દિવ્ય પ્રભુ પ્રેમનું સ્વરૂપ અને પ્રાપ્તી
spacer
spacer

લે. પ. ભ. કિંકર

- કવિતા -

નેહ નિરવધિ, નિરહેતુક, નિરંતર જહાં,
સાધન રહિત જહાં સ્વરૂપ સુહાયો હે.
આરત અસહ્ય ઉર આતપ સહિત અંગ,
સ્વારથ ના લેશ, સુખ આપુનોન ભાયો હે.
વાત્સલ્ય વિવિધ રસ વલ્લભ કે હેતુમાંજ
હેતું ન વિચારે કછુ, યામે હેતુ પાયોહે.
યેહી શુદ્ધપુષ્ટિ આન પૂજા મર્યાદા સબ,
સિદ્ધ તમત ઓર કહા મેરે મન ન આયોહે.
 
પુષ્ટિ સૃષ્ટિના ચાર પ્રકારના વરણ-અધિકાર છે. (1) શુધ્ધ પુષ્ટિ, (2) પુષ્ટિ – પુષ્ટિ, (3) પુષ્ટિ મર્યાદા અને (4) પુષ્ટિ પ્રવાહ. આ ચાર પ્રકારના વરણીય જનોમાં શુધ્ધ પુષ્ટિ વરણીય ભક્તના ગુણો કેવા હોય છે તેને મહાનુભાવ શ્રી ગોપાલદાસજી આ કવિતામાં જણાવે છે.
 
“નેહ નિરવધિ નિરહેતુક નિરંતર જહાં ।””નેહ”એટલે પ્રભુમાં સ્નેહ. અને “નિરવધિ”એટલે સાગર સમાન. જેમ સાગરજળનો થાહ નથી. તેમાં અપાર જળ ભરેલું રહે છે, તેનો પ્રવાહ નિરંતર ચાલતો જ હોય છે, તેમાં જળ ઘટતું નથી, આવો સાગર ભરેલો સ્નેહ તેણે પ્રાપ્ત કર્યો છે તેને નિરવધિ સ્નેહ પ્રાપ્ત કર્યો છે એમ કહેવાય.
 
હવે આવો નિરવધિ સાગર જેવો સ્નેહ ભક્તોને ક્યારે પ્રાપ્ત થાય કે જ્યારે સર્વમાંથી મન નીકળી જાય અને પ્રભુના સ્વરૂપમાં જ નિરંતર લાગ્યું રહે ત્યારે આવો સ્નેહ પ્રાપ્ત થાય. કારણકે સાગર ભરેલો સ્નેહ તો સાક્ષાત પ્રભુના સ્વરૂપમાંજ રહેલો છે. તેથી આવા સ્નેહને પ્રાપ્ત કરવા માટે પ્રભુ સિવાય અન્ય સર્વમાંથી સ્નેહ નીકળી જાય અને પ્રભુના સ્વરૂપમાંજ સ્નેહ રહે ત્યારે પ્રભુ સ્વરૂપ રૂપી સ્નેહના સાગરમાંથી એક પ્રવાહ પ્રગટ થઈ જાય છે.
 
આપણા મનની વૃત્તિઓ નહેર જેવી છે. આ મનની વૃતિઓને જગત અને સંસાર પ્રપંચમાંથી હટતા પ્રભુ સાથે જોડવાથી વૃત્તિઓરૂપી નહેરમાં સ્નેહ સાગરમાંથી પ્રવાહ વહેવા લાગે છે, અને આ સ્નેહનો પ્રવાહ સાગરમાંથી આવતો હોવાથી તેનો નિરંતર અનુભવ ભક્તને થાય છે વળી કોઈ સમયે તૃપ્તિ થતીજ નથી તેથી રસિક ભક્તે કહ્યું છે કે-
 
પીવત પીવત રૂપ રસ,
બઢત રહત નિશ આશ,
‘દઈ’દઈ નેહી દ્રગન
અજબ અનોખી પ્યાસ
 
પ્રિય પ્રભુના સ્વરૂપ સૌન્દર્યામૃતનું પાન સ્નેહી ભક્તના નેત્રો જેમ જેમ કરતાં રહે છે તેમ તેમ સ્વરૂપામૃત-સુધા પાનની પ્યાસ બઢતી જ જાય છે અથવા પ્રિય પ્રભુના શ્રીમુખ સૌન્દર્ય સુધાપાનમાં આ ભક્તને તૃપ્તી થતી જ નથી, દિવ્ય સ્નેહની આવી અજબ અનોખી રીત છે એક ગોપીજન પોતાનો અનુભવ સખીને કહી રહેલ છે, તેનું વર્ણન ગોવિંદ સ્વામી એક પદમાં નીચે મુજબ કરે છે-
 
વિધાતા વિધિ હૂ ન જાની ।।
સુન્દર વદન પાન કરવેકો, રોમ રોમ પ્રતિ
નયન ન દીને, કરી યહ બાત અયાની ।।1।।
શ્રવણ સકલ વપુ હોતરી મેર,
તો સુનત પિય મુખ અમૃત મધુબાની ।।
અરિ ! મેરે ભુજા હોતી,
કોટિ કોટિ તો હોં ભેટતી
ગોવિંદ પ્રભુ સોં, તોઉ ન અઘાતસયાની ।।2।।
 
 આ પદમાં “રોમ રોમ પ્રતિ નયન ન દીને.....” એમ કહ્યું, તેનો અર્થ બે નેત્રોથી પ્રિયના સુન્દર શ્રીમુખનું પાન કરે છે તેથી તૃપ્તિ નહીં થવાથી રોમ રોમમાં નેત્રો ચાહે છે દિવ્ય સ્નેહની આવી અજબ અનોખી રીત છે. (વાણીના પતિ શ્રીવલ્લભ પ્રભુ શ્રીસુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે, ભગવાનના સંબંધનું અમૃત, અતૃપ્ત સ્વભાવવાળુ છે) દિવ્ય સ્નેહમાં અલૌકિક આનંદમય અગ્નિમાં ઘીની આહૂતિ દેવાથી અગ્નિ પ્રજવલીત જ બનતો જાય છે, તેમ દિવ્ય સ્નેહનો જેમ જેમ અનુભવ થાય તેમ તેમ સ્નેહ સુધા આસ્વાદની અતૃપ્ત વધતી જ જાય છે. પ્રભુના સંબંધવાળા દિવ્ય સ્નેહને આવા પ્રકારે જ જાણવો જોઈએ.
 
દિવ્ય સ્નેહ ને આવા પ્રકારનો જાણી લીધા પછી બીજા સ્નેહો કે જે અલ્પ આનંદનો અનુભવ કરાવનારા છે તેમાં કૃત્રિમતા દેખાવા લાગે છે. અથવા બીજા સ્નેહથી મળતા આનંદો પ્રત્યે વૈરાગ્ય જ રહી આવે છે. દિવ્ય સ્નેહને મેળવવા મનને બધેયથી નિવૃત્તિ કરી પ્રિય પ્રભુના સ્વરૂપ ધ્યાનમાં, ગુણગાનમાં અને સ્મરણમાં જોડવું જોઈએ દિવ્ય પ્રેમને મેળવવાની સાધનામાં ચાતક ઉદાહરણ રૂપ છે-
 
સબતે મનજુ નિકાસીકે,
લીયો અનન્ય વ્રત એક ।
પ્રાણ જાઓ, ‘પ્રણ ના જાઓ’,
યહ ચાતકકી ટેક ।।
 
અનન્યતા વિના દિવ્ય પ્રેમ પ્રાપ્ત થતો નથી અને બધાયમાંથી મનને નિવૃત્તિ કર્યા વિના અનન્યતા પ્રાપ્ત થતી નથી રસિક મહાનુભાવ નંદદાસજી પણ એજ કહી રહ્યા છે કે-
 
પ્રેમ એક, એક ચિત્તસો,
એકહી સંદ સમાય ।
ગાંધી કો સોદા નહી,
જન જન હાથ બિકાય ।।
 
પ્રભુમાં પ્રેમ અને જગતમાં પણ પ્રેમ રાખવો- એ રીતે પ્રભુ-પ્રેમને મેળવી શકાતો નથી. દિવ્ય પ્રેમમાં પ્રભુ સિવાય અન્યની ગંધ પણ મહાબાધક છે શ્રીગુસાંઈજીએ વિજ્ઞપ્તિમાં આજ્ઞા કરી છે કે- “અન્ય ,સંબંધ ગધોપિ, કંધરામેવ બાધતે”પ્રિય નપ્રભુના સંબંધ વિના અન્ય સંબંધનો વિચાર માત્ર મૃત્યુ જેવું દુઃખ પ્રેમીજનોને થતું હોય છે. જ્યારે એકાંગી સાધના કરવામાં આવે છે ત્યારે જ દિવ્ય પ્રેમ પ્રાપ્ત થાય છે. અને દિવ્ય પ્રેમ આત્મામાંથી પ્રકટ થાય છે અને આપણો આત્મા પ્રભુ છે, પ્રિય પ્રભુમાં જ એકાંગી ભાવ થાય ત્યારે દિવ્ય પ્રેમનો પ્રવાબ પ્રકટ થઈ જાય છે. આ દિવ્ય પ્રેમનો કેવો પ્રભાવ છે તે એક દોહામાં કહ્યું છે કે –
 
પ્રેમ પ્રકટ જબ હોય હે
ભૂલે જગતકો ભાન ।
તૂં તૂં તૂં રહી જાય હે,
‘હૂ’કો મીટે નિશાન ।।
 
આવો દિવ્ય પ્રભુ પ્રેમ પ્રકટ થયા પછી સ્નેહી ભક્તનું મન બીજા વિષયોને ભૂલી જઈને વારંવાર આ દિવ્ય સ્નેહના અનુભવમાં લાગેલું રહે છે. અને ત્યારે સ્નેહ વધીને આસક્તિનું સ્વરૂપ ધારણ કરે છે પ્રિય પ્રભુના સ્વરૂપમાં આસક્તિ થતાં દેહ અને દેહના સંબંધી સંસાર-પ્રપંચ ભૂલાય જાય છે, અને મનની સ્થિતિ સમુદ્રમાં ચાલતા જહાજના પક્ષી જેવી થઈ જાય છે એટલે કે જહાંજ ઉપર બેઠેલું પક્ષી જહાજને છોડીને ચારે કોર ઘૂમે છે, પરંતુ સર્વત્ર સમુદ્રનું જલ જ હોવાથી ક્યાંય બેસવીનું સ્થાન તેને નહી મળવાથી જહાજ નો જ આશ્રય તે લે છે તેમ આસક્તિમાં મનને પ્રભુના સ્વરૂપ સિવાય બીજે સ્વસ્થતા થતી નથી. અથવા પ્રિય પ્રભુના સ્વરૂપ લાવણ્યામૃત પાન વિના બીજુ કંઈપણ કરવાને મન અશક્ત થી જાય છે. ચાતક માટે કહ્યું છે કે –
 
દેખ સખી, ચાતક કથા
પ્રીતી રીત લપટાય,
નવઘન કે ફદા પરે,
અબ કહું ઉડ્યો ન જાય ।।
પ્રિય સ્વરૂપામૃત સુધા પાનમાં ફસાયેલું મન અન્ય સ્થાને જવામાં અશક્ત બની જાય છે, તેથી કહ્યું છે કે-
મન પંખી તબ લગ ઉડે,
વિષય વાસના માંહી
પ્રેમ બાજકી ઝપટમેં,
જબ લગ આયો નાંહી ।।

આવો આસક્તિવાળો સ્નેહ પ્રિય પ્રભુમાં થયા પછી આ સ્નેહ વ્વસમનું સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે પ્રિય પ્રભુના સ્વરૂપામૃત પાન વિના તેની એક એક ક્ષણ શતયુગ જેવી બની જાય છે એટલે કે એક ક્ષણ પણ સ્વરૂપામૃત પાન વિના જીવન ટકાવી શકાતું નથી આવો વ્યસન ભાવવાળો સ્નેહ થાય ત્યારે પ્રિય પ્રભુ સાથે તદાત્મક્તા થાય છે. એટલે કે “વ્યસન અવસ્થામાં નિરંતર પ્રિય પ્રભુના સ્વરૂપનું અખંડ ધ્યાન રહેતું હોવાથી કીટ ભ્રમર ન્યાયે, પોતે પોતાને ભૂલીને પ્રિય પ્રભુ રૂપ બની જાય છે.”હવે જ્યારે આવી અવસ્થાએ સ્નેહી ભક્ત પહોંચે છે ત્યારે પ્રભુમાં જે સાગર જેવો સ્નેહ ભરેલો છે તેને ધારણ કરવાનું સામર્થ્ય આભક્તને પ્રાપ્ત થાય છે આવો સ્નેહ જેણે પ્રાપ્ત કર્યો છે તેને નિરવધિ આનંદની પ્રાપ્તી થઈ તેમ કહેવાય – ક્રમશઃ

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.