પુષ્ટિદૈવી જીવે મનન કરવા યોગ્ય છે
spacer
spacer

 લેખક : શ્રીકંચનભાઈ ગાંધી, વડોદરા

મહાકારૂણિક શ્રીવલ્લભપ્રભુની કૃપાથી હું બ્રહ્મસંબંધ લઇ પુષ્ટિમાર્ગમાં પ્રવેશ પામ્યો. તો સૌપ્રથમ પુષ્ટિમાર્ગ, પુષ્ટિ પુરૂષોત્તમ, પુષ્ટિલીલા, પુષ્ટિ પ્રભુનું ધામ. આ વિશે મને યથાર્થ જ્ઞાન હોવું અતિ જરૂરી છે. માર્ગના સિદ્ધાંત જાણી કર્તવ્યનો બોધ થવો જરૂરી છે. મારા જીવનનું ધ્યેય અને લક્ષ્ય મારે નક્કી કરવું જ પડે. એ નહિ કરીએ તો જીવનકાળ માયાના સપાટામાં વેડફાઇ જશે. વૃથા જન્મ વહી જશે. મારું સેવ્ય સ્વરૂપ ધ્યેય પ્રાપ્તિ માટે છે. સેવ્ય જ સેવકના અલૌકિક દેહને સિદ્ધ કરી આપે છે. આ જ્ઞાન નહિ હોવાથી વૈષ્ણવો સેવ્યને છોડી – ગૌણ કરી બીજે ભટકે છે જેથી ફલથી વંચિત રહે છે. શ્રીવલ્લભ જ મારૂં લક્ષ્ય હોવું જરૂરી છે. એનું અનન્યભાવે ચિંતન-ધ્યાન અને એમના જ યશોગાનથી આશ્રય સિદ્ધ થશે. આશ્રય અનુગ્રહાત્મક પ્રભુનો વિશિષ્ટ એક ધર્મ છે – એનું દાન શ્રીવલ્લભ કરે છે. શ્રીદયારામભાઇ કહે છે, “શ્રીવલ્લભ આશ્રય વિના સાધન સર્વ અશેષ, કેવલ હરિ ભજે લીલામાં ન પ્રવેશ.”કેવલ હરિની સેવા કરશો તો લીલાપ્રવેશ નહિ થાય – જ્યારે શ્રીવલ્લભનો આશ્રય કરશો તો જ પુષ્ટિફળ મળશે. પુષ્ટિમાર્ગમાં સર્વ કાંઇ છે તે બધું જ ભાવાત્મક છે. ભાવાત્મક એટલે મૂલ સ્વરૂપ છે. જ્યાં સુધી સેવ્યને સાક્ષાત્ – સર્વસ્વ નહિ માનીએ ત્યાં સુધી ભવસાગરમાં જ ભટકવું પડશે. સેવ્ય સ્વરૂપમાં જ નિષ્ઠા, અનન્યતા અને અનન્ય એકાંગી સ્નેહ આ ત્રણ જરૂરી છે. અહંતા-મમતા છોડી, અન્યમાંથી આસક્તિ કાઢી, પ્રભુમાં જ આસક્તિ કરવી. સેવ્ય સિવાય અન્યનું દર્શન, સ્મરણ, ચિંતન પણ બાધક છે. પતિવ્રતાના ધર્મો પુષ્ટિની સેવામાં પાલન કરવાના છે.
 
સેવ્ય સિવાયની બધી જ સેવા ગૌણ છે. આ ધ્રુવ સત્ય સમજી સેવ્ય ગોલોકધામસ્થ જ છે આ દ્ઢ કરો. શ્રીહરિરાયજી આજ્ઞા કરે છે કે, વૈષ્ણવે એક સારસ્વત કલ્પની લીલા અને એક નિત્યલીલાનું અવશ્ય સ્મરણ કરવું. નિત્ય અને વર્ષોત્સવની સેવામાં સઘળી સારસ્વત કલ્પની લીલા જ છે. (શ્રી હરિરાયજીની નિત્યલીલા જૂઓ) પદ્મનાભદાસજીના પદો તેમાં નિત્ય ગોલોક ધામસ્થ લીલાનું વર્ણન છે. સારસ્વત કલ્પની લીલા સ્મરણ માટે છે. જેનાથી તાપભાવ ઉત્પન્ન થાય, જ્યારે નિત્યલીલા ધ્યેય છે. પ્રભુના સ્વરૂપમાં- લીલામાં અનુરાગ ઉત્પન્ન થવો જરૂરી છે. એ નથી તો ગમે તેટલા વર્ષ સેવા કરો કશું જ પ્રાપ્ત નહિ થાય. સેવામાં સંવેદન જરૂરી છે. કદીક રોમાંચ થવો, અશ્રુપાત થવો આ બધા લક્ષણ સેવા પ્રભુ અંગિકાર કરી રહ્યાં છે તેનાં છે. જ્યારે ક્રોધ, રાગ અને ભય દૂર થાય ત્યારે જાણવું કે પ્રભુએ હવે મારી સેવા સ્વીકારી.
 
સેવામાં રાગ-ભોગ-શૃંગારનું મહત્વ છે. પુષ્ટિપ્રભુ રાગથી જાગે, રાગથી શૃંગાર ધરે, રાગથી ભોગ આરોગે, રાગથી પોઢે. કિર્તનો અલૌકિક ભાવથી પુષ્ટ થયેલ છે. કિર્તનથી પ્રભુને લીલાની યાદી આવે છે અને પ્રસન્ન થઇ ગાનારને પ્રેમ-અનુરાગનું દાન કરે છે. ભોગ મધ્યસ્થ છે. ઉત્સવોમાં અવશ્ય શક્તિ અનુસાર પ્રભુને ભોગ સામગ્રી જરૂર ધરવી. પુષ્ટિપ્રભુને તમારા ભોગ-શૃંગારની કોઇ અપેક્ષા જ નથી પરંતુ આપ શ્રીવલ્લભની અતિ કરૂણ કૃપાથી જીવને અધરામૃત આપવા માટે ભોગ આરોગે છે. ભૂતલસ્થ જીવ પ્રભુને કયો ભોગ ધરી શકશે ? જ્યાં નિત્યધામમાં અલૌકિક ઐશ્વર્યયુક્ત અનેક સ્વામિનીજીઓની યાદી આવે તે હેતુ છે. રસાત્મક રસસ્વરૂપ સદાનંદ પ્રભુ સાક્ષાત્ મનમથના મનમથ, કોટિ કંદર્પ લાવણ્ય સ્વરૂપ છે. જીવ શું શૃંગાર ધરી શકે છે ? પરંતુ શૃંગાર દ્વારા પ્રભુ જે શૃંગાર ધરે છે ને કેવા ભક્તને રસદાન કરે તેની જીવને યાદ આવે માટે શૃંગાર છે. મુગુટ, સહેરો, ટિપારો, કુલ્હે-ચંદ્રિકા આદિ શૃંગાર, ચાકદાર, ગેરદાર. સુથન-પટકા ધોતી-ઉપરણાં, મલ્લકાછ. આદિથી પ્રભુ ચાર પ્રકારના ભક્તોને રસદાન કરે છે. નિર્ગુણ, સાત્વિક, રાજસ અને તામસ પ્રકારના ભક્તો છે. નવિન ભાવોનું દાન પ્રભુ કરે છે.
 
સેવા જીવના વરણ, અધિકાર પ્રમાણે બને છે. જેવો જેનો અધિકાર. બધા માટે એક જ પ્રકાર નથી. વૈષ્ણવોએ સેવા યથાશક્તિ, પોતાની અનુકૂળતા અને સગવડ પ્રમાણે માર્ગની મેંડ-મર્યાદાથી કરવી. મેંડ વિનાની સેવા પુષ્ટિપ્રભુ કદી પણ સ્વિકારતા નથી. ફલ મેંડમાં રહેવાથી જ મળે. તેથી શ્રીમહાપ્રભુજી પોતે જીવને શરણે લઇ સેવાની મેંડ-મર્યાદા, રીત બધું શિખવાડતા હતા. મનસ્વી રીત અપરાધ છે. દોષમાંથી બચવા અધિકારી પાસે સેવાની રીત જાણીને જ સેવા કરો. ન બને તો કેવલ નામ સેવા કરો. જેનો જેવો અધિકાર. સેવામાં સતત તાપ-ભાવ જ જરૂરી છે. હા નાથ ! હું આપશ્રીને લાયક ક્યારે બનીશ. તેનો તાપ જરૂરી છે. તાપભાવ – તાપાત્મક શ્રીવલ્લભ દાન કરે ત્યારે થાય.
 
જીવ સ્વયમ્ ભાવ કરી શકતો જ નથી. સતત માર્ગના ગ્રંથો અને અધિકારી જાણકાર ભગવદીયોનો સત્સંગ જરૂરી છે. માર્ગની મેંડથી સેવા કરનાર, માર્ગના સિદ્ધાંતને જાણનાર, નિર્મળ હૃદયવાળા વૈષ્ણવનો જ સંગ કરવો. અન્ય સર્વ દુઃસંગ છે. એવો સત્સંગ ન મળે તો ગ્રંથોનું શ્રવણ – મનન જ જરૂરી છે. 84/252, શિક્ષાપત્ર, શ્રીસુબોધિનીજી, ષોડશગ્રંથ, તત્વાર્થ દીપનિબંધ આદિ ગ્રંથોનું શ્રવન-મનન ખૂબ જરૂરી છે. નિત્ય નિયમપૂર્વક શ્રીભાગવતજીનું પઠન જરૂરી છે. શ્રીભાગવત શ્રીજીનું નામાત્મક સ્વરૂપ છે. જે ભગવાનની પ્રાપ્તિ કરાવનાર ઉત્તમ ગ્રંથ છે. પૈસા લઇ ભાગવત કહેનારના મુખે વૈષ્ણવે કદી ભાગવતની કથા સાંભળવી નહિ. અને એવી ભાગવત કથા કરાવવી નહિ, જ્યાંથી ભાગવત માટે પૈસા લેવાય. આજે પુષ્ટિમાર્ગમાં બાહ્ય જે બધા પ્રદર્શનો થાય છે તે શ્રીવલ્લભના સિદ્ધાંતથી વિરૂદ્ધ છે. પુષ્ટિપ્રભુ, એની લીલા અને સેવા ગુપ્ત રહીને કરવાની જ શ્રીવલ્લભની આજ્ઞા છે.
 
(શ્રી વલ્લભ શરણ થકી સૌ પડે સહેલું રે - શ્રીદયારામભાઇ)

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.