“ભવ રોગને મટાડનાર હરિ નામ રસાયણનું પથ્ય”
spacer
spacer

પ્રેષક – પ. ભ. મધુ

હરિનું નામ રસાયણ સેવે, પણ જો પથ્ય પળાય નહિ ।
જો તેનું ફળ લેશ ન પામે, ભવરોગ કદી જાય નહિ ।।1।।
પહેલું પથ્ય અસત્ય ન વદવું, નિંદા કોઈની થાય નહિ ।
નિજ વખાણ કરવાં નહિ સુણવા, વ્યસન કશુંયે કરાય નહિ ।।2।।
જીવ સકલ આત્માસમ જાણી, દિલ કોઈનું દુભવાય નહિ ।
પરધન પત્થર સમાન ગણીને, મન અભિલાષ ધરાય નહિ ।।3।।
દંભ દર્પના દુર્ગુણોથી, અંતર અભડાવાય નહિ ।
પરનારી માતા સમ લેખી, કદિ કુદ્રષ્ટિ થાય નહિ ।।4।।
હું હરિનો હરિ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહિ ।
જે હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહિ ।।5।।
શક્તિ છતાં પરમાસ્થ કરતાં, પાછા પગલાં ભરાય નહિ ।
સ્વાર્થ તણા પણ કામ વિષે, કદિ અધર્મ આચરાય નહિ ।।6।।
કર્યુ, કરૂં છૂં, ભજન આટલું, જ્યાં ત્યાં વાત કરાય નહિ ।
હું મોટો મુજને સૌ પૂજે, એ અભિમાન ધરાય નહિ ।।7।।
હરિનામ અતુલિત મહિમાને, વ્યર્થ વખાણ મનાય નહિ ।
કપટ, દગા, છલ, પ્રપંચ, માયા, અંત સુધી અદરાય નહિ ।।8।।
દિન જન સેવા તે પ્રભુ સેવા, એહ સમજ વિસરાય નહિ ।
ઉંચ નીચનો ભેદ પ્રભુના, મારગડામાં થાય નહિ ।।9।।
નામ-રસાયણ સેવે સમજી, કષ્ચ કદીયે થાય નહિ ।
એ પથ્યોનું પાલન કરતાં, મરતાં સુધી ડરાય નહિ ।।10।।
પથ્ય-રસાયણ બન્ને સેવે. માયામાં લલચાય નહિ ।
તો “હરિદાસ” તણા સ્વામીને મળતાં વાર જરાય નહિ ।।11।।

સંત પુરૂષોએ શ્રી હરિનામના દિવ્ય રસાયણનું સેવન કરી પોતાના ભવરોગને દૂર કર્યો. પરંતુ તેટલાથી તેમને સંતોષ થતો નથી, કારણકે સંત તેનું જ નામ કહેવાય કે પર પીડાથી દુઃખી હોય. અહીં પર પીડાનો અર્થ સાંસારિક તૃષ્ણાથી દુઃખી જીવના દુઃખ દૂર કરવા તેવો થતો નથી, પરંતુ ભવ સાગરમાં અટવાતા દૈવી જીવોને શ્રી હરિની કૃપા થાય તેજ છે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.