દિવ્ય પ્રેમ સ્વરૂપના સાક્ષાત્કારની સાધના
spacer
spacer

લેખક:-શ્રીવલ્લભ પાદપદ્મ મિલિન્દ

દિવ્ય પ્રેમ સ્વરૂપના સાક્ષાત્કારની સાધનામાં એકજ સ્થાનમાં રહેવાનું હોય છે. અને સર્વ ત્યાગ પૂર્વક વિરહના અનુભવમાં સ્થિત રહેવાનું હોય છે. એક સ્થાન છોડીને બહાર વિચારવાથી બીજી પ્રવૃત્તિઓ ભળી જવાથી મન અસ્થીર બની જાય છે. પ્રેમ સ્વરૂપ પ્રભુના સાક્ષાત્કારમાં એકાન્ત અને એકાગ્રતાની અતિ આવશ્યક્તા છે. એકાન્તથી ચિત્તની સ્થિરતા થાય છે, મન અને ચિત્તનો ધ્યેય સ્વરૂપમાં પ્રવેશ થતાં પ્રાકૃત દેહ, દેહના સંબંધીઓ અને પાકૃત જગતના પ્રપંચનું વિસ્મરણ થઇ જાય છે. અને દૈવી જીવ નિરાવરણ બની જાય છે.
 
“નિરાવરણ”એટલે ભૌતિક અને આધ્યાત્મિક અવિદ્યા જનીત પ્રપંચ નિવૃત્ત થઇ જાય છે. આ સમયે તેના હૃદયમાં દિવ્ય પ્રેમ સ્વરૂપ પ્રભુનો લીલા ધામ સહિત પ્રાદુર્ભાવ થાય છે. પ્રભુનો હૃદયમાં પ્રાદુર્ભાવ થતાં તેનું જીવન અલૌકિક બની જાય છે. પ્રાકૃત દેહના બંધનમાંથી મુક્ત થઇ પોતાના અલૌકિક-દિવ્ય-આત્મ સ્વરૂપમાં સ્થિત થઇ જાય છે. તેનું જગત અલૌકિકતાના રૂપમાં પલટાઇ જાય છે. પહેલાં પ્રાકૃત દશામાં પ્રાકૃત જગત પ્રપંચનો તેને સંબંધ હતો તે પ્રપંચ નિવૃત્ત થવાથી હવે અલૌકિક લીલા જગત પ્રપંચનો સર્વત્ર તેને અનુભવ થાય છે. આ કક્ષાએ પહોંચવા માટે એકાન્ત અને એકાગ્રતાથી ધ્યેય સ્વરૂપમાં મન ચિત્તને સ્થીર કરવાની અતિ આવશ્યક્તા છે. આત્માના દ્વારને ખોલી નાખનારી આ સાધના છે. “આત્માનું દ્વાર”એટલે લીલા ધામનું દ્વાર સમજવું, પ્રભુ આપણા આત્મામાં આત્મારૂપે બિરાજી રહ્યા છે. અને જ્યાં પ્રભુ બિરાજતાં હોય ત્યાં લીલા ધામ હોયજ. તેથી લીલા ધામના દિવ્ય પરિકર સહિત લીલા ધામ પ્રગટ થઇ જાય છે. તેનું નામ ‘આત્માનું દ્વાર ખુલી જવું’ કહેવાય છે. પ્રભુ આપણી ભિતરજ બિરાજતા હોવા છતાં. જેમ મંદિરોમાં શ્રીઠાકોરજી બિરાજતા હોય છે ત્યાં ટેરો લાગેલો હોય ત્યાં સુધી દર્શન થતાં નથી. ટેરો સરકી જતાં દર્શન થાય છે, તેમ માયાનો ટેરો લાગેલો હોવાથી દર્શન થતાં નથી. આ માયાનો ટેરો ઉપરોક્ત સાધનાથી સરકી જાય છે, ત્યારે આત્માનું દ્વાર ખુલી જાય છે.
 
પ્રેમ સ્વરૂપ પ્રભુનો સાક્ષાત્કાર કરવાની સાધનાની ઉપરોક્ત જે શૈલી જણાવી છે તે શ્રુતિરૂપા શ્રી ગોપીજનોએ દિવ્ય પ્રેમ સ્વરૂપ પ્રભુના પ્રાગટ્ય પહેલાં સાક્ષાત્કારની જે સાધના કરી છે તેજ શૈલી ઉપરના પ્રકારથી જણાવી છે.
 
 
સાધનાનો પ્રકાર- હવે શ્રીગોપીજનોએ કરેલી સાધનાને અહીં વિચારીએ. શ્રીહરિરાય પ્રભુ “સ્વમાર્ગીય ભાવના સ્વરૂપ નિરૂપણ” । નામના ગ્રંથમાં આજ્ઞા કરે છે કે- “આત્મ સમર્પણ કરેલા પુષ્ટિ માર્ગીય દૈવી જીવોએ હંમેશા સ્વમાર્ગીય ભાવના અવશ્ય કરવી. કારણ કે પુષ્ટિમાર્ગ ભાવ પ્રધાન છે. માટે ભાવનાનો પ્રકાર અહીં જણાવવામાં આવે છે.”
 
“આત્મ સમર્પણ” એટલે બ્રહ્મસંબંધ સમયે નિત્ય લીલાસ્થ દિવ્ય પ્રેમ સ્વરૂપ પ્રભુને પોતાનું સર્વસ્વ સમર્પણ કરવામાં આવ્યું છે તેને આત્મ સમર્પણ કહેલ છે. તેની ભાવના કરવાની શ્રીહરિરાય પ્રભુ આજ્ઞા કરે છે. આ ભાવના ત્રણ પ્રકારની છે. (1) સ્વરૂપ ભાવના (2) લીલા ભાવના અને (3) ભાવ ભાવના. આ ત્રણ ભાવનામાં પ્રથમ સ્વરૂપ ભાવના કરવાની હોય છે.
 
પ્રભુ સ્વરૂપ ચિંતન- પ્રથમ દશામાં જે દૈવી જીવોએ દિવ્ય પ્રેમ સ્વરૂપ નિત્ય લીલાસ્થ પ્રભુનો કંઇ પણ અનુભવ કર્યો નથી, પ્રભુના સ્વરૂપનું માત્ર શ્રવણ કરેલું છે કે દિવ્ય પ્રેમ સ્વરૂપ આવા પ્રકારનું છે, તેવા દૈવી જીવોએ જેમ યોગી લોકો આત્માનું ચિન્તન કરે છે તેમ પ્રેમ સ્વરૂપ પ્રભુના સ્વરૂપનું ચિન્તન કરવું. યોગીઓના ચિન્તનમાં અને પુષ્ટિમાર્ગીય દેવી જીવોના ચિન્તનમાં એટલો ફરક છે કે યોગીઓને પ્રભુના દર્શન ન થવાથી જે તાપ-કલેશ થવો જોઇએ તે હોતો નથી, જ્યારે પુષ્ટિમાર્ગીય ભક્તો તો ભક્તિ માર્ગીય હોવાથી તાપ કલેશ સહિત દિવ્ય પ્રેમ સ્વરૂપ પ્રભુનું ચિન્તન કરે છે. આવા પ્રકારનું દિવ્ય પ્રેમ સ્વરૂપ પ્રભુના સાક્ષાત્કાર માટેનું ચિન્તન અથવા સ્વરૂપ ભાવન કોણે કર્યું ? તેનું પ્રમાણ શ્રી હરિરાય પ્રભુ શ્રુતિરૂપા ગોપીજનોનું આપે છે. આ શ્રુતિરૂપા ગોપીજનોએ દિવ્ય પ્રેમ સ્વરૂપ પ્રભુના સાક્ષાત્કાર માટે જે સાધના કરી છે તે નીચે મુજબ છે-
 
શ્રુતિરૂપા ગોપીજનોની સાધના- આ શ્રીગોપીજનો પહેલાં શ્રુતિ અવસ્થામાં હતા, તે સમયે રસો વૈ સઃ પુષ્ટિ પ્રભુના સ્વરૂપ યશનું તેઓ ગાન કરતા હતા. આ ગાનથી તેમને પુ્ષ્ટિ પ્રભુના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન થયું. અને જ્ઞાન થવાથી દિવ્ય પ્રેમ સ્વરૂપ પુષ્ટિ પ્રભુના સાક્ષાત દર્શનની આર્તિ જાગૃત થઇ ગઇ. આ આર્તિથી પ્રભુએ કૃપા કરીને પોતાના દિવ્ય પ્રેમ સ્વરૂપના લીલાધામ અને લીલાધામના દિવ્ય પરિકર સહિત દર્શન કરાવ્યાં. (જેમ શ્રુતિઓએ “રસૌવૈસઃ”) દિવ્ય પ્રેમ સ્વરૂપનું તાપ ભાવ પૂર્વક ગાન કર્યું અને તેથી પ્રભુ પ્રસન્ન થઇને પોતાના નિત્ય લીલા સ્વરૂપના અને લીલાધામના દિવ્ય પરિકર સહિત દર્શન કરાવ્યાં તેમ જેમાં રસો વૈ સઃ પ્રભુની સમસ્ત લીલાઓનો સમાવેશ થયેલો છે તેવા શ્રી સર્વોત્તમ સ્તોત્રના ગુણગાનથી શ્રુતિઓના જેવોજ અનુભવ થાય છે. આ અનુભવને શ્રીહરિરાય પ્રભુએ “ભોર ભયો ભાવસોં, લે શ્રીવલ્લભ નામ” આ પદની નીચેની બે પંક્તિઓથી જણાવેલો છે-
 
હરિવશ છિનહીમેહો,
સ્ફુરત સગરો ભક્તિ મારગ ।
રૂપ હૃદય વસે ઓર,
રસ સમૂહ ધામ ।।
 
“રસ સમૂહ ધામ” એટલે લીલાધામ. આ લીલાધામ અને લીલાધામના દિવ્ય પરિકર સહિત દિવ્ય પ્રેમ સ્વરૂપ પ્રભુ સર્વોત્તમજીનું યશોગાન કરનાર ભક્તના હૃદયમાં પ્રગટ થઇ જાય છે. આ કથનનની સંગતિમાં – સુ. 3-9-30-31-32-39-40 શ્લોકમાં અવલોકવું. તેમજ શ્રી “વૈશ્વાનરાષ્ટક” નામના સ્તોત્રમાં શ્રીહરિરાય પ્રભુ આજ્ઞા કરે છે કે- “શ્રી વૈશ્વાનર વલ્લભ પ્રભુ, નિત્ય લીલાસ્થ શ્રીહરિના ભાવાત્મક સ્વરૂપને, લીલા ધામના સમગ્ર વિહારોને અને લીલા પરિકર પશુ-પક્ષી સહિત સમસ્ત લીલા સામગ્રીને કૃપા ભરી દ્રષ્ટિ માત્રથીજ અહીં ભૂતલમાં નિજ્જનોને હૃદયમાં અને બહાર પ્રગટ કરે છે.
 
શ્રુતિઓને વરદાન- ઉપર જણાવ્યા પ્રમાણે શ્રુતિઓને પોતાના નિત્યલીલાસ્વરૂપના દર્શન કરાવ્યા પછી શ્રુતિઓને પ્રભુએ આજ્ઞા કરી કે તમારા આર્ત ગુણગાને કરીને હું પ્રસન્ન થયો છું, તમે વરદાન માગો. ત્યારે શ્રુતિઓએ પ્રભુને પ્રાર્થના કરી કે આપ પ્રસન્ન થઇને ‘વર’ આપો છો. તો આપ જે સ્વરૂપથી લીલા ધામના પરિકરને રમણનુંસુખ આપો છો તેવો અનુભવ અમને થાય એવી કૃપા કરો. શ્રુતિઓની આવી યાચનામાં પોતાના સુખની ઉપાધી હોવાથી પ્રભુએ આજ્ઞા કરી કે તમારો આ મનોરથ સિદ્ધ થવો દુર્લભ છે. છતાં મેં વરદાન આપવા સંકલ્પ કર્યો છે તો આ સારસ્વત કલ્પમાં હું ભૂતલ વ્રજમંડળમાં પ્રગટ થઇ તમારો મનોરથ સિદ્ધ કરીશ. આ વરદાન પ્રાપ્ત કર્યા બાદ શ્રુતિ રૂપાઓ ગોપી રૂપે વ્રજમાં પ્રગટ થયાં, અને જે સ્વરૂપના લીલા લોકમાં તેમણે દર્શન કરેલા તેનું વિરહ ભાવ પૂર્વક ધ્યાન કરવા લાગ્યાં. આ વિરહભાવની સાધનામાં તેમણે મન-ચિત્તની એકાગ્રતા કરી છે. એટલુંજ નહીં પરન્તુ પોતાનો દેહ, દેહના સંબંધી, સંસાર અને જગતમાંથી રાગને ખેંચીને ધ્યેય સ્વરૂપમાં જોડેલો છે.
 
“ભક્તિ વર્ધિની” ગ્રંથમાં આપશ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુમાં સ્નેહ ત્યારેજ પ્રગટ થાય છે કે જ્યારે પ્રભુ સ્વરૂપ સિવાય અન્ય સર્વમાંથી રાગ-સ્નેહ નીકળી જાય. આપે આ આજ્ઞા જેકરી છે તે શ્રુતિરૂપા ગોપીજનોની ઉપરોક્ત સાધનાની સંગતિથી કરેલી છે. સર્વમાંથી સ્નેહ ખેંચીને ત્યાગ-વૈરાગ્ય પૂર્વક શ્રીગોપીજનોએ સતત સ્વરૂપનું ધ્યાન કર્યું છે. આ ધ્યાન તાપ ભાવપૂર્વકનું હોવાથી તેમનામાં જે પ્રભુથી સુખ લેવું છે એવી સ્વ-સુખની ભાવના જે હતી તે નિવૃત્ત થઇ ગઇ, અને પ્રભુના જ સુખનો સહજ સ્નેહ તેમનામાં પ્રગટ થઇ ગયો. દિવ્ય પ્રેમની મહાનતાનું તેમને જ્ઞાન થયું કે દિવ્ય પ્રેમ તેને જ કહેવાય છે કે જેમાં પ્રિયતમના સુખનોજ વિચાર હોય. આવું જ્ઞાન પ્રાપ્ત થવાથી હવે તેઓને તત્સુખીપ્રભુના સુખવાળા સ્નેહથી એ આર્તિ પ્રગટ થઇ ગઇ કે પ્રભુ ક્યારે પ્રગટ થાય અને આપને રમણનું અમે સુખ આપીએ ! પહેલાં પ્રભુથી પોતાના સુખથી ઇચ્છાવાળો સ્નેહ હતો, તે વિરહભાવ પૂર્વક સતત સ્વરૂપ ધ્યાન કરતા રહેવાથી શ્રીવલ્લભના તાપાત્મક સ્વરૂપે તેમના સ્નેહને શુદ્ધ-નિર્ગુણ-તત્સુખ ભાવવાળો બનાવી દીધો. પ્રભુના સુખની ભાવનાવાળા સ્નેહમાં પ્રભુને સુખ આપવાથી જ ભક્તને પોતાને સુખ થાય છે. આવો પ્રભુના સુખની ભાવનાવાળો સ્નેહ તેમનામાં પ્રગટ થઇ ગયો અને તે સ્નેહ સ્વરૂપજ તેમના હૃદયમાં પ્રગટ થયું.
 
આ કથનની સંગતિમાં શ્રી વિઠ્ઠલેશ્વર પ્રભુકૃત “પ્રેમામૃતરસાયન” ગ્રંથની ટીકામાં “પ્રેયસી પ્રેમ સંચય” આ નામની વ્યાખ્યા અવલોકવી. આ સ્નેહ સ્વરૂપ પ્રભુ તેમના હૃદયમાં પ્રગટ થવાથી ભૌતિક દેહ સાથેની અહંતા મમતાત્મક ગ્રંથી ભેદાઇ ગઇ. ભિદ્યતે હૃદય ગ્રંથીઃ । છિદ્યન્તે સર્વ સંશયાઃ । ક્ષીયન્તે ચાસ્ય કર્માણિ મયિ દ્રષ્ટે ખિલાત્મનિ ।। (ભાગવત 11-20-30) એટલે કે અવિદ્યાથી તેઓ મુક્ત થઇ ગયાં. તેથી શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે આ શ્રી ગોપીજનો નંદાલયમાં પ્રગટ થયેલા પ્રિય પ્રભુનાં દર્શન કરવા જાય છે ત્યારે આત્માના શૃંગાર કરીને ગયા છે. દેહના શૃંગાર નહી. પ્રભુ પ્રગટ થયા પહેલાની શ્રીગોપીજનોની વિરહાત્મક સાધનાએ તેમના આત્માનું દ્વાર ખોલી નાખ્યું. એટલે કે વિરહાત્મક સાધનાથીજ શ્રી ગોપીજનોએ પોતાના અલૌકિક આત્મા સ્વરૂપનો અનુભવ કર્યો છે. પોતાના હૃદયમાં પ્રગટ થયેલા સ્નેહ સ્વરૂપનું શ્રી ગોપીજનોએ નંદાલયમાં પ્રગટ થયેલા સ્નેહભાવ સ્વરૂપવનોજ અનુભવ કર્યો છે. મથુરાથી વસુદેવજી જે સ્વરૂપને નંદાલયમાં પધરાવી ગયા તે તો વેદ પ્રસિદ્ધ મર્યાદા પુરૂષોત્તમ છે. શ્રી ગોપીથવાથી જનોના અનુભવનું તે સ્વરૂપ નથી. પરન્તુ પોતાના સ્નેહ ભાવાત્મક સ્વરૂપનું નંદાલયમાં પ્રગટ થયેલા સ્વરૂપમાં ભાવાત્મક પ્રકારે સ્થાપન કરી તે સ્નેહ સ્વરૂપનેજ બાલલીલાથી શરૂ કરીને મહારસ સુધી અનુભવ કર્યો છે. આ જ પ્રકારે આપણા માથે બિરાજતું સેવ્ય સ્વરૂપ તે આપણાજ સ્નેહભાવનું સ્વરૂપ છે.
 
પ્રભુનો સાક્ષાત્કાર વિરહના અનુભવ વિના થતો નથી અને વિરહના અનુભવમાં પ્રિય પ્રભુ સિવાય સર્વ ત્યાગ કરી નિરંતર પ્રભુના સ્વરૂપનું ધ્યાન કરી આપની સન્મુખ રહેવાનું હોય છે. તે વિના સાક્ષાત્કાર થતો નથી. અને નિત્યલીલાસ્થ દિવ્ય પ્રેમ સ્વરૂપના સાક્ષાત્કાર વિના દૈવી જીવનની સાર્થકતા માની શકાતી નથી.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.