અવહાગનીય પત્ર
spacer
spacer

મંગલમય ભગવાનની ઇચ્છાને જીવ શું જાણી શકે ? સર્વ તો ભદ્ર-ભગવાન સર્વનું ભલુંજ કરે છે. છતાં જીવ ભગવદ કૃતિને ન સમજતાં, માયાના પદાર્થો મેળવવા માટે માનવધર્મથી વિમુખ બની સાંસારિક ફાંસામાં ફસાઇ ઉભય લોકથી પતિત થાય છે. કળિયુગમાં નામસ્મરણનો અજબ મહિમા શાસ્ત્રોએ બતાવ્યો છે. ઇત્તર સાધનોનો મોહ છોડી જો જીવ નામસ્મરણમાં રત થાય તો જરૂર એનું કલ્યાણ થાય. નામસ્મરણ દ્વારા તરનાર અજામિલ મહા પાપી હતો. સિવાય સબરી, ધર્મવ્યાઘ્ર, સદન કસાઇ, તેમજ પુષ્ટિમાં ગુલાબખાન વિગેરેના અનેક દ્રષ્ટાંતો મોજુદ છે. છતાં જીવને ભગવદ્ નામમાં રસ નજ લાગતો હોય તો તે જીવ કમભાગિ છે એમ ચોક્કસ માનો. નવરત્ન ગ્રંથમાં ચિંતા નિવૃત્યાર્થ આપણા પ્રાણપ્રેષ્ટ શ્રીમદ્ વલ્લભાધિશજી આજ્ઞા કરે છે કે :-

તસ્માત્ સર્વાત્મના નિત્યં શ્રીકૃષ્ણ શરણં મમઃ
વધ્ધભિરેવ સતતં સ્થેય મિત્યવ મે મતિ ।
મતલબ કે અષ્ટાક્ષરનું મંત્રનું સતત સ્મરણ કરવું.
 
અને ગોપીજનોના ભાવનું દાન શ્રીગુસાંઇજીની કૃપાથી કોઇ ભગવદીય દ્વારા વ્રજમાં થશે. ગમે તેટલાં સાધન કરો પરંતુ તેનું મહાત્મ્ય ગોવિંદ ભગવાનના નામની બરોબરી કરી શકતું નથી. ગોવિંદ નામ કેટલું સુમધુર છે. મેઘયજ્ઞ છોડી શ્રીકૃષ્ણના કહેવાથી શ્રી નંદરાયજીએ ગોવર્ઘન યજ્ઞ કર્યો, એટલે ઇંદ્ર વ્રજનો નાશ કરવા અહંભાવને લઇ તત્પર થયો અને બારે મેઘોને આજ્ઞા કરી કે વ્રજનો નાશ કરો. ભગવાને ગોવર્ધનની છાંયમાં ગાય, ગોપી, ગોપ બાળકો વિગેરે સમસ્ત વ્રજને શરણ આપ્યું. અને રમતમાત્રમાં ગેંદવત્ ગોવર્ધનને ધારણ કર્યો. ઇંદ્ર માનભંગ થયો. છેવટે થાકીને હારિને ઇંદ્ર ભગવાન કૃષ્ણને શરણે આવ્યો. સાથે કામદુર્ગા ગાય લાવી ભગવાનને દુગ્ધથી અભિષેક કર્યો. અને ગોવિન્દ એવું નામ આપ્યું. મતલબ કે નામસ્મરણથી સર્વ વાસનાનો ક્ષય થાય છે.
 
હે વૈષ્ણવો, હાલમાં પાપાગ્નિ સર્વત્ર પ્રજવલ્લિત છે, પરંતુ તમે તે જોઇ ભયભિત ન થાઓ. કારણ કે ગોવિન્દ નામામૃતથી અર્થાત કૃપાવૃષ્ટિથી સર્વ પાપાગ્નિ શાંત થઇ જશે. સ્વામિના ભરૂસે રહેનાર સેવકને કાળનો પણ ડર નથી, તો અન્યનો નજ હોઇ શકે, એ નિર્વિવાદ છે. સચરાચર જગતના માલિક સ્વામિ શ્રી કૃષ્ણચંદ્રજ છે. એ ભગવાનની ઇચ્છા વગર વૃક્ષનું પાન પણ હલતું નથી, અને જે કાંઇ જગતભરમાં અત્યારે થઇ રહ્યું છે તેમાં ઇશ્વરેઇચ્છા જ કારણભૂત છે. એ સર્વ સમર્થ સંચાલક શ્રીકૃષ્ણનું દ્રઢ શરણ ગ્રહી હે જીવ, સંસારના ગમે તેવા વિકટપંથે તું જઇશ તો પણ તું નિર્ભય છે, કારણ કે તું સમર્થનો સેવક છો, એનો શરણસ્થ છો, ભગવાન તો ભક્તના ભક્ત છે. નાતો તો શ્યામ સુંદરસું કરીએ, જગતના નાતા કાંઇ કામના નથી. અંત સમયના સાચા સાથી ભગવાન શ્રીકૃષ્ણજ છે. વૈષ્ણવોએ આચાર-પ્રચાર પૂર્વક સેવા સ્મરણ કરવાનું છે. એમાંજ દરેકનું મંગળ છે. શ્રી ગુરૂદેવ પર શ્રદ્ધા રાખી તર્ક-વિતર્કને મનમાં સ્થાન ન આપતાં શ્રદ્ધાળું ચિત્તથી વૈષ્ણવે ધર્મ પરાયણ રહેવું, તેમાં જ ઉન્નતિ છે. વાદ-વિવાદનો કોઇ વખત અંત આવ્યોજ નથી, નાહાકની માથાકુટ કરવામાં સમય ન ગુમાવતાં ભગવદ્ ધર્મપરાયણ જીવન જીવવું એમાંજ કલ્યાણ છે.
 
પુષ્ટિમાર્ગ એક ભગવદ્ કૃપાની રાહ પર નિર્ભર છે. યથારાજા તથા પ્રજા એ વર્તાવ વર્તમાન સમયે આપણે જોઇ રહ્યા છીએ. સ્વરાજ્ય શાસકોની નિતિ સદધર્મને અનુરૂપ નથી. અને પ્રજામાં ઉછરંખલતા વધતી જાય છે, એટલે હાલનો કાળ ભગવદ્ ભકતો માટે સાનુકુળ નથી. પરંતુ સમયમાં ફેરફાર થયાજ કરે છે. ધર્મ માર્ગ પર આક્રમક વિચારકો પરીણામે વિજયને વર્યા નથી, તે અનાદિ સત્ય છે. ધાર્યું તો ધરણીધરનુંજ થાય છે. સંહારક શક્તિમાં આગળ વધેલું હાલનું સાયન્સ માનવ ધર્મની મહત્તાને ભુલાવી દે છે. અને માનવ પોતે વિધ્વંસક બને છે. પરંતુ તે અબુજ માનવને ખબર નથી કે, એક અવ્યક્ત શક્તિ તમારાં કરતાં ઘણી પ્રખર છે, તે એક ક્ષણમાં સર્વ કાંઇ કરવા સમર્થ છે. આજ ઇશ્વરના અસ્તિત્વનેજ ન માનનારા માનવીઓના હસ્તક રાષ્ટ્રનું ઘડતર થઇ રહ્યું છે કે જેમાં અન્ય કોઇપણ ધર્મવાદની વિચાર શ્રેણીની પૃર્છાની પણ અવગણના થઇ રહી છે. પરંતુ જગત પરિવર્તનશીલ છે નિર્વિવાદ સત્યને હાલ ભુલાઇ જવાયું છે. વસ્તુતઃ ગમે તે થાય પરંતુ એટલું તો કાળે કરી જરૂર સમજાશે કે ધર્મ વગરનું શાસન કોઇનું ટક્યું નથી, અને ટકવાનું પણ નથી. ધર્મનું રક્ષણ ધર્મજ કરે છે.
 
સર્વે તો ભદ્ર ભગવાન કૃષ્ણના આદેશને અનુસરવામાંજ આપણું કલ્યાણ છે. ભાગવતમાં વેન રાજા થયો. એણે ધર્મ પ્રણાલિકાનો નાશ કર્યો તો તે રાજયાસન પર ટકી શક્યો નહિ. તેમજ કૌરવોના શાસનમાં અહંત્વ હતું તો તે શાસન ટકી શક્યું નહિં. ભીષ્મ, દ્રોણ, અશ્વસ્થામા, કર્ણ તેમજ વિપુલ સૈન્ય સામગ્રી છતાં અહંભાવને લઇ વિજય ન મેળવી શક્યા, અને પાંડવો કે જેઓ અહંભાવથી રહીત હતા અને ધર્મજ જેનો પ્રાણ હતો તેમને વિજયશ્રી વરી. ધર્મવિદોની કસોટી જરૂર થાય છે, પરંતુ પરીણામે ધર્મનો જય થાય છે. તે નિર્બાધિત સત્ય છે. ‘અંત તો ગત્વા’ શ્રી હરિ શરણના ચાહકોએ તો કાળ-બળને ન ગણકારતા ધર્મમય જીવન ગાળવું એવી દ્રઢ પ્રતિજ્ઞા કેળવવી. ભગવાનને કોઇ કાળમાં ન ભુલવા એવો શ્રીમદાચાર્યનો મત છે. જીવન અલ્પ છે, કાળના પ્રચંડ વાવાઝોડાનાં ઝંઝાવાતમાં અટવાયેલું છે, માટે સાવચેત રહી ખોટા પ્રલોભનની રાહો છોડી સદધર્માનુસાર રસમ ગ્રહણ કરવી એમાંજ શ્રેયતા છે. પુષ્ટિમાં સેવા સ્મરણ, ભજન, સત્સંગનો મહિમા ઠેકાણે ઠેકાણે કહેવાએલ છે અને તેનું સેવન સતત કરવું એવી આજ્ઞા છે. શાસ્ત્રોનો ગર્ભિત આશય ચારિત્ર્યોનું સુક્ષ્મ દ્રષ્ટિથી અવલોકન કરો તો તેમાંથી ઘણુંય અનુસરવા જેવું લાગશે અને તે પ્રમાણે અનુસરવાથી અવસ્ય મનોબળ દ્રઢ થશે, અને ભગવાન શ્રીકૃષ્ણના સેવા સ્મરણમાં આદર થશે. માટે નિખાલસતાથી અહંત્વ મમત્વતજી પ્રિયતમ શ્રીકૃષ્ણના અનુરાગી બનીએ તેમાંજ આપણા સર્વનું કલ્યાણ છે.
 
ભગવાને હાથ પ્રભુ સેવા માટે આપ્યા, પણ ભગવદ મંદીર દર્શનાર્થે જવા માટે છે. ભગવદનામ લેવા માટે છે, કર્ણ ભગવદ્ શ્રવણ કરવા માટે છે, અને આ સંસાર તરવા ભક્તિ રસામૃત દીનતા એ અને અભિમાન હોય તો બુડી જવાય દાસને અભિમાન હોવું જ ન જોઇએ જેમ પતિ સિવાય અન્યગતિ જ ભક્તને ભગવાન વગર ગતિ પ્રેમધન, ભક્તિધન, એ સાચાં વૈષ્ણવોએ સંગ્રહ કરવો જોઇએ. હરિ નામ બડો ધન, હરિજનકો આ ધન સર્વ સમર્થ સહાયક ના સંગાથી શ્રી હરિ જ છે, અંત બેલી તેજ છે તે નાથના સિવાય, સહારા સિવાય બીજો કોઇ નિસ્તરવાનો નથી, શુદ્ધ પ્રેમથી તેને સેવો, તેનું સ્મરણ કરો, તેને વિનવો, ગદ્ ગદ્ ગીરાથી થઇ અનેક પ્રકારની ભાવસામગ્રી ને આરોગાવો. રોમ રોમ પુલકીત થઇ જાય એવી રીતે સ્વરૂપ જાણે કે સાક્ષાત જ બોલતા હોય એમ સમજી તેનો સ્પર્શ કરો. કોમળભાવથી સુકુમાર લાલનને લાડ લડાવો. ભૌતિક ધન, માલ વૈભવ સર્વની તેના પર ન્યોછાવરી કરો. ચોક્કસ માનજો કે પ્રિયતમ પ્રેમ વગર રીઝતો નથી, શુષ્ક તેમજ લુખા લાડથી પ્રાણેશ પ્રસન્ન થતા નથી. એ તો દીલની ખરી લગનીનો ચાહક છે. ગોપીકાઓનો દાખલો સર્વ સંમત સુપ્રસિદ્ધ છે. ભગવાન તેની પ્રેમીકાને વશ છે, તે ઇચ્છે તેમ તેના આંગનમાં નાચે છે, તેની સાથે અનેકવિધ ખેલ ખેલે છે. પુષ્ટિમાર્ગ તો સ્નેહનો ખજાનો છે. આ સમ્પ્રદાય સ્નેહ શીરોમણી છે. અહીં તો પ્રેમ ભક્તિનું સામ્રાજ્ય છે. અને પ્રેમનો અધિકાર સર્વને છે.
 
વૈષ્ણવો, પુષ્ટિમાર્ગ તન્મયતાનો છે. સર્વ ભાવથી તેમજ સર્વેન્દ્રિયથી લલિતલાલનના બનવાનું છે. કોઇપણ ઇંદ્રિય હરિ રસથી વિમુખ ન જોઇએ. શ્રી હરિભગવાનના દિવ્ય આનંદાત્મક અભૂત મહાત્મ્યનું ભાવપૂર્વક શ્રવણ કરો. સમસ્ત વિશ્વના કલ્યાણકર મંગલમૂર્ત પ્રભુના પવિત્ર નામોનું પ્રેમસહ કિર્તન કરો, પ્રભુના ઉભય ચર્ણારવિંદનું ધ્યાન કરો, તેનું ચિંતન કરો. આદર તેમજ સ્નેહસહ પ્રભુની સેવા કરો, પ્રભુના અનન્ય દાસ તેમજ સખા બનો. ભગવાનની સાથે અનેક પ્રકારનો વાર્તાલાપ કરો અને તે પ્રેમમૂર્તિ ભગવાન કૃષ્ણની સેવામાં તન, મન, ધન સર્વ અર્પણ કરો, અને તે સ્વરૂપ પ્રેમમાં તન્મય બનો. કેટલી સુંદર માર્ગીય પ્રણાલિકા છે. પુષ્ટિના વિધવિધ સાહિત્યો સર્વ ભાવભર્યા છે, અને તે કેવળ શુદ્ધ પ્રેમથી સીચાએલ છે. ભક્તના મનોરથનો થાહ નથી. નિષ્કામ પ્રેમનો ભક્તિમાર્ગ અને પુષ્ટિમાર્ગ એવું નામ આપેલું છે. ભગવદ્ અનગ્રહજ તેમાં નિર્વાહક છે, વૈષ્ણવો સર્વ અનુગ્રહ ભાજન છે. વૈષ્ણવો ગોપી પ્રેમ તેમજ ભક્તિ રસના અધિકારી છે કારણ કે તેઓ દિક્ષિત છે, ભગવાન વિચારે તોજ વૈષ્ણવ દિક્ષા પ્રાપ્ત થાય છે. સેવકે સ્વામિ પ્રત્યે સદા વફાદાર રહેવું જોઇએ એ સેવકની સહજ ફરજ છે. આપણે જો તે ફરજને નહિં અનુસરીએ તો જરૂર આપણું અકલ્યાણજ છે.
 
ભગવાન સુચતુર છે, સુંદર સામગ્રીના ભોક્તા છે. તમો તેના થશો તો તે તુર્તજ તમારો થઇ જશે, કારણ કે ભક્તિની આગળ પ્રભુ પોતાની પ્રભુતા ભુલી જાય છે. એ તો ભાવમૂર્ત છે, પ્રેમનો ચાહક છે. જે બને તે કરો, પરંતુ પ્રેમથી કરો, નામસ્મરણ કરો તો પ્રેમસહ હોવું જોઇએ, સંસારને તરવા માટે ભાવપૂર્વક ભગવદ નામસ્મરણ શિવાય બીજો કોઇ ઊપાય નજરે આવતો નથી. ધંધાદારીઓ અનેક ઉપાયો (સાહસો) ધન મેળવવા માટે ખેડે છે, અને તેમાં ઘણી અકલ હોંશીયારી વાપરે છે, તેમ છતાં કોઇ વખત ભારે નુકશાની આવી જાય છે અને તે પાયમાલ બની જાય છે. પરંતુ ભગવદ નામનો વેપાર કેવળ નફા વાળોજ છે. એમાં નુકશાન તો નથી જ, એમાં તો ડગલે અને પગલે શરૂઆતથી આખર સુધી લાભ, લાભ અને લાભજ છે. આવો લાભદાઇ વ્યવસાય છોડી કેવળ ધન પ્યાસુ બની, ભગવાનને સ્મરવા ચુકી જઇ કેવળ અંધવત ધંધાના આવેશ મસ્ત બનવામાં ઉભય બગડે છે એમ તમો ચોક્કસ માનજો. ઐહિક તેમજ પારલૌકિક બન્ને સાધે એનું નામ વિજેતા કહેવાય. કેવળ ઐહિક સાધવા જશો તો જરૂર તેમાં તમો ખતાજ ખાવાના છો. જે કાંઇ પ્રવૃત્તિ કરો, તેમાં ભગવાનને ભુલી ન જવાય એ ખાસ જીવન ક્રમ હોવો જોઇએ. અને જો તમો ધંધામાં પણ ભગવાનનું પ્રધાન પદ રાખશો તો જરૂર તમારો ભૌતિક ધંધો પણ લાભદાયી થશે. માટે નાથને કોઇ કાળમાં ભુલશો નહિ.
 
સાધુ નામ ભક્ત એ સમદર્શી છે. ભગવાન પણ સમદર્શી કહેવાય છે આ જગતમાં જેટલા જીવ પ્રાણીમાત્ર છે તેમાં ભગવાન કૃષ્ણ બિરાજે છે, એટલે આપ અંતર્યામિ કહેવાય છે. રૂપ નામના વિશેષ ભેદ વડે કરી સ્વયં પ્રભુજ જગતમાં ક્રીડી રહ્યો છે. એટલે આ જગતને પુષ્ટિમાં ક્રીડા માંડ કહેલું છે એટલે જીવ પ્રાણી માત્રનું ભલું ચાહવું, શક્ય હોય તેટલું આપણાથી બને તેટલું સુખ આપવું, તેમના હિતમાં પરાયણ રહેવું એ વૈષ્ણવોનો ધર્મ છે એટલાજ માટે સર્વાત્મ ભાવની સિદ્ધિ પુષ્ટિમાં સર્વોચ્ચ પદે છે, એથી વિપરીત જો તમો અન્ય જીવોનો વ્દેષ કરતાં હશો, તેમજ દ્રોહ અને કઠોર શબ્દોથી હૃદયને આઘાત પહોંચાડતા હશો, ક્રોધ તેમજ અભિમાનથી પ્રેરાઇ તેમનો તિરસ્કાર કરતા હશો, તેમજ લોભાદિકને વશ થઇ ખોટા દંભથી તેમની સંપત્તિનું હરણ કરતા હશો તો તેથી ભગવાન જરૂર રૂઠસે ભલેને પછી તમારો સ્વાંગ વૈષ્ણવ અને ભલેને તમો સેવા કરતા હોવ દંભાત્મક આડંબરથી ભગવાન નથી. ભગવાનને પ્રસન્ન કરવા જરૂર નથી, તેમજ વેષપરિધાન અગરતો પાંડિત્ય તેમજ ભગવા કપડાંની જરૂર નથી. ભગવાનને પ્રસન્ન કરવા નિર્મળ મનનીજ જરૂર છે. ભગવાન દાન, દિનતા, પવિત્રતા, શ્રદ્ધા, પ્રેમ અને સંતોષથી પ્રસન્ન થાય છે. સદગુણોનેજ વરી છે.
 
શ્રી ગિતાજીમાં ભગવાન કહે છે ભુત પ્રાણિ માત્રમાં જેની સમાન દ્રષ્ટિ છે એજ મારી ભક્તિ પામે છે. ઉપર લક્ષણોથી અલંકૃત ભક્તિમાન જે વૈષ્ણવ છે તે મને અતિ પ્રિય છે. સુખ-દુઃખના તરફ સમતા કેળવવી એ વૈષ્ણવનું ખાસ ધ્યેય હોવું જોઇએ. આપ વિચારો કે પરમભક્ત રસખાનજી તેમને રસની ખાણ કહેવામાં આવે છે. તેઓ દિલ્લીશ્વરના કૃપાભાજન હતા તેમજ અફસર હતા. જાતિના પઠાણ હતા છતાં વૈષ્ણવ હતા. તેમનો વેશ પણ વૈષ્ણવતાનો હતો. એટલે અન્ય મુસ્લીમો તેમનો વ્દેષ કરતા હતા. તેમની વારંવાર પજવણી કરતા. પરંતુ એતો ચુસ્ત હતા. શાહિ દરબારમાં એક વખત ધાર્મિક ચર્ચાનો વિષય છેડાયો તેમાં પંડિતો અને મોલવીઓ હતા. અકબર શાહ પણ દરબારમાં બેઠા હતા. ચર્ચા ચાલતાં સરસખાનજી સાથે પંડિતોએ વેદની તેમજ ત્યાગ વૈરાગ્યની ચર્ચા કરવા માંડી તેમજ અનેક પ્રશ્નોની છણાવટ કરી. તે સર્વ પ્રશ્નોના જવાબમાં સરખાનજીએ એ કહ્યું કેઃ-
 
નહી હમ વેદકે વાદો વિરાગી મન હમારા હૈ
નહી હમ વેષકે યેતી હમારા પંથ ન્યારા હૈ
દેખી દિલ દુર બીનોસે જહાં તહા પિય પ્યારા હૈ
છુર હમ ચેકકી સેવા બલી જીસકા પસારા હૈ
 
ભક્તવર્ય રસખાનજી કેટલી ઉંચી ભાવનામાં મસ્ત છે એ એમના ઉદગારોમાં સ્પષ્ટ તરી આવે છે.
 
પરંતુ ભાઇ હાલ વૈષ્ણવતા તો દૂર રહી. પરંતુ માનવધર્મ પણ આપણે ચુકી ગયા છીએ. શ્રી પંચામૃતમાં શ્રી વ્યાસબાવા કહે છે. વૈષ્ણવતા ધર દૂર હૈ માનવ ધર્મ હું નાહી વૈષ્ણવો સર્વ ઉહાપોહથી મુક્ત બની ભગવાન કૃષ્ણને શોધો, તેમાંજ તમારી રસજ્ઞતા છે. ભગવાનની દીન હૃદયથી વિજ્ઞપ્તિ કરો. હે હરિ, હે કૃષ્ણ, હે સ્વામિ ! હું તને સર્વત્ર શોધું છું. હું દીન છું, અસહાય છું. એકલો છું, મારો કોઇ સંગાથી નથી, અંધકારમાં ઘુમુ છું, હું શું કરૂં, મારી વિપત કોને કહું, પ્રિયતમ તુ ક્યારે આવીશ. ક્યાં સુધી મને રખડાવીશ. મનથી હું મુંઝાઉ છું, રાહ સુઝતી નથી, ભવાટવિમાં અટવાએલ છું.
 
મહામોહના વાદળો ઉમટી રહ્યા છે. તારા દર્શન સ્પર્શ વગર બીજી કોઇ મને ઇચ્છા નથી. દયાનિધિ, મારી બાંહ્ય પકડી લે વ્હાલા, મને બચાવી લે, મારો પંથ તું સુગમ કરી દે, તારી પાસે લઇ લે, હું તનેજ ચાહું છું. મને તું સદાય તારી સમીપ જ રાખ, વધુ શું વિનવું ? વૈષ્ણવો ! આ વાર્તાલાપની દ્રષ્ટિએ જેવું સુજ્યું અગર તો સુજાડ્યું તેવું લખ્યું છે. તેમાં ભુલ હોય તો માફ કરશો.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.