પુષ્ટિ પથ – પથિક
spacer
spacer

- મધુકર

પ્રશ્ન – તમારા પત્રમાં ‘‘ત્રિદુઃખં સહનં ધૈર્યં’’ શ્રીવલ્લભ પ્રભુએ ત્રણે પ્રકારનાં દુઃખોને મરણ પર્યંત સહન કરવાની આજ્ઞા કરી તો આ ભૌતિક દુઃખ (કામરોગ) ને સહન કરતા જવું કે કોઈ ઉપાય ખરો ?
 
ઉત્તર – કામરોગથી વ્યથીત થયેલા તમારા આ પ્રશ્નનો જવાબ આ પ્રકારે છે કે કામના વેગને સહન કરવો, તેમાં પ્રવૃત્ત ન થવું. કામ સંકલ્પરૂપે પ્રગટ થાય છે. જ્યારે કામના સંકલ્પો-વિચારો ઉત્પન્ન થાય ત્યારે ઠંડા જલની એક લોટી પી જવી. પશ્ચાદ શૈયામાં નિવેશ ન કરવો. એક આશન ઉપર બેસી જવું. અને એકાગ્ર ચિતથી અષ્ટસખાના કીર્તનોની લીલા ભાવના વિચારી અને તેમાંથી ઉત્પન્ન થતાં તરંગોમાં મન-ચિતને જોડી દેવા. રાત્રીના સમયમાં એકાન્ત તો હોય જ. આ એકાન્તનો લીલા ચિંતનમાં ઉપયોગ કરવો. ભૌતિક કામના સંકલ્પો-વિચારોને અલૌકિક લીલા ભાવનાઓમાં જોડી દેવાથી કામ સંકલ્પનો લય અલૌકિકમાં થઈ જાય છે. અથવા ‘કામ’ ભૌતિક મટીને આધિદૈવિક બની જાય છે.
 
બીજો પ્રકાર – ભૌતિક કામના સંકલ્પ ઉઠે ત્યારે આપણા આધિદૈવિક સ્ત્રીભાવ-સખીભાવના સ્વરૂપનું ધ્યાન કરવું. આ અભ્યાસ બઢતા ભૌતિક કામ, પીડા કરવા સમર્થ નહી રહે. એક સાંભળેલો પ્રસંગ અહી જણાવું છું કે – એક સમય કંસ બરસાનાની સરહદમાં જઈ ચઢયો. બરસાનાની 12 કોશની સરહદમાં શ્રી સ્વામિનીજીનું રાજ્ય છે. કંશનો તેમાં પ્રવેશ થતાં જ તે સ્ત્રી બની ગયો. સખીઓએ શ્રી વ્રષભાનજીની ગૈયાંઓનું ગોબર થાપવા તેને લગાડી દીધો. આગળનો પ્રસંગ યાદ નથી.
 
આ પ્રસંગનું એટલું જ સ્વારસ્ય છે કે આપણા આધિદૈવિક સ્ત્રીભાવ-સખીભાવ સ્વરૂપનો એવો પ્રભાવ છે કે દુઃસહ કામવેગના સંકલ્પોનો તુર્તજ લય કરી નાખે છે. નિત્યના અભ્યાસથી ભૌતિક કામનું નામ નિશાન પણ રહી શકતું નથી.
 
અલ્પ સમયના કામ સુખમાં ભ્રમીત થયેલો જીવ જીવનભરની ઉપાધિથી બંધનોમાં બંધાય છે. પ્રજાની ઉત્પત્તિ તેને ગુલામ બનાવી દે છે. ભગવાનની કૃપાથીજ દૈવી પ્રજાનો સાથ મળે છે. તેવો પરિવાર ભગવદ્ પ્રાપ્તિમાં સહાયક રૂપ બને છે. પરન્તુ દૈવી પ્રજા ન હોય આસુરી હોય તો તેને માટે શ્રી મહાપ્રભુજીએ બીજા સ્કંધના સુબોધિનીજીમાં આવી પ્રજાને ‘‘આત્માના નાશની સેના’’ કહી છે. આ સેનાની વચમાં રહીને કેદી જેવો બની માનવી જીવન પુરૂ કરે છે. ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે મારી દૈવી ગુણમયી માયા તરવી દુસ્તર છે. મારા એકને જ શરણે આવવાથી માયાને તરી શકાય જીવ દૈવી હોવા છતાં માયામાં ફસાય છે તેને તેમાંથી કાઢવા માટે પોતાને જ શરણે આવવાનો ઉપદેશ કરે છે. આસુરી પરિવારમાં ફસાયેલો દૈવી જીવ ગજેન્દ્રની જેમ આર્ત ભાવથી પ્રભુને પોકાર્યા કરે તો પ્રભુ તેનો ઉદ્ધાર કરે છે.
 
આ ભૂતલમાં ભગવદ્ પ્રાપ્તિની બધા પ્રકારની અનુકૂલતા લીલાધામથી વિછૂરેલા દૈવીજીવને પ્રભુની કૃપાથી પ્રાપ્ત થયેલી હોય છે, છતાં તે કૃપાને નહી પહેચાનવાથી આવા જીવો ભગવદ્ પ્રાપ્તિથી વિમુખ રહે છે. અને અનુકુલતાનો લાભ ભગવદ્ સંબંધી અલ્પ આનંદોમાં લે છે. નિત્યનું અખંડ સુખ તદીયના સંગ વિના મેળવી શકતો નથી. જેને નિત્ય લીલાસ્થ સ્વરૂપ પરિકર અને લીલાધામનો સાક્ષાત અનુભવ થાય છે, તેને તદીય કહેવાય છે. આવા તદીય અષ્ટસખાદિ મહાનુભાવો છે. તેમની વાણીનો સંગ કરવો. નિવેદનના સ્મરણની આજ્ઞા આપે નવરત્નમાં કરી છે તેનું રહસ્ય તદીયના સંગથીજ નિત્યલીલા સ્વરૂપનું અને તે સ્વરૂપથી મળતું અગણિત સુખ તેનું જ્ઞાન થાય છે ત્યારે દૈવી જીવ ભગવદ્ સંબંધી અલ્પ આનંદોમાં અટકતો નથી.
 
‘‘નિકુંજ વૈભવ દામોદરદાસ દેખિ ચાહત હૈ
સખિયનમેં ટહલ કરન હિત’’

ઉપરોક્ત શ્રી પદ્મનાભદાસજીનાં પદમાં નિત્યલીલાસ્થ પ્રિયપ્રભુનું સ્વરૂપ, ત્યાંનો દિવ્ય પરિકર, લીલા ધામ, અને શ્રીદમલાજીનું લીલા સંબંધી આધિદૈવિક લલિતાજીનું સ્વરૂપ. આ ચારે પ્રકારનું વર્ણન કરેલું છે તે પદની ભાવના વિચારવી. આપણા આધિદૈવિક સ્વરૂપનું ધ્યાન કરી આ પદમાં કહેલી ભાવનામાં મનના સંકલ્પો જોડવા. આ પદ અગર બીજા કોઈ પદોમાં જણાવેલી લીલાની ભાવનામાં મનનાં સંકલ્પોને જોડવાનો અભ્યાસ નિરંતર થતાં આ ભાવનાનો આવેશ રહેવાથી સદાસર્વદા આનું જ અનુસંધાન રહી આવે છે, અને જીવનનો પલટો કરી નાખે છે. અથવા પ્રાકૃતતાની નિવૃત્તિ કરી અપ્રાકૃતતા સિદ્ધ કરે છે. ‘‘ભાવોભાવનીયાસિદ્ધ’’ જેવી ભાવના આપણે કરીએ તેવો ભાવ સિદ્ધ થાય છે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.