અહંકાર દૈવીજીવનો જાલીમ શત્રુ
spacer
spacer

લે. મધુકર

અહંકારથી થતાં ભગવદ્ સંબંધી સત્કર્મો (સેવા- સ્મરણાદિ)નો અંગીકાર પ્રભુ કરતા નથી અને પ્રભુ અપ્રસન્ન રહે છે, તે અહંકારી જીવને સમજાતું નથી. ચોરાશી  બસો બાવન વૈષ્ણવોની વાર્તાઓમાંથી અમારે શિક્ષા લેવાની છે કે ગોવિંદદાસ ભલ્લા શ્રીગિરિરાજજીમાં શ્રીજીની સેવા કરતા. નિત્ય શ્રીયમુનાજીની ગાગર ભરવા શ્રીગિરિરાજજીથી મથુરા જતા આવતા. આવી કઠીન શ્રમવાળી સેવા કરતાં પણ આ સેવાનું તેમનામાં અભિમાન રહેતું કે બીજા સેવકો મારી જેવી કઠીન સેવા કરી શકતા નથી.
 
આવા અહંકારથી શ્રીજી અપ્રસન્ન રહેતા તેથી શ્રીમહાપ્રભુજી પરિક્રમામાં બિરાજતા હતા ત્યાં શ્રીજીએ જતાવ્યું કે “તમારો સેવક મોકું ખીજાવે હૈ.”શ્રીજીની આજ્ઞા થતાં શ્રીમહાપ્રભુજી જતિપુરા પધાર્યા અને બધા સેવકોની પૂછપરછ કરી અને છેવટે ગોવિંદદાસજીને શ્રીજીની સેવામાંથી દુર કર્યા. આવા અહંકારથી ગોવિંદદાસજીની શ્રીજીની સેવા છુટી અને મથુરા કેશવરાયજીની સેવામાં જોડાયા. પુષ્ટિમાથી દુર થયાં, મર્યાદામાં જવું પડ્યું. ત્યાં પણ હાકીમના માણસોથી ઘાત થયો. આ બધું તેમની વાર્તાથી જાણી શકાય છે. “અહંકાર દૈવી જીવનો ભયંકર શત્રુ છે. દૈવી જીવને જનમ મરણના ફેરામાં પટકી દેનાર અહંકાર જ છે. જ્યારે ભગવદ્ સંબંધી અહંકાર પણ જીવનું પતન કરે છે તો લૌકિક દેહના સંબંધનો અહંકાર ચોરાશી લાખના ફેરામાં (જનમ્-મરણમાં) પટકી દે તેમાં તો કહેવું જ શું ?
 
અહંકારની જડતાના કારણે સંસારરૂપી વૃક્ષ અનેક શાખા રૂપે (સગાસંબંધી પરિવાર રૂપે) ફેલાયેલ છે. આ વૃક્ષ ઉપર માયાઓ મમતાની અમરવેલ બીછાવી દીધી હોવાથી તેમાં ઉરઝાય ગયેલો જીવ મરણપર્યંત બહાર નીકળી તેના નિત્ય સખા પ્રભુ પાસે જઈ શકતો નથી.
 
સત્કર્મોનું અભિમાન જીવમાં મદ ઉત્પન્ન કરે છે. મદ જીવને બેહોશ બનાવે છે. જેમ મદિરા પીધેલો બેહોશ બને છે ત્યારે શું કરૂં છું, ક્યાં જાઉ છું તેનું પણ ભાન ભૂલે છે. દૈવીજીવ આવા મદથી જ્યારે ભાન ભૂલે ત્યારે પ્રભુ પ્રાપ્તિના માર્ગ ચઢી જાય છે. આ પતનનો માર્ગ છે. અનેક જન્મોથી પાછળ પડેલા અહંકારની જડ કાઢી નાખવા માટે મહા કારૂણિક શ્રીમહાપ્રભુએ દૈવીજીવ ઉપર પરમકરૂણા કરી અષ્ટાક્ષર મહામંત્રનું દાન કર્યું છે. આ મંત્રમું સતત સ્મરણ કરતાં રહેવાથી અહંકાર નિવૃત થતાં પુષ્ટિ પ્રભુ સાથે દૈવીજીવનો ફરીને નિત્ય સંબંધ જોડાય છે અને દૈવીજીવ અલૌકિક સુખનો અનુભવ કરે છે. અને પ્રભુ સાથે નિત્ય સંબંધ જોડી દૈવીજીવ ભગવદ્ ધામમાં પહોંચી જવાનો અધિકારી બને છે.

શ્રીમદાચાર્યચરણની આજ્ઞાનુસાર સતત સ્મરણ કરતાં રહેવાથી અષ્ટાક્ષર જ સર્વ સિદ્ધ કરશે. અષ્ટાક્ષરના સતત સ્મરણ કરનારને કોઈના સંગની પણ જરૂર રહેતી નથી. કારણકે જેની જેવી આવશ્યકતા હોય તે સર્વ અષ્ટાક્ષર સિદ્ધ કરે છે. કારણકે શરણની મર્યાદા એવી છે. ઉપર પ્રમાણે અષ્ટાક્ષરનું અદભૂત ઐશ્વર્ય હોવા છતાં અસમર્પિત લેનારમાં આસુરી ભાવો ઉત્પન્ન થવાનો ભય રહે છે માટે આપણે સૌએ અસમર્પિતનો ત્યાગ કરવો ખૂબ જ આવશ્યક છે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.