પુષ્ટિફલનું સ્વરૂપ અને પ્રાપ્તીની વિચારણા
spacer
spacer

-  પ.ભ.શ્રીવલ્લભ પાદપદ્મ મિલિન્દ

“હે પથીક ! ચલદે અપને વતનમેં ।।”સુ.3-32-27માં શ્રીવલ્લભ આપ આજ્ઞા કરે છે કે “અતઃ સર્વ શાસ્ત્રાણાં ફલં વૈરાગ્યમ્”પુષ્ટિમાર્ગીય રસાત્મક સાહિત્ય ગદ્યપદ્યના અવલોકનનું ફલ વૈરાગ્ય પ્રાપ્તિ છે, કેવલ સ્વરૂપ સિવાય સર્વમાં અલ્પતા (તુચ્છતા) ની પ્રતીતિ થઈ જાય છે નિમિત્તે લીલામાં પણ પ્રાકૃતાંશની પ્રતીતિ થવાથી પ્રાપ્તિનું ધ્યેય દ્રઢ બને છે.
 
એક પદમાં પણ કહેલું છે કે, “બિન વૈરાગ્ય નહી પાઈ એ, ગિરધરકો અનુરાગ.”નિત્યલીલા સ્વરૂપના માહાત્મ્યને ગદ્ય-પદ્ય સાહિત્યથી જાણી લીધા પછી આ વૈરાગ્ય પ્રાપ્ત થવાથી હરિના વિરહનો સર્વત્ર અનુભવ થાય છે. જ્ઞાનીનું આ લક્ષણ શી.18માં શ્રી હરિરાયચરણોએ જતાવેલું છે. ગદ્ય-પદ્ય સાહિત્ય અવલોકનથી જો સર્વત્ર વૈરાગ્ય (રાગનો અભાવ) અને પ્રિયતમનો વિરહ ઉત્પન્ન ન થયો તો તે સાહિત્ય અવલોકનનું શું ફલ ? સ્વરૂપના સાક્ષાત્કાર વિના પુષ્ટિ જીવનની કઈ સાર્થકતા ?
 
પ્રિય સંગમ રાહિત્યાદ્,
વ્યર્થ સર્વે મનોરથાઃ
નિરપત્રપતા સિદ્ધયૈ,
જીવામિ સખી સાંપ્રતમ્ ।।
-વિજ્ઞપ્તિ 3-8
સુભગા એવ જાનંતિ પ્રિય સૌભાગ્યજં સુખમ્ ।
તદ્ હિનાયા-સ્તદીયેતિ પ્રસિદ્ધી શરણં સખિ ।।
- વિજ્ઞપ્તિ 3-7
 
પ્રણયમાર્ગીયને પ્રિયના સાક્ષાત સંબંધ વગરનું જીવન પ્રચૂર વ્યથાને ઉત્પન્ન કરનારૂં જો ન હોય તો પ્રણયમાર્ગમાં પ્રવેશ અને પ્રણયમાર્ગનો પરિચય-આ સર્વનું શું ફલ ?
 
રસાત્મક સાહિત્યના અવલોકનમાં અગ્નિમાં ઘૃતની આહુતિ દેતા જેમ અગ્નિ પ્રજવલીત બને છે, તેવો તાપક્લેશ પ્રિયના સાક્ષાત સંબંધ માટેનો, સાહિત્ય અવલોકનથી જો ન થાય તો તેનું શું ફલ ? પ્રિયનો સાક્ષાત સંબંધ નથી અને તેના લીલા ચરિત્ર અને ગુણગાનમાં આનંદ માની લેવો, અને સાક્ષાત સંબંધ માટેનો પરિતાપ ઉત્પન્ન નહી થવો, તેને અગ્નિમાં જલ નાખવા જેવું કેમ ન માનવું ?
 
“શ્રીવલ્લભ શરણ થકી સહુ પડે સહેલું- આ પંક્તિમાં “સહેલું”થવામાં જે રહસ્ય છે તે આપના તાપાત્મક સ્વરૂપના દાનથી છે. “સ્વામિન્ શ્રીવલ્લભાગ્ને ક્ષણમપિ ભવતઃ સન્નિધાને કૃપાતઃ પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદનદિક્ષાર્તિ તાપો જનેષુ”આ શ્લોકમાં આપની ક્ષણની સાનિધ્યતા પ્રિયતમના સાક્ષાત દર્શનની પ્રચૂર વેદના ઉત્પન્ન કરી દેનારી છે તેમ શ્રીગુસાંઈજી શ્રીવલ્લભાષ્ટકમાં આજ્ઞા કરે છે આપણને આવું સાનિધ્ય જો ન મળ્યું તો પુષ્ટિમાર્ગમાં પ્રવેશ કરીને આજ પર્યંતની જે જે કૃતિઓ કરી તેનું શું ફલ ?
 
જે અબુધ છે, પ્રમેયમાર્ગના રહસ્યને જે જાણતા નથી, તેની વાત જુદી છે. પરન્તુ પ્રભુકૃપાથી આ રહસ્યને જાણી લીધા પછી પ્રમેયને સાધ્ય ન કર્યું તો તે જાણવાનું શું ફલ ?
 
“પ્રેમાપિ હરિણા કૃતમ્”શ્રી વ્રજરત્નાઓને પ્રેમનું દાન પ્રભુએ જ બાલલીલાથી કર્યું. પરન્તું પ્રભુ પ્રાગટ્ય પહેલાં ગોપીજનોએ કલ્પ પર્યંત સ્વરૂપનું જે ધ્યાન છે તે ધ્યાનરૂપી સાધન (સ્વકૃતિ) પ્રભુના પ્રાગટ્ય થયું તે સ્નેહ સ્વરૂપનું જ વ્રજભક્તોના હદયમાં થયું છે. કારણકે જો હદયમાં સ્નેહ સ્વરૂપ ન હોય તો બહાર પ્રગટ સ્વરૂપમાં સ્નેહ થવો સંભવે નહીં. માટે પ્રાગટ્ય પહેલાં સ્વરૂપ ધ્યાન રૂપી જે સાધન ગોપાંગનાઓએ કરેલું છે તે સાધનમાં સ્વરૂપ ધ્યાનજ હોવાથી પોતાની સ્નેહ સ્વરૂપના પ્રાગટ્યમાં ધ્યાન દ્વારા પ્રભુ પોતે જ સાઘનરૂપ થયા છે. તેથી “પ્રેમાપિ હરિણાકૃતમ્”એમ કહ્યું છે. તે ધ્યાનરૂપી સાધન કૃતિરૂપે સંગત થઈ શકે છે. આથી જીવ કૃતિથી પ્રભુ સ્વરૂપ પ્રાપ્ત થવું શક્ય નથી એમ કહેવું ઉપરોક્ત કથનમાં યુક્ત નથી.
 
જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે.
તને પ્રગટ પદારથ ચારે રે ।।
ઉપરાંત ભજન ફલ આપે રે,
વ્રજમંડલ સ્થિર કરી સ્થાપે રે ।।
 
શ્રી મત્પ્રભુચરણનું સર્વાત્મભાવરૂપા શ્રી સ્વામિનીજી સ્વરૂપની કૃપાથી અથવા આપના આ સ્વામિની ભાવાત્મક સ્વરૂપના પ્રવેશથી ભજનાનંદનો અનુભવ થાય છે. આ કથનની સંગતીમાં “શ્રીવિઠ્ઠલેશ્વર ચિન્તન”ગ્રંથના શ્લોક 11-12-16નું અવલોકન કરવુ) જેમ અગ્નિકુમારિકાજીને કાત્યાયની પ્રવેશથી ભજનાનંદનો અનુભવ થયો, તેમ શ્રીવિઠ્ઠલનાથજીની કૃપાથી અનુભવાય છે, પરન્તુ અગ્નિકુમારિકાજીએ તે ફલ સાધના કરીને મેળવેલું છે, તેમ અસ્મદાદિએ પણ કર્તવ્ય પરાયણ રહેવું યોગ્ય છે.
 
ચાતક પક્ષી જાણે છે કે, સમય થયે નવઘન કૃપામૃતની વર્ષા કરશે જ, છતાં તે પ્રણય વેદનાભરી રટના છોડતો નથી, સમયની રહિ સ્વસ્થતાનો અનુભવ કરતો નથી. તેનું કારણ ચાતક પ્રણયમાર્ગીય છે. પ્રણયમાર્ગ નિશ્ચિંતતાનો નથી એમ ચાતક સૂચના કરી રહેલ છે.
 
શ્રી વલ્લભ વરકો મારગ બાંકો,
તામેં ચલે રસિક વિરહી જન,
બિચમેં કઠીન પ્રેમકો નાકો ।।1।।
ક્ષણ ક્ષણ પ્રાણ અકોર દેત હે,
તોઉ નહી સંતોષ હિયા કો ।
‘રસિકદાસ’શ્રી વલ્લભવર હે,
ફલરૂપ વિરહ જીનહિકો ।।2।।

અપરિચ્છિન્ન સત્તાના અધિષ્ઠાનમાં અનુભવાતું સ્વરૂપ, ઉપરોક્ત પદાનુસાર વિકળ અવસ્થાવાળા રસિક, વિરહી જનને પ્રાપ્ત થાય છે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.