Welcome to Shri Vallabh Anugrah .Com. Website dedicated to Shri Mahaprabhuji and Pusti Marg "શ્રી વલ્લભચરણકમલેભ્યો નમઃ"
spacer
spacer
ગો.૧૦૮ શ્રી વ્રજરત્નલાલજી મહારાજ
ષષ્ઠ 'પીઠાધિશ્વર'
સુરત


શ્રિ નન્દકુમારભાઇ ગાંધી
પરમ ભગવદિય શ્રી નંદકુમાભાઇ ગાંધી
અમદાવાદના વતની
 

સમગ્ર ભૂતલસ્થ વિદ્યમાન પુષ્ટિમાર્ગીય ગોસ્વામી આચાર્ય વલ્લભ વંશજ બાલકો ત્થા શ્રી વલ્લભ અનુગ્રહી વિદ્યમાન ભગવદીય વલ્લવી સૃષ્ટિ શ્રી વલ્લભ સિધ્ધાંત સમિતી છેલ્લા વીસેક વર્ષની પુષ્ટિકાર્યોની રચના અર્થે પ.પુ.ગો.શ્રી 108 નિ.લી. તિલકાયત મહારાજશ્રી ગોવિન્દરાયજી નાથ ધ્વારા – મુંબઇવાળા ત્થા ષષ્ઠપિઠાધિશ્વર (સુરતવાળા) શ્રી ગો.શ્રી 108 નિ.લી. શ્રી વ્રજરત્નલાલજી મહારાજશ્રીની આજ્ઞાથી થયેલી. પુષ્ટિ સિધ્ધાંતોથી કંઇ પણ વિપરીત થતું હોય કે વૈષ્ણવ ધર્મની વિરૂધ્ધમાં કંઇ પણ લખાણ, ક્રિયા કે કાર્ય થતું હોય તો તેને જડબેસલાક રોકવા માટેના સર્વે પાવર સાથેની આ એક માત્ર સમિતી પોતાની પૂર્ણ ક્ષમતાથી કાર્યરત રહી છે. જે સર્વે વૈષ્ણવ સૃષ્ટિને વિદિત હશે જ.

આ સિવાય આ સમિતી શ્રી મહાપ્રભુજીની, શ્રી ગુંસાઇજીની ત્થા શ્રી હરિરાય મહાપ્રભુજીની જીર્ણ થયેલી બેઠકના જીર્ણોધ્ધાર માટે પણ સતત પ્રયત્નશીલ રહેવાનો પ્રયત્ન કરી રહી છે.

છેલ્લા ત્રણેક વર્ષોથી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સૃષ્ટિને અતિ ઉપયોગી, પાયાની જરૂરીયાતવાળા સાહિત્ય ત્થા ઓડીયો સી.ડીનું પણ પ્રગટ કરવાનું કાર્ય અમારા પચ્ચીસ વર્ષની સત્સંગ પોષણકર્તા શ્રી વલ્લભપાદ્પદ્મ મિલીન્દ (શ્રી પ્રાણજીવનભાઈ પટેલ ભાવનગરના વતની) ના માર્ગદર્શન પ્રમાણે કરી રહ્યા છીએ. તેમજ દેશ વિદેશમાં પ્રત્યક્ષ જઇ પ્રચાર કરી રહ્યા છીએ. આ દરમિયાન અનુભવ્યું કે શ્રી વલ્લભના સિધ્ધાંતો, ગ્રંથો તેમજ આ વિષયમાં પ્રભુ પ્રાપ્તિના માર્ગને જાણવાનું સાહિત્યની ખૂબ જ માંગ વધતી રહી છે. જે વ્યક્તિગત રીતે પૂર્ણ કરવા માટે ખૂબ જ સાહિત્ય છપાવવા પડે અને મોકલવાનો ખર્ચ પણ તેનો બહોળા લાભ અત્યંત આતુર વૈષ્ણવસૃષ્ટિને ત્થા જરૂરી સત્સંગ મંડળો મળે તે હેતુથી અમારી www.shrivallabhanugrah.com ચાલુ કરતા અમો અત્યંત આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ. આ સાઇટ ના નામ પ્રમાણે અવલોકન કરનાર ભગવદિયને શ્રી વલ્લભની પૂર્ણ કૃપા થાય અને સાચો ભગવદ્ પ્રાપ્તિનો રસ્તો સત્વરે પ્રાપ્ત થાય જેથી શ્રી વલ્લભના શ્રમની નિવૃત્તી ની જે કંઈ ટહેલ અમારાથી બને તે થઇ શકે.

હાલના ઝડપી યુગમાં સત્સંગ કરવાનું સૌભાગ્ય સમયના અભાવમાં નિયમીત મળતું નથી. પરીણામે જીવ ઈચ્છા કરે તો પણ પુષ્ટિમાર્ગ વિષે જરૂરી પાયાનું જ્ઞાન જે શ્રી વલ્લભના માહાત્મ્યજ્ઞાનને દ્રઢ કરનારૂં હોય તે મળતાં વિલંબ થતા સુદ્રઢ સ્નેહ ભક્તિ કરવામાં પાછો પડે છે તેથી અમોએ આ વેબસાઇટમાં ઉપરની વસ્તુને અતિ મહત્વ આપી વર્ષો પૂર્વેના ભગવદિયોના હૃદયમાં કૃપા કરી શ્રી વલ્લભે બિરાજીને અમૃત ધારાની જેમ ભગવદ્ રસ છલકાવી પોતાના લેખોમાં સાંપ્રદાયિક માસિકોમાં છપાયેલ હતા તેનું મોટુ કલેકશન કરેલ તે વેબસાઇટ માં ઉપલબ્ધ કરી તાપાત્મક, સ્વરૂપાત્મક, વિરહાત્મક અને ફલાત્મક રસ જીવને પ્રભુના નિકુંજધ્વાર સુધી પહોંચવામાં ખૂબ જ ઉપયોગી થશે. અન્ય ભગવદિયો પાસે આવું પ્રગટ કરવાનું સાહિત્ય હોય તો ઈચ્છાથી મોકલી શકશે જે વેબસાઇટમાં પ્રગટ કરવાનો પૂરો પ્રયત્ન કરીશું.

આ કાર્ય શ્રી મહાપ્રભુજીના પ્રમેય બલથી એક સાથે પુરા વિશ્વમાં વસતા વલ્લભીયોને પ્રાપ્ત કરવાનું બની રહ્યું છે તેમાં મુખ્યતા પ.ભ.શ્રીવલ્લભ પાદપદ્મ મિલિન્દ ભાવનગર વાળાની છે. તેમની ભૂતલ સ્થિતી દરમિયાન ખૂબજ ભગવદિયો એ લાભ લીધો છે. અને હવે પ.ભ.દયારામભાઈની જેમ ભગવદ્ પ્રાપ્તિનો અનુભવી રસ્તો બતાવવા માટેની ઈચ્છા પૂર્ણ કરનારી આ વેબસાઈટ સૌ વૈષ્ણવો ઉપયોગ કરશે અને શ્રીમહાપ્રભુજીના શ્રમની નિવૃત્તી સત્વરે થાય તેવી અભિલાષા સહ..... દાસાનુદાસ નંદકુમારના સસ્નેહ સ્મરણ

Nandkumarbhai Gandhi has done Bhagwad Leela Pravesh on 11-01-2014

 


 

પરમ ભગવદિય શ્રી પ્રાણજીવનભાઇ પટેલ
(શ્રી વલ્લભપાદ્પદ્મમિલિન્દ
ભાવનગરના વતની)

 
 

 પ.ભ. પ્રાણજીવનભાઈ પટેલ ઉર્ફે શ્રી વલ્લભ પાદપદ્મ મિલીન્દ આ ભૂતલ પર આશરે 88 વર્ષ સુધી દૈવી જીવો માટે દેહ ટકાવી પોતાનું સ્વાસ્થ્ય પ્રતિકુલ હોવા છતાં, શ્રમ લઈને ખૂબજ પોષણ પુષ્ટિ જીવોને આપ્યું છે. તે હાલમાં ભૂતલસ્થ બિરાજમાન વલ્લભકુલ, વલ્લભીય વૈષ્ણવો તેમની નામ સેવાની સરાહના હાલ તેમની ભૂતલ સ્થિતી ન હોવા છતાં કરી રહ્યા છે કે તેમનું સ્વરૂપ અત્યંત નિગુઢ હતું. દમલાજીની જેમ શ્રી વલ્લભની તત્સુખ સેવા સિવાય બીજું કંઈ તેમના જીવનનું પ્રયોજન જ ન હતું.

ભાવનગરમાં ખેડૂત કુટુંબમાં જન્મ્યા પછી ત્રણ ચાર ધોરણનો સ્કુલ અભ્યાસ કર્યા પછી નાની નોકરી કરતા હતા. લગ્ન કર્યા પછી પત્નિ નાની ઉંમરમાં પ્રભુશરણ થતાં નાના બે બાળકો તેમના સાસુને સોંપી સંસાર વૈરાગી બની શ્રીમદ્ ગોકુલ, ચંદ્રસરોવર તથા મધુવન, રીઠોરા વિગેરે એકાંતિક જગ્યાએ રહી પ્રભુને ભોગ ધરી લેતા અને પ્રભુની આત્મ પ્રેરણા કૃપાથી માર્ગનું ખૂબજ સાહિત્ય પ્રકટ કરવાનું શરૂ કર્યું. સંસ્કૃતનું સાધારણ જ્ઞાન હોવા છતાં શ્રી સુબોધીનીજીના ગહન વિષયમાં પણ શ્રીમહાપ્રભુજીના ગુઢ આશયો જાણી તેને ગુજરાતી ભાષામાં વૈષ્ણવ સૃષ્ટિને જણાવતા અને પ્રભુ પ્રાપ્તિના રસ્તાને પ્રાપ્ત કરવા ઘણાંજ પુસ્તકોનું પ્રકાશન કર્યું. જેવાકે (1) આશરો દ્રઢ શ્રી વલ્લભાધીશનો (2) શ્રીમુખ બોલ્યા શ્રી હરિ (3) દિવ્યપ્રેમ તત્વ (4) શ્રી સર્વોત્તમ સ્તોત્રની ટીકા (5) શ્રીવલ્લભયશોગાન માધુરી (6) હરિરસ તબહીતો જાય પૈયે (7) મન પ્રબોધ (8) પદ્મનાભદાસજીના પદોની ટીકા (9) શ્રી વલ્લભાષ્ટકની ટીકા (10) શ્રી સપ્તશ્લોકીની ટીકા (11) શ્રી સુબોધીનીજીના સુત્રો પુષ્ટિમહારસદેન પ્રગટે વિગેરે પુસ્તકો/નોટોના રૂપમાં તેમના પરિકરને પ્રાપ્ત કરાવ્યું.

તેઓ સેવાના આગ્રહી હતા. અને સેવાનો અર્થ ભોગ ધરીને જ લેવું તેવા આગ્રહી હતા. સેવ્ય સ્વરૂપને જ સર્વસ્વ સમજવાનો આગ્રહ હતો. તેમની કૃપા-સંગથી ઘણાંજ વૈષ્ણવો પ્રભુની તત્સુખાત્મક સેવા કરતાં થયા હશે. નામરૂપ અને ગુણના વિષયના ખૂબજ આગ્રહી હતા. શ્રી વલ્લભાધીશના ચરણકમલનો દ્રઢ આશ્રય કરવા હંમેશા દૈવી જીવોને આગ્રહથી સમજાવતા. આ રીતે શ્રી મહાપ્રભુજીના ચરણકમલના રસના ભોગી ભમરા જેવા જીવનને કારણે સુરતવાળા પ.પૂ.ગો.108શ્રી નિ.લી. શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રીએ તેમનું “શ્રી વલ્લભપાદપદ્મ મિલીન્દ”નું નામકરણ આશરે 20-22 વર્ષ પૂર્વે કર્યું હતું. સંસારના 30 વર્ષ વ્રજવાસના 35 વર્ષ તે પછીના 20 વર્ષ ભાવનગર 5 વર્ષ મુંબઈ પોતાના પૂરા જીવનને દૈવોદ્ધાર પ્રયત્નાત્મા તરીકે સાર્થક કરનાર અલ્પ મહાનુભાવોમાં તેઓ એકમાત્ર હતા. તેમની ખોટ પુરી કરવા ચારે દિશામાં નજર દોડાવતા હજુ મને સફળતા મળી નથી.

તેમના વિરહભાવ સભર પચાસ વર્ષથી લખાતા લેખોનું કલેક્શન મારી પાસે બિરાજમાન હતું તે અમારી વેબસાઈટ www.shrivallabhanugrah.com પર આપવાનો સૂક્ષ્મ પ્રયત્ન કર્યો છે. જે પુષ્ટિજીવોને તેમનો પ્રત્યક્ષ સત્સંગ નથી મળ્યો તેમને પ્રભુ પ્રાપ્તિના રસ્તાને સરળતાથી પ્રાપ્ત કરાવશે જ તેવી દ્રઢ માન્યતા સાથે પ્રભુચરણમાં નિવેદન કરૂં છું.

આ વેબસાઈટ એમની ઇચ્છા આજ્ઞા પ્રમાણે તેમણે ભૂતલના દૈવી જીવોના હૃદયને શ્રીમહાપ્રભુજીમાં તથા શ્રી સર્વોત્તમમય કરવા અને શ્રી મહાપ્રભુજીના ભૂતલના શ્રમની નિવૃત્તી અર્થે જ તેમની સ્મૃતિમાં તેમની જ દાન થયેલ પ્રેરણા-કૃપાથી શક્ય બની છે. આ આખા પ્રોજેક્ટ પર તેમની અમી દ્રૃષ્ટિ હોવાથી વૈષ્ણવ સૃષ્ટિ તેનો ખૂબજ લાભ લેશે તેવી અભિલાષા. દાસાનુદાસ નંદકુમારભાઈના ભગવદ્સ્મરણ.

 

 


 

પરમ ભગવદિયશ્રી કંચનભાઈ ગાંધી, વડોદરા


 
 

નામથી આ વૈષ્ણવને ખૂબજ ભગવદિયો તથા ગોસ્વામી આચાર્યો જાણે છે કેમકે તેમના લેખો દરેક સાંપ્રદાયિક માસિકોમાં આવતા હતા. તેઓ શિક્ષક હોવાના કારણે તેમનું વાંચન, મનન ખૂબજ રહેતું. પુષ્ટિ સંપ્રદાયના પાયાના મજબૂત ગ્રંથો કે જે સંસ્કૃત યા વ્રજભાષામાં હોય તેને અક્ષરેઅક્ષર વાંચી તેનો નિચોડ કાઢવાનું કપરૂ કાર્ય તેઓ સહજતાથી કરી શકતા તેના કારણે તેઓના લેખો માર્મિક ખામી વગરના રહેતા. અન્ય માસિક લેખોના લેખમાં માર્ગથી સિદ્ધાંત ફરક થયો હોય તો જાહેરમાં માસિકોમાં તે વિષયની ચર્ચા લખી ભવિષ્યમાં તેવું સિદ્ધાંત વિહોણુ લખવાની કોઈ હિંમત ન કરે તેવા આકરા પ્રયત્નો તેમના રહેતા. તેથી તેમના લેખોમાં પુષ્ટિમાર્ગનો નિચોડ સહજતાથી કોઈને પણ પુછ્યા વગર વાંચનાર જાણી શકે તેવી સરલ ભાષામાં રહેતા.

 

આવા લેખો અમોએ બને તેટલા પ્રયત્ન કરી એકઠા કરી એકસાથે બધાજ પ્રસિદ્ધ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે. વૈષ્ણસૃષ્ટિને આનો ખૂબજ લાભ મળશે જ. જેઓ માર્ગમાં નવા આગન્તુકો છે તેઓએ આ લેખ વાંચવાથી કોઈપણ વસ્તુ ક્યાંય પુછવા નહીં જવુ પડે તેવા છે અને પુષ્ટિમાર્ગમાં આગળ વધી પરમફલની પ્રાપ્તિ કરશે જ તેમાં કોઈ સંદેહ નથી.

 


 

નંદદાસ


 
 

તેઓ સનાઢય જ્ઞાતિમાં સં. 1590માં શામપુર ગામમાં જનમ્યા હતા. નિકુંજ લીલામાં ભોજ સખા અને સખી તરીકે ચંદરેખા સખી હતા. સંવત 1607માં રાજા ઠાકુરના મંદિર ગોકુલમાં શ્રી ગુંસાઈજી દ્વારા બ્રહ્મસંબધ પ્રાપ્ત કર્યું હતું. તેમની સ્વરૂપ આશક્તિ શ્રી ગોકુલચંદ્રમાજીમાં હતી અને પ્રભુના શ્રી અંગમાં તેમનું સ્થાન ઉદરમાં હતું. માનસીગંગા તેમનું અધિકૃત દ્વાર હતું.

પ્રભુની કિશોરલીલામાં આસક્ત હતા અને શ્રીજીના મંદિરમાં શૃંગાર સમયે કિર્તન કરતા હતા. લીલામાં નિકુંજ પ્રિયતમ કુંજ અને સંબંધિત ઋતુ વસંત હતી. 12 વર્ષની નાની વયે તેમની અષ્ટસખા તરીકે નિયુક્તી થઈ હતી. આશરે 400 પદોની રચનામાં રાસપંચાધ્યાયી, ભ્રમરગીત પંચય મંજરી, શ્રી ગોવર્ધનલીલા વિગેરેની રચનાઓ નંદદાસની છાપથી થયેલી છે. સંવત 1646માં ફક્ત 52 વર્ષની ઉંમરે માનસીગંગા પર લીલાને પ્રાપ્ત થયા બાદ તેમની માનસી ગંગા પર સ્મૃતિ સ્થાન બનાવાયું છે.

 

 


 

ગોવિંદ સ્વામી


 
 

તેઓ સનાઢ્ય બ્રાહ્મણ જ્ઞાતિમાં સં. 1562માં ભરતપુર જીલ્લાના આંતરી ગામમાં જનમ્યા હતા. નિકુંજ લીલામાં સુદામા સખા અને સખીમાં ભામા સખી તરીકે હતા. સંવત 1562માં રાજા ઠાકોરના મંદિર શ્રીમદ્ ગોકુલમાં શ્રી ગુંસાઈજી દ્વારા બ્રહ્મસંબંધ દીક્ષા પ્રાપ્ત કરી હતી. તેમની સ્વરૂપ આશક્તિ શ્રી દ્વારાકાધીશમાં હતી અને પ્રભુના શ્રીઅંગમાં તેઓનું સ્થાન નેત્રમાં હતું.

ગિરિરાજજીની કદમ ખંડીમાં તેમનું અધિકૃત દ્વાર હતું અને હિંડોળા ત્થા આંખમિચૌલી લીલામાં આશક્ત હતા. લીલામાં કમલકુંજ અને સંબંધિત ઋતુ વસંત હતી. તેઓ 40મા વર્ષે અષ્ટ સખા તરીકે પદને પ્રાપ્ત થયા. આશરે ચારસો પદની રચના કરી ગોવિંદ છાપ થી આજે પણ પ્રસિધ્ધ છે. સં. 1642ના ફાગણ વદ-7ના રોજ શ્રી ગિરિરાજજી પર 80 વર્ષની ઉંમરે લીલાને પ્રાપ્ત થયા. ત્યારબાદ તેમનું સ્મૃતિ સ્થાન તરીકે કદમખંડીમાં સમાધિ બનાવાયી છે.

 

 


 

છિત સ્વામી


 
 

મથુરામાં ચતુર્વેદી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયો ત્યારે સં. 1572 હતી. નિકુંજ લીલામાં સુબલ સખા અને સખી તરીકે પદ્મા સખી હતા.સં. 1592માં મથુરામાં  શ્રીગુંસાઈજી દ્વારા દિક્ષિત થયા. તેમની આશક્તિ શ્રી વિઠ્ઠલનાથજીના સ્વરૂપમાં હતી. પ્રભુના શ્રી અંગમાં એમનું સ્થાન બાહુ કટિ હતું. તેમનું અધિકૃત દ્વાર ગિરિરાજજીનું અપ્સરાકુંડ હતું અને શ્રીજી મંદિરમાં તેઓ સંધ્યા આરતી સમયે કિર્તન કરતા. સંવત 1642માં અપ્સરા કુંડ પર તેમની લીલા પ્રાપ્તિ બાદ તેમનું સ્મૃતિસ્થાન બનાવાયું.

 

 


 

ચત્રર્ભુજદાસ


 
 

તેઓ ગોરવા ક્ષત્રિય કુટુંબમાં કુંભનદાસના પુત્ર તરીકે સં. 1597માં જમુનાવતા ગામમાં જનમ્યા હતા. નિકુંજ લીલામાં વિશાલ સખા અને સખી તરીકે વિમલા સખી હતા. સં. 1597માં જ શ્રી ગિરિરાજજીના ઉપર શ્રીનાથજીના મંદિરમાંશ્રી ગુંસાઈજી દ્વારા બ્રહ્મસંબંધ થયું હતું. તેમની સ્વરૂપ આશક્તિ શ્રી ગોકુલ નાથજીમાં હતી.

તેઓનું રૂદ્રકુંડ અધિકૃત દ્વાર હતું અને પ્રભુની ગોવર્ધનલીલા, અન્નકૂટ લીલામાં આશક્ત હતા. સંધ્યા સમયે ભોગના કિર્તનો કરવાનો તેમનો નિશ્ચિત સમય હતો. લીલામાં તેમની પુષ્પકુંજ અને સંબંધિત ઋતુ વર્ષાઋતુ હતી. આસરે બસો પદની રચના કરી સં. 1642 ફાગણ વદ-7ના રોજ રૂદ્રકુંડસ્થળ પર માત્ર 45 વર્ષની ઉંમરે લીલા પ્રાપ્ત થયા હતા. 5 વર્ષની ઉંમરે અષ્ટ સખામાં નિયુક્તિ થનાર ચત્રભુજદાસની સ્મૃતિ સ્થાન રૂદ્રકુંડ પર દર્શન થાય છે.

 

 


 

સુરદાસજી


 
 

તેઓ જ્ઞાતિએ સારસ્વત બ્રાહ્મણ હતા, જન્મ સિહીમાં વૈશાખ સુદ 5 સને 1935માં થયો હતો. નિકુંજલીલાના સખા તરીકે કૃષ્ણ સખા અને સખી તરીકે ચંપક લતા સખી હતા. બ્રહ્મસંબંધ શ્રી મહાપ્રભુજીએ શ્રીધર પર સંવત 1567માં આપ્યું હતુ તેમજ તેમની સ્વરૂપાશક્તિ શ્રીમથુરેશજીમાં હતી. પ્રભુના શ્રીસંગમાં તેમનું સ્થાન મુખારવિંદ હતું. ચંદ્રસરોવર-પરાલોલી તેમનું અધિકૃત દ્વાર હતું.

તેઓ શ્રીજીના ઉત્થાપનના કિર્તન કરતા. લીલામાં તેમની નીલમકુંજ અને સંબંધિત ઋતુ ગ્રીષ્મ હતી. 67મા વર્ષે અષ્ટ સખા તરીકે નિયુક્તિ થયા પછી સવાલાખ પદો રચ્યા. જન્મથી અંધ હોવા છતાં પ્રભુના પ્રમેય બલથી લીલાના દર્શન થતાં અનુરૂપ ગાન કરતા. લીલા પ્રાપ્ત થયા બાદ તેઓ ચંદ્રસરોવર પર 105 વર્ષે સં. 1640માં દેહ છોડ્યા પછી સ્મૃતિસ્થાન ચન્દ્રસરોવર પર બનાવ્યું છે.

 


 

કુંભનદાસ


 
 

તેઓ ગોરવા ક્ષત્રિય સંવત 1525ના કાર્તિક વદ 11ના દિવસે જમુનાવતા ગામમાં જનમ્યા હતા. નિકુંજ લીલામાં અર્જુન સખા તરીકે અને વિશાખા સખી તરીકે પ્રગટ્યા હતા. તેમનું બ્રહ્મસંબંધ શ્રી મહાપ્રભુજીએ સં. 1556માં વૈશાખ સુદ 3ના રોજ સંકર્ષણ ધાટ જતિપુરામાં આપ્યું હતુ તેમજ તેમની સ્વરૂપ આ શક્તિ શ્રી ગોવર્ધનનાથજીમાં હતી.

પ્રભુના શ્રીઅંગમાં તેમનું સ્થાન હૃદય હતુ અને આન્યોર જમુનાવતા તેમનું અધિકૃત દ્વાર હતું. તેઓનો રાજભોગમાં શ્રીજીના મંદિરમાં કિર્તન સમય હતો. લીલામાં તેમની કુંજ પન્નાની હતી અને સંબંધિત ઋતુ ગ્રીષ્મ ઋતુ હતી. 77મા વર્ષે અષ્ટ સખા તરીકે નિયુક્તી થઈ અને આશરે 400 પદોની રચના કરી સંવત 1640માં સંકર્ષણ કુંડ આન્યોરમાં લીલા પ્રાપ્તિ થયા બાદ સંકર્ષણ કુંડ પર સ્મૃતિ સ્થાન બનાવ્યું છે.

 

 


 

પરમાનંદદાસ


 
 

તેઓ કનોજિયા બ્રાહ્મણ જ્ઞાતિમાં સં. 1550 માગસર સુદ સાતમે કનોજ ગામમાં જન્મ થયો હતો. નિકુંજ લીલામાં તોક સખા તરીકે અને સખી તરીકે ચંદ્રભાગા સખી હતા. સંવત 1577 જેઠ સુદ12ના રોજ અડેલ ગામમાં શ્રી મહાપ્રભુજી દ્વારા બ્રહ્મ સંબંધ થયું હતું. તેમની સ્વરૂપ આશક્તિ શ્રી નવનીત પ્રિયાજીમાં હતી. પ્રભુના શ્રીઅંગમાં તેમનુ સ્થાન શ્રવણેન્દ્રિય હતું અને તેઓનું સુરભિકુંડમાં અધિકૃત દ્વાર હતું.

પ્રભુની બાલ લીલામાં આશક્ત હતા. અને શ્રીજીના મંગલા સમયે તેઓ કિર્તન કરતા હતા. લીલામાં તેમની માનકુંજ અને સંબંધિત ઋતુ શિશિર ઋતુ હતી. 52 વર્ષનીઉંમરે તેમનીઅષ્ટસખા તરીકે નિયુક્તી થઈ હતી. તેમણે લગભગ બે હજાર પદોની રચના કરી પરમાનંદ સાગર તરીકે ખ્યાતિ પામ્યા. સુરભિકુંડ પર સં. 1641ના ભાદરવા વદ-9ના દિવસે 91મા વર્ષે લીલાને પ્રાપ્ત થયા બાદ તેમનું સ્મૃતિ સ્થાન શ્યામ તમાલ સુરભિકુંડ પર બનાવ્યું છે.

 

 

 


 

 

કૃષ્ણદાસ


 
 

કણબી પાટીદાર જ્ઞાતિમાં સં. 1557માં શિલોતરા (ગુજરાત)માં તેઓ જનમ્યા હતા. નિકુંજલીલાના સખા તરીકે ઋષભ સખા અને સખા તરીકે લલીતા સખી હતા. સંવત 1567માં વિશ્રામ ઘાટ મથુરામાં શ્રી મહાપ્રભુજી દ્વારા બ્રહ્મસંબધ થયું હતું. અને તેમની સ્વરૂપ આશક્તિ શ્રીમદનમોહનજીમાં હતી. પ્રભુના શ્રીઅંગમાં તેમનું સ્થાન ચરણાવિંદમાં હતું. અને બિલછુકુંડ તેમનું અધિકૃત દ્વાર હતું.

પ્રભુની રાસલીલામાં આશક્ત હોવાથી તેઓએ શયન સમયે શ્રીજી મંદિરમાં રાસના કિર્તનો ખૂબ જ ગાયા છે. લીલામાં તેમની હીરાકુંજ અને સંબંધિત ઋતુ શરદ હતી. 48માં વર્ષે તેઓની અષ્ટ સખા તરીકે નિયુક્તિ થઈ હતી. આશરે સાતસો પદોની તેમની રચના કૃષ્ણદાસ, કૃષ્ણદાસની તરીકે થઈ હતી. સંવત 1638માં પુંછરી પાસેના એક કુંવામાં પડી જતાં 84 વર્ષની ઉંમરે તેઓની લીલા પ્રાપ્તિ થઈ હતી અને બિલછુકુંડ પૂંછરી પાસે તેમની સ્મૃતિસ્થાન બનાવાઈ હતી.

 

With the grace of Shri Vallabh, we have collected selected articles on Shrivallabhanugrah.com on Pusti marg and Mahaprabhuji and have published them
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.