કૃષ્ણ-નામ મહિમા
spacer
spacer

- પથિક

પાપ તાપ ટારે, ભય સંકટ નિવારે,
શોચ ઉદાસી મિટાવે, મન રહે સુખ ધામમેં ।।
કામ,ક્રોધ, લોભ, મોહ, મદ મત્સર દુર કરે,
અવિદ્યા સમાવે, મન રહે ઘનશ્યામમેં ।।1।।
અનાયાસ સબે સુખ, અશુભાદિ દુર કરે,
જગત જસ કૃષ્ણ દરસ, વસે કૃષ્ણ ધામમેં ।।
ઈત્યાદિ ફલ અનેક દેતહે, સ્વયં સદ્.,
“દયારામ”એસો બલ એક કૃષ્ણ નામમેં ।।2।।
 
પ્રભુથી વિમુખ રહેતા જીવનું મન આસુર ભાવના આવેશવાળુ બનવાથી અનેક દોષો ઉત્પન્ન થાય છે. આ દોષો પાપરૂપ છે. પાપ કર્મથી જીવને દુઃખ આવે છે. ભય ઉત્પન્ન થાય છે. તેના મનમાં ચેન રહેતું નથી એટલે શોકમાં ડૂબેલો રહે છે. જીવન ઉદાશીન બની જાય છે. આવા બધા તન મનના સંકટોને કૃષ્ણનામ દૂર કરે ત્યારે તેનું મન સેવા સ્મરણના દિવ્ય સુખ ધામમાં રહી દિવ્ય સુખનો અનુભવ કરે છે.
 
ભગવાનથી વિમુખ થવાથી કાળ માયાના પંજામાં જીવ સપડાય છે, ત્યારે તેના હદયમાં માયા પેસવાથી માયા દુઃખ દેનારા ગુણોને પ્રગટ કરે છે. તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ મત્સર(ઈર્ષા) છે. આ માયાના ગુણોથી જીવને શાંતિ મળતી નથી. કામ માંથી અનેક પ્રકારની વિષય વાસના જન્મે છે. વાસના જીવને ગુલામ જેવો બનાવી દે છે. કામમાંથી જ લોભ-મોહ, મદ, ઈર્ષા માયાના ગુણો પ્રગટ થાય છે. આવી દુઃખ દેનારી માયાના ગુણોને કૃષ્ણ નામ એવી રીતે દૂર કરી દે છે તે જેમ સૂર્ય ઉગતાંજ અંધકાર દૂર થઈ જાય છે. અથવા બીજુ દ્રષ્ટાંત સૂર્ય ઉગતા જ ઝાકળના બિન્દુઓનું શોષણ થઈ જાય છે તેમ દુઃખ દેનારા માયાના ગુણોનું કૃષ્ણ નામ શોષણ કરી લે છે ત્યારે દૈવી જીવનું મન પ્રભુમાં લાગે છે. કૃષ્ણ નામના સ્મરણથીજ અનાયસે જ કાળ માયાના કેદખાનામાંથી જીવ છૂટો થઈ જાય છે. પ્રભુનો સાક્ષાત્કાર થાય છે. આવા જીવનો જગતમાં યશ વધે છે. કારણકે પ્રભુ હદયમાં પ્રગટ થવાથી પ્રભુના દિવ્ય ગુણો દૈવીજીવમાં પ્રવેશ કરે છે. પ્રભુમાં અનંત દિવ્ય ગુણો છે તેમાંથી એક ગુણ પણ જે જીવમાં પ્રવેશ કરે તે જગતમાં પૂજનીય બની જાય છે. પ્રભુના ગુણોનો આવો પ્રભાવ છે. પ્રભુ જ્યારે પોતાના નામ સ્મરણ કરનાર જીવના હદયમાં પધારે છે ત્યારે તે જીવ કાળ માયાના બંધનમાંથી છુટો થઈ જાય છે. હવે તેને તેના દેહ સાથે અને જગત સાથે સંબંધો રહેતા નથી. આવો દૈવી જીવ પ્રભુના ધામમાંથી ભૂલો પડેલો અનેક જન્મ મરણની યાતના ભોગવીને પોતાના અજર-અમર દિવ્ય દેહથી અખંડ દિવ્ય સુખને ભોગવવા પ્રભુના ધામમાં પ્રવેશ કરે છે.
 
દયારામભાઈએ આ પદમાં કૃષ્ણ નામનો અદભૂત મહિમા બતાવ્યો છે. ભગવદીયો બહુજ દયાળુ હોય છે ભગવાનના સંબંધ વગરના સંસાર રૂપી કેદખાનામાંથી જીવને છોડાવે છે, અને વાસના જીવને ગુલામ બનાવે છે. આવી ગુલામીમાંથી પણ ભગવદીય વૈષ્ણવો જીવને મુક્ત હોય તેવા ભગવદીયોજ દૈવી જીવને માયાના કેદખાનામાંથી છોડાવી શકે છે. દયારામભાઈ બાલબ્રહ્મચારી હતા. સંસાર બંધનમાં નાખનારી માયાને પાસે ફરકવા ન દીધી. ગોપીજનના વલ્લભ (શ્રીઠાકોરજી)ની સાથે લગ્ન કરી પ્રભુમય જીવન ગાળ્યું. આવા દયાળુ ભગવદીયો જ લીલાધામમાંથી ભૂલા પડી સંસાર કેદખાનામાં સપડાયેલા દૈવીજીવને છોડાવી શકે છે. આ કથનનું દ્રષ્ટાંત બસો બાવનમાં રાજનગરના શેઠ કે જે સંસારની વાસનાનાં રચ્યાપચ્યા રહેતા હોવાથી પછીના જન્મોમા શ્વાન-સર્પ અને ગટરનો કીડો બનેલાં. તે કીડાને વિરક્ત વૈષ્ણવે ઉઠાવી ગોકુલ શ્રીગુસાંઈજી પાસે લઈ ગયા. શ્રીગુસાંઈજીએ આજ્ઞા કરી કે એ જીવ શ્રીયમુનાજીની કુંજનો છે, તેને શ્રીયમુનાજીમાં પ્રવાહીત કરો. લીલા ધામમાંથી ભૂલો પડેલો સંસારનો કેદી-વાસનાનો ગુલામ આવા જીવનો ઉદ્ધાર કરવા ભૂતલમાં ગુરૂદેવ અને દયાળુ ભગવદીયો શ્રમ લઈ રહ્યાં છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.