‘ગૂઢ તત્વ’
spacer
spacer

પ્રેષક : મધુ

દૈવી સૃષ્ટિનું નિજફલ જે વ્રજલીલાત્મક છે અને જે વ્રજ ભક્તોએ અનુભવેલું છે, તે વ્રજ ભક્તોના લીલાત્મક આનંદને પ્રાપ્ત કર્યા વગરની વ્યર્થ વાતો કરવા ભક્તો ચાહતા નથી, કારણ લીલાધામથી વિછુરેલા દૈવી જીવ પોતે વ્રજભક્તો રૂપ જ હોવાથી સહજ તેમને અન્ય વિષયની વાતો રૂચતી નથી.
 
શ્રી વલ્લભનું નિજધામથી ભૂતલમાં પ્રાગટ્ય લીલાધામથી વિછૂરેલા દૈવી જીવોને લીલાધામમાં લઇ જવા માટે જ થયું છે. જો આ લીલાનું અનુસંધાન દૈવી જીવમાં નથાય તો તેનું દૈવી જીવન વ્યર્થ છે, બ્રહ્મસંબંધનું ફલ તે છે કે હું કોઇ વ્રજ લીલાત્મક છું તેનું અહર્નિશ સ્મરણ રહ્યાજ કરે. રાત્રીના બાર વાગ (મધ્ય રાત્રે આજ્ઞા કરવામાં કંઇક ગૂઢ રહસ્ય છુપાયેલું છે. તે ગૂઢ લીલારહસ્યનું દાન વ્રજ ભક્તોને રાસાદિક લીલાથી પ્રભુએ રાત્રીના સમયેજ કર્યું છે તે જ મહારસના મહાફલનું દાન કરવા શ્રીમદ ગોકુલના ઠકુરાણી ઘાટ ઉપર શ્રી મધુરાધિપતિનું પ્રાગટ્ય પણ મધ્ય રાત્રિએ જ થયું છે. અવતાર લીલામાં 1 વર્ષ અને 52 દિવસની લીલાથી મહારસમાં પૂર્ણાનંદ સ્વરૂપનું જે દાન વ્રજ ભક્તોને થયું તે દાન મહોદાર ચરિત્રવાન શ્રી મહાપ્રભુજીએ ભૂતલની સૃષ્ટિને બ્રહ્મસંબંધ સાથે જ કર્યું છે તેથી અવતાર લીલાથી પણ શ્રી વલ્લભના દાનની વિશેષતા હોવાથી મહાનુભાવોએ શ્રીવલ્લભના યશનું ગાન કર્યું છે કે-“કલિયુગ સબ યુગતે અધિકાઇ,”
 
બ્રહ્મસંબંધ મંત્રમાંજ મહાન સામર્થ્ય રહેલું છે. ભૂતલસ્થિત દૈવી જીવનો લીલામાં જેવો અધીકાર છે, અધિકારથી પણ વિશેષ દાનશ્રી વલ્લભે કરેલું છે. આથી શ્રીમદ્ પ્રભુ ચરણ શ્રી ગુસાંઇજીએ “મહાકારૂણીકઃ અને મહોદાર ચરિત્રવાન” નામથી અમારા પ્રાણનાથને સંબોધ્યા છે બ્રહ્મ સંબંધમાં જે મહાન સામર્થ્ય છે, અને તેનું જે દાન થયું છે, તે આધિદૈવિક સંબંધનું છે. એટલે કે ભૂતલના દૈવી જીવનું લીલા ધામમાં જે આદિદૈવિક સ્વરૂપ છે, તે આધિદૈવીક સ્વરૂપનો પ્રવેશ ભૂતલના દૈવી જીવની ભીતર બ્રહ્મસંબંધ દ્વારા શ્રી વલ્લભ કરાવે છે. આ આધિદૈવીક સ્વરૂપ જ ભૂતલના દૈવી જીવને પ્રભુ સન્મુખ રાખવાની પ્રેરણા કરે છે. આ દૈવી જીવના ભાવાત્મક સ્વરૂપની ભીતર પુષ્ટિ પ્રભુ લીલા સહિત બીરાજી રહ્યા છે. પરંતુ તેનો સાક્ષાત અનુભવ પ્રપંચની વિસ્મૃતી વિના ભૂતલના દૈવી જીવો કરી શકતા નથી, આવા પ્રકારના બ્રહ્મસંબંધનું મહાન ફલ અને તેનું મહાન સામર્થ્ય હોવા છતાં ભૂતલના દૈવી જીવોને લીલાનું અનુસંધાન કેમ થતું નથી ? આ એક પ્રશ્ન થાય છે.
 
આ પ્રશ્નના જવાબમાં શ્રીવલ્લભને આ મંત્રનું હજારો કામ છોડીને તાદ્રશી ભક્તો સાથે અવગાહન કરવાની નવરત્નમાં આજ્ઞા કરી છે, છતાં આપણે કરતા નથી. ઉલટાનું બ્રહ્મસંબંધ લીધા પછી આખી જીંદગીભર ભાગ્યેજ સંભારીએ છીએ. કેટલાક કહે છે કે પુષ્ટિમાર્ગ નિઃસાધનતાનો છે. પણ નિઃસાધનતાના અર્થ દૈવી જીવે કંઇ કરવું જ નહિ તેવો થતો નથી જીવનું કર્તવ્ય અને વસ્તુનો ઉપયોગ કર્યા વગર ફળની પ્રાપ્તિ શી રીતે થાય ? માટે તાદ્રશીના સત્સંગથી અને પ્રભુની સન્મુખ સેવા સ્મરણ ગુણગાન, ધ્યાન વગેરે ભગવદ ધર્મના સાધનો કરતા રહેવાથી આપણને પ્રભુ પોતાના નિત્ય લીલા સ્વરૂપનો અને લીલાનો અનુભવ કરાવે છે. જ્યારે બ્રહ્મસંબંધમાં રહેલા આધિદૈવિક શક્તિવાળા તત્વોનો ઉપયોગ થતો નથી એટલે કે મનવાણી ક્રિયાથી થતી દરેક ક્રિયાઓનો સંબંધ પ્રભુની સાથે થતો નથી, ત્યારે બ્રહ્મસંબંધ મંત્રમાં રહેલી દિવ્ય શક્તિઓનો વિકાસ પણ થઇ શકતો નથી.
 
ભૂતલના દૈવી જીવોમાં તેનું જે આદિદૈવિક સ્વરૂપ રહેલું છે, તેમાં દિવ્ય શક્તિનો અખૂટ ખજાનો ભરેલો છે. પરંતુ દૈવી જીવ અંતરમુખ નહિ થવાથી આ ખજાનાને મેળવી શકતો નથી, તેને મેળવવાનો ઉપાય અંતરમુખતા છે. હવે અંતરમુખતા એટલે શું ? આ પ્રશ્નના જવાબમાં દશ ઇન્દ્રિયો સહિત મનની વૃત્તિઓ જે જગત પ્રપંચમાં ફેલાયેલી છે, તેને સેવાસ્મરણ-ગુણ-ગાન-પ્રભુના સ્વરૂપનું ધ્યાન વિગેરે દ્વારા પ્રભુ સન્મુખ રાખવાથી દિવ્ય ખજાનાનું દ્વાર ખુલ્લું થઇ જાય છે, આટલું જ નહિ. પરંતુ ભૌતિક દ્રષ્ટિથી અગોચર એવા લીલા લોકની દિવ્ય લીલાઓનો તેને પ્રત્યક્ષ અનુભવ થાય છે.
 
બીજો પ્રકાર સાત્વિક આહાર છે. સાત્વિક આહારના સેવનથી આવિર્ભાવ જાગૃત થાય છે, અને તેવી સાત્વિક ભાવવાળી હૃદયભૂમિ દિવ્ય શક્તિઓ પ્રગટ થાય છે. અર્થાત પ્રભુની શક્તિ સહિત આવિર્ભાવ સાત્વિક હૃદયમાં જ થાય છે આહારને મન ઉપર પ્રભાવ પડે છે. તેવી જ આપ સેવા માર્ગ પ્રગટ કરી પ્રસાદીથી જ દેહનો નિર્વાહ કરવાની માર્ગ મર્યાદા સ્થાપિત થઇ છે. પ્રભુમાં સ્થાયીભાવ અને લીલાનો અનુભવ થવા માટે પ્રસાદી અન્નથી જ જીવન નિર્વાહ કરવો ઉચિત છે. જે આ રીતે ન કરી શકે તેણે ચરણામૃત પધરાવીને દેહ નિર્વાહ કરવો ઉચિત છે.
 
અષ્ટાક્ષર અને બ્રહ્મસંબંધ મંત્રમાં મહાન સામર્થ્ય ગુપ્તપણે રહેલું છે, પણ તેની ગુપ્તતા સર્વત્ર પ્રગટ થઇ જવાથી તેના મહત્વને ભૂલાઇ જવાયું છે. તેમજ શ્રી વલ્લભ પ્રકટીત ષોડષ ગ્રંથાદિ પણ મહાન ઉત્તમ ગ્રંથો છે, તે પણ પ્રકટ થઇ જવાથી જાણે એક સામાન્ય ધાર્મિક ગ્રંથો હોય એ દ્રષ્ટિએ આપણે વાંચીયે છીએ. પરંતુ અનુભવી મહાનુભાવોના મુખેથી તેના આધિદૈવિક લીલાત્મક સ્વરૂપ સાથે સમજવાથી દિગ્મૂઢ થઇ જવાય એવા રસિક ગ્રંથો છે. એટલે જ કહ્યું છે કે, “ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાન્ત”સુબોધિન્યાદિ રસાત્મક ગ્રંથોના દોહનરૂપ સુત્રોથી સમન્વીત ષોડશગ્રંથો છે, યદિ આપણે બ્રહ્મસંબંધના મહામંત્રને એક આધિદૈવિક શક્તિરૂપે માનતા હોઇએ તો તેને પ્રગટ થવાનું મૂળ કારણ તપાસવું જોઇએ. આપણે તેના સ્વરૂપને અને તેની શક્તિને વિસરી ગયા હોઇએ તેવું જણાય છે, શબ્દોની ભીતર રસરૂપ સ્વરૂપ રહેલું છે પરંતુ અધિકાર વિના તે પ્રકટ થતું નથી. ભક્ત જીવનમાં ઇશ્વરની પરાભક્તિ શીવાય બીજી કોઇ પણ આકાંક્ષા જરા પણ ન જ રહેવી જોઇએ. તેનો સ્વાા સમાનશીલ સ્વરૂપાસક્ત ભક્તના સંગ વિના આવે જ નહી સત્સંગ એ સેવાભજનનો સ્વાદ ચાખવાની જીભ સમાન છે પ્રિય વિયોગ સમુદ્રમાં નિમગ્ન થયેલા તાદ્રશી ભગવદી દ્વારાજ તે સ્વાદ ચાખી શકાય. તેથી જ શ્રી વલ્લભે તેવા રસિક વિરહી ભગવદીય સાથે નિવેદનના અનુસંધાનની આજ્ઞા કરી છે. નિત્યલીલાસ્થ સ્વરૂપની પ્રાપ્તિ માટે વિરહ વેદનાનો અનુભવ કર્તા તાદ્રશી જન સાથે જ્યારે નિવેદનનું સ્મરણ થાય છે. ત્યારે દૈવીજીવ પોતાના દિવ્ય પ્રેમરાજ્યમાં પ્રવેશ કરવા માટે લૌકીક અને અલૌકિક માયાના બંધનો ને વૈરાગ્યના તીક્ષણ શસ્ત્રોથી કાપતો દિવ્ય પ્રેમ માર્ગનો પથીક બની જાય છે. “બીન વૈરાગ્ય નહી પાઇએ ગિરિધરકો અનુરાગ” વિશાળ આંતર દ્રષ્ટિથી જોઇએ તો આખો પુષ્ટિમાર્ગ જ મહારસિક, દિવ્ય અને ગુપ્ત છે. શ્રી ગોકુલેશ પ્રભુ તો આ પુષ્ટિમાર્ગને કેવલ રસ માર્ગ જ કહે છે. “ભક્તિ માર્ગ તો બહોત હે. પરંતુ “રહઃમાર્ગ તો કેવલ રસ જ હે.” આવું આપનું વચનામૃત છે.
 
એક બાબત ધ્યાનમાં રાખવા જેવી છે કે, પુષ્ટિમાર્ગ તો છે પરંતુ આજનો સમાજ આ દિવ્ય રસને પ્રાકૃત જીવનમાં ભોગવી રહ્યો છે, તે ખરેખર આ ઉત્કર્ષ માર્ગ માટે કલંકરૂપ છે. પુષ્ટિમાર્ગના મહાન ગૌરવને ઝાંખુ પાડે છે, આને ભુલથી પણ રસ કહેવો તે અપરાધ રૂપજ માનવું ઉચિત છે. પ્રાકૃત અધ્યાસની નિવૃત્તિ વિના દિવ્ય પ્રેમ રસની એક બિન્દુ ધારણ કરવાને કોઇ શક્તિમાન નથી તેથી જ દયારામભાઈએ કહ્યું છે કે “જે કોઇ પ્રેમ અંશ અવતરે પ્રેમરસ તેના ઉરમાં ઠરે ! વ્હિંણ કેરૂં દુધ તે તો સિંહણ સૂતને ઝરે.” દિવ્ય પ્રેમ રસને ધારણ કરનાર પાત્રમાં પ્રાકૃત પ્રપંચની ગંધ પણ રહી શકતી નથી. આ ગોપીજનોના જીવનથી જાણવું.
 
દિવ્ય પ્રેમ તે મૂર્તિમાન ત્યાગનું જ સ્વરૂપ છે, ભૌતિક ઇન્દ્રીયોથી ભોગવવાની તે ચીજ નથી. જેમ અગ્નિની નીકટ કોઇ આવી શકતું નથી, તેમ દિવ્ય પ્રેમની નિકટ ભૌતિક વિષયો ઠહેરી શકતા નથી.
 
“મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદ્રઢ, સર્વથી અધિક સ્નેહ” તેનું નામ ભક્તિ આ મહાત્મ્ય રસાત્મક પ્રભુનું ગ્રહણ કરવું, કે આપ અગણીતાનંદ રૂપ છે, શ્રૃંગાર રસાત્મક છે, વેદાતીત છે, રસાત્મક જગતમાં અચિન્ત્ય અનંત શક્તિ યુક્ત જેનો વિલાસ છે, તેવા રસરૂપ પ્રભુનો આપણને સંબંધ છે તેમ જાણવું. આ ભક્તિને જ પ્રેમ લક્ષણા કહી છે શ્રી વલ્લભ તેવા ભક્તની પરાત્પર સ્થિતિને “આત્યાંતિક ભક્તિયોગ” ના નામે ઓળખાય છે. તેનું વિકલપણું અને ઉન્માદ જેવી દશા છે. વળી રોગાદિક પણ થાય છે તે અલૌકિક અનુભવો અથવા દિવ્યતાનાં દર્શન માટે હોય છે. તેથી તે પ્રાકૃત નહીં પણ અપ્રાકૃત છે. અર્થાત રોગાદિક નિજ્જનોને નિરોધના અંગરૂપે આપેલા છે.
 
પુષ્ટિમાર્ગનું શિખર ફળ તન્મયતાએ પ્રાપ્ત થાય છે. તે વિરહના અનુભવ વિના સંભવીત નથી. શ્રી ઠાકોરજીએ રાસસ્થલીમાંથી ગોપીજનોને પાછા ઘેર જવાનું કહ્યું. લૌકિકની રંચક વાસના રહી હોય તો રાસ રમણની યોગ્યતા નથી. તેથી પરિક્ષા કરવાને પાછા જવાનું કહે છે. પરંતુ પ્રભુ જેમ જેમ પાછા જવાની આજ્ઞા કરે છે, તેમ તેમ વ્રજ ભક્તોને રાસવિહારની તીવ્ર આકાંક્ષા વધતી જાય છે, અને લૌકિકનું સંપૂર્ણ વિસ્મરણ થાય છે, ત્યારે પ્રભુએ રાસાદિક લીલાઓનું અવિચલ સુખ આપ્યું.
 
અવ્યભિચારીણી ભક્તિ એજ પ્રેમ રાજ્યનો નિયમ છે. જ્યાં સુધી નેત્રોમાં પ્રિયતમના સ્વરૂપ શીવાય બીજું દેખાય છે, ત્યાં સુધી વ્યભિચારપણું છે. આવી ભક્તિથી દિવ્ય-પ્રેમ રાજ્યમાં પ્રવેશ થઇ શકતો નથી. જે હૃદય-મંદિરમાં પ્રિયતમને વસાવવા છે, ત્યાં પ્રપંચ જગતના વિષયો ભરેલા રહે તો પ્રિયતમને માટે જગ્યા ક્યાંથી રહેશે ? નેત્રોમાં એક જ વસ્તુનો સમાવેશ થઇ શકે. એકી સાથે બે રહી શકે નહી, “પ્રેમ એક, એક ચિત્તસો, એકહી સંગ સમાય; ગાંધી કો સોદા નહી, જન જન હાથ બિકાય.”
 
પ્રેમમાર્ગ એ અગ્નિનો માર્ગ છે, એટલે કે વિયોગના અસહ્ય દુઃખને જ જેણે વાસ્તવીક સુખ માન્યું છે, તેવાને અગ્નિના માર્ગે ચાલવાનું સામર્થ્ય છે. “દિવ્ય પ્રેમ દર્દથી ભરેલો છે પ્રેમ પથીક જ્યારે દેહ અને દુનિયાના તમામ વિષયોને હૃદયમાંથી હટાવે છે ત્યારે પ્રેમદેવનો તેને વિજળીના ઝબકારાની જેમ અનુભવ થઇ જાય છે. આ ઝબકારામાં ચિરકાલથી વિછુરેલા તેના સૌંદર્યના દર્શન થાય છે, પ્રિયતમ નેત્ર-કટાક્ષથી પ્રેમ પથીકના મનરૂપી મૃગને વેધીને છુપાય જાય છે ત્યારે બાણથી ઘાયલ થયેલું મૃગ જેમ દર્દની આહમાં તરફડીયાં મારતું હોય છે, તેમ આ પ્રેમ પથીક પણ પ્રિયતમના વિયોગના મીઠી-મધુરા દર્દમાં ડુબેલો રહે છે. આ મીઠા દર્દની સમાનતા સંયોગના કરોડો સુખો કરી શકતા નથી. આ મીઠું દર્દ પોતાને અને દુનિયાને ભુલાવીને પ્રિય સખાની સાથે તદાકાર કરી દે છે. આ અવસ્થામાં સ્થાવર કે જંગમમાં, પોતાના પ્રિયતમ સિવાય તેને બીજું કંઇ જ દેખાતું નથી. આ દિવ્ય પ્રેમનું શીખર સ્થાન છે.”
 
ગોપીજનો આવા પ્રેમના શિખરે પહોંચેલા છે. તેથી મહાનુભાવોએ ગાયું છે કે :- “ગોપી પ્રેમકી ધ્વજા,” પ્રેમ દેવ ઉપર વિજય મેળવી લીધો, અને પ્રેમ રાજ્યના શાસક આ દેવીઓ, ગોપીજનો બન્યા. વૃંદાવનમાં ભગવાનનું શાસકપણું નથી. પણ વ્રજ ભક્તોનું છે. જ્યાં ભક્તોની પ્રાધાન્યતા તેનું નામજ પ્રમેય માર્ગ, પુષ્ટિમાર્ગ છે. આવા દિવ્ય માર્ગમાં પ્રવેશ થયા પછી, જો પ્રભુ-પ્રેમના એક બિંદુનો અનુભવ ન થયો તો પુષ્ટિમાર્ગીય જીવનની કોઇ કિંમત નથી. આ માર્ગ સાહસીક, સૂરવીરોનો છે, કાયર એક કદમ આ માર્ગે ચાલી નહીં શકે. વીર પુરૂષોને જેમ જેમ સામેથી શસ્ત્રો ના પ્રહાર થાય છે તેમ તેમ તેનામાં વીર રસ ઉગ્ર બનતો જાય છે. તેવી રીતે પ્રેમ પથીકના માર્ગમાં જેમ જેમ વિધ્નો-સંકટો આવતાં જાય છે તેમ તેમ તેનો પ્રેમ ભાવ વધતો જાય છે પ્રેમી જનને દેહની સાથે મહોબત નહી હોવાથી જીવતાંજ મરેલા જેવો ગણાય છે.
 
અને દેહનો સંબંધ ભુલાઇ જવો તેનું નામ જ મૃત્યું છે. માન બડાઇ ઠગનારી હોવાથી શ્વાન વિષ સમાન છે. વિયોગરૂપી અગ્નિની જ્વાલાઓથી તેની નિદ્રા સદાને માટે ભસ્મ થઇ ગઇ છે, વિયોગની અગ્નિથી તેનાં રક્ત અને માંસ શોષાઇ જાય છે. વીર પુરૂષની જેમ કઠીન દર્દ ભરી ઘાયલ દશામાં અશ્રુના એક બિંદુને પણ બહાર કાઢતો નથી તેવો આ તત્સુખી, પ્રેમી પથીક છે તેથી કહ્યું છે કે “વીર શીરોમણી જે હશે તે થશે રણધીર, નટ પણ વેશ પહોંચાડતા શતખંડ કરે શરીર.”

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.