દિવ્ય પ્રેમ સ્વરૂપના સાક્ષાત્કારની સાધના
spacer
spacer

-  પ.ભ. શ્રીવલ્લભ પાદપદ્મ મિલિન્દ

સુધા સિન્ધુ સ્વરૂપ શ્રી વલ્લભ પદામ્બુજને સ્પર્શ કરીને વહન થતા વાયુના સ્પર્શથી, છિલ્લર જેવા આનંદોની આશા કરવારૂપ જે અવિદ્યા મનમાં રહેલી છે તે નિવૃત્ત થઇ જાય છે. અને સુધા સિન્ધુ રૂપે અને મારાજ આત્મા રૂપે શ્રી વલ્લભ મારી નિકટ જ બિરાજી રહેલ છે તેવું જ્ઞાન થઇ જાય છે. હવે જ્યારે શ્રી વલ્લભ પદામ્બુજ સ્પર્શવાળા વાયુનો પણ આવો પ્રભાવ છે તો તે સુધા સિન્ધુનું બિન્દુપાન કરનારના સૌભાગ્યનું તો કહેવું જ શું ?
 
દિવ્ય પ્રેમ સ્વરૂપ પ્રભુની પ્રાપ્તિ માટે. અથવા દિવ્ય પ્રેમની પ્રાપ્તિ માટે જલ વિનાના મીનની જેમ જે તરફડી રહ્યા છે તેને જ આ લેખમાં જણાવેલું ગૂઢ-રહસ્ય સમજી શકાય તેમ છે. ઉદ્ધવજીને ભગવાને જે ઉપદેશ આપ્યો છે કે, “શ્રુતિ, સ્મૃતિ, વિધિ-નિષેધ, પ્રવૃત્તિ-નિવૃત્તિ અને સાંભળેલું તેમજ સાંભળવાનું છોડીને તમારા આત્મા રૂપે જ તમારી ભિતર જે હું રહેલો છું. તે મારા એકનેજ શરણે આવવાથી તમે નિર્ભય થઇ જશો.” આ ઉપદેશ આપતાં પહેલા પ્રભુ આ આપેલા ઉપદેશના ગૂઢ રહસ્યની ઉદ્ધવજી કીમત કરે તે માટે આજ્ઞા કરે છે કે-“હે પ્યારે ઉદ્ધવ ! હવે હું તમને એક અત્યંત ગુપ્ત પરમ રહસ્યની વાત બતાવું છું.
 
કારણ કે તમે મારા પ્રિય સેવક, હિતેષી, સુહ્યદ અને પ્રેમી સખા છો અને સાંભળવાની ઇચ્છાવાળા છો, તેથી મારા હૃદયની ગુપ્ત વાત તમને જણાવું છું.” આ પ્રભુના હૃદયમાં રહેલી ગુપ્ત વાત તેજ પ્રભુએ જણાવી કે “બધુંય છોડીને મારા એકને જ શરણે આવો”આવો પોતાના એકને જ શરણે આવવાનો ઉપદેશ પ્રભુ સૌ કોઇને કરતા નથી, પણ પોતાના અનન્ય જનોનેજ કરે છે. આ પ્રભુએ પોતાનું ગૂઢ રહસ્ય જે ઉદ્ધવજી પાસે પ્રગટ કર્યું છે, તેજ આ લેખમાં, શ્રીવલ્લભની કૃપાથી શ્રીવલ્લભની પ્રેરણાથી શ્રી વલ્લભના મુગ્ધ જનો માટે પ્રગટ કરવામાં આવેલું છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.