નામ-સ્મરણ મહિમા
spacer
spacer

- પ. ભ. મધુકર

વૈષ્ણવોને પ્રભુ પ્રાપ્તી કરવી આ એકજ ધ્યેય હોય છે. પ્રભુ પ્રાપ્તી માટે સેવા ! વિગેરે સાધનો કરવાના હોય છે. આ સાધનો સતત ન થાય તો પ્રભુ પ્રાપ્તિ થતી નથી. સેવા સતત થઈ શકે નહી, સત્સંગ સતત બની શકે નહી, તેમજ આજના સમયમાં સત્સંગ ગોત્યોય પણ મળે તેમ નથી, વળી ગ્રંથનું શ્રવણ સતત બને નહી. આ બધાંય સાધનો જેમ પ્રભુ પ્રાપ્તિ કરાવનારાં છે તેમ અષ્ટાક્ષરનું સ્મરણ પણ પ્રભુ પ્રાપ્તિ કરાવનાર છે. બીજાં સાધનો સતત ન બને પરંતુ નામ સ્મરણ તો સતત થઇ શકે તેવું છે. વળી સહેલું છે, કોઇ પ્રકારનો શ્રમ નથી, સત્સંગ ખોજવાની જરૂર નહી, ગ્રંથ વાંચવાની જરૂર નહી, ફક્ત નામના સતત સ્મરણથી પ્રભુ પ્રાપ્તિ થઇ જાય તેવી કૃપા શ્રીમહાપ્રભુજીએ કરી રાખી છે. નિશ્ચયપૂર્વક સતત નામ સ્મરણ થતાં જીવનનો પલટો થતો જશે.
 
નામ સ્મરણરમાં જ નિશ્ચય કરવો. ભગવદ્ નામજ મારૂં સર્વસ્વ છે તેમ નિશ્ચય કરી સતત સ્મરણ કરવાથી નામમાં “વાલમ”વસી જાય છે, એટલે કે પ્રભુનો અનુભવ થવા લાગે છે. આ પ્રકારે નિશ્ચય જે કરતા નથી તેને ભટકન પણ મટતી નથી. “કૃષ્ણનામ માહાત્મ્ય માધુરી”પુસ્તક જ્યારે જ્યારે નામ સ્મરણમાં ભાવ શીથીલ થાય ત્યારે વાંચી જવું, તેથી નામ સ્મરણમાં શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવ દ્રઢ બનતો જશે.

નામને જ્યાં સુધી સર્વસ્વ ન માનીએ ત્યાં સુધી કંઇ અનુભવ થતો નથી, સર્વસ્વ માનીને સ્મરણ કરવાથીજ અનુભવ થાય છે નામમાં સ્વરૂપ રહેલું છે, તેથી નામનું સ્મરણ પરમ આદરથી થવું જોઇએ. પરમ આદરથી સતત નામનું સ્મરણ થવાથી પ્રભુની પ્રસન્નતા થાય છે અને નામમાંથી પ્રભુ પ્રગટ થઇ સાક્ષાત અનુભવ પણ કરાવે છે. ભવસાગર તરવા માટે શ્રી મહાપ્રભુજીએ નામરૂપી નાવ આપ્યું છે. આ નાવને પ્રભુ ખુદ ચલાવે છે. આ નામરૂપી નાવને પ્રભુ ન ચલાવે તો પ્રભુના ધામમાં પહોંચી ન શકાય. વચમાંજ નાવ-લંગરાઇ જાય. માયા મોહના ખડકો સાથે અથડાય જાય તો ગાબડું પડે અને નાવને તળીએ બેસારી દે.

તે માટે પ્રભુ ખુદ નામ રૂપી નાવ શ્રી મહાપ્રભુજીની કૃપાએ મલ્યું છે. જેનું ભાગ્ય ખુલ્યું હોય છે તેને આમાં શ્રદ્ધા વિશ્વાસ થાય છે અને નામરૂપી નાવ ઉપર ચઢીને ભવસાગરથી પાર થઇ જાય છે. નામમાં બધાં સુકૃતોનો સમાવેશ છે. અથવા અનેક સુકૃતો કર્યા પછી પ્રભુ જ્યારે કૃપા કરે ત્યારે નામનું માહાત્મ્ય સમજાય છે, અને નામને સર્વસ્વ માની સતત તેનું સ્મરણ થાય છે. જેણે સતત નામ સ્મરણ કરવાનો નિશ્ચય કર્યો તેને પછી સત્સંગની જરૂર કેમ રહે ? સત્સંગ કરવાનો સમય સ્મરણથી જેમ જેમ હૃદય શુદ્ધ થતું જશે તેમ તેમ પ્રભુ નામ સ્વરૂપ દ્વારા અનેક અનુભવ કરાવતા રહેશે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.