ્લોક 33માં આનન્દનિધિઃ કહેલ છે. નિધિને સમુદ્ર પણ કહેવાય છે. પ્રત્યેક નામમાં વિવિધ દિવ્ય પ્રેમાનંદ રસભાવોનો સિન્ધુ ભરેલો છે. જેમકે સર્વ લક્ષણ સમ્પન્નઃ અનંત યુગલ સ્વરૂપોમાં પ્રતિક્ષણે નૂતન નૂતન રસભાવો (સમુદ્રના તરંગોની જેમ) જે પ્રગટ થાય છે તે આપનું ‘‘સર્વ લક્ષણ સમ્પન્ન’’ નામવાળુ ભાવાત્મક સ્વરૂપ યુગલોમાં બિરાજી રહેલ છે તેમાંથી રસભાવો પ્રગટ થાય છે અને અનંત યુગલોના વિવિધ વિલાસરસની ધારા ‘‘સર્વલક્ષણ સમ્પન્ન’’ નામવાળા સ્વરૂપમાં જ પ્રવિષ્ટ થઈ જાય છે. ‘‘રાસાદિલીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપિ શશ્વત્’’. અનેક રસ સમુદ્રોને ધારણ કરનારા આપશ્રીના પ્રત્યેક નામ છે. આ પ્રકારે તેનું મહત્વ પણ અચિન્ત્ય-અગાધ છે.
 
(12) તાપભાવની પ્રાપ્તિનો પ્રકાર :
તાપકલેશને પ્રાપ્ત કરવા માટે શ્રી સર્વોત્તમજીના નામનું યશોગાન અને ચિન્તન અત્યંત આવશ્યક છે.
 
આપશ્રીનું સ્વરૂપ તાપાત્મક છે તેમ આપશ્રીનાં નામો પણ તાપાત્મક છે. તેથી ગુણગાન કરનારમાં તાપભાવ ઉત્પન્ન કરે તેમાં શું સંદેહ હોય ? ’’નામોનું ચિન્તન’’ એટલે આગળ ‘‘સર્વલક્ષણ સંપન્ન’’ નામનું જે મહત્વ બતાવ્યું તેવા પ્રત્યેક નામના તદ્ ગુણાનુસાર મહત્વને વિચારવું તેનું નામ નામોનું ચિન્તન. યશોગાનથી સ્વકીયનો આધિદૈવીકમાં પ્રવેશ થતાં આપના પ્રત્યેક નામોના સ્વરૂપનો સાક્ષાત અનુભવ થાય છે.
 
(13) સર્વોત્તમજીનું મહત્વ :
શ્રી સર્વોત્તમજીનું મહત્વ કેવું છે તે શ્રી અગ્નિકુમારની કૃપાથી યત્ કિંચિત અવલોકીયે. શ્રી અગ્નિકુમારે અતિશય કરૂણા કરી દુઃસહ કલિકાલના દોષ યુક્ત જીવનું પરમ હિત વિચારી શ્રી સર્વોત્તમજી પ્રગટ કરેલ છે. પિતા-પુત્ર (શ્રી વલ્લભ-શ્રી વિઠ્ઠલ)ની પરોક્ષતામાં પણ ઉભય સ્વરૂપોના અવતાર તુલ્ય સ્વકીયોનું કાર્ય શ્રી સર્વોત્તમજીના યશોગાન માત્રથી જ સિદ્ધ થઈ જાય તેવો ગુહ્ય પ્રભાવ શ્રી સર્વોત્તમજીમાં રહેલો છે.
 
જેમ-સારસ્વત કલ્પની અવતાર લીલા સમયે જન્મ પ્રકરણથી તામષ સાધન પ્રકરણ સુધીની લીલા કરી ભક્તોનો શ્રી ગિરિરાજ ધારણ સમયે કેવલ ધર્મી સ્વરૂપમાં નિરોધ કરી વેણુનાદથી રાસસ્થલી વૃંદાવનમાં પ્રવેશ કરાવી મહારાસમાં નિત્ય લીલાસ્થ પૂર્ણાનંદ સ્વરૂપનું દાન કરી નિરવધિ આનંદના અનુભવમાં શ્રી ગોપીજનોને સ્થિત કર્યા. આ નિરોધમાં જે જે પ્રતિબંધો હતા તે બાલ પૌગંડ, કિશોર લીલાથી દૂર કરી સાક્ષાત્ પૂર્ણાનંદ ધર્મી સ્વરૂપમાં જ વ્રજભક્તો નિરૂદ્ધ કર્યા. તેવી રીતે આવા જ પ્રકારના સમગ્ર પ્રતિબંધોને દૂર કરી મહારાસના મહાફલ રૂપ પૂર્ણાનંદ સ્વરૂપમાં નિરોધ ફક્ત શ્રી સર્વોત્તમજીના યશોગાન માત્રથી જ સિદ્ધ થઈ જાય તેવો અચિન્ત્ય (અગાધ) પ્રભાવ શ્રી સર્વોત્તમજીમાં રહેલો છે. શ્રી સર્વોત્તમજીના છઠ્ઠા શ્લોકનો ઉપરોક્ત પ્રકારનો ગૂઢ આશય રહેલો છે –
 
વિનિયોગો ભક્તિયોગ,
પ્રતિબંધ વિનાશને ।
કૃષ્ણા ધરામૃતા સ્વાદ,
સિદ્ધરત્ર ન સંશયઃ ।।6।।
 
શ્રી સર્વોત્તમજીના યશોગાનમાં વેણુગીત, યુગલગીત, ગોપીગીત અને ભ્રમર ગીતના વિપ્રયોગ રસાત્મક ભાવાત્મક સ્વરૂપના ગુણગાનનો સમાવેશ થઈ જાય છે. આ ચારે ગીત તો અવતાર લીલાના સાધન સાધ્ય ભક્તોએ ગાયા છે. પરંતુ લીલાલોકમાં નિત્ય સિદ્ધા શ્રી સ્વામિનીજીઓ નિત્યના મહારાસ સમયે જે રસાત્મક સ્વરૂપનું વિલક્ષણ પ્રકારે યશોગાન કરે છે, તેનો પણ સમાવેશ શ્રીસર્વોત્તમજીમાં રહેલો છે. તેનું કારણ 108 નામ નિત્યલીલાના સંબંધ વાળાં છે.
 
(14) પરમ પુરુષાર્થ રૂપ વિરહ :
‘‘વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશકઃ’’ આ નામ પરમાવધિ પુરુષાર્થને સિદ્ધ કરનારૂ છે. આપશ્રીનું મૂલ સ્વરૂપ ધર્મી વિપ્રયોગાત્મક છે, તેમાંથી દ્વિધા શૃંગાર વિલાસ પ્રગટ થયો છે. અને અનંત યુગલો, અનંત લીલાઓ, અનંત આનંદો આપના ધર્મી વિપ્રયોગાત્મક મુલ સુધા સ્વરૂપમાં રહેલા છે. આપશ્રીમાં રહેલો અનંત સ્વરૂપાત્મક આનંદ આપ સ્વયં પોતાના કેવલ સ્વરૂપમાં જ અનુભવે છે. જેનું જ્ઞાપીત નામ-શ્રી સર્વોત્તમજીમાં સ્વાનન્દ તુન્દિલ બિરાજી રહેલ છે.
 
(15) સિદ્ધ ભક્તોનું કર્તવ્ય :
શિ. 11માં ગુણગાન, દુઃખભાવન, દીનતા અને ત્યાગનો ઉલ્લેખ કરેલો છે. સિદ્ધ ભક્તોના કર્તવ્યરૂપે આ ચાર વાતો શ્રીહરિરાયપ્રભુએ શિક્ષા પત્રમાં કહેલ છે. શ્રી સર્વોત્તમજીના યશોગાનમાં આ સર્વ સિદ્ધ થઈ જાય છે. શ્રી સર્વોત્તમજીનાં પાઠ કરવાં તે ગુણગાન રૂપ છે. આપશ્રીનાં નામો તાપાત્પક હોવાથી પ્રભુ વિયોગ જનીત ‘‘દુઃખભાવન’’ને પ્રગટ કરે છે. આ દુઃખથી દૈન્ય પ્રકટે છે. દૈન્ય વિજાતીય ભાવોનો ત્યાગ કરાવે છે. આમ ચતુર્થ સાધન માત્ર શ્રીસર્વોત્તમજીના ગુણગાન દ્વારાજ સિદ્ધ થઈ જાય છે.
 
(16) પલકાન્તર વિરહ :
પલકાન્તર વિરહ તો વ્યસન અવસ્થાએ અનુભવાય છે. વ્યસન અવસ્થાએ પ્રિયતમના સ્વરૂપામૃત પાનમાં પલકની ઓટ પણ સહન થતી નથી. શ્રી ગોપીજનોનો પ્રિય પ્રભુમાં કેવો અનુરાગનો ભર હશે કે પલકની ઓટ અસહ્ય થઈ પડે છે. આપણામાં તો આ સ્નેહની એક બૂંદ પણ આવી નથી તેનું દુઃખ બન્યુ રહેવું જોઈએ. આ રતિપથમાં કંઈ જાણવા જેવું અને જાણીને મેળવવા જેવું જો કોઈ વસ્તુ હોય તો તે દિવ્ય પ્રેમ છે. દિવ્ય પ્રભુ પ્રેમના એક બિન્દુનો કેવો અદ્દભુત પ્રભાવ છે તે રતિપથ પથિકની વાણીમાં અવલોકીયે :
 
તૃણ સમ સબ વ્હે જાય પ્રભુતા સુખ ત્રિલોકકે ।
યહ આવે મન માંહીરંચક ઉપજે પ્રેમ જબ ।।
પ્રેમ પ્રગટ જબ હોયહે ભૂલે જગત કો ભાન ।
તુ તુ તુ રહી જાયહે ‘‘હૂં’’ કો મીટે નિશાન ।।
 
ઉપરોક્ત દિવ્ય પ્રેમના પ્રભાવને જાણી લીધા પછી કૃત્રિમ પ્રેમના આભાસમાં ઠગાઈ જવાનું નહી રહે. અથવા પોતાની સ્થિતિ સમજી શકાશે કે હું હજી આ દિવ્ય પ્રેમનો બિન્દુને પ્રાપ્ત કરી શકયો નથી.
 
(17) સેવ્ય સ્વરૂપના ધ્યાનનો મહિમા :
સેવ્ય સ્વરૂપનું ધ્યાન-ચિન્તન અવિરત (સતત) થવું જોઈએ કે જેથી હૃદયમાં બીજુ તત્વ પ્રવેશે નહી.
 
‘‘હરિમૂર્તિ સદા ધ્યેયા’’ નિરોધ લક્ષણ ગ્રંથમાં આપશ્રીએ આજ્ઞા કરી છે. કે પ્રિયતમના સ્વરૂપાનંદનો જેને અનુભવ કરવો છે તેને સ્વરૂપ સિવાયનો અન્ય વિજાતીય ભાવ પ્રપંચ હૃદયમાંથી દૂર કરવો જોઈએ. કારણકે નિત્યલીલાસ્થ મહાન દિવ્ય સ્વરૂપના અનુભવમાં અન્ય સર્વ પ્રતિબંધ રૂપ છે તેમ નિશ્ચય સમજવું. પ્રિય સ્વરૂપ એજ મારું સર્વસ્વ છે. આ સ્વરૂપની પ્રાપ્તિ વિનાનું મારું જીવન વ્યર્થ જઈ રહ્યું છે, તેની વ્યથા બની રહેવી જોઈએ.
 
સુભગા એવ જાનંતિ પ્રિય સૌભાગ્યજં સુખમ્ ।
તદ્ હીનાયાસ્તદીયેતિ પ્રસિદ્ધિ શરણં સખી ।।
(વિ. 3-7)
ભાવાર્થ : હે સખી ! કેવળ સૌભાગ્યશાળી સ્ત્રીઓ જ પ્રિયના સૌભાગ્યથી મળતા સુખને જાણે છે, અનુભવી શકે છે. પણ સૌભાગ્ય રહિત સ્ત્રી તો (અમુકની) સ્ત્રી છે એમ કહેવા માત્ર છે. એ પ્રમાણે હું આપને શરણે છું તેથી આપનો કહેવા માત્ર છું. (શરણ પ્રસિદ્ધ છે, શરણનું સુખ નથી)
 
પ્રિય સંગમ રાહિત્યાદ્ વ્યર્થાઃ સર્વે મનોરથા ।
નિરપત્રપતા સિદ્ધયે જીવામિ સખી સાંપ્રતમ્ ।।
(વિ. 3-8)
ભાવાર્થ : પ્રિય (શ્રીગોવર્ધનધર)ના સંગમ મિલન વિના (મારા) સઘળા મનોરથો વ્યર્થ છે. હે સખી ! અત્યારે તો હું કેવળ મારી નિર્લજ્જતા સિદ્ધ કરવા માટે જીવતી રહી છું.
 
ત્વદ્ દર્શન વિહીનસ્ય ત્વદીયત્તસ્ય તુ જીવિતમ્ ।
વ્યર્થમેવ યથા નાથ દુર્ભગાયા નવં વયઃ ।।
(વિ. 3-21)
ભાવાર્થ : હે નાથ ! આપનો જ જેને આશ્રય છે છતાં જો તે આપનાં દર્શનથી વંચિત રહે તો તેનું જીવવું કોઈ વિધવા થયેલીના (દુર્ભગાના) નવયૌવનની માફક વ્યર્થ છે.
ઉપરોક્ત વિજ્ઞપ્તિ શ્લોકનો ભાવાર્થ જે તે શ્લોકની નીચે આપેલો છે તે વિચારવો.
 
(18) રતિપથનું ભૂષણ-અનન્યતા :
હૃદયમાં પરમ પ્રેષ્ઠ પ્રાણવલ્લભ સિવાય બીજા કોઈ પણ મહત્ત ગણાતા તત્વનું સ્થાન ન રાખવું.
 
અનન્યતા રતિપથનું ભૂષણ છે તે અનન્યતા એક જ સ્વરૂપમાં નિષ્ઠા રાખવાથી જ થાય છે. જેમાં નિષ્ઠા તે જ સર્વસ્વ અને મુખ્ય, અન્ય સર્વ તત્વોની ગૌણતા એ અનન્યતાનું લક્ષણ છે.
 
સબહીન તે અતિ ઉત્તમ જાની,
ચરન પર પ્રીત બઢેયે હો ।
કાન ન કાહુકી મન ધરીયે,
વ્રત અનન્ય એક ગહૈયે હો ।।
♦     ♦     ♦
એસે નહી હમ ચાહન હારે,
જો આજ તુમે કલ ઓર કુ ચાહે ।
ફેંક દે આંખ નિકાલકે દોઉ
જો દુસરી ઓર મિલાવે નિગાહે ।।
લાખ મિલે તુમસે બઢકે,
તુમહીકો ચહે તુમહીકો સરાહે ।।
પ્રાણ રહે જ્યોં લો ત્યોં લો,
હમ નેહકો નાતો સદાહી નિવાહૈ ।।
 
(19) સર્વ પુરુષાર્થની સિદ્ધિ... શ્રી સર્વોત્તમજી :
શ્રીવલ્લભ અલૌકિક આનંદમય અગ્નિ સ્વરૂપ છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં આ માધુર્ય સુધાઅગ્નિ સ્વરૂપ ભાવાત્મક દ્રવિભૂત સુધા રૂપે બિરાજી રહેલ છે. તેથી શ્રીસર્વોત્તમજીના યશોગાન માત્રથી સર્વ પુરુષાર્થ સિદ્ધ થઈ જાય છે. પરમ પુરુષાર્થરૂપ સ્વકીય જનોનું પોતાનું જ નિત્ય સિદ્ધ આધિદૈવિક સ્વરૂપ છે તે માત્ર શ્રી સર્વોત્તમજીના યશોગાનથી પ્રાપ્ત થઈ જાય છે. તેથી જ શ્રી સર્વોત્તમજીનું યશોગાન પરમ પુરુષાર્થ સિદ્ધ કરનાર છે. ન સંશયઃ એમ શ્રીઅગ્નિકુમાર પ્રતિજ્ઞા કરીને સ્વકીયોને પ્રબોધ કરે છે.
 
(20) ધર્મી સ્વરૂપમાં નિષ્ઠા વિના તાપકલેશ સ્થાયી રહી શકતો નથી. :
ધર્મ સમુહમાં લેવાતો આનંદ તાપકલેશને બુઝાવી દે છે.
 
(21) સેવ્ય સ્વરૂપની ભાવના :
સેવ્ય સ્વરૂપ નિત્યલીલાસ્થ પૂર્ણ પુરુષોત્તમનુ જ સ્વરૂપ હોવાથી સાકાર વ્યાપક છે અને તેથી લીલાધામ તેમાં સુક્ષમ ભાવાત્મક પ્રકારે રહેલું છે. તેવો નિશ્ચય થવાથી બહારની સમગ્ર પ્રવૃતિઓ સમાપ્ત થઈ જાય છે. અને અન્યત્ર આનંદની તૃષ્ણા રહેતી નથી. શ્રીમાતૃચરણ યશોદાજીને શ્રીમુખમાં વિશ્વ બતાવવાનો આ એક હેતુ રહેલો છે.
 
(22) સેવ્ય સ્વરૂપમાં વલ્લભ વિરહાગ્નિ વ્યાપ્ત રહે છે. :
સેવ્ય સ્વરૂપમાં નખ શિખાંત સુધા સ્વરૂપ વ્યાપ્ત રહે છે. આ ‘‘સુધા’’ દિવ્ય પ્રેમ રૂપ છે. દિવ્ય પ્રેમમાં વિરહાગ્નિ વ્યાપ્ત રહે છે. જેમ મીશ્રીમાં મધુરતા વ્યાપ્ત રહે છે તેમ દિવ્ય પ્રેમમાં વિરહાગ્નિ વ્યાપ્ત રહે છે. દિવ્ય પ્રેમ, સુધા-વિરહાગ્નિ અથવા મધુર અગ્નિ આ એકાર્થ વાચી નામો છે. સેવ્ય સ્વરૂપમાં વલ્લભ વિરહાગ્નિ વ્યાપ્ત હોવાથી સેવ્ય સ્વરૂપ જ શ્રીવલ્લભ છે તેવી ભાવનાથી સ્વરૂપ સેવન કરવું.
 
(23) સેવ્ય સ્વરૂપના અનુભવમાં બાધક તત્વ :
સાક્ષાત ધર્મી સ્વરૂપના અનુભવમાં સ્વરૂપ સિવાય અન્ય સર્વ પ્રતિબંધ સ્વરૂપ છે.
ન્યાસાદેશમાં શ્રી મત્પ્રભુચરણે ઉપરોક્ત પ્રકારની આજ્ઞા કરી છે. વળી તામસ ફલ પ્રકરણના 31મા અધ્યાયમાં પણ શ્રીપ્રભુચરણે ટિપ્પણીજીમાં જણાવેલ છે કે જ્યારે સાક્ષાત સ્વરૂપનો અનુભવ કરવો હોય ત્યારે ભાગવત ધર્મનો ત્યાગ કરવો જોઈએ.
 
(24) નિત્યલીલા અને નેમિત્તિક લીલાનો ભેદ :
નિમિતલીલા ભૂતલ સંબંધી છે. આ લીલા નિત્યલીલાની સ્મારિકા છે અનુભવાત્મીકા નથી. કારણકે નિત્યલીલાનો અનુભવ નિત્યલીલા ધામમાંજ થાય છે.
 
નિમિત લીલામાં જ રચ્યાપચ્યા રહેવાથી નિત્યલીલા સ્વરૂપના અનુભવનો વિરહ થતો નથી. નિમિત લીલા ભૂતલના પ્રાકૃત અધ્યાસવાળા દૈવી જીવોના ઉદ્ધારાર્થ છે. તેમાં વ્યુહાદિ સ્વરૂપ મિશ્રિત છે. આ વ્યુહ મિશ્રિત લીલામાં રચ્યાપચ્યા રહેવાથી નિત્યલીલા સ્વરૂપનો ન તો અનુભવ થાય છે કે ન તો તે સ્વરૂપનું જ્ઞાન મેળવી તેની પ્રાપ્તિનો વિરહ થાય છે. નિત્ય લીલાસ્થ સ્વરૂપનો અનુભવ અને તેની પ્રાપ્તિનો વિરહ તો નિત્યલીલા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી, નિત્યલીલા ધામસ્થ પ્રિય પ્રભુનું સ્વરૂપ, પરિકર અને ત્યાં થતી નિત્ય સિધ્ધા સ્વામિનીજીઓ સાથેની દિવ્ય લીલાઓના ચિંતનથી જ થાય છે. અને આવો વિરહ પણ શ્રીવલ્લભભાનુનો હૃદયમાં ઉદય થવાથી જ થાય છે, તેમ શિક્ષાપત્ર 18 શ્લોક 4-5માં શ્રી હરિરાયપ્રભુએ જતાવેલ છે. અને ‘‘વૈશ્વાનરાષ્ટક’’ નામના સ્તોત્રમાં પણ શ્રી હરિરાયપ્રભુ આજ્ઞા કરે છે –
 
હરિ ભાવાત્માનં તદખિલ વિહારાનપિ તથા
સમસ્તાં સામગ્રી મનુજ પશુ પક્ષ્યાદિ સહિતામ્
કૃપામાત્રેણાત્ર પ્રક્ટયતિ દ્રકૃપાર કરૂણઃ
સમે મૂર્ધન્યાસ્તાં હરિ વદન વૈશ્વાનર વિભુઃ ।।
 
અનંત કોટિ કન્દર્પથી અધિક લાવણ્ય સૌન્દર્ય યુક્ત નિત્ય લીલાસ્થ હરિના ભાવાત્મક સ્વરૂપને તથા ત્યાં થતી લીલાઓ, લીલા પરિકર, શ્રીસ્વામિનીજીઓ અને કુંજ-નિકુંજાદિનો ભૂતલના સ્વકીય ભક્તોના હૃદયમાં કૃપાદ્રષ્ટિ દ્વારા શ્રીવલ્લભ અનુભવ કરાવે છે.
 
શ્રીહરિરાયજીએ વૈશ્વાનરાષ્ટકના ત્રીજા શ્લોકમાં આજ્ઞા કરી છે કે : માયા રૂપ શક્તિ (અવિધા)ના મોહથી મનના દોષ-સમુહને સારી રીતે શાંત (સમન) કરનારા શ્રીવલ્લભ છે. અથવા લીલાધામને ઢાંકી દેનારી મહામાયાના અંધકારને શ્રીવલ્લભભાનુ પોતાના પ્રકાશથી દૂર કરે છે ત્યારે ઉપરોક્ત શ્લોક 7માં કહેલો અનુભવ થાય છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.