દિવ્ય પ્રભુ – પ્રેમનું સ્વરૂપ અને પ્રાપ્તી
spacer
spacer

લે.પ.ભ. કિંકર

હવે આવા સ્નેહને ‘નિરહેતુક’કહ્યો નિરહેતુક એટલે પ્રિય પ્રભુથી પોતાને સુખ લેવું છે તેવી ભાવના નહિ. પરંતુ મારાથી પ્રભુને કેમ સુખ થાય એવી જેને નિરંતર ભાવના રહે તેને નિરહેતુક સ્નેહ કહેવાય છે પરન્તુ આવો નિરહેતુક પોતાના સ્વારથ વગરનો સ્નેહ પ્રિય પ્રભુમાં ત્યારે જ પ્રકટ થાય છે કે જ્યારે ભૌતિક અને આધ્યાત્મિક અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ હોય. એટલે કે ભૌતિક દેહના અધ્યાસો અને આધ્યાત્મિક ઈન્દ્રિયો અને અન્તઃકરણના પ્રાકૃત અધ્યાસો છુટીને પ્રભુના સંબંધવાળા અધ્યાસો બને ત્યારે સ્વારથ વગરનો સ્નેહ પ્રકટ થાય છે.
 
અહીં એમ પ્રશ્ન થાય કે પ્રભુ સંબંધી અધ્યાસો કેવી રીતે બને ? જવાબમાં, દેહને પ્રભુની સેવામાં જોડવાથી દેહના ભૌતિક અધ્યાસો ભૂખ-પ્યાસ, જનમ્-મરણ, ઠંડી-ગરમી, અને રોગાદિક દૂર થાય છે ઈન્દ્રિયોના અધ્યાસો પ્રભુમાં જોડવા તે એવી રીતે કે નેત્ર-ઇન્દ્રિયથી પ્રિય પ્રભુના સ્વરૂપનું જ નિરંતર ધ્યાન કરવું. જગતના પદાર્થોનું કે મનુષ્યોનું ધ્યાન ન કરવું. તેને નેત્ર ઈન્દ્રિયના અધ્યાસો પ્રભુ સંબંધી થયાં કહેવાય. સ્નેહ માર્ગમાં નેત્ર ઈન્દ્રિય ઉપર ખાસ કાબુ મેળવવાનો હોય છે તેથી એક રસિક કહે છે કે-
 
નૈના તોહી ન લાજ, જગત વિષય દેખ્યો કરે
ટૂટે પ્રેમ કી પાજ, યાહી તે કહેનો પરે.
 
રસિક ભક્ત પોતાના નેત્રને ખીટકાર આપે જગત વિષયને જોયા કરે છે ! પ્રિય પ્રભુ સિવાય નેત્રથી બીજુ જોવાથી સ્નેહીની પાજ કે જે અનન્યતા છે તે ટૂટી જાય છે. આપણું હદય સરોવર જેવું છે. તેમા પ્રિય પ્રભુના સ્નેહરૂપી જળ ભરવું છે, નેત્ર ઈન્દ્રિયથી બીજુ જોવાથી સ્નેહ-સરોવરની પાજ (કીનારો) તુટી જાય છે. આજ પ્રકારે એક અન્ય રસિક ભક્તે પણ કહ્યું છે કે –
 
એસે નહીં હમ ચાહન હારે,
જો આજ તુમ્હેં કલ ઓર કું ચાહે,
ફેંક દે આંખ નિકાલકે દોઉજો,
દુસરી ઓર મિલાવે નિગાહે.
લાખ મિલે સુમસે બઢકે,
તુમહીકો ચહેંગે સુમહીકો સરાહે,
પ્રાણ રહે જ્યોં લો ત્યો-લો હમ
નેહ કો વાતો સદાહી નિભાહે.
 
નેત્ર ઈન્દ્રિયથી પ્રિય પ્રભુના સ્વરૂપ સિવાય જ્યારે બીજુ કંઈજ ન દેખાય ત્યારે અનન્યતા સિધ્ધ થઈ કહેવાય છે. સ્નેહમાર્ગમાં નેત્ર ઈન્દ્રિય જો બીજુ ગ્રહણ કરે તો મહાન દોષ ઉત્પન્ન થાય છે. તેથી સ્નેહીજનો પ્રથમ પોતાની નેત્ર ઈન્દ્રિય ઉપર કાબુ કરતા હોય છે.
 
હવે કર્ણ ઈન્દ્રિયથી પ્રિય પ્રભુની દિવ્ય લીલાઓનું શ્રવણ કરવું લૌકિક વિષયોનું શ્રવણ ન કરવું અને રસના એટલે જીભથી પ્રભુના ગુણગાન અને આપના મહા મંગલમય નામનું નિરંતર સ્મરણ કરવું આ રીતે ઈન્દ્રિયોના વિષયમાં પ્રિય પ્રભુનો સંબંધ રહી આવવાથી તેના લૌકિક અધ્યાસો દૂર થાય છે.
 
હવે અન્તઃકરણના અધ્યાસોમાં મનના સંકલ્પ વિકલ્પ રૂપી વિચારો જે લૌકિક સંસાર અને જગત સંબંધી થાય છે તેની જગ્યાએ પ્રભુના સુખનાજ અથવા પ્રભુની દિવ્ય લીલાઓનાજ વિચારો થવાથી મનના લૌકિક અધ્યાસો દૂર થાય છે. મન પછી લૌકિક તત્વ છે. તે બુધ્ધિનો ગુણ નિર્ણય અને નિશ્ચય કરવાનો છે તો બુધ્ધિનો નિશ્ચય પ્રિય પ્રભુના સ્વરૂપમાંજ કરવો એટલે કે મારા આત્માના પતિ પ્રભુ જ છે, પ્રભુ જ મારૂં સર્વસ્વ છે, મારો નિત્ય અજર-અમર સંબંધ પ્રભુ સાથે જ છે. હું પ્રભુથી વિખુટો પડી પ્રભુના સંબંધને ભૂલીને દેહના નાશવંત સ્ત્રી-પુત્રાદિક અથવા પતિ-પુત્રાદિકમાં સંબંધમાં અરૂઝાઈ ગયેલ છું. પ્રભુ સાથેનો જ સંબંધ નિત્ય અને અવિનાશી છે. આવો નિશ્ચય કરીને બુધ્ધિને લૌકિક સંબંધના વિષયોમાંથી નિવૃત્તિ કરી પ્રભુમાંજ સ્થિર કરવી.
 
બુધ્ધિ પછી ચિત્ત તત્વ છે. તે ચિત્તનો ગુણ જ્ઞાન ધારણ કરવાનો છે. તે ચિતમાં પ્રિય પ્રભુના સ્વરૂપનુંજ અને આપની દિવ્ય લીલાઓનુંજ જ્ઞાન રહે, લૌકિક વિષયોનું જ્ઞાન ન રહે ત્યારે ચિત્તનો અધ્યાસ પ્રભુ સંબંધી થાય છે. હવે ચિત્ત પછી અહંકાર નામનું તત્વ છે આ અહંકાર દેહના સંબંધનો છોડાવીને પ્રભુના સંબંધવાળો કરવો. એટલે કે હું અમુકનો પિતા, અમુકનો પુત્ર, અમુકનો ભાઈ, અમુકનો પતિ, અથવા હું અમુકની પત્ની, અમુકની માતા, અમુકની બહેન-આવા લૌકિક સંબંધવાળા અહંકારને છોડીને પ્રભુ મારા પતિ છે, હું આપની પત્ની છું, પ્રભુ મારા પ્રિયતમ છે, હું પ્રભુની પ્રિયતમા છું, પ્રભુ મારા સ્વામિ છે, હું પ્રભુની દાસી છું,- આવો પ્રભુના સંબંધવાળો અહંકાર રાખવો. અને આવા પ્રભુસંબંવાળા અહંકારથી મારે મારા આત્માના સંબંધી પ્રિય પ્રભુની સેવા-સ્મરણ-ગુણગાન ધ્યાન વિગેરે કરવું જોઈએ તેવો નિરંતર વિચાર કરવો.
 
આવી રીતે અન્તઃકરણમાં રહેલા મન-બુદ્ધિ-ચિત્ત અને અહંકાર નામના ચારે તત્વોને પ્રિય પ્રભુ સાથે જોડી રાખવાથી અને દેહ ઈન્દ્રિયોમાં પણ પ્રભુનોજ સંબંધ રહી આવવાથી પ્રિય પ્રભુજ આપણા આત્મારૂપ થઈ જાય છે. ત્યારે સ્વારથ વગરનો નિરહેતુક સ્નેહ-પ્રભુમાં પ્રગટ થાય છે જેમ લૌકિક અધ્યાસવાળો જીવ પોતાના દેહનેજ આત્મા માનતો હોવાથી દેહના સુખમાં પોતાનું સુખ માને છે. તેમ જ્યારે પ્રભુજ આપણા આત્મારૂપ બને ત્યારે પ્રભુના સુખમાં જ આપણને સુખ થાય છે. આવા સ્નેહને સ્વારથ વગરનો નિરહેતુક સ્નેહ કહેવાય છે. આવો સ્નેહ પ્રાપ્ત કરવામાં જે દેહ ઈન્દ્રિયો અને અન્તઃકરણના પ્રાકૃત અધ્યાસો દૂર કરવાના છે તે જીવની શક્તિથી દૂર થતાં નથી, પણ પ્રિય પ્રભુના સામર્થ્યથીજ થાય છે તેટલા માટે પ્રભુનો આશ્રય સેવા-સ્મરણ વિગેરે અલૌકિક સાધનો દ્વારા કરવો જોઈએ. પ્રભુની સન્મુખ અલૌકિક સાધનો દ્વારા રહેવાથી પ્રભુનું સામર્થ્ય આપણને પ્રાપ્ત થાય છે, અને આ સામર્થ્યથી ભૌતિક અધ્યાસો દૂર કરી શકાય છે. જેમ સૂર્યની સન્મખ રહેવાથી સૂર્યનો તાપાત્મક ગુણ આપણને તપાવે છે, તેમ પ્રભુની સન્મુખ રહેવાથી પ્રભુનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. પ્રભુમાં સામર્થ્ય દિવ્ય પ્રેમનું છે. તે આગળ કહેવામાં આવશે.
 
હવે ભૌતિક અધ્યાસને સત્વરે દૂર કરવામાં જે અસાધારણ સાધન છે તેનો વિચાર કરીએ ‘અસાધારણ’ એટલે તેની સમાન બીજુ કોઈ સાધન ન હોય તેને ‘અસાધારણ’ કહેવાય છે, પ્રભુ પ્રાપ્તિ માટે આવું અસાધારણ સાધન શ્રીસર્વોત્તમ સ્તોત્ર છે. શ્રી ગોકુલેશપ્રભુ પ્રભુ પ્રાપ્તિ માટે શ્રી સર્વોત્તમજીના ગુણગાનને અસાધારણ સાધન કહે છે, શ્રી સર્વોત્તમજીના સતત પાઠ રૂપી ગુણગાન કરવાથી દેહ, પ્રાણ, ઈન્દ્રિયો, અન્તઃકરણ અને જીવાત્મામાં રહેલા સમસ્ત પ્રાકૃત અધ્યાસો સત્વરે નિવૃત્ત થઈ જાય છે, અને સ્વારથ વગરનો સ્નેહ પણ પ્રભુમાં પ્રકટ થઈ જાય છે. દિવ્ય તત્સુખી સ્નેહ પ્રકટ થવામાં જેટલા પ્રતિબંધો છે તેનો મૂળમાંથી નાશ થઈ જાય છે. કારણકે શ્રી સર્વોત્તમજીના 108 નામ અલૌકિક અગ્નિરૂપ છે તેથી પ્રતિબંધોને સત્વરે ભસ્મ કરે છે. જેમ માન-મદથી પ્રભુ તિરોહિત થયા પછી ગોપીજનોએ તાપાત્મક પ્રણયરસ ભર્યું ગોપી ગીત ગાયું અને તેથી પ્રભુ તેમની મધ્યમાં પ્રકટ થઈ ગયા, તેમ શ્રી સર્વોત્તમ સ્તોત્રનું ગાન કરવાથી સમસ્ત પ્રતિબંધો સત્વરે દૂર થઈ જાય છે અને પ્રભુની પ્રાપ્તિ કરાવે છે. માટે શ્રીસર્વોત્તમજીના પાઠ રૂપી ગુણગાનમાં અવશ્ય આગ્રહ રાખવો.
 
શ્રી સર્વોત્તમજીમાં શ્રી હરિરાયપ્રભુને ઈષ્ટ ભાવ હતો. શ્રી હરિરાયપ્રભુએ અહોરાત્રી ત્રણ દિવસ શ્રી સર્વોત્તમજીનો પાઠ કરેલો અને તેથી શ્રીવલ્લભ વિઠ્ઠલનો સાક્ષાત અનુભવ કર્ચો છે. આ અનુભવ કર્યા પછી શ્રી સર્વોત્તમજીના મહિમાને જણાવવા માટે એક પદ આપશ્રીએ ગાયું છે તે પદ નીચે મુજબ છે-
 
કરીયે સર્વોત્તમ રસ પાન,
જાકી મહિમા કહાલો બરનો,
શ્રી મુખ કરત બખાન
અતિશય કરૂણા કર યા કલિમે,
કર્યો પુષ્ટિ જીવનકો દાન,
અર્ધ નિમિષકો વિલંબન કરીયે,
અબ આઈ સુખ ખાન
એક એક અક્ષર હૈ અધરામૃત,
ગુપ્ત રીત ગુણગાન,
‘રસિકદાસ’ઈનકે રંગ રંગ્યો
સો હે ભક્ત નિધાન.
 
‘શ્રીમુખ કરત બખાન’એટલે શ્રીજી સ્વરૂપ શ્રીગુસાંઈજી આ શ્રીસર્વોત્તમ સ્તોત્રના અપાર મહિમાને વખાણી રહ્યા છે. શ્રીજી સ્વરૂપ શ્રી ગુસાંઈજીએ શ્રીમહાપ્રભુજીના અપાર મહિમા વાળા સ્વરૂપનો જે અનુભવ કર્યો છે, તેને શ્રી સર્વોત્તમજી દ્વારા પ્રકટ કર્યો છે. તેથી શ્રીહરિરાયજી ઉપરના પદમાં કહે છે કે, જે શ્રીસર્વોત્તમજીના ગુણગાનમાં રંગાઈ ગયો છે તેવો ભક્ત મહાભાગ્યવાન છે. ઉપરનું પદ શ્રી હરિરાયપ્રભુએ શ્રી મહાપ્રભુના સ્વરૂપનો અનુભવ થાય તે માટે દયાળુ શ્રીહરિરાયપ્રભુએ તેનો મહિમા જણાવતા પદમા વર્ણન કરેલું છે. તેથી શ્રીવલ્લભપદ કમલના અનુરાગી ભાગ્યવાન જનોએ શ્રીસર્વોત્તમજીમાં ઈષ્ટભાવ રાખી શ્રી સર્વોત્તમજીનું ગુણગાનમા વેણુગીત, ગોપીગીત, યુગલગીત, અને ભ્રમરગીતનો તેમજ અષ્ટસખાઓએ પ્રભુની લીલાઓનું જે ગાન કરેલું છે તેનો પણ સમાવેશ શ્રી સર્વોત્તમજીના ગુણગાનમાં થઈ જાય છે વળી આટલું જ નહી પરન્તું ‘લીલા ધામમાં રાસ સમયે શ્રી સ્વામિનીજીઓ રસના આવેશથી જે મધુર ગાન કરે છે તેનો પણ સમાવેશ શ્રી સર્વોત્તમજીમાં થઈ જાય છે.’તેથીજ શ્રી હરિરાયપ્રભુ ઉપરના પદમાં કહે છે કે શ્રીસર્વોત્તમજીના મહિમાનું વર્ણન હું ક્યાં સુધી કરૂં ? અને શ્રીગોકુલેશ પ્રભુ પણ તેથીજ શ્રી સર્વોત્તમજીના ગુણગાનને પ્રભુ પ્રાપ્તિનું અસાધારણ સાધન કહે છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.