પ્રણય પથિકોકી મંજિલ
spacer
spacer

લેખક : મધુકર

કુરબાની જાન તુમ પર નિછાર કરતે હે ।
હમ તુમ્હે દેખી વલ્લભ જીયા કરતે હે ।।
પ્રેમ વેલી કો પાની દીયા કરતે હે ।
કબ પકેગી યહ કલી તકા કરતે હે ।।
હરદમ તુમ્હારે હી ચરણોકા ધ્યાન કીયા કરતે હે ।
મદમસ્ત ગજરાજ જીમ ચુવા કરતે હે ।।
કોઇ પૂછે આકર મસ્ત ક્યા કરતે હે ।
આગે કી મંજિલ સાફ કીયા કરતે હે ।।
 
દિવ્ય પ્રેમ જે ક્ષણે પ્રગટ થાય છે તેજ ક્ષણે પ્રણયપથિકના પ્રાણની ન્યોછાવરી પ્રિય પ્રભુના સ્વરૂપમાં થઇ જાય છે. કારણકે દિવ્ય પ્રેમ પ્રાણહર છે. હવે આ પ્રેમીનું જીવન પ્રિયતમના રૂપામૃત પાન વિના નભી શકે તેમ નહિ હોવાથી અર્થાત પ્રિય પ્રભુજ પ્રાણ (જીવન) રૂપ બનેલ છે તેથી હરદમ પ્રિયના મુખ વિધુ લાવણ્ય સુધાપાનથી જીવન નભાવે છે અને પ્રિયમાં અંકુરીત થયેલો પ્રેમ વેલી રૂપ ધારણ કરે છે. તે વેલીનું પોષણ પ્રિયમાં ઉત્પન્ન થયેલા પ્રેમ રૂપી જલથી થાય છે. એટલે લાવણ્યામૃત સુધાના પાનથી તે વેલીનું પોષણ થાય છે. સુધાથી પોષાયેલી આ વેલી લીલા ધામમાં પહોંચે છે.
 
“કબ પકેગી યહ કલી”તેનો અર્થ સર્વાત્મભાવ છે. સર્વાત્મભાવનો અર્થ આ પ્રણય પથિક પોતાને ભૂલિને પ્રિય પ્રભુ રૂપ બની ગયેલ છે. બાહિર ભીતર સર્વત્ર તેને પ્રિય પ્રભુ જ દેખાય છે. એટલું જ નહી પરન્તુ તેની જ્યાં દ્રષ્ટિ પડે છે ત્યાં પ્રિયતમના કોટિ સ્વરૂપોને પ્રગટ કરી પ્રિયમય સૃષ્ટિનું નૂતન પ્રકારે નિર્માણ કરે છે. આ સર્વાત્મભાવનો મહિમા અચિન્ત્ય અનિર્વચનીય છે. આવો સર્વાત્મભાવ સિદ્ધ થાય તેને કલી પકી કહેવાય છે.
 
“હરદમ તુમ્હારે હી ચરણો કા ધ્યાન કીયા કરતે હૈ” તેનો ભાવાર્થ પ્રભુના ચરણ લીલાધામ રૂપ છે. આ પ્રેમીને પ્રિય પ્રભુના સ્વરૂપનું લીલાધામનું લીલાધામના દિવ્ય પરિકરનું અને પોતાના પણ દિવ્ય સ્વરૂપનું જ્ઞાન થયેલું હોય છે તેથી તેનું નિરંતર ધ્યાન કરતો હોય છે.
 
“મદમસ્ત ગજરાજ જીમ ચુવા કરતે હૈ.”તેનો ભાવાર્થ મદઝરતો હાથી. હાથીના મસ્તકમાંથી મદ ઝરે છે. મદના ભરથી ઉન્મત બની જાય છે. મદના નશામાં ચકચુર રહે છે. તેમ પ્રણય પથિકને પ્રેમ રૂપામૃત સુધાનો નશો ચડી જાય છે. તે નિઃશંક નિર્ભય બની જાય છે. તેને કોઇ પૂછે કે અરે મસ્ત, તું આ શું કરે છે ? તો કહે છે કે “આગે કી મંજિલ સાફ કીયા કરતે હે.” “આગેકી મંજિલ” પ્રિયતમના ધામમાં પહોંચવાના માર્ગને સાફ કરે છે. મંજિલ સાફ કરવાનો એક પ્રકાર નિરંતર પ્રિય પ્રભુના સ્વરૂપનું ધ્યાન કરવું, અને બીજો પ્રકાર પ્રિયતમના સ્વરૂપ લાવણ્યામૃત સુધા પાનના ભાવ સિવાય અન્ય બીજા ભાવોને હદયમાં આવવા ન દેવા તેને પણ મંજિલ સાફ કરવાનું કહેવાય છે. પ્રણયમાર્ગીયને પોતાના પ્રિય સિવાય અન્ય રંચક સંબંધ રહે તો તેનો પ્રેમ કલંકીલ બની જાય છે. દિવ્ય પ્રેમની શિખર કોટિ એ છે કે આ પ્રેમી પોતાની દુનિયા પ્રિયપ્રભુમય નિરત્વી જ બનાવે. સ્થાવર જંગમમાં પોતાના પ્રિય વિના બીજુ કંઈજ ન હોય તેવી પ્રિયતમ નિરાલી દુનિયાનું તેને સર્જન કરવું છે. એને પણ મંજિલ સાફ કરવાનું કહેલ છે.
 
“પ્રણય”શબ્દનો ભાવાર્થઃ સ્નેહ-વિરહ અને દીનતા ઓતપ્રોત મળેલા રહે તે પ્રણય શબ્દનો ભાવાર્થ છે.
“પ્રિયતમ”શબ્દનો ભાવાર્થઃ પ્રિય અને તમ ‘તમ’ને અંધકાર પણ કહેવાય છે. ગાઢ અંધકારમાં જેમ અંધકાર સિવાય બીજુ ન દેખાય તેમ પ્રેમીજન પ્રિય પ્રભુના સૌન્દર્યામૃતપાનથી પ્રિયતમ બની ગયેલ છે, પ્રિય સિવાય કાંઈ દેખાતું નથી તે “પ્રિયતમ” શબ્દનો ભાવાર્થ છે. આ સિવાય પ્રિયતમ શબ્દના બીજા ભાવો પણ હોઈ શકે. ‘પ્રિયતમ’શબ્દનો ભાવાર્થ સર્વાત્મભાવમાં પણ ઘટી શકે છે. ‘તમ’શબ્દનો ભાવાર્થ પરમાનંદદાસજીના એક પદમાં ઘટી શકે છે-
 
- પદ -
 
કેશે કીજે વેદ કહ્યો,
હરિ મુખ નિરખત વિધિ નિષેધકો,
નાહીન ઠોર રહ્યો ।।1।।
દુઃખકો મૂલ સ્નેહ સખીરી,
સો ઉર પેઠ રહ્યો ।
“પરમાનંદ”પ્રેમ સાગરમેં પર્યો,
સો લીન ભયો ।।2।।
 
જેમ સાગરમાં ડૂબેલાને પોતાનું અને જગતનું ભાન હોતું નથી, તેમ પ્રિયતમના લાવણ્યામૃત સાગરમાં ડૂબેલા પ્રણય પથિકને પ્રિયતમ સિવાય કાંઈ બીજુ દેખાતું નથી તેને પણ તમ શબ્દના ભાવાર્થ માં ઘટાવી શકાય.
 
 -પદ –
 
ગૌર શ્યામ વદનારવિંદ પર,
જીસકો વીર મીચલતે દેખા ।
નેન બાન મુશ્કયાન મંદ પર,
ઈનકો ફીર સંભલકે ન દેખા ।।
“લલિત કિશોરી”યુગલ ઈશ્કમેં,
બહોતનકે ઘર ઘરમેં દેખા ।
ડૂબા પ્રેમ સિન્ધુ મેં કોઈ,
હમને ફીર ઉછલતે ન દેખા ।।
 
“ઉછલતે ન દેખા”અને “પ્રેમ સિન્ધુમેં ડૂબા”આ વાક્યો પણ તમ શબ્દના ભાવાર્થમાં ઘટી શકે છે. બાકી તો દિવ્ય પ્રેમનો અચિન્ત્ય મહિમા છે. અલ્પ મતિ લેખક તેને શું સમજી શકે ? અને કેટલો ધારણ કરી શકે ?

આશ્ચર્ય થાય છે કે અચિન્ત્ય મહિમા વાળા દિવ્ય પ્રેમ રાજ્યમાં એક સમય નિવાસ કરતો દૈવીજીવ ભૂતલમાં આવીને માયાના વિવિધ પ્રલોભનોમાં ફસાઈને પોતાનું અનમોલ દૈવી જીવન વેડફી રહ્યો છે. આ એક અંધકાર છે. આવા અંધકારને શ્રીવલ્લભભાનું વિના કોણ દૂર કરી શકે તેમ છે ?

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.