દિવ્ય પ્રેમ સ્વરૂપના સાક્ષાત્કારની સાધના
spacer
spacer

-  પ.ભ. શ્રીવલ્લભ પાદપદ્મ મિલિન્દ

દિવ્ય પ્રેમ પથ, અનન્યતાનો છે. એકમાંજ ડુબાવી દેનારો છે. પોતાના પ્રિયતમ પ્રભુ સિવાય અન્ય સર્વને ભૂલાવી દેનારો છે. અને પોતાની દુનીયા પ્રિયતમ મય નિરાલી બનાવી દેનારો છે. દિવ્ય પ્રેમનું આજ શિખર કહેવાય છે કે જ્યાં પોતાના પ્રિયતમ સિવાય બીજું કંઇ દેખાતું નથી, કે બીજું કંઇ અનુભવમાં આવતું નથી. શ્રી હરિરાય પ્રભુ “બહિર્મુખત્વ નિવૃત્તિ” નામના ગ્રંથમાં આજ્ઞા કરે છે-
 
નિજાચાર્ય પદામભોજ સ્થાપ્યતાં સતતં હૃદિ ।
તત એવ તદીયાનાં સકલ સિદ્ધિમેતિ હિ ।।
 
શ્રી હરિરાય પ્રભુ આજ્ઞા કરે છે કે બહિર્મુખતાથી બચવું હોય અને દાસ્ય ધર્મને સહજ પણ આંચ આવવા દીધા સિવાય પ્રભુ પ્રસન્ન કરવા હોય તો આપણા શ્રીમહાપ્રભુજીના ચરમ કમલને હૃદયમાં સ્થાપો. આપણા ગમે તેવા દોષ કોષનું દહન કરીને પ્રભુની સાથે મજબુત ગાંઠ-સંબંધ બાંધી દેનારા આપણા સર્વના (અને લીલા લોકમાં પણ સર્વના) ગુરૂ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલને હૃદયમાં પધરાવો. અને આ કાર્ય જો થઇ ગયું તો પછી બીજું કંઇ કરવાનું બાકી રહેતું નથી. જે તદીય છે તેને તો શ્રી મહાપ્રભુજીના દ્રઢ આશ્રયથી સર્વ સિદ્ધિ થાય છે. બીજા કોઇ સાધન એને કરવાં પડતાં નથી. કવિવર દયારામભાઇ કહે છે કે “શ્રી મહાપ્રભુજીનો ભગ્ન ભરોસો એજ અન્યાશ્રય” એટલા માટે શ્રીમહાપ્રભુજીમાં જ દ્રઢ વિશ્વાસ રાખવો એ તદીયનો મુખ્ય ધર્મ છે. શ્રી હરિરાયપ્રભુએ “પુષ્ટિપથ મર્મ નિ.” નામના ગ્રંથમાં મુખ્ય મર્મ શ્રી મહાપ્રભુજીનોજ એક આશ્રય રાખવો તેમ જણાવ્યું છે અને આપનો આશ્રય આપના તદીય જનના સંગથી સિદ્ધ થશે તેમ છેવટના મર્મમાં જણાવ્યું છે. પરન્તુ આ કાલમાં તદીય જનનો સંગ પ્રાપ્ત થવો દુર્લભ છે. કારણ કે તદીય જન તો વિરહના સમુદ્રમાં ડૂબેલાં છે. અરે ! તેમને પ્રેમ રાજ્યનો ‘કરફ્યુ’ લાગેલો છે. તેથી ખોજ્યા પણ મળે તેમ નથી. તેથી જ શ્રી મહાપ્રભુજીનો જ દ્રઢ આશ્રય રાખવા આજ્ઞા કરી રહ્યા છે.
 
વસ્તુતઃ તો શ્રી મહાપ્રભુજીના ચરણ કમલમાં રતિ-સ્નેહ રાખવો એજ મુખ્ય કર્તવ્ય છે. છતાં કાલબલથી શ્રી મહાપ્રભુજીનાં ચરણ કમલમાં રતિ કે આશ્રય ન રહે તો શ્રીમહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે આપશ્રીના અનન્ય ભક્તોનો સંગ કરવો. કારણ કે અનન્ય ભક્ત દુતી રૂપ છે. તે શ્રીવલ્લભનોજ અનન્ય આશ્રય અને આશા રાખી સતત સાધનામાં સંલગ્ન રહેવાનું હોય છે. શ્રી હરિરાયપ્રભુ પાંચમાં શિ. માં આજ્ઞા કરે છે કે, અષ્ટાક્ષરનું સતત સ્મરણ કરતા રહેવાથી જ્યારે દીનતા પ્રાપ્ત થાય છે ત્યારે શ્રી મહાપ્રભુ પોતાના તદીય જનનો સંગ પ્રાપ્ત કરાવશે. ત્યારે અમારૂં સકલ કાર્ય સિદ્ધ થસે. અષ્ટાક્ષરના સતત સ્મરણથી અવિદ્યા નિવૃત્ત થતાં દૈવી જીવને પ્રભુ પ્રાપ્તિનું દાવાનળ જેવુ દુઃખ પ્રગટે છે. આવા જીવને શ્રી વલ્લભ જનનો સંગ પ્રાપ્ત થાય છે. શ્રી વલ્લભજન કોને કહેવા ? પ્રિયતમના-વિયોગ સમુદ્રમાં જે ડૂબેલા છે તેને વલ્લભ જન જાણવા. આવા જન માટે તો આપ કહે છે કે એવો કોઇ ભૂતલમાં ન દીઠો. કે પ્રાણનાથના વિયોગે અશ્રુપાત કરતો હોય.
 
દિવ્ય પ્રેમ સ્વરૂપની પ્રાપ્તિ માટે શ્રી શ્રુતિરૂપા ગોપીજનોએ જેવા પ્રકારની સાધના કરી છે તે વિસ્તારથી આ લેખમાં જણાવેલ છે તેને સમજીને શ્રીવલ્લભનોજ અનન્ય આશ્રય રાખી શ્રીવલ્લભનીજ આશા કરીને, વિરહના અનુભવ પૂર્વક પ્રિય પ્રભુના સ્વરૂપનું ધ્યાન અને શ્રી સર્વોત્તમજીથી ગુણગાન કે નામ સ્મરણ સતત કરતા રહેવું જોઇએ.
 
આ સાધના દિવ્ય પ્રેમ સ્વરૂપ શ્રીવલ્લભ પદ કમલની રજને પ્રાપ્ત કરવા માટે કરવાની છે. આપશ્રીના પદ કમલ રજની એક કણિકા પ્રાપ્ત થતાં ભક્ત દિવ્ય પ્રેમ-રસમાં ડૂબેલો રહે છે, અને તેના મધુર સ્વાદમાં તૃપ્તિ નહી થવાથી તપતોજ રહે છે. આવો છે શ્રીવલ્લભ પદ કમલ રજની એક કણિકાનો મહિમા. આ રજમાંથી અનિર્વચનીય દિવ્ય પ્રેમનો અખંડ પ્રવાહ વહેતો હોય છે. અને આ દિવ્ય પ્રેમને પ્રાપ્ત કરવાથી જ દૈવી જીવનની સાર્થકતા માની શકાય છે. દિવ્ય પ્રેમ શ્રી વલ્લભનુંજ સ્વરૂપ હોવાથી શ્રીવલ્લભનાજ અનન્ય આશ્રયથી પ્રાપ્ત થાય છે. જેમકે મધુર રસનું પાન કરવું હોય તો, મધુર રસ ભર્યા સમુદ્રના તટપર જવાથીજ થાય છે તેમ દિવ્ય-મધુર પ્રેમના મહાસિન્ધુરૂપ શ્રી વલ્લભ છે. આપની જ સાનિધ્ય રહેવાથી તે દિવ્ય પ્રેમની બિન્દુ પ્રાપ્ત થાય છે. તેથી જ શ્રીજી સ્વરૂપ શ્રી ગુસાંઇજીએ “સાનિધ્યમાત્રદત્ત શ્રીકૃષ્ણપ્રેમા” નામ પ્રગટ કર્યું છે. આ નામને પ્રગટ કરીને શ્રી પ્રભુચરણે દૈવી જીવોને એમ જણાવ્યું કે દિવ્ય પ્રેમની પ્રાપ્તિ, દિવ્ય પ્રેમ સ્વરૂપ શ્રી વલ્લભની સાનિધ્યમાં રહેવાથી અથવા અનન્ય આશ્રય રાખવાથી જ થાય છે. આ દિવ્ય પ્રેમથીજ લીલા લોકમાં અનંત યુગલો અને સખી સહચરીયો આદિ સર્વનો નિભાવ થઇ રહ્યો છે. આવા શ્રીવલ્લભને પતિરૂપથી વરીને એવો કયો મૂઢ મતિ જીવ હોય કે અન્યની આશા કરે ?
 
જાચું જાય કોનકે ઘરપે,
શ્રી વલ્લભસે પાય ઘની ।
તીન લોક હોં ફિર ફિર આયો,
આનંદ અલ્પ ઉપાધી ઘની ।।
 
શ્રી હરિરાય પ્રભુએ અનેક પદોમાં અને સ્તોત્રોમાં શ્રીવલ્લભનું દિવ્ય પ્રેમરૂપ માહાત્મ્ય બતાવી શ્રી વલ્લભનોજ અનન્ય આશ્રય કરવાનું શિખવ્યું છે –
 
(1) શ્રીવલ્લભ તજ અપુનો ઠાકુર કહો કોનપે જૈયેહો, (2) પ્રીતબંધી શ્રી વલ્લભ પદસોં ઓર ન મનમેં આવે હો, (3) હોં તન રંક તિહારો શ્રી મહાપ્રભુ, ઓર કાહુકો નાહિ, (4) શ્રીવલ્લભ મહાસિન્ધુ સમાન, (5) હોં શ્રીવલ્લભ જુકો દાસ, મન ન ધરત કાહુકી આશ, (6) ભૂલ જીન જાય મન અનંત મેરો, (6) બનજા હરિદાસા. હરિદાસા રે, મન છોડ સબનકી આશા ।
 
સુધાસિન્ધુકે નિકટ વસત હે મૂઢ રહત ક્યોં પ્યાસા
શ્રીવલ્લભકે પદ કમલમેં મહા રસ કી હે રાસા ।।
પદ કમલકો આશ્રય કર લે કટ જાય ભવ કી ફાંસા ।
રસિક જન તુ પાન કરલે અમૃત રસકો પ્યાસા ।।
 
ઉપરના સાતમા પદમાં સુધા કે જે દિવ્ય પ્રેમરૂપ છે તેના સિન્ધુ રૂપે અને આપણાજ આત્મા રૂપે જે નિકટજ રહેલા છે, તેની આશા છોડીને બીજાની આશા કરનારને શ્રી હરિરાય પ્રભુ મૂઢ મતિ કહે છે. શ્રી હરિરાય પ્રભુ એક પદમાં આજ્ઞા કરે છે.
 
છાંડ સાગર કોન મૂરખ, ભજે છિલ્લર નીર ।
રસિક મનકી મીટી અવિદ્યા, પરસી ચરણ સમીર ।।

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.