દિવ્ય પ્રેમસ્વરૂપના સાક્ષાત્કારની સાધના
spacer
spacer

-  પ.ભ. શ્રી વલ્લભ પાદપદ્મ મિલિન્દ

ગ્રંથ શ્રવણ અને સત્સંગ-
 
ગ્રંથ શ્રવણ અગર સત્સંગ ક્યાં સુધી કરવાની જરૂર છે કે જ્યાં સુધી આપણો જે પ્રભુ સાથે બ્રહ્મસંબંધ દ્વારા સંબંધ થયો છે તે પ્રિય પ્રભુના સ્વરૂપનું જ્ઞાન ન થયું હોય, અને આપણા પોતાના પણ અલૌકિક સ્વરૂપનું જ્ઞાન ન થયું હોય – ત્યાં સુધી જ ઉપરની બન્ને બાબતોની જરૂર છે. પ્રિય પ્રભુના અને આપણા દિવ્ય સ્વરૂપનું જ્ઞાન, પ્રિય પ્રભુની પ્રાપ્તિના સાધનનું જ્ઞાન, અને પ્રભુ પ્રાપ્તિમાં પ્રતિબંધોનું જ્ઞાન-આમ ત્રણ પ્રકારના જ્ઞાનને શ્રવણમાંથી મેળવી લીધા પછી પ્રભુના સાક્ષાત્કાર માટે શ્રવણનો અને સત્સંગનો આગ્રહ છોડી શ્રુતિઓએ જેમ સાધના કરી તેમ સતત સ્વરૂપ ધ્યાન અને આપનું ગુણગાન કે નામ સ્મરણ સ્વરૂપ ધ્યાન સાથે કરવાનું હોય છે.
 
મામેંક શરણં વ્રજ –
 
ભાગવત 11-12-14*15 માં પ્રભુ ઉદ્ધવજી પ્રતિ આજ્ઞા કરે છે કે-“તમે શ્રુતિ-સ્મૃતિ. વિધિ-નિષેધ. પ્રવૃત્તિ-નિવૃત્તિ. અને સાંભળેલું તથા સાંભળવાનું આ બધું છોડીને તમારા આત્મ રૂપે તમારી ભિતરજ રહેલો ‘હું’ તે મારે એકલાનેજ શરણે આવવાથી તમે નિર્ભય થઇ જશો” આ પ્રભુની આજ્ઞામાં સર્વના ત્યાગનું વિધાન છે. અને આપના ધર્મી સ્વરૂપનેજ શરણે રહેવાની બાબત છે. તે વિરહના અનુભવ રૂપ જ છે. (“ધર્મી સ્વરૂપ” એટલે આપણાજ આત્મરૂપે વિપ્રયોગ-ભાવાત્મક સ્વરૂપે અને અગણિત આનંદરૂપે આપણા જ હૃદયમાં બિરાજી રહેલ સાક્ષાત ભાવાત્મક સ્વરૂપને ધર્મી કહેવાય છે આ સ્વરૂપ આપણાજ હૃદયમાં બિરાજતું હોવા છતાં માયાનો ટેરો લાગેલો હોવાથી પ્રત્યક્ષ અનુભવ થતો નથી. આ માયાનો ટેરો, મનને બધેયથી મુક્ત કરી, વિરહના અનુભવથી, મનને અંતર મુખ કરવાથી, અને પ્રભુ મિલનના તીવ્રતાપથીજ સરકી જાય છે ત્યારે હૃદય નિકુંજમાં બિરાજતા આત્માના પતિ, પ્રિય પ્રભુનો લીલા ધામ સહિત સાક્ષાત્કાર થાય છે.)
 
જે સાંભળેલું અને સાંભળવાનું આ બન્નેના ત્યાગની પ્રભુ આજ્ઞા કરે છે, તેનું કારણ આપણા સાધન બળથી પ્રભુ પ્રાપ્તિ થતી નથી, પણ પ્રભુનું પ્રાગટ્ય નિઃસંધાન દીનજનો માટે જ થાય છે, એટલે કે કેવલ ધર્મી સ્વરૂપને શરણે જવાથી અને વિરહના અનુભવ પૂર્વક પ્રભુના સ્વરૂપના સતત ધ્યાનથી પ્રભુ હૃદયમાં પ્રગટ થઇ જાય છે.
 
ધર્મી સ્વરૂપનું પ્રાગટ્ય -
 
“નિરોધ લક્ષણ” ગ્રંથમાં આપ શ્રીમહાપ્રભુજીએ આજ્ઞા કરી છે –
કિલશ્ય માનાન્ જનાન્ દ્રષ્ટવા
કૃપા યુક્તો યદા ભવેત્ ।
તદા સર્વં સદાનન્દં
હૃદિસ્થં નિર્ગતં બહિ : ।।7।।
 
નિજ્જનોને પોતાની પ્રાપ્તિ માટે કલેશવાળા જોઇને પ્રભુ કૃપાવાળા થઇને હૃદયમાંથી બહાર પ્રગટ થાય છે ત્યારે અવિદ્યાના બંધનને અથવા અવિદ્યારૂપી માયાના ટેરાને દૂર કરીને પોતાનો સાક્ષાત અનુભવ કરાવે છે. ભૌતિક અને આધ્યાત્મિક અવિદ્યાની નિવૃત્તિ, ધર્મી સ્વરૂપ હૃદયમાં પ્રગટ ન થાય ત્યાં સુધી થઇ શકતી નથી અને ધર્મી સ્વરૂપનું પ્રાગટ્ય વિરહના અનુભવ વિના થઇ શકતું નથી. તેથી સાંભળેલું અને સાંભળવાનું છોડી કેવલ સ્વરૂપનું ધ્યાન અને સર્વોત્તમ સ્તોત્રથી આપશ્રીના યશનું ગાન કે નામ-સ્મરણ સતત તાપભાવપૂર્વક કરવાથી પ્રિય પ્રભુનું પ્રાગટ્ય હૃદયમાં થાય છે. અને આ પ્રગટ થયેલું સ્વરૂપ મૂલ ધામનું હોવાથી મૂલધામ, મૂલધામનો દિવ્ય પરિકર અને મૂલ ધામની સમસ્ત લીલા સહિત આપણા હૃદયમાં પ્રગટ થઇ જાય છે જે સમયે હૃદયમાં સ્વરૂપ પ્રગટ થાય છે તેજ સમયે બન્ને પ્રકારની અવિદ્યા નિવૃત્ત થવાથી આપણા આધિદૈવિક-દિવ્ય-આત્મ સ્વરૂપનોજ અનુભવ થાય છે. અને ભૌતિક દેહ, દેહના સંબંધવાળો સંસાર અને ભૌતિક જગતનું સદાને માટે વિસ્મરણ થઇ અલૌકિક પ્રકારે આપણા જીવનનો પલટો થઇ જાય છે.
 
જેમ શ્રુતિરૂપા ગોપીજનોએ વિરહભાવપૂર્વક સ્વરૂપનું ધ્યાન કર્યું ત્યારે મૂલધામનું સ્વરૂપ તેમના હૃદયમાં પ્રગટ થઇ ગયું, અને તેજ સમયે અવિદ્યાના બંધનમાંથી મુક્ત થઇ જવાથી ગોપીજનો પોતાના અલૌકિક આત્મ-સ્વરૂપમાં સ્થિત થઇ ગયા. તેથી શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે આ ગોપીજનો આત્માના શૃંગાર કરી નંદાલયમાં પ્રિય પ્રભુનાં દર્શન કરવા ગયા છે-દેહના શૃંગાર નહીં.
 
ગોપીજનોને પોતાનું આત્મ સ્વરૂપ મૂલધામનાં સંબંધવાળું પ્રાપ્ત થવાથી તેમનું જીવન અલૌકિક બની ગયું. અને પ્રભુ વ્રજમાં પ્રગટ થયા ત્યારે વ્રજમાં સર્વત્ર મૂલધામની લીલા પ્રગટ કરી. શ્રીયમુનાજી, શ્રી ગિરિરાજજી, કુંજ નિકુંજો. આ સર્વ મૂલધામનું સ્થાપન વ્રજમાં કર્યું. અને શ્રી ગોપીજનોને પોતાના અલૌકિક સ્વરૂપથી આ સર્વનો અનુભવ થયો છે. આજ પ્રકારે આપણને અનુભવ થાય તે માટે વિરહના અનુભવમાં રહી શ્રી ગોપીજનોએ જેવી સાધના કરી છે તેવી સાધના આપણે પણ કરવાની છે.
 
સ્થાયી અને નિરંતર સ્નેહ સ્વરૂપનો અનુભવ-
 
વેણુગીત સુબોધિનીજીમાં આપશ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શ્રી ગોપીજનોને પ્રભુમાં જે સ્નેહ પ્રગટ થયો છે તે શ્રવણ વગેરે સાધનથી નથી થયો પરન્તુ “હરિયા-કૃતમ્” પ્રભુના સ્વરૂપના સતત ધ્યાનથી થયો છે. એટલે ધ્યાનમાં રહેલા સ્નેહ સ્વરૂપ પ્રભુએજ સ્નેહનું દાન કર્યું છે. શ્રવણ વિગેરે સાધનથી ઉત્પન્ન થયેલો સ્નેહ સ્થાયી હોતો નથી. સતત સ્વરૂપના ધ્યાનથી સ્વરૂપમાં શ્રી ગોપીજનોને સ્નેહ પ્રગટ થયો તે સ્નેહ સ્વરૂપ જ તેમના હૃદયમાં પ્રગટ થઇ ગયું ત્યારે સ્થાયી અને નિરંતર સ્નેહ સ્વરૂપનો તેમને અનુભવ થયો છે. “પીત્વા મુકુન્દ મુખસારધમક્ષી ભૃંગૈઃ” આ શ્લોકમાં પ્રિયતમના શ્રીમુખ લાવણ્યનું પાન શ્રી ગોપીજનોના નેત્રરૂપી ભ્રમરીઓ સર્વત્ર કરી રહી છે. આમ દિવ્ય પ્રેમ સ્વરૂપનો બહાર પ્રગટ થયેલ સ્વરૂપથી અનુભવ કરે છે. (તે સ્નેહ સ્વરૂપજ તેમના જીવન રૂપ બની ગયું. જેમ સંસારી જીવો ખાન-પાનથી જીવન નીભાવે છે. તેમ શ્રી ગોપીજનોનું જીવન પ્રભુના સ્નેહ સ્વરૂપના અનુભવથી જ નભે છે.) જેમ સૂર્યનો ઉદય થવાથીજ જગતમાં પ્રકાશ થાય છે અને સૂર્ય અસ્ત થતાં અંધકાર વ્યાપી જાય છે, તેમ સ્નેહ સ્વરૂપ હૃદયમાં પ્રગટ થઇ નિરંતર હૃદયમાં સ્થાયિ બિરાજે ત્યારેજ બહાર પ્રગટ બિરાજતા સેવ્ય સ્વરૂપમાં સ્નેહ પ્રગટ થાય છે, અને સ્નેહથી નિરંતર અનુભવ થાય છે. તેથી સ્વરૂપનો હૃદયમાં પ્રાદુર્ભાવ કરવા માટે જે સ્વરૂપનું ધ્યાન કરવાનુ હોય છે. અને પ્રભુમાં સ્નેહ થવાથીજ પ્રભુ હૃદયમાં પ્રગટ થાય છે, અને હૃદયમાં પ્રગટ થતાંજ બન્ને પ્રકારની અવિદ્યા નિવૃત્ત થવાથી આપણને અલૌકિક દેહની પ્રાપ્તિ થાય છે ત્યારે આ આપણા અલૌકિક દેહથી જ સ્નેહ સ્વરૂપનો નિરંતર અનુભવ થાય છે. આવા અલૌકિક દેહથી સારસ્વત કલ્પમાં શ્રીગોપીજનોએ, અને શ્રીમહાપ્રભુજીના પ્રાગટ્ય સમયે અષ્ટસખા, ચોરાશી, બસો બાવન, વિ. ભગવદીયોએ દિવ્ય સ્નેહ સ્વરૂપનો સાક્ષાત અનુભવ કર્યો છે.
 
સ્વરૂપ ધ્યાન-
 
આવા પ્રકારનો અનુભવ કરવા માટે સાંભળેલું અને સાંભળવાનું છોડી આપણાજ આત્મરૂપે આતમામાં રહેલા લીલા ધામ સહિત આપણા આત્મના પતિ પ્રિય પ્રભુના સ્વરૂપનું સતત ધ્યાન વિરહના અનુભવ પૂર્વક કરવાનું છે. શ્રી હરિરાયપ્રભુએ જે આજ્ઞા કરી છે કે આત્મનિવેદન કરનાર ભક્તોએ સદા સ્વરૂપ ભાવના કરવી. અથવા સ્વરૂપ ધ્યાન કરવું. આ સ્વરૂપ ધ્યાનથી દિવ્ય સ્નેહ સ્વરૂપનો હૃદયમાં પ્રાદુર્ભાવ થાય છે. આ ધ્યાનની સાધનામાં વિરહનો અનુભવ છે, અને વિરહના અનુભવમાં સર્વનો ત્યાગ છે. એટલે કે દેહ, દેહના સંબંધી પતિ પુત્રાદિ, અથવા સ્ત્રી-પુત્રાદિ, અને જગત પ્રપંચમાંથી રાગને (સ્નેહને) ખેંચીને પ્રિય પ્રભુના સ્વરૂપમાં જોડવાનો હોય છે.
 
દિવ્ય પ્રેમ સ્વરૂપનો હૃદયમાં પ્રાદુર્ભાવ-
 
શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધિની ગ્રંથમાં આજ્ઞા કરી છે કે “બીજભાવે દ્રઢે તુ સ્યાત્ ત્યાગાત્છવણ કીર્તનાત્” અને “સ્નેહાદ્ રાગ-વિનાશઃસ્યાદ” પ્રભુમાં સ્નેહ ત્યારે પ્રગટ થાય છે જ્યારે પ્રિય પ્રભુ સિવાય અન્ય સર્વેમાંથી સ્નેહ નીકળી જાય છે, આવા સ્નેહને પ્રગટ કરવા માટે આપશ્રીએ મુખ્ય પક્ષ ત્યાગનો રાખેલો છે. શ્રુતિરૂપા ગોપીજનોએ દિવ્ય પ્રેમ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે મુખ્ય પક્ષ ત્યાગને સ્વીકાર્યો છે. ત્યાગ એટલે વિરહનો અનુભવ. આવા ત્યાગ પૂર્વકના વિરહાનુભવથીજ દિવ્ય પ્રેમ સ્વરૂપનો હૃદયમાં પ્રાદુર્ભાવ થાય છે. અને તેથી જ શ્રી હરિરાય પ્રભુએ પણ આજ્ઞા કરી છે કે જેણે પ્રભુના સ્વરૂપનું ગ્રંથો દ્વારા કે ભગવદીયોના સત્સંગ દ્વારા શ્રવણ કરેલું છે પણ દિવ્ય સ્નેહ સ્વરૂપનો કંઇ અનુભવ નથી તેવા જનોએ સ્નેહ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે યોગીઓની માફક સ્વરૂપ ભાવન કરવું, અથવા સ્વરૂપનું ધ્યાન કરવું. આપની આ આજ્ઞાનો હેતુ વિરહાનુભવ રૂપ જ છે.
 
હૃદય શુદ્ધિની આવશ્યકતા -
 
હવે સ્વરૂપ ધ્યાન સાથે નામનું સ્મરણ કે શ્રી સર્વોત્તમ સ્તોત્રથી દિવ્ય સ્નેહ સુધાના દાતા શ્રી વલ્લભ પ્રભુના યશનું ગુણગાન કરતા રહેવું જોઇએ. નામ સ્મરણ અથવા શ્રીસર્વોત્તમજીનું ગુણગાન આપણા હૃદયની ભૂમિને પ્રભુ પ્રગટ થવા માટે સિદ્ધ કરે છે. તેથી જ શ્રી સર્વોત્તમજીના છઠ્ઠા શ્લોકમાં શ્રી અગ્નિકુમાર આજ્ઞા કરે છે કે, “વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને” મૂલ ધામસ્થ દિવ્ય પ્રેમ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે અથવા તેના સાક્ષાત અનુભવ માટે જેટલા પ્રતિબંધો છે તે સર્વનો મૂળમાંથી નાશ થઇ જાય છે. પછી દિવ્ય પ્રેમ સુધા સ્વરૂપનો હૃદયમાં પ્રાદુર્ભાવ થઇ જાય છે. જ્યાં સુધી હૃદય શુદ્ધ ન થાય ત્યાં સુધી પ્રભુના સ્વરૂપનું સતત ધ્યાન થતું નથી. અથવા ધ્યાનમાં સ્વરૂપ સ્થિર રહેતું નથી.
 
સ્વરૂપ ધ્યાન અને નામ સ્મરણ-
 
પ્રિય પ્રભુ તો આપણા હૃદયમાંજ બિરાજે છે, પણ જેમ સૂર્ય વાદળાંઓથી ઢંકાયેલો હોય ત્યારે સૂર્યનો ઉદય થયેલો હોવા છતાં દેખાતો નથી; તેમ માયાના આવરણને લીધે હૃદયમાંજ રહેલા પ્રિય પ્રભુના સ્વરૂપનો આપણને અનુભવ થતો નથી. અથવા બીજું દ્રષ્ટાંતઃ જેમ કાચવાળા ફોટામાં કાચ મલીન થઇ જવાથી તેની અંદર રહેલું ચિત્ર દેખાતું નથી, પરંતુ કાચનો મેલ દૂર થઇ જવાથી ચિત્રજી દેખાય છે, તેમ માયાનું આવરણ તાપભાવ પૂર્વક નામ સ્મરણ કે શ્રીસર્વોત્તમજીના ગુણગાન દ્વારા દૂર થતાં ધ્યાનમાં સ્વરૂપ સ્થીર થાય છે. અથવા નિરંતર સ્વરૂપનો અનુભવ થાય છે. તેથી સ્વરૂપ ધ્યાન સાથે નામનું સ્મરણ કે શ્રીસર્વોત્તમજીથી ગુણગાન પણ કરતાં રહેવું. આ સ્વરૂપ ધ્યાનમાં અને નામ સ્મરણ કે ગુણગાનમાં કેવળ ધર્મી સ્વરૂપનોજ આશ્રય રહી આવે છે. અને કેવળ ધર્મી સ્વરૂપના આશ્રયથી ધર્મી સ્વરૂપનું હૃદયમાં પ્રાગટ્ય થાય છે.
 
જીવનની વિફલતા –
 
પુષ્ટિમાર્ગનું ખૂબ જ્ઞાન મેળવ્યું હોય પણ જો દિવ્ય પ્રેમને પ્રાપ્ત કર્યો નથી તો તેવા જ્ઞાનની આ દિવ્ય પ્રેમ પંથમાં કાંઇજ કીમત નથી. દિવ્ય પ્રેમ પ્રાપ્ત કર્યા વગરનું જીવન વ્યર્થજ છે. તેથી જ શ્રી ગોપીજનો મહાજ્ઞાની ઉદ્ધવજીને કહે છે કે, “પ્રેમ વિના સબ પચિમરે, વિષય વાસના રોગ-સખા સુન શ્યામકે” જ્ઞાની બનીને પુષ્ટિ જગતમાં તેઓ ભલે પૂજાતા હોય પણ પ્રેમીઓના જગતમાં આવા જ્ઞાનીઓની કંઇ જ કિંમત નથી.
 
શ્રુતિ પુરાન આગમ સ્મૃતિ,
પ્રેમ સબહી કો સાર
પ્રેમ વિના નહિ ઉપજ હિય,
પ્રેમ બીજ અંકુવાર.
આનંદ અનુભવ હોત નહિ,
વિના પ્રેમ જગજાન
કે વહ વિષયાનંદ અરૂ,
કે બ્રહ્માનંદ બખાન.
અતિ સુક્ષ્મ કોમલ અતિહી,
અતિ નિયરો અતિ દૂર
પ્રેમ કઠીન સબતે સદા,
નિત ઇક રસ ભરપૂર.
જગમેં સબ જાન્યો પરે,
અરૂ સબ કહે કહાય
વે ‘જગદીશ’ અરૂ ‘પ્રેમ’ યહ,
દોઉ અકથ લખાય.
જેહી બિનુજને કછુહી નહી.
જાન્યો જાત વિશેષ
સોઇ પ્રેમ જિહી જાનિ કે,
રહી ન જાત કછુ શેષ.
 
-રસખાનજી
શ્રીવલ્લભ શાસ્ત્રાર્થ નિબંધમાં આજ્ઞા કરે છે કે “નિષ્ઠા તુ સાદનૈરેવ. ન મનોરથ વાર્તયા” મનોરથોથી અને વાર્તા શ્રવણ કરતા રહેવાથી પ્રભુ પ્રાપ્તિ થઇ જતી નથી. પરન્તુ પ્રભુ પ્રાપ્તિના સાધનને જાણી લઇને સાધનમાં સતત તત્પર રહેવાથી થાય છે. જેમ સમુદ્ર મંથનનું સાધન દેવ દાનવોએ કર્યું તો સાધ્યરૂપ અમૃત પ્રાપ્ત થયું. તેમ નિરંતર વિરહાનુભવ રૂપ સાધનથી હૃદયનું મંથન થાય છે, એટલે કે વિજાતીય ભાવ નિવૃત્ત થાય છે. પશ્ચાદ અમૃતરૂપ પ્રભુનું સ્વરૂપ હૃદયમાંથી પ્રગટ થાય છે અને સ્વરૂપાનંદનો સાક્ષાત અનુભવ કરાવે છે. તેથી સાધનમાં નિષ્ઠા રાખવી જોઇએ. પુષ્ટિમાર્ગમાં સાધનરૂપ પણ પ્રભુ પોતે જ થઇને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે. સ્વરૂપ ધ્યાનમાં પોતે જ સાધનરૂપ થાય છે.
આ દિવ્ય પ્રેમ તો પુષ્ટિ પ્રભુના પણ આત્મા રૂપ છે, પ્રભુના પણ જીવનરૂપ છે. આ દિવ્ય પ્રેમની પ્રાપ્તિ વિરહના અનુભવ વિના થઇ શકતી નથી-તેથી જ રસિક મહાનુભાવ શ્રીનંદદાસજીએ પંચમંજરીમાં કહ્યું છે કે-
 
જા ઘટ વિરહ અવા અનલ,
પરિપક ભયે સુભાય
તાહી ઘટ મધ્ય નંદહો,
પ્રેમ અમી ઠહેરાય.
 
સર્વ ત્યાગ પૂર્વકના વિરહ અનુભવથી અથવા પ્રિય વિયોગની અગ્નિથી હૃદયમાં રહેલો પ્રિય વિયોગની અગ્નિથી હૃદયમાં રહેલો અવિદ્યા જનીત વિજાતીય ભાવ-પ્રપંચ જ્યારે દગ્ધ થઇ જાય છે ત્યારે તેવા શુદ્ધ થયેલા હૃદયમાંજ મહાન દિવ્ય પ્રેમ પ્રગટ થાય છે. વિરહના અનુભવ વિના દિવ્ય પ્રેમ પ્રાપ્ત થતો નથી. દિવ્ય પ્રેમ પ્રભુનો પણ આત્મા હોવાથી પોતાના આત્મારૂપ પ્રેમનું જીવોને જલદી દાન કરતા નથી. આ દિવ્ય પ્રેમ તે શ્રીવલ્લભનુંજ સ્વરૂપ છે. તેથી જો શ્રી વલ્લભનો જ અનન્ય આશ્રય રાખી શ્રી વલ્લભનું જ ધ્યાન સ્મરણ કે યશોગાન કરવામાં આવે તો દિવ્ય પ્રેમ સ્વરૂપ શ્રીવલ્લભ હૃદયમાં પ્રગટ થઇ જવાથી પ્રભુ સ્વતઃ પ્રાપ્ત થઇ જાય છે, કારણ કે શ્રીવલ્લભના રોમ રોમમાં કોટાન કોટિ પુષ્ટિ સૃષ્ટિના આરાધ્ય દેવ શ્રીજીના સ્વરૂપો રહેલાં છે.
 
પ્રભુ પ્રાપ્તિનો સાચો રાહ-
 
ગ્રંથોમાંથી, લેખોમાંથી કે ભગવદીયોના સત્સંગથી પ્રભુ પ્રાપ્તિના સાધનને જાણી લેવાનું હોય છે. આ સાધનને જાણીને તે સાધનમાં સતત જોડાય જવાનું હોય છે. ત્યારે જ પ્રભુ પ્રાપ્તિ થાય છે. સાધનને જાણી લેવા છતાં તેમાં જે તત્પર થઇ જતા નથી તેમને પ્રભુ પ્રાપ્તિનું સાચું દુઃખજ નથી, તેમજ માનવું પડે છે. અને પ્રભુ પ્રાપ્તિના દુઃખ વિના પ્રભુ મળે તેમ નથી.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.